ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદે વર્ણવેલ રામાયણના પ્રસંગો અને શીખ ધર્મના ૧૦ ગુરુઓની વાત જોઈ, હવે આગળ …

૧૨. અમેરિકા : ૪ નવેમ્બર, ૧૮૯૯ : ગુરુવારની સાંજે અમે બન્ને ઘણી ગંભીરતાપૂર્વક વાતો કરી રહ્યાં હતાં ત્યારે સ્વામીજી આવ્યા અને અમારી ચર્ચામાં ભાગ લેવા લાગ્યા. એ સમયે તેમણે પહેલી વાર દ્રોહ, પોતાના રોગ તથા વિશ્વાસઘાત વિશે વાત કરી. અન્ય વાતોની સાથે એમણે કહ્યું કે તેઓ હજુ પણ એક સંન્યાસી જ છે, અત : તેઓ કોઈ પણ હાનિની પરવા કરતા નથી, પરંતુ દ્રોહથી તેઓ ઘવાઈ જાય છે અને વિશ્વાસઘાતથી એમને ઊંડો ઘા લાગે છે.

બોઅરની ઘટનાઓએ મને વિચલિત કરી દીધો હતો. આ ઘણી વિચિત્ર વાત છે કે કેવી રીતે એક રાષ્ટ્રનું ભાગ્ય કોઈ એક વ્યક્તિના કર્મને પ્રભાવિત કરે છે અને જનરલ વ્હાઈટ જેવી વ્યક્તિ માટે વિનાશકારી સિદ્ધ થાય છે! હિન્દુ કહે છે કે સામ્રાજ્યને ઇંગ્લેન્ડે નહીં, મહારાણી વિક્ટોરિયાએ જીતી લીધું છે અને આજે પણ બોઅર યુદ્ધ જેવી એક ઘટનામાં જેમાં કેટલાય યોદ્ધાઓ ખપી ગયા છે, કોઈ પણ વ્યક્તિ એના પરિણામની ભવિષ્યવાણી નથી કરી શકતી, કારણ કે ભાગ્યગગનમાં એકવાર નવા તારાનો ઉદય થયો છે અને સર્વકંઈ એના દ્વારા જ પરિચાલિત થવાનું. બધું એના દ્વારા જ નિર્ધારિત થશે, નહીં કે સૈનિકોની સંખ્યા, એમનાં અસ્ત્ર-શસ્ત્ર કે કોઈ અન્ય દેખાતા તત્ત્વના આધારે (નિર્ધારિત થશે). કાળની વિસાતમાં મહાનથી પણ મહાન લોકો પણ અંધ પ્યાદાની જેમ જણાય છે. શા માટે, ઠીક છે ને? જે હાથ એમને પરિચાલિત કરે છે તે છે અદૃશ્ય. કેવળ કોઈ ઋષિનાં નેત્રોની સમક્ષ જ વચ્ચે વચ્ચે એનું કારણ ઝળકી ઊઠે છે. જે વ્યક્તિ આ ખેલમાં નાશ પામે છે તેઓ એક માત્ર મૂર્ખ બનવાથી બચી જાય છે.

કૃષ્ણ અને રુક્મિણી વિશે બોલતી વખતે સ્વામીજીએ બતાવ્યું કે આપણી ભીતર સર્વદા બે પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે, એક પ્રાધાન્ય દેવાની અને બીજી અનુમોદન કરવાની. આપણે મોટેભાગે કામનાઓથી વશીભૂત થઈ જઈએ છીએ, પરંતુ કલ્યાણ જ આપણું એક માત્ર માર્ગદર્શક હોવું જોઈએ. એટલે જ્ઞાની વ્યક્તિ એ છે કે જે કંઈ ચાહતો નથી પરંતુ બધું સાક્ષીભાવથી જોયા કરે છે.

જીવનનાટ્યમાં મનુષ્યને પોતાની ભૂમિકા નિભાવવી સરળ લાગે, પરંતુ કોઈ ચીજ એના હૃદયને પકડી લે છે ત્યારે તેઓ પોતાની ભૂમિકા નિભાવી શકતા નથી. સંપૂર્ણ જીવન એક નાટક બની જવા દો; કંઈ પણ પ્રિય ન હો – સર્વદા કેવળ પોતાની ભૂમિકા નિભાવતા રહો.

ત્યાર પછી તેઓ પુન : ઉમામહેશ્વર પર ચર્ચા કરવા લાગ્યા. તેઓ કહેતા રહે છે, ‘એની સામે બધી પૌરાણિક કથાઓ મ્લાન (ઝાંખી) થઈ જાય છે.’ શિવ વિશે બોલતાં તેમણે કહ્યું, ‘ગુરુ યુવા છે અને શિષ્ય વૃદ્ધ છે,’ કારણ કે ભારતમાં જે વ્યક્તિ પોતાની યુવાવસ્થામાં જ ત્યાગનું જીવન અપનાવી લે છે તે જ સાચા ગુરુ બને છે. પરંતુ ધર્મ શીખવાનો સાચો સમય વૃદ્ધાવસ્થા જ છે. ત્યાર પછી એમણે અમને કહ્યું કે આ બ્રહ્માંડમાં એક માત્ર નિરાપદ આશ્રયને, શિવને, આપણે આપણાં પૂર્વકર્મ સમર્પિત કરી દઈએ. ઉમાએ બ્રાહ્મણને કહ્યું હતું, ‘જો તેઓ બ્રહ્માંડના સ્વામી છે, તો પછી સ્મશાનમાં કેમ રહે છે?’

બપોરના ભોજનના સમયે મેં હસતાં હસતાં એમને તમારા પત્રની વાત કરી કે તમે ‘કંઈ પણ (વસ્તુને) અને કોઈને પણ’ ઇચ્છતાં નથી. આ સાંભળીને સ્વામીજીએ મારી તરફ જોઈને કહ્યું, ‘હા, બરાબર ઠીક છે, તે કંઈ પણ ઇચ્છતી નથી. મનુષ્યના જીવનમાં આવનારી આ અંતિમ અવસ્થા છે. ભિખારીને ભિક્ષા તથા અપમાનની અપેક્ષા રહે છે, પરંતુ જે કંઈ પણ નથી માગતો તેને અપમાન પણ મળતું નથી.’ તેમણે કહ્યું કે યશ તથા ધનની ઘૃણાની વાત તેઓ જીવનભર દોહરાવતા રહ્યા છે, પરંતુ તેનું વાસ્તવિક તાત્પર્ય એમણે હવે સમજવાનું શરૂ કર્યું છે.

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.