(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

આ પહેલાંના અંકમાં માનસિક તણાવ અને મનોદૈહિક ગ્રંથિ વિશે જોયું , હવે આગળ…

માનસિક તાણ ઉપજાવનાર અને એને દૂર કરનારાં પરિબળો

એક ઉદાહરણ પર વિચાર કરીએ. ધારો કે કોઈ દિલ્હીમાં કામ કરે છે તે પોતાના પરિવાર સાથે સુખેથી રહે છે. અચાનક તેના માલિકે તેનું મુંબઈ કે બીજા નગરમાં સ્થાનાંતરણ કર્યું. તેને ત્યાં જવું પડે તેમ છે. હવે એની સમસ્યા એ છે કે અહીં તેમનું ઘર વસેલું છે અને ત્યાં નવેસરથી વસાવવાનું રહેશે. હવે તે અસહાય છે. તેને જવું તો પડ્યું, પરંતુ તેની સામે બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાની ચિંતા છે. બધા પ્રયાસો પછી પણ તે બાળકોને સારી સ્કૂલમાં પ્રવેશ અપાવી શકતો નથી. સરકારી કર્મચારી ન હોવાને લીધે તે પોતાનાં બાળકોને કેન્દ્રીય સ્કૂલમાં મોકલી ન શકતાં તેનું માનસિક તાણ વધી જાય છે. તે થોડા મહિના મુંબઈમાં રહે છે પરંતુ હંમેશાં ચિંતાગ્રસ્ત રહે છે અને આખરે ગંભીર રોગથી પીડાય છે.

એક બીજું ઉદાહરણ અભિયાચક અને અસંતુષ્ટ પત્નીનું છે, જે પતિને હંમેશાં મેણું માર્યા કરે છે કે તેમણે જીવનમાં કંઈ પણ કર્યું નથી. એકવાર હું એ પરિવારમાં ગયો. પતિ પોતાનાં માતપિતાનો એકનો એક પુત્ર હતો. તે એક પ્રખર વિદ્યાર્થી હતો. તેની પત્નીએ મને કહ્યું, ‘મહારાજ, હું સુખી નથી. મારા પતિ જ્યારે ઇંગ્લેન્ડમાં હતા ત્યારે તેમને અનેક મિત્રો હતા. તે બધા ઘણા મોટા માણસ બની ગયા છે. પરંતુ મારા પતિ એમના જેવા બની ન શક્યા. અમારી પાસે ગાડીયે નથી અને રહેવા સારું મકાનેય નથી.’ આમ તે ફરિયાદ કરતી હતી. ચર્ચા કરવા માટે મેં એ બન્નેને આશ્રમે બોલાવ્યા. પતિ તો અનેકવાર આવ્યો, પણ પત્ની કેવળ એક-બેવાર આવી. તે ગંભીર માનસિક હતાશા અને વિષાદથી ઘેરાયેલી હતી. આમ તો તેના પતિ પ્રતિષ્ઠિત સ્થાન પર વરિષ્ઠ ગેજેટેડ અધિકારી હતા. કોલકાતા વિશ્વવિદ્યાલયના પ્રતિભાવાન વિદ્યાર્થી હતા. પરંતુ પત્ની માટે આ બધું પૂરતું ન હતું.

આનાથી ઊલટું હવે એક સહાનુભૂતિપૂર્ણ પત્નીનું ઉદાહરણ જોઈએ. ૧૯૯૨માં હું ફ્રેંક ફર્ટમાં હતો. ત્યાં મને એક શ્રદ્ધાળુ ભક્તપરિવારનું આતિથ્ય મળ્યું હતું. એમણે મારી ઘણી સેવા કરી. પોતાની કારમાં તેઓ મને ફ્રેંક ફર્ટથી જીનીવા લઈ ગયા. તેઓ ભલા હતા. પરિવાર સુખી હતો અને એમને બે પુત્રીઓ હતી. પુત્રીઓ પણ સરળ. ભારત પાછા ફર્યા પછી મને સમાચાર મળ્યા કે પતિની નોકરી ચાલી ગઈ છે. મને આઘાત લાગ્યો. સદ્ભાગ્યે પત્ની નોકરીમાં હતી તથા એ દિવસોમાં એ દેશમાં બેરોજગાર લોકોને અનુદાન મળ્યા કરતું. ઘર ચલાવવા માટે પત્નીએ કઠિન સંઘર્ષ કર્યો. ‘આપ નિરાશ ન થાઓ! સારા દિવસો ફરીથી આવશે, હું આપની સાથે છું, કમાઉં છું અને પરિવાર ચલાવી શકું છું’ આમ કહીને તેણે પતિને પ્રોત્સાહન આપ્યું. થોડા સમય પછી પત્નીએ મને સમાચાર આપ્યા કે તેના પતિને સારી નોકરી મળી ગઈ છે. મને ઘણો આનંદ થયો. સમજદાર પત્નીને કારણે પતિનો ભીષણ તણાવ પણ સહ્ય બન્યો. પતિના જીવનને દુ :ખી કરી દેનારી પત્નીની તુલનામાં આ કેવું ઉદાહરણ છે!

હવે આપણે અભિયાચક પતિનું ઉદાહરણ લઈએ. દિલ્હીનું એક જ્વલંત ઉદાહરણ છે. અહીં પતિપત્ની બન્ને સારા પદ પર હતાં. સચ્ચાઈ અને પરિશ્રમને કારણે થોડા જ વખતમાં પત્નીની આવક પતિ કરતાં વધી ગઈ. આથી પતિને ઈર્ષ્યા થવા લાગી. તેણે વિચાર્યું, ‘મારી પત્નીને મારાથી વધારે પગાર અને મને ઓછો કેમ?’ આ હીનભાવનાથી તે પીડિત થયો.

એટલે તે પત્ની પાસે અનુચિત માગ કરવા લાગ્યો. જો પત્નીને ઘરે આવવામાં થોડી વાર લાગતી તો તે ક્રોધથી પૂછતો, ‘આટલી વાર કેમ લાગી?’ તે તેના કાર્યાલયમાં ફોન કરીને અટપટી સમસ્યાઓ ઊભી કરવા લાગ્યો. એનામાં સમજદારી ન હતી. જેવી એની પત્ની કાર્યાલયમાંથી પાછી આવતી તો તે તેને આજ્ઞા કરતો, ‘મારા માટે જલદી રાંધી દે.’ અને જો કોઈ દિવસ પત્નીને સમય પહેલાં ઘરની બહાર જવાનું થતું તો હીનભાવનાવાળો પતિ બોલી ઊઠતો, ‘આટલી વહેલી કેમ જઈ રહી છે? મારાં કપડાંને ઈસ્ત્રી કરવાની છે.’ કેટલાક પરિવારોમાં આવી અપ્રિય વાતો થાય છે કે જેનાથી બચી શકાતું નથી.

આનાથી ઊલટું એક બીજું ઉદાહરણ સમજદાર પતિનું છે. હું બન્ને બાજુનાં ચિત્ર રજુ કરું છું, કોઈ એક બાજુનું નહીં. એટલે આ ઉદાહરણ આપું છું. અહીં પણ પતિપત્ની બન્ને કામ કરતાં હતાં અને પરસ્પર સહાયક બનવું એ એમનો આદર્શ છે. ધારો કે પત્ની થાકી ગઈ છે, તો પતિ ઓફિસેથી આવીને રસોઈનું બધું કામ કરતાં કહે છે, ‘તું થાકી ગઈ છો? આરામ કર, હું છોકરાને સંભાળી લઈશ. તમારું અને પરિવાર માટેનું આજે હું ભોજન બનાવી લઈશ.’

આવાં ઘરોમાં કોઈ પણ પ્રકારનો તણાવ કે ખોટી ધારણા થતી નથી. માતપિતાના તણાવોનો બાળકો પર પડતો પ્રભાવ એ ગંભીર ને વિચારવા જેવી બાજુ છે. પરિવારમાં જો પતિપત્ની વચ્ચે સહમતિ કે સુમેળ ન હોય તો બાળકો પર એની ખરાબ અસર પડે છે. પોતાની મૂંઝવણો તેમજ ચિંતાઓથી બાળકોને બચાવવા માતપિતાએ અત્યંત સાવધાની રાખવાની આવશ્યકતા છે. આમ જોઈએ તો બાળકો માટે આજનું જીવન ઘણું કઠિન બની ગયું છે.

પાઠશાળામાં કઠિન અને સખત પરિશ્રમ, આજના વાતાવરણમાં રહેલા પ્રદૂષણમાં શ્વાસ લેવો અને ઘરે ગયા પછી સુમેળભર્યું વાતાવરણ ન હોય, એ આજની કેવી વિડંબના છે! માતાપિતા હંમેશાં ઝઘડતાં રહે તો બાળકોનો નૈસર્ગિક વિકાસ રુંધાય છે.

આ બધાં ઉદાહરણો દ્વારા મેં એ વાત વ્યક્ત કરી કે સ્નાયુગત તણાવની સંભાવના લોકોમાં કેવી રીતે ઊભી થાય છે. એનો અર્થ નિરાશાવાદી બનીને વિષાદમાં સરી પડવું એમ નથી. અત્યાર સુધી આપણે તણાવરૂપી સિક્કાની અંધારી બાજુ જોઈ છે. પરંતુ એની બીજી ઊજળી બાજુ પણ છે. સ્નાયુગત તણાવથી ફાયદો પણ થઈ શકે છે. માનસિક તણાવનો આપણે પોતાના હિતમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ તેના પર તે આધારિત છે. સંપૂર્ણ વિશ્વના લોકો આજે માનસિક તણાવની સમસ્યાને લીધે ચિંતિત છે.

વિદ્વાન, મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક બધા આ પરિસ્થિતિથી પરેશાન અને વિચલિત છે. ચિકિત્સક અને મનોચિકિત્સક તણાવ અને દ્વંદ્વ-ઝઘડાનાં કારણોને નિર્ધારિત કરવાનો પ્રયત્ન કરે છે. સાથે ને સાથે એ સમસ્યાથી બહાર આવવાનું સમાધાન શોધવાનો પણ પ્રયાસ કરે છે. (ક્રમશ 🙂

Total Views: 290

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.