પ્રારંભિક

ભગવાન બુદ્ધ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના સમકાલીન ધર્મપ્રવર્તક થયા. તે સમયે પ્રાચીન વેદધર્મમાં ઘણી વિકૃતિઓ પેસી ગઈ હતી. કર્મકાંડનાં જાળાં સર્વત્ર વ્યાપ્ત હતાં અને ટીકાકારો, વાદ-વિવાદીઓ, કર્મકાંડીઓ અને ધૂર્ત તાપસોએ સમાજને ભરડો લીધો હતો. એ જ સમયે ધર્મપરિત્રાણના મહાનિયમ પ્રમાણે શ્રીગૌતમ બુદ્ધનું અવતરણ થયું હતું.

ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત

હિમાલયની દક્ષિણ તળેટીમાં કપિલવસ્તુ નામે ગામ હતું. તેના રાજા હતા શુદ્ધોધન. તેમનાં પત્ની મહામાયાને ૪૫ વર્ષની ઉંમરે પોતાના પિયર જતાં રસ્તામાં લુમ્બિની નામના વનમાં શાલવૃક્ષની નીચે ઈ.સ.પૂર્વે ૫૬૩ વૈશાખ સુદી પૂનમના રોજ પુત્રપ્રસવ થયો. એ પુત્રના જન્મથી માતાની પુત્રપ્રાપ્તિની ઇચ્છા સિદ્ધ થઈ તેથી તેનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. આ સિદ્ધાર્થ પછીથી બુદ્ધ બન્યા. એમના ગોત્રનું નામ ગૌતમ હતું તેથી તે ગૌતમ નામે ઓળખાય છે.

એમના જન્મ પછી થોડા જ વખતમાં એમનાં માતા મૃત્યુ પામ્યાં. તેથી સિદ્ધાર્થ એમનાં ઓરમાન માતા (માશી) મહાપ્રજાપતિ ગૌતમી પાસે ઊછર્યા. દંડપાણિ શાક્ય કન્યા યશોધરા નામની રાજકન્યા સાથે ૧૬ વર્ષની વયે સિદ્ધાર્થનું લગ્ન થયું. એમને રાહુલ નામે એક પુત્ર થયો હતો. ત્યાર બાદ ૨૯ વર્ષની વય સુધીનું તેમના જીવનનું કોઈ પ્રમાણભૂત વિવરણ જાણવા મળતું નથી.

આ દરમિયાન એમ કહેવાય છે કે એક વખત તેઓ રથમાં બેસીને નગરમાં ફરવા નીકળ્યા હતા. માર્ગમાં એક દિવસ અનેક દુ :ખોથી પીડાતો એક વૃદ્ધ માણસ જોયો. આગળ જતાં રસ્તામાં રક્તપિત્ત, જલોદર વગેરેથી પીડાતા રોગીને જોયો. થોડે આગળ તેમણે એક મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવાતો જોયો. આ બધાં દૃશ્યો જોવાથી તેમને ઘણું આશ્ચર્ય થયું.

ફરી એક વાર નગરચર્યા કરતી વખતે એક વ્યક્તિને જોઈને પોતાના સારથિ છન્નને પૂછતાં તેણે જવાબ આપ્યો કે એ નવીન વ્યક્તિ ‘સંન્યાસી’ છે. ‘સંન્યાસી કોને કહેવાય?’ એવું પૂછતાં સારથિએ જવાબ આપ્યો કે સંસારને દુ :ખરૂપ ગણીને જેઓ ત્યાગ કરે તેને સંન્યાસી કહે છે. આ સાંભળીને ગૌતમે સંસારત્યાગીને દુ :ખોના નિવારણનો ઉપાય શોધી કાઢવાનો નિશ્ચય કર્યો. અંતે એક દિવસ પોતાનાં પત્ની અને પુત્રને છોડીને પોતાના તેમજ અસંખ્ય જીવના કલ્યાણ અર્થે સિદ્ધાર્થ એક સફેદ ઘોડા ઉપર નીકળી પડ્યા. સિદ્ધાર્થના જીવનની આ ઘટના જગતના ઇતિહાસમાં ‘મહાભિનિષ્ક્રમણ’ નામે જાણીતી છે.

આમ ૨૯ વર્ષની વયે સિદ્ધાર્થે રાજમહેલનો ત્યાગ કર્યો. તેેમણે ૬ વર્ષ સુધી વિભિન્ન પ્રકારે કઠોર તપસ્યા કરીને અનુભવ્યું કે સાધનામાં કઠોરતા અને વિલાસિતા બંને જાતનાં અતિ હાનિકર્તા છે. એટલે પછીથી તેમણે સાધનાનો મધ્યમ માર્ગ અપનાવ્યો. આમ સાધનાકાળમાં ૩૫ વર્ષની વયે વૈશાખી પૂર્ણિમાની રાત્રે તેમની સાધના સફળ થઈ અને સાચો બોધ પ્રાપ્ત થયો. ત્યારથી તેઓ બુદ્ધ કહેવાયા. આ બોધિપ્રાપ્તિનું સ્થાન તે બોધગયા અને જે વૃક્ષ હેઠળ જ્ઞાન લાધ્યું તે બોધિવૃક્ષ. બોધપ્રાપ્તિ બાદ તેમણે ૪ અઠવાડિયાં સુધી બોધિવૃક્ષ નીચે બેસીને ધર્મચિંતન કર્યું, ત્યાર બાદ તેમણે પરિભ્રમણનો પ્રારંભ કર્યો. ૩૫ વર્ષથી આરંભીને ૮૦ વર્ષ પર્યંત ભગવાન બુદ્ધે સરળ પાલિ ભાષામાં ધર્મપ્રચાર કર્યો. તેમના સરળ ઉપદેશોથી લોકો આકર્ષાયા. બૌદ્ધ ધર્મમાં બ્રાહ્મણ-ચાંડાળ, પાપી-પુણ્યશાળી, ગૃહસ્થ-બ્રહ્મચારી એમ સર્વને માટે દ્વાર ખુલ્લાં હતાં.

પિતા શુદ્ધોધને, પુત્ર રાહુલે, ઓરમાન માતા ગૌતમી અને પત્ની યશોધરાએ પણ તેમની પાસેથી દીક્ષા લીધી હતી. તેમનું સમગ્ર જીવન અહિંસા, પ્રેમ, કરુણા જેવા ગુણોથી ભરપૂર હતું. ૮૦ વર્ષની વયે વૈશાખી પૂર્ણિમાના પાવનકારી દિવસે ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા.

ધર્મગ્રંથ

બૌદ્ધ ધર્મના કેટલાક ગ્રંથો પાલિભાષામાં છે અને કેટલાક સંસ્કૃતમાં. પાલિભાષાના ગ્રંથો વધુ પ્રાચીન છે. બૌદ્ધ ધર્મ તિબેટ, ચીન, જાપાન ઇત્યાદિ દેશોમાં ફેલાયો હોવાથી તે દેશોની ભાષામાં પણ આ ગ્રંથોનું ભાષાંતર થયું છે.

પાલિભાષાના સૌથી પ્રાચીન ગ્રંથો ‘ત્રિપિટક’ નામે ઓળખાય છે. પિટકના ત્રણ વર્ગાે છે તેથી તેને ત્રિપિટક કહેવાય છે. એ ત્રણનાં નામ : વિનયપિટક, સૂત્રપિટક અને અભિધર્મપિટક.

વિનયપિટકમાં ભિક્ષુઓના જીવન-આચરણ વિશે સંવાદો અને કથાઓ અપાઈ છે. સૂત્રપિટકમાં બૌદ્ધ ધર્મના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું વર્ણન છે તથા અભિધર્મપિટકમાં એ સિદ્ધાંતોનું વિવેચન છે.

આ ઉપરાંત સદ્ધર્મપુંડરીક, લલિતવિસ્તર, સુખાવતીવ્યૂહ વગેરે સંસ્કૃત ગ્રંથો છે.

ધર્મોપદેશ

બૌદ્ધ ધર્મમાં ત્રણ જાતની કરુણા બતાવવામાં આવી છે : સ્વાર્થમૂળની કરુણા, સહેતુક કરુણા અને અહેતુક કરુણા અથવા મહાકરુણા.

બૌદ્ધ ધર્મનાં ત્રણ પદ સુવિખ્યાત છે :

બુદ્ધં શરણં ગચ્છામિ,

ધમ્મં શરણં ગચ્છામિ,

સંઘં શરણં ગચ્છામિ.

બૌદ્ધ ધર્મના મત મુજબ જે વ્યક્તિ બુદ્ધની, ધર્મની અને સંઘની શરણમાં આવે છે તે સમ્યક્ જ્ઞાન દ્વારા ચાર આર્યસત્યને જાણી લે છે. આ ચાર આર્યસત્યો આ મુજબ છે : દુ :ખ, દુ :ખનું કારણ, દુ :ખમાંથી મુક્તિ, દુ :ખમાંથી મુક્તિ અપાવનાર અષ્ટાંગિક માર્ગ.

બુદ્ધ ભગવાને દેહકષ્ટ અને ભોગવિલાસ બંનેની વચ્ચેનો માર્ગ સૂચવ્યો છે. તેને અષ્ટાંગિક માર્ગ કહે છે.

સમ્યક્ જ્ઞાન : આર્ય સત્યોનું પૂરેપૂરું જ્ઞાન.

સમ્યક્ સંકલ્પ : આ માર્ગ પર ચાલવાનો નિશ્ચય.

સમ્યક્ વચન : સત્ય બોલવું.

સમ્યક્ કર્માન્ત : હિંસા, દગો, દુરાચરણથી બચવું.

સમ્યક્ આજીવ : ન્યાયપૂર્ણ જીવનનિર્વાહ.

સમ્યક્ વ્યાયામ : સત્યકર્મોમાં સતત પ્રવૃત્તિ.

સમ્યક્ સ્મૃતિ : ચિત્તને દુ :ખ આપતી લોભ-લાલચ વગેરે બાબતોથી દૂર રહેવું.

સમ્યક્ સમાધિ : રાગદ્વેષરહિત ચિત્તની એકાગ્રતા.

બૌદ્ધ ધર્મમાં છ પારમિતા મુખ્ય છે. ‘પરમ’ ઉપરથી આ શબ્દ ઊતરી આવ્યો છે જેનો અર્થ થાય સર્વોચ્ચ અવસ્થા. પારમિતાઓનાં નામ આ મુજબ છે : દાન, શીલ, શાંતિ, વીર્ય, ધ્યાન અને પ્રજ્ઞા.

બૌદ્ધ ધર્મના બે મુખ્ય પંથો છે : (૧) મહાયાન (૨) હીનયાન. યાન એટલે માર્ગ અથવા તો ગાડી.

મૂળ પાલિભાષામાં ‘ત્રિપિટક’ નામના ગ્રંથમાં જે માર્ગ બતાવાયો છે તેને ‘હીન’ (નાનો) યાન કહે છે અને ત્રિપિટકમાં કેટલાક ફેરફાર થઈને તથા બીજા સંસ્કૃત ગ્રંથો ઉમેરાઈને જે યાન બન્યું તેને ‘મહા’ એટલે મોટું યાન કહે છે. બૌદ્ધ ધર્મના મહાયાનનો પ્રચાર નેપાળ, ચીન, તિબેટ, કોરિયા અને જાપાન વગેરે ઉત્તરના દેશોમાં થયો છે. હીનયાનનો પ્રચાર દક્ષિણના દેશોમાં થયો છે. બૌદ્ધ ધર્મમાં ત્રિપિટકોનું સ્થાન હિન્દુ ધર્મના વેદો જેટલું છે. હિન્દુ ધર્મમાં ગીતાનું જે સ્થાન છે તેવું બૌદ્ધ ધર્મમાં ધમ્મપદનું મહત્ત્વ છે. ધમ્મપદ એટલે ધર્મનાં વચનોનો સંગ્રહ. ધમ્મપદમાં ૨૬ વર્ગ અને ૪૨૩ શ્લોક છે. બૌદ્ધ ધર્મમાં પંચશીલ બતાવવામાં આવ્યાં છે :

(૧) પાણાતિપાતા – હિંસા ન કરવી.

(૨) અદિન્નાદાના – ચોરી ન કરવી.

(૩) મુસાવાદા – અસત્યભાષણ ન કરવું.

(૪) સુરામેરય – મદ્યપાન ન કરવું.

(૫) કામેસુમિચ્છાચારા – બ્રહ્મચર્ય પાળવું.
ઉપસંહાર

(૧) સંસારની ક્ષણિકતા અને દુ :ખમયતા.

(૨) એમાંથી પોતાનો ઉદ્ધાર કરવા માટે મધ્યમ માર્ગને ગ્રહણ કરવો.

(૩) સમસ્ત જીવ પ્રત્યે કરુણા અને એમનું કલ્યાણ કરવા માટેની પ્રવૃત્તિ.

આ ત્રણ બૌદ્ધ ધર્મનાં ખાસ તત્ત્વ છે.

તહેવારો

(૧) બુદ્ધ જયંતી : વૈશાખી પૂર્ણિમાના દિવસે બૌદ્ધધર્મ પ્રવર્તક ગૌતમબુદ્ધની જન્મતિથિની ઉજવણી કરવામાં આવે છે.

(૨) પરિનિર્વાણદિન : ભગવાન ગૌતમબુદ્ધના દેહાવસાનના પ્રસંગને બૌદ્ધધર્મના અનુયાયીઓ પરિનિર્વાણ કે નિર્વાણદિન તરીકે ઉજવે છે. બૌદ્ધધર્મીઓ બુદ્ધના મૃત્યુને શોકરૂપ ગણતા નથી કારણ કે તેમનો વિશ્વાસ છે કે બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કરીને ભૌતિક અસ્તિત્વ અને તેનાં કષ્ટોમાંથી મુક્તિ મેળવીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આ તહેવાર દર વર્ષે ૧૫ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.