ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત

ચીનના ‘લૂ’ નામના પ્રદેશમાં ઈ.સ. પૂર્વે ૫૫૧માં થાત્સૌ નામના ગામમાં કોન્ફ્યૂશિયસનો જન્મ થયો હતો.

તેઓ ધાર્મિક આચાર્ય, પ્રખર ધર્મોપદેશક, દર્શનના પ્રસ્થાપક, પયગંબર કે નવો ધર્મ સ્થાપનાર ન હતા. તેમના પિતાએ વૃદ્ધાવસ્થામાં બહુ માનતાઓ રાખ્યા પછી તેઓનો જન્મ થયો હતો.

કોન્ફ્યૂશિયસનું મૂળ નામ કુંગ-ફૂ-ન્ઝે-કુંગ (રાજનીતિજ્ઞ-તત્ત્વચિંતક) હતું, પણ યુરોપિયનો સૌ પ્રથમ ચીન આવ્યા ત્યારે ઉચ્ચારણ કઠિન જણાતાં આને લેટિનમાં રૂપાંતરિત કરીને કોન્ફ્યૂશિયસ એવા નામે ઓળખવા લાગ્યા. પિતાના અવસાન બાદ ઘરની સ્થિતિ બરાબર ન હતી અને માતાની કાળજી હેઠળ ઊછર્યા હતા. તેઓ અધ્યયનમાં મેધાવી હતા. તેઓને સંગીત તેમજ ધનુર્વિદ્યાનું જ્ઞાન હતું.

તેઓ ૧૯ વર્ષની વયે સરકારી નોકરીમાં જોડાયા. તેમની ૨૩ વર્ષની વયે તેમનાં માતાનું મૃત્યુ થયું હતું. તેમનાં લગ્ન થયાં હતાં અને એક પુત્ર પણ હતો. સરકારી નોકરી છોડીને તેઓએ અધ્યાપકનું કામ સંભાળ્યું. પછી તેમણે એક વિદ્યાલયની સ્થાપના કરી જેમાં ૩૮૦૦ વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા.

તેઓએ ઇતિહાસ, કાવ્ય અને સંગીત વગેરેનું જ્ઞાન સંપાદિત કર્યું હતું. દરરોજ સાંજે તેમના ઘેર વિવિધ ક્ષેત્રના લોકો એકઠા થતા અને તેમને વિવિધ પ્રશ્નો પૂછતા. તેઓ યથાબુદ્ધિ ઉત્તર આપતા અને જો તેમને તે અંગેનું જ્ઞાન ન હોય તો તે ઉત્તર નહીં આપી શકે એમ જણાવતા. બાવન વર્ષની વયે તેઓ એક પ્રદેશના મંત્રી બન્યા. તેમના સુશાસન હેઠળ તે પ્રદેશની પ્રજા સુખી બની હતી. ૧૬ વર્ષ સુધી તેઓએ વિભિન્ન સ્થાનો પર ભ્રમણ કર્યું અને ઉપદેશ આપતા રહ્યા. ઈ.સ. પૂર્વે ૪૭૮માં કોન્ફ્યૂશિયસનું મૃત્યુ થયું હતું.

ધર્મોપદેશ

કોન્ફ્યૂશિયસ ધર્મનો સિદ્ધાંત છે- જે વાત તમને પસંદ ન હોય તે અન્યને માટે કદાપિ કરવી કે વિચારવી નહીં. માનવે પાંચ સદ્ગુણ કેળવવા જોઈએ- આચાર, વ્યવહાર, જ્ઞાન, નૈતિક સાહસ અને દયાભાવ.

કોન્ફ્યૂશિયસના મુખ્ય અનુયાયીનું નામ હતું મૈનશિયસ, જેણે ધર્મનો સવિશેષ પ્રચાર કર્યો. કોન્ફ્યૂશિયસે જીવનનો મહદંશ એકાંતવાસમાં વ્યતિત કર્યો હતો.કોન્ફ્યૂશિયસના ૩ હજાર શિષ્યો હતા, તેમણે મૃત્યુ સમયે લોકોને કહ્યું, ‘પરંપરાથી મને જે સત્ય મળ્યાં છે તે જ હું તમને આપું છું.’ એમના ઉપદેશથી ચીનમાં નવા જ ચૈતન્યનો પ્રવેશ થયો એમ કહેવું અજુગતું નથી.

સિદ્ધાંતો

(૧) દેવોની તથા પિતૃઓની ઉપાસના કરવી; પણ સદાચાર અને મા-બાપની ખરી ભક્તિ વિના એ નિરર્થક છે. (૨) હંમેશાં મધ્યમપણાનો મહિમા સમજી કશું પણ અતિશય કરવું નહીં. (૩) જેવું પોતાનું તેવું જ પારકું સમજવું. (૪) કહેવું તે કરતાં કરી બતાવવું એ વધારે સારું છે.

તહેવાર

કોન્ફ્યૂશિયસનો જન્મદિવસ : ૨૮ સપ્ટેમ્બર કે ૨૭ ઓગસ્ટના રોજ આ તહેવાર ઉજવાય છે.

Total Views: 338

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.