ચારધામ

૧. બદરીનાથ : ભારતમાં ઉત્તરે હિમાલય પર ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ આ પહેલું ધામ મનાય છે. અહીંના મંદિરમાં શાલિગ્રામ-શિલામાંથી નિર્મિત થયેલી બદરીનાથની ચતુર્ભુજ-મૂર્તિ છે. તેની સાથે કુબેર, ઉદ્ધવ, નારદ, શ્રીદેવી, લક્ષ્મીદેવી, નર-નારાયણ ઇત્યાદિની મૂર્તિઓ પણ છે. આ અનાદિ-સિદ્ધક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. સ્કંદપુરાણ, વરાહપુરાણ, પદ્મપુરાણ ઇત્યાદિમાં તેનો મહિમા ગવાયો છે.

ર. જગન્નાથપુરી : સ્કંદપુરાણ, બ્રહ્મપુરાણ વગેરે પુરાણોમાં તેનું પુરુષોત્તમક્ષેત્ર, શ્રીક્ષેત્ર વગેરે નામથી વિસ્તૃત માહાત્મ્ય આલેખાયેલ છે. ઓરિસ્સા રાજ્યમાં પૂર્વસમુદ્રના કિનારે આવેલા પ્રસિદ્ધ શ્રીજગન્નાથજીના વિશાળ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ છે. પ્રાચીન કાળમાં મૂર્તિઓનું નિર્માણ રાજા ઇન્દ્રદ્યુમ્નના સમયમાં વિશ્વકર્માએ કર્યું હતું એવી માન્યતા છે.

૩. રામેશ્વરમ્ : તામિલનાડુ રાજ્યમાં દક્ષિણ સમુદ્ર તટે રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રીરામે સ્થાપના કરેલ આ રામેશ્વર ધામ છે. અહીં રેતી-નિર્મિત શિવલિંગ છે. સ્કંદપુરાણના સેતુક્ષેત્ર માહાત્મ્યમાં લગભગ ૧૦૦ અધ્યાયમાં આ ક્ષેત્રનો મહિમા વર્ણવાયેલો છે.

૪. દ્વારકા : પૂર્વે દ્વારાવતી, કુશસ્થલી વગેરે નામોથી જાણીતું આ સ્થળ ગુજરાતના પશ્ચિમ સમુદ્ર કાંઠે આવેલું છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાના જીવનનો અધિકાંશ ભાગ અહીં વિતાવ્યો હતો. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ છે. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં આનો મહિમા ગવાયો છે.

સાત મોક્ષદાયિની પુરી

જો કે બધાં તીર્થાે ઉત્તમ ફળ આપનારાં છે છતાં વિશિષ્ટતાને કારણે અહીં વર્ણવેલ પુરી (તીર્થધામો) અત્યંત પ્રસિદ્ધ છે.

અ્રૂળજ્ઞદ્વ્રૂળ પઠૂફળ પળ્રૂળ ઇંળયિ ઇંર્ળૈખિ હ્માધ્ટઇંળ ।

ક્ષૂફિ દ્યળફળમટિ સજ્ઞ્રૂળ : લપ્તેટળ પળજ્ઞષડળરુ્રૂઇંળ :।।

(ગરુડપુરાણ ૨.૪૯.૧૧૪)

૧. અયોધ્યા : મોક્ષદાયિની પુરીઓમાં આ સૌપ્રથમ છે. પુરાણો મુજબ અહીં કરાયેલાં ધર્માનુષ્ઠાનો અક્ષય બની જાય છે. સ્કંદપુરાણમાં આનું માહાત્મ્ય વર્ણવાયું છે. તે ઉત્તરપ્રદેશમાં સરયૂ નદીના તટે આવેલ ભગવાન શ્રીરામચંદ્રની જન્મભૂમિ છે.

૨. મથુરા-વૃંદાવન : નારદપુરાણ તથા વરાહપુરાણના ૩૦ અધ્યાયોમાં આનું વિસ્તૃત વર્ણન છે. ઉત્તરપ્રદેશમાં યમુના નદીની બન્ને તરફ વસેલ ભગવાન શ્રીકૃષ્ણનાં લીલાસ્થાનોથી આ સ્થાન ભરપૂર છે.

૩. માયાપુરી (હરિદ્વાર) : વરાહપુરાણ અને બ્રહ્માંડપુરાણમાં આનો મહિમા બતાવાયો છે. ઉત્તરાખંડનો કનખલથી હૃષીકેશ સુધીનો વિસ્તાર માયાપુરી કહેવાય છે. ગંગાજી પર્વતથી ઊતરીને અહીં સૌપ્રથમ સમથલ ભૂમિ પર પ્રવેશે છે.

૪. કાશી-વારાણસી : આ શાશ્વત સ્થાન છે. ઉત્તરપ્રદેશમાં વારણા અને અસી નદીઓ વચ્ચે વસેલ હોવાથી તેનું નામ વારાણસી પડ્યું છે. અહીં સેંકડો ઘાટ છે. કાશીના મહિમા વિશે ‘કાશી રહસ્ય’ અને ‘કાશીખંડ’ બે વિશાળ ગ્રંથો છે. અહીં ભગવાન શિવ વિશ્વનાથરૂપે સર્વદા નિવાસ કરે છે.

૫. કાંચી : તામિલનાડુની પેલાર નદીને કાંઠે શિવકાંચી અને વિષ્ણુકાંચી એમ બે ભાગોમાં વિભક્ત આ હરિહરાત્મક નગરી છે. બ્રહ્માંડપુરાણમાં આનો વિશેષરૂપે મહિમા ગવાયો છે. આ સ્થાન ચેન્નાઈથી ૭૫ કિ.મિ. દક્ષિણ-પશ્ચિમે આવેલું છે.

૬. અવંતિકા (ઉજ્જૈન) : આને પૃથ્વીની નાભિ કહેવામાં આવે છે. સ્કંદપુરાણના બે ખંડ આના મહિમાથી ભરેલા છે. મધ્યપ્રદેશની ક્ષિપ્રા નદી આ નગરની વચ્ચેથી વહે છે. ભોપાલથી ૧૨૫ કિ.મિ. પશ્ચિમમાં આ સ્થાન આવેલું છે.

૭. દ્વારકા : ચાર ધામો પૈકીનું ગુજરાતમાં આવેલું આ નગર મહત્ત્વપૂર્ણ મંદિરોથી ભરેલું છે. સ્કંદપુરાણના પ્રભાસખંડમાં આનો મહિમા વર્ણવાયો છે.

પંચ સરોવર

પુરાણોમાં પાંચ સરોવરો મુખ્ય ગણાય છે.

૧. માનસરોવર : આ સરોવર ઉત્તરપૂર્વ હિમાલયમાં ચીનના તાબા હેઠળના તિબેટમાં આવેલું છે. પિતૃશ્રાદ્ધ માટે આ તીર્થ સર્વોત્તમ છે. હંસ પક્ષી માત્ર આ જ સરોવરમાં રહે છે.

૨. બિંદુસરોવર : આ સરોવર ગુજરાતમાં સિદ્ધપુરમાં છે. પ્રાચીનકાળમાં આ સ્થળ ભગવાન કપિલ અને માતા દેવહૂતિનું નિવાસસ્થાન હતું.

૩. નારાયણસરોવર : એક સરોવર ગુજરાતમાં કચ્છ પ્રદેશમાં આવેલું છે, બીજું હિમાલયમાં નારાયણ પર્વતની તળેટીમાં આવેલું છે.

૪. પંપાસરોવર : આ સરોવર કર્ણાટકમાં તુંગભદ્રા નદીની દક્ષિણે આવેલું છે. રામાયણના કિષ્કિંધાકાંડના આરંભમાં આનું વર્ણન છે.

૫. પુષ્કરસરોવર : રાજસ્થાનના અજમેર પાસે આ સરોવર આવેલું છે. તે બધાં સરોવરોમાં ઉત્તમ ગણાય છે. પદ્મપુરાણમાં આનું માહાત્મ્ય ગવાયું છે.

સપ્તક્ષેત્ર

ઈશ્વરીય અવતારોનાં સ્થાન, ઋષિમુનિ વગેરેનાં નિવાસસ્થાન અથવા તપોભૂમિને ક્ષેત્ર કહેવાય છે. પુરાણોમાં જે ક્ષેત્રોનું માહાત્મ્ય વર્ણવાયું છે તેમાં નીચે મુજબનાં સાત મુખ્ય છે.

૧. કુરુક્ષેત્ર : આ ક્ષેત્ર હરિયાણામાં આવેલું છે. આ સ્થળે મહાભારતનું ધર્મયુદ્ધ ખેલાયું હતું.

૨. હરિહરક્ષેત્ર : રાજા આદિ ભરત (જડભરત)નું આ તપસ્થાન છે. આ ગંગા, સરયૂ, સોન તથા ગંડકી એમ ચાર નદીઓનું સંગમ સ્થાન છે.

૩. પ્રભાસક્ષેત્ર : ગુજરાતમાં સોમનાથથી થોડે દૂર આ સ્થાન આવેલું છે. આ સ્થાનમાં ભગવાન શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો હતો અને ચંદ્રમાએ તપશ્ચર્યા કરી હતી.

૪. ભૃગુક્ષેત્ર : ગુજરાતમાં આવેલ ભરૂચ આનું બીજું નામ છે. તે નર્મદા નદી અને સમુદ્રના સંગમસ્થાને આવેલ ક્ષેત્ર છે. આ સ્થાન મહર્ષિ જમદગ્નિ અને પરશુરામની તપ :સ્થલી છે.

૫. પુરુષોત્તમક્ષેત્ર : ઓરિસ્સા રાજ્યનું પુરી ધામ આનું હાલનું નામ છે. ચાર ધામો પૈકીના આ ધામનો અત્યંત મહિમા છે.

૬. નૈમિષક્ષેત્ર : આને આદિતીર્થ કહેવાય છે. આ સ્થાન ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામથકથી ૪૦ કિ.મિ. પૂર્વમાં આવેલું છે. આ સ્થળ સ્વયંભૂ મનુ અને શતરૂપાની તપોભૂમિ છે.

૭. ગયાક્ષેત્ર : આ સ્થાન બિહારમાં આવેલું છે. પિતૃતીર્થરૂપે તેનો અત્યંત મહિમા છે. ગય નામના અસુરની તપસ્યા અને ભગવાન નારાયણનો ગદાધરરૂપે આવિર્ભાવ એ આ સ્થાનનું માહાત્મ્ય છે.

સપ્ત નદી

સ્નાન કરતી વખતે આવાહન કરીને પવિત્ર થવાની કામના સાથે ગવાતો શ્લોક :

ર્ઉંૈઉંજ્ઞ ખ ્રૂપૂણજ્ઞ ખેમ ઉંળજ્ઞડળમફિ લફશ્નમરુટ।

ણપૃડજ્ઞ રુલધ્ઢૂ ઇંળમજ્ઞફિ ઘબજ્ઞઽાશ્નપણ્ર લરુન્ઢિ ઇંૂ્ય।।

૧. ગંગા : ભારતની આ પવિત્રતમ નદી છે. ઉત્તરાખંડના ઉત્તરકાશીનું ગંગોત્રી શિખર આનું ઉદ્ગમ સ્થાન છે. તે ગૌમુખ કહેવાય છે. આ નદી કોલકાતા નજીક ગંગાસાગરમાં ભળી જાય છે. આ માર્ગ ૧૪૫૦ કિ.મિ. લાંબો છે. આ નદી ભાગીરથી, જાહ્નવી અને દેવનદીના નામે પણ ઓળખાય છે. ગંગાકિનારાનાં હરિદ્વાર, પ્રયાગ, કાશી, પ્રાચીન પાટલિપુત્ર જેવાં પવિત્ર નગરો શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક શાંતિ અર્પે છે. ગંગાજળનું એક ટીપું પણ પાપીને પવિત્ર કરવાની ક્ષમતા ધરાવે છે. ઋગ્વેદ, મહાભારત, ભાગવતપુરાણ, રામાયણ ઇત્યાદિમાં આનું માહાત્મ્ય વર્ણવાયું છે.

૨. યમુના : સૂર્યપુત્રી યમુના ભારતની પવિત્ર નદીઓ પૈકીની એક છે. યમુનોત્રી શિખર આનું ઉદ્ગમસ્થાન છે. ગંગાની સમાંતરે વહેતાં વહેતાં પ્રયાગ ખાતે યમુના ગંગામાં ભળી જાય છે. મથુરા, વૃંદાવન, આગ્રા, ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) વગેરે પ્રાચીન નગરો તેના કિનારે વસેલાં છે.

૩. સિન્ધુ : આ નદી વિશ્વની વિશાળ નદી છે. કૈલાસ-માનસરોવર પાસે તેનું ઉદ્ગમસ્થાન છે. ૨૫૦ કિ.મિ. જમ્મુ-કાશ્મીરમાં વહીને તે પાકિસ્તાનમાં પ્રવેશે છે. સમુદ્ર સમાન વિશાળતાને કારણે તેનું નામ સિન્ધુ પડ્યું. તેની લંબાઈ ૨૮૮૦ કિ.મિ. છે. ઋગ્વેદ, મહાભારત વગેરેમાં આનો ઉલ્લેખ છે. વૈદિક સંસ્કૃતિનો વિકાસ અહીં જ થયો હતો.

૪. સરસ્વતી : વેદોમાંના ઉલ્લેખ મુજબ આ નદી હિમાલયમાંથી નીકળીને આજના હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થઈ અરબી સાગરને મળતી. ભૂગર્ભ પરિવર્તનોને કારણે અંબાલાની આસપાસનો વિસ્તાર ઊંચો થવાથી આનું જળ અન્ય નદીઓમાં સમાઈ ગયું. આજેય હરિયાણા-રાજસ્થાનના પ્રદેશમાં તે પૃથ્વીના પેટાળમાં વહી રહી છે. આ નદી તટે વેદોની રચના થઈ હતી. ઋગ્વેદ, મહાભારત, પદ્મપુરાણ, દેવીભાગવત વગેરેમાં ખૂબ શ્રદ્ધા-ભક્તિ સાથેનું તેનું વર્ણન છે.

૫.ગોદાવરી : નાસિકક્ષેત્રના ત્ર્યંબક પાસેના બ્રહ્મગિરિમાંથી ઊગમ પામતી ૧૪૬૫ કિ.મિ. લાંબી આ નદી આંધ્રપ્રદેશમાં બંગાળના ઉપસાગરમાં મળે છે. આના કિનારે ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, નાસિક (પંચવટી), પૈઠણ, રાજમહેન્દ્રી, ભદ્રાચલમ્ વગેરે પાવન ક્ષેત્રો વસેલાં છે. ગૌતમ ઋષિના તપથી ઉદ્ગમ થવાથી તેનું બીજું નામ ગૌતમી પણ છે.

૬. નર્મદા (રેવા) : તેનો સ્રોત અમરકંટકમાંથી પ્રગટે છે. ગંગા નદીની જેમ તે પવિત્ર અને વંદનીય છે. તે ભરૂચ પાસે ખંભાતના અખાતમાં ભળી જાય છે. તેના કિનારે ઓંકારેશ્વર, માન્ધાતા, શુક્લતીર્થ, અમરકંટક, કપિલધારા વગેરે પાવન સ્થાનો આવેલાં છે. આવાં અસંખ્ય તીર્થાેથી તે ભક્તોને પાવન કરે છે. રુદ્રના અંશથી ઉત્પન્ન થવાથી તે રુદ્રકન્યા કહેવાય છે.

૭. કાવેરી : તે કુર્ગ જિલ્લાના સહ્યાદ્રિ પર્વતમાંથી નીકળી ૮૦૦ કિ.મી. અંતર કાપી પૂર્વસાગરમાં ભળી જાય છે. આના કિનારે ચિદમ્બરમ્ નામનું પવિત્ર શૈવતીર્થ આવેલું છે. તે ઉપરાંત તંજાવૂર, કુંભકોણમ્, ત્રિચિનાપલ્લી વગેરે તીર્થાે એના કિનારે વસેલાં છે. વિષ્ણુપુરાણમાં કાવેરીનું વર્ણન સવિસ્તર કરાયું છે.

દ્વાદશ જ્યોતિર્લિંગ

૧. શ્રીસોમનાથ : આ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં સમુદ્ર કિનારે આવેલુું છે. સોમ એટલે ચંદ્રમા. પુરાણોમાં વર્ણવેલ કથાનુસાર દક્ષ પ્રજાપતિની ૨૭ કન્યાઓની સાથે વિવાહ કરેલ ચંદ્રને તે કન્યાઓ પૈકીની એક માત્ર રોહિણી સાથે જ અનુરાગ હોવાથી દક્ષ પ્રજાપતિએ ક્રોધિત બનીને ચંદ્રને ક્ષયગ્રસ્ત થવાનો શાપ આપ્યો. ચંદ્રમાએ શાપના નિવારણ માટે પવિત્ર પ્રભાસક્ષેત્રમાં મૃત્યુંજય ભગવાનની આરાધના કરી. મૃત્યુંજય ભગવાન શિવે ચંદ્રમાને અમરત્વ પ્રદાન કર્યું. પ્રજાપતિ દક્ષનાં વચનોની રક્ષા માટે કૃષ્ણપક્ષમાં એક એક કલા ક્ષીણ થવાનું અને શુક્લ પક્ષમાં તે જ ક્રમે એક એક કલા વધતી જવાનું વરદાન આપ્યું. શાપમુક્ત ચંદ્રમાએ અન્ય દેવતાઓ સાથે મળીને ભગવાન શિવને તે સ્થાને નિવાસ કરવાની પ્રાર્થના કરી. ત્યારથી આ જ્યોતિર્લિંગ ઉદ્ભવ્યું.

૨. શ્રીમલ્લિકાર્જુન : આંધ્રપ્રદેશમાં કૃષ્ણાનદીને કિનારે આ સ્થાન આવેલું છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવના બન્ને પુત્ર શ્રીગણેશ અને શ્રીકાર્તિકેય પ્રથમ મારો વિવાહ થાય એમ કહીને ઝઘડવા લાગ્યા. આમ લડતા-ઝઘડતા બન્નેને ભગવાન શિવ અને ભવાનીએ કહ્યું કે બન્નેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પ્રથમ પાછો વળશે તેનું લગ્ન પહેલું થશે. શ્રીકાર્તિકેય તરત ઊપડ્યા પણ શ્રીગણેશે તીક્ષ્ણબુદ્ધિ વાપરીને સુગમ ઉપાય શોધ્યો અને માતા-પિતાનું પૂજન કરીને સાત પ્રદક્ષિણા ફરીને પૃથ્વી-પ્રદક્ષિણાનું કાર્ય પૂરું કર્યું. શ્રીકાર્તિકેય પાછા વળે ત્યાં સુધીમાં તો શ્રીગણેશનો વિવાહ થઈ ગયો હતો. આવું નિહાળીને ક્રોધિત બનેલા શ્રીકાર્તિકેય ક્રૌંચ પર્વત પર ચાલ્યા ગયા. માતા પાર્વતી ત્યાં પહોંચ્યાં. પછીથી ભગવાન શંકર જ્યોતિર્લિંગરૂપે ત્યાં પ્રગટ થયા. તે સ્થાન ત્યારથી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નામથી પ્રખ્યાત થયું. આની સૌપ્રથમ પૂજા મલ્લિક પુષ્પોથી કરાઈ હોવાથી મલ્લિકાર્જુન એવું નામ પડ્યું.

૩. શ્રીમહાકાલેશ્વર : આ પવિત્ર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છેે. ક્ષિપ્રા નદીના કાંઠે આવેલ આ સ્થળનું પ્રાચીન નામ ઉજ્જયિની છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીનકાળમાં ઉજ્જયિનીમાં રાજા ચંદ્રસેન રાજ્ય કરતા હતા. રાજાનું શિવપૂજન જોઈને ત્યાંથી પસાર થતા શ્રીકર નામના બાળકને તેવી રીતે પૂજન કરવાનું મન થયું અને રસ્તામાંથી પથ્થરનો ટુકડો ઉઠાવીને શિવરૂપમાં સ્થાપિત કરીને પૂજન કરવા લાગ્યો. એક વખત તેની માતાએ તે ટુકડો દૂર ફેંકી દીધો. શ્રીકર અત્યંત દુ :ખિત થઈને રડતાં રડતાં બેહોશ બની ગયો. બાળકનાં ભક્તિ અને પ્રેમથી આશુતોષ ભગવાન શિવ પ્રસન્ન થયા. બાળકે નેત્ર ખોલતાં જ ભવ્ય સ્વર્ણરત્ન-ખચિત મંદિરમાં જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં. આમ આ સ્થાનનો ઊગમ થયો. અન્ય કથાનક મુજબ કોઈ એક સમયે ઉજ્જયિનીમાં વેદપાઠી તપોનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. બ્રહ્માજીના વરદાનથી શક્તિશાળી બનેલ દૂષણ નામનો રાક્ષસ તેની તપસ્યામાં ભંગ કરવા ત્યાં આવ્યો. તેના અત્યાચારથી બધેય ત્રાહિ ત્રાહિ મચી ગયાં. ભગવાન શંકર ત્યાં હુંકાર સહિત પ્રગટ થયા તેથી તેનું નામ મહાકાલ પડ્યું. તેથી આ સ્થાન મહાકાલ જ્યોતિર્લિંગ તરીકે પ્રખ્યાત છે.

૪. શ્રીઓંકારેશ્વર (શ્રીઅમલેશ્વર) : આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલું છે. નર્મદાના બે પ્રવાહો વચ્ચે આવેલા ટાપુને માંધાતા પર્વત કહે છે. આ પર્વત પર શ્રીઓંકારેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છેે. પૂર્વે મહારાજા માંધાતાએ આ પર્વત પર તપસ્યા દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. આ જ્યોતિર્લિંગનાં બે સ્વરૂપ છે. એક અમલેશ્વરના નામે ઓળખાય છે. તે ઓંકારેશ્વરથી થોડેક દૂર છે. પૃથક્ હોવા છતાં બન્નેની ગણના એકમાં જ કરાય છે.

૫. શ્રીકેદારનાથ : આ જ્યોતિર્લિંગ પર્વતરાજ હિમાલયના કેદાર નામના શિખર પર આવેલું છે. શિખરના પશ્ચિમ ભાગે મંદાકિની નદીના કિનારે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પુરાણકથા અનુસાર કેદાર શિખર પર મહાતપસ્વી નર અને નારાયણે ઘણાં વર્ષો સુધી ભગવાન શિવને પ્રસન્ન કરવા કઠોર તપશ્ચર્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન બનેલ ભૂતભાવન ભગવાન શંકર પ્રસન્ન થયા. બન્ને ઋષિઓએ ભક્તોના કલ્યાણ અર્થે ભગવાન શિવને સદાસર્વદા માટે પોતાનું સ્વરૂપ ત્યાં સ્થાપિત કરવાની પ્રાર્થના કરી. પ્રાર્થનાથી તુષ્ટ થયેલા ભગવાન શિવે જ્યોતિર્લિંગરૂપે ત્યાં નિવાસ કર્યો.

૬. શ્રીભીમેશ્વર (શ્રીભીમાશંકર) : આ સ્થાન અંગે મતમતાંતર છે. એક મત પ્રમાણે આ જ્યોતિર્લિંગ ગૌહત્તી (આસામ) પાસે બ્રહ્મપુર પહાડ પર આવેલું છે. બીજા મત પ્રમાણે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલું છે. પુરાણકથા મુજબ પ્રાચીનકાળમાં રાક્ષસરાજ રાવણના નાનાભાઈ કુંભકર્ણનો ભીમ નામે મહાપ્રતાપી પુત્ર હતો. શ્રીરામચંદ્રજી દ્વારા પોતાના પિતાનો વધ થયેલો જાણીને ભીમે ક્રોધિત થઈને શ્રીહરિના વધનો વિચાર કર્યોે. ત્યાર બાદ શ્રીહરિને યુદ્ધમાં હરાવીને શિવભક્ત રાજા સુદક્ષિણ પર આક્રમણ કરીને તેને હરાવ્યો અને ધીરે ધીરે બધા લોકો પર વિજય પ્રાપ્ત કર્યો. ભીમના અત્યાચારથી બધાં ધાર્મિક કૃત્યો અટકી પડ્યાં. ભીમના અત્યાચારથી ત્રસ્ત ઋષિમુનિ ભગવાન શિવના શરણમાં ગયા. કારાગારમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરતા સુદક્ષિણને મારવા ભીમે તલવાર ઉગામતાં વેંત ભૂતભાવન શંકરજી પ્રગટ થયા અને તેમના હુંકારથી ભીમ ભસ્મીભૂત થઈ ગયો. ઋષિમુનિની પ્રાર્થનાથી ભગવાન શિવ લોકકલ્યાણ અર્થે જ્યોતિર્લિંગરૂપે ત્યાં સ્થાયી થયા.

૭. શ્રીવિશ્વેશ્વર : આ જ્યોતિર્લિંગ ઉત્તર ભારતના પ્રસિદ્ધ શહેર કાશીમાં આવેલું છે. આ નગરનો પ્રલયકાળે પણ લોપ થતો નથી. આ સ્થાનને સૃષ્ટિનું આદિસ્થાન પણ ગણવામાં આવે છે. અહીં જેનો પણ પ્રાણત્યાગ થાય તેને મોક્ષપ્રાપ્તિ થાય છે. પુરાણોમાં આ જ્યોતિર્લિંગના સંબંધમાં આવી કથા છે- ભગવાન શંકર પાર્વતી સાથે લગ્ન બાદ કૈલાસ પર્વત પર રહેતા હતા. પરંતુ ત્યાં પિતાના ઘરમાં જ વિવાહિત જીવન વિતાવવું પાર્વતીજીને સારું લાગતું ન હતું. એકવાર પાર્વતીએ પિતાનું ઘર છોડીને ભગવાન શિવને તેમના ઘેર લઈ જવા વિનંતી કરી. ભગવાન શિવ તેમની આ વાત સ્વીકારીને પાર્વતીજીને સાથે લઈ પોતાની પવિત્ર નગરી કાશીમાં આવી ગયા. અહીં આવીને તેઓ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગરૂપે સ્થાપિત થઈ ગયા.

૮. શ્રીત્ર્યંબકેશ્વર : આ સ્થાન મહારાષ્ટ્રમાં નાસિકથી ૩૦ કિ.મિ. દૂર પશ્ચિમ દિશામાં આવેલું છે. આ જ્યોતિર્લિંગની સ્થાપના અંગે શિવપુરાણમાં આવી કથા છે – એકવાર મહર્ષિ ગૌતમની પત્ની અહલ્યા પર તપોવનમાં રહેનારી બ્રાહ્મણ-પત્નીઓ નારાજ થઈ. એમણે પોતાના પતિઓને ગૌતમનું અકલ્યાણ કરવા વિનંતી કરી. બ્રાહ્મણોએ શ્રીગણેશને પ્રસન્ન કર્યા. ગણેશ દુર્બળ ગાયનું રૂપ ધરીને ગૌતમ ઋષિના ખેતરમાં ચરતા હતા ત્યારે ઋષિએ ઘાસનાં તણખલાંથી પ્રહાર કરતાં ગાય મૃત્યુ પામી. ગૌહત્યાના પાપના પ્રાયશ્ચિત્તરૂપે ગૌતમે આશ્રમ છોડ્યો અને તે ઉપરાંત પૃથ્વીની ત્રણવાર પ્રદક્ષિણા, બ્રહ્મગિરિ પર્વતની ૧૦૧ પરિક્રમા વગેરે વ્રતો કરવાં પડ્યાં. બ્રાહ્મણોના કથન અનુસાર મહર્ષિ ગૌતમે બધાં સત્કાર્યો પૂરાં કર્યાં અને શિવ – આરાધનામાં તલ્લીન બની ગયા. ભગવાન શિવે પ્રગટ થઈને વરદાન માગવા કહ્યું. અન્ય વરદાનો ઉપરાંત મહર્ષિ ગૌતમે ભગવાન શિવને તે સ્થળે સર્વદા નિવાસ કરવાની પ્રાર્થના કરી અને આમ ભગવાન શિવ ત્ર્યંબક જ્યોતિર્લિંગ એવા સ્થાયી સ્વરૂપે વસ્યા.

૯. શ્રીવૈદ્યનાથ : આ જ્યોતિર્લિંગ ઝારખંડ રાજયના સંથાલ પરગણામાં છે. આની સ્થાપના અંગે આવી કથા છે – એકવાર રાવણે ભગવાન શિવનાં દર્શન મેળવવા એક એક કરીને પોતાનાં મસ્તક કાપીને શિવલિંગ પર ચઢાવવાનું શરૂ કર્યું. નવ મસ્તક કાપીને ચઢાવ્યાં પછી જેવું તે દસમું મસ્તક કાપવા જાય છે ત્યાં જ ભગવાન શિવ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. રાવણે વરદાનરૂપે તે શિવલિંગ લંકા જઈ જવા ઇચ્છ્યું. ભગવાન શિવે શરત કરી કે જો રસ્તામાં તેને ક્યાંય જમીન પર રાખવામાં આવશે તો શિવલિંગ ત્યાં જ અચળ થઈ જશે. રાવણ શિવલિંગને ઉઠાવીને લઈ જતો હતો ત્યારે રસ્તામાં લઘુશંકા નિમિત્તે જતાં એક ગોવાળના હાથમાં તે શિવલિંગ આપ્યું. શિવલિંગનો ભાર સહન ન થતાં તે ગોવાળે તેને ભૂમિ પર રાખ્યું. તે સ્થળે શિવલિંગ છોડીને રાવણ લંકા પાછો વળ્યો. આમ આ જ્યોતિર્લિંગ શ્રીવૈદ્યનાથના નામથી સુપ્રસિદ્ધ બન્યું.

૧૦. શ્રીનાગેશ્વર : આ જ્યોતિર્લિંગ ગુજરાતમાં દ્વારકાથી લગભગ ૨૫ કિ.મી. દૂર આવેલું છે. આ સ્થાન વિશે મતભેદ છે. પુરાણ-કથિત કથાનક મુજબ પ્રાચીનકાળમાં સુપ્રિય નામનો ધર્માત્મા વૈશ્ય હતો. તે મન, વચન અને કર્મથી પૂર્ણત : શિવ-આરાધનામાં તલ્લીન રહેતો હતો. દુષ્ટ રાક્ષસ દારુક સુપ્રિયની પૂજા-અર્ચનામાં વિઘ્ન નાખતો. એક વખત નૌકામાં જતા સુપ્રિય પર આક્રમણ કરીને દારુકે તેને કારાગારમાં પૂરી દીધો. ત્યાં અનેક સતામણીઓ છતાં સુપ્રિય શિવપૂજામાં મગ્ન રહેતો હતો. અંતમાં દારુકે તેના અનુચરોને સુપ્રિય વગેરેને મારી નાખવાનો આદેશ કર્યો ત્યારે કારાગારમાં ભગવાન શિવ જ્યોતિર્લિંગરૂપે પ્રગટ થયા. સુપ્રિયને દર્શન આપીને તેને શિવધામ લઈ ગયા. ભગવાન શિવના આદેશ અનુસાર જ આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર પડ્યું.

૧૧. શ્રીસેતુબંધ રામેશ્વર : ભગવાન શ્રીરામચંદ્રજીએ સ્વયં આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. આ વિશેની કથા આવી છે. ભગવાન રામચંદ્રજી લંકા પર ચડાઈ કરવા જતા હતા ત્યારે સમુદ્ર તટની રેતીથી આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. અન્ય કથાનક મુજબ લંકા જતા પહેલાં આ સ્થાન પર રોકાઈને ભગવાન શ્રીરામ જળપાન કરી રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ કે મારી પૂજા કર્યા વિના જ પાણી પીઓ છો? આ વાણી સાંભળીને ભગવાન શ્રીરામે રેતીનું શિવલિંગ બનાવીને તેની પૂજા કરી હતી. ભગવાન શિવે લોકકલ્યાણાર્થે જ્યોતિર્લિંગ તરીકે ત્યાં નિવાસ કર્યોે. આ સિવાય બીજી અન્ય કથાઓ પણ છે. આ સ્થળ તામિલનાડુના સમુદ્ર તટ પર આવેલું છે.

૧૨. શ્રીઘુશ્મેશ્વર : આને ઘુસૃણેશ્વર અથવા ઘૃષ્ણેશ્વર પણ કહેવાય છે. આ સ્થાન મહારાષ્ટ્રમાં દોલતાબાદથી ૧૮ કિ.મિ. દૂર વેરુલગ્રામ પાસે આવેલું છે. પુરાણ-વર્ણિત કથા અનુસાર – દક્ષિણદેશમાં સુધર્મા નામે તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુદેહા નામની પત્ની હતી. પરંતુ તેઓને સંતાન ન હોવાથી દુ :ખી હતાં. સુદેહાના આગ્રહવશ સંતાનોત્પત્તિ માટે સુધર્માએ સુદેહાની બહેન ઘુશ્મા સાથે બીજાં લગ્ન કર્યાં. ભગવાન શિવની કૃપાથી ઘુશ્માના પેટે પુત્ર અવતર્યો. આ પુત્ર મોટો થયો અને તેના વિવાહ બાદ તેને પણ પુત્ર જન્મ્યો. સુધર્માના મનમાં કુવિચાર જન્મ્યો અને એક રાત્રે ઘુશ્માના સૂતેલા પુત્રને મારી નાખીને એક તળાવમાં ફેંકી દીધો કે જેમાં ઘુશ્મા પ્રતિદિન સો પાર્થિવ શિવલિંગની પૂજા બાદ તેને ત્યાં પધરાવતી હતી. પુત્ર-મૃત્યુથી સૌ રડવા લાગ્યાં પણ ત્યાં ઘુશ્મા નિત્યની જેમ પૂજા બાદ પાર્થિવ શિવલિંગોનું તે તળાવમાં વિસર્જન કરવા ગઈ. તે વખતે તેનો પ્યારો પુત્ર તળાવમાંથી બહાર નીકળીને ઘુશ્માનાં ચરણોમાં પડ્યો. એ સમયે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને સુદેહાને મારવા તૈયાર થયા. ઘુશ્માએ તેને માફી બક્ષવા અને લોક-કલ્યાણાર્થે તે સ્થળે સદા-સર્વદા નિવાસ કરવા ભગવાન શિવને પ્રાર્થના કરી. ભગવાન શિવ જ્યોતિર્લિંગરૂપે ત્યાં પ્રગટ થઈને નિવાસ કરવા લાગ્યા. શિવભક્ત ઘુશ્માના આરાધ્ય હોવાને કારણે ભગવાન શિવ ઘુશ્મેશ્વર મહાદેવના નામે વિખ્યાત થયા.

એકાવન શકિતપીઠ

પુરાણોમાં વર્ણવેલ કથાનક અનુસાર દક્ષપ્રજાપતિએ યોજેલ યજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ અપાયું ન હોવાથી દક્ષપુત્રી સતી (શિવનાં અર્ધાંગિની) ક્રોધિત થઈ ઊઠ્યાં હતાં અને યોગાગ્નિ પ્રગટ કરીને દેહત્યાગ કર્યો હતો. આ દુ :ખદ ઘટનાથી ક્ષુબ્ધ થઈ ઊઠેલા ભગવાન શિવે સતીના મૃતદેહને મસ્તક પર ધારણ કરી તાંડવનૃત્ય આરંભતાં હાહાકાર મચી ગયો.

ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના શબના ટુકડા કરી નાખ્યા જે પૃથ્વી પર અહીં તહીં પડ્યા. આમ સતીના મૃત શરીરનાં વિભિન્ન અંગ અને આભૂષણો એકાવન સ્થળો પર પડ્યાં તે શક્તિપીઠો બન્યાં. ‘તંત્રચૂડામણિ’ અને ‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથ મુજબ શક્તિપીઠો નીચે મુજબ છે. શક્તિપીઠોનાં નિશ્ચિત સ્થાનો અંગે વિવિધ મતો છે. આ અંગેની કોઈ નિશ્ચિત યાદી નથી.

 

અંગ કે આભૂષણ સતીનું નામ સ્થાનની વિગત
મુગટ વિમલેશ્વરી હાવડા-બરહાના રેલવે લાઈન પર વટ નામના સ્થળે ગંગા તટે
વાળ ઉમાશક્તિ મથુરા-વૃંદાવન વચ્ચે ભૂતેશ્વર સ્ટેશન નજીક
ત્રિનેત્ર મહિષમર્દિની મહારાષ્ટ્રના કોલ્હાપુરના શ્રીપર્વત પરનું મહાલક્ષ્મી કે અંબાઈનું મંદિર
જમણું તળિયું શ્રીસુંદરી લડાખ(કાશ્મીર)માં અથવા સિલહટ (આસામ) નજીક જૈનપુર
કુંડળ વિશાલાક્ષી કાશીમાં વિશ્વેશ્વર નજીક મીરઘાટે આવેલ વિશાલાક્ષી મંદિર
ડાબો ગાલ વિશ્વેશી આંધ્રપ્રદેશમાં ગોદાવરી સ્ટેશન નજીક કોટિતીર્થ
ઉપરના દાંત નારાયણી તામિલનાડુના કન્યાકુમારી પાસે સમુદ્રસંગમ નજીક શુચીન્દ્રમ્
નીચેના દાંત વારાહી આ સ્થળનો ખ્યાલ નથી – સમુદ્રમાં કયાંક પડ્યા હતા.
જીભ સિદ્ધિદા પંજાબના કાંગડા જિલ્લામાં જ્વાલામુખી સ્ટેશન નજીક
નીચેનો હોઠ ફુલ્લરાદેવી પશ્ચિમ બંગાળના વર્ધમાનથી ૯૦ કિ.મી. લાબપુર નજીક
ઉપરનો હોઠ અવંતી ઉજ્જૈન પાસે ક્ષિપ્રાતટે કે ગુજરાતમાં ગિરનાર નજીક ભૈરવ પર્વત
દાઢી ભ્રામરી નાસિક પાસે પંચવટીમાં ભદ્રકાલી મંદિર
કંઠ મહામાયા કાશ્મીરમાં અમરનાથ ગુફામાં હિમશક્તિપીઠ
કંઠહાર નંદિની પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન નજીક સૈન્થિયા પાસે વટવૃક્ષ નીચે
ગરદન મહાલક્ષ્મી આંધ્રપ્રદેશમાં શ્રીશૈલમ્ મંદિરના પ્રાંગણમાં શ્રીભ્રમરાંબા
શ્વાસનળી કાલિકા શાંતિનિકેતન પાસે નલહટી નજીક ટેકરી પર
ડાબો ખભો ઉમા નિશ્ચિત સ્થાન નથી : મિથિલાનું કોઈક મંદિર કે નેપાલનું ઉચ્ચૈક સ્થળ
જમણો ખભો કુમારી ચેન્નઈમાં રત્નાવલી પર્વત પર
ઉદર ચંદ્રભાગા ગુજરાતમાં ગીરનાર પર્વત પર અંબાજી મંદિર
ડાબું સ્તન ત્રિપુરમાલિની પંજાબમાં જાલંધર શહેરમાં
જમણું સ્તન શિવાની ચિત્રકૂટનું શારદામંદિર કે પ્રયાગ પાસે રામગિરિ પર્વત પર
હૃદય જયદુર્ગા ઝારખંડમાં વૈદ્યનાથ મંદિરના પ્રાંગણમાં : કેટલાકના મતે અગ્નિદાહ-સ્થાન
મન કે ભ્રમર મહિષમર્દિની સૈન્થિયા નજીક ભદ્રકાલી કુમારી દેવીનું મંદિર
પીઠ શર્વાણી તામિલનાડુમાં કન્યાકુમારી દેવીનું મંદિર
ડાબો હાથ બહુલા હાવડા-કટવા નજીક કેતુગામ અથવા બંગ્લાદેશમાં ચંદ્રશેખર પર્વત પર
કોણી માંગલ્યચંડિકા ઉજ્જૈનમાં હરસિદ્ધિ મંદિર – મૂર્તિ નથી
બંને કાંડાં ગાયત્રી રાજસ્થાનના પુષ્કર નજીક ગાયત્રી મંદિર
હાથની આંગળી લલિતા અલ્હાબાદના અક્ષયવટ નજીક લલિતાદેવી કે અલોપીમાતા
નાભિ વિમલા ઓરિસ્સા – જગન્નાથપુરી મંદિરના પ્રાંગણમાં વિમલાદેવી
હાડપિંજર દેવગર્ભા તામિલનાડુના કાંચીપુરમ્માંનું કાલીમંદિર
ડાબો થાપો કાલી આના સ્થાન વિશે માહિતી નથી
જમણો થાપો શોણિતાક્ષી સાસારામનું ચંડીદેવીમંદિર કે અમરકંટકની શોણ નદીનું ઊગમસ્થાન
યોનિ કામાખ્યા આસામના ગૌહત્તીના નીલાચલપર્વત પર – ગુહ્યાકારકુંડ – મૂર્તિ નથી
ડાબી જાંઘ જયન્તી શિલોંગ નજીક વાઉર ગામમાં જયંતીયા પર્વત પર
જમણી જાંઘ સર્વાનંદકરી બિહારના પટનામાં પટનેશ્વરી દેવીમંદિર
ડાબો પગ ભ્રામરી પ.બંગાળના જલપાઈગુડી જિલ્લાના શાલબાડી ગામમાં તિસ્તાનદી કાંઠે
જમણો પગ ત્રિપુરસુંદરી ત્રિપુરાના રાધાકિશોર ગામમાં પર્વત પર
ડાબી ઘૂંટી કપાલિની આસાનસોલ નજીક તમલૂક સ્થાનમાં
જમણી ઘૂંટી સાવિત્રી હરિયાણાના કુુરુક્ષેત્ર પાસે દ્વૈપાયન સરોવર નજીક
જમણા પગનો અંગૂઠો ભૂતધાત્રી પ.બંગાળના વર્ધમાન પાસે ક્ષીરગ્રામમાં
જમણોપગ આંગળીઓ અંબિકા રાજસ્થાનના જયપુર પાસે વૈરાટ ગામમાં
બાકીની આંગળીઓ કાલિકા કોલકાતાના કાલીઘાટનું મંદિર
જમણી હથેળી દાક્ષાયણી તિબેટમાં માનસરોવર પાસે
ઝાંઝર ઇન્દ્રાક્ષી શ્રીલંકામાં (કેટલાકના મતે ગુજરાતમાં કયાંક)
જમણો ગાલ ગંડકી નેપાળમાં ગંડકી નદીના ઊગમ સ્થળે
બ્રહ્મરંધ્ર ભૈરવી(કોટ્ટરી) પાકિસ્તાનના કરાંચી નજીક હિંગોસ નદી તટે ગુફામાં જ્યોતિરૂપે
નાક સુનંદા બંગ્લાદેશમાં બારીશાલથી દૂર શિકારપુરમાં ઉગ્રતારા મંદિર
ડાબું તળિયું અપર્ણા બંગ્લાદેશમાં બોગડા નજીક ભવાનીપુર ગામમાં કરતોયા નદીતટે
જમણો હાથ ભવાની બંગ્લાદેશમાં ચટગાંવ નજીક ચંદ્રશેખર પર્વત પર
ડાબી હથેળી યશોરેશ્વરી બંગ્લાદેશમાં ખુલના જિલ્લાના જેશોર શહેરમાં
બન્ને ઘૂંટણ મહામાયા નેપાળના પશુપતિનાથ મંદિર પાસે બાગમતિ નદીતટે ગુહ્યેશ્વરીદેવી
Total Views: 157
By Published On: November 1, 2015Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram