પ્રારંભિક

હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણ એકબીજાથી તદ્દન જુદા અને અલગ ધર્મ નથી. ત્રણેય મળીને ભારતના પ્રાચીન ધર્મનું સાચું અને પૂર્ણસ્વરૂપ આપણને સમજાય છે.

પ્રાચીન ભારતમાં એવા અદ્‌ભુત મહાત્માઓ થયા જેમણે મન, વાણી અને કાયા તદ્દન જીત્યાં હતાં તેમને ‘જિન’ (જિ-જીતવું ધાતુરૂપ પરથી) નામ અપાતું અને એમના ધર્મને અનુસરનારા તે જૈન કહેવાય છે. આ મહાપુરુષોએ પોતાનાં જીવન અને કવનથી અનેક જીવોને સંસારસાગરથી પાર ઉતાર્યા એટલે તેઓ ‘તીર્થંકર’ એવા નામે ઓળખાય છે.

જૈનશાસન (શાસ્ત્ર) તે આ સંસારનદીથી પાર ઊતરવાનો ઓવારો છે અને તેને રચનાર તે તીર્થંકર કહેવાય છે. ભગવાન ઋષભદેવજી સૌપ્રથમ તીર્થંકર ગણાય છે. એમને વિષ્ણુના ૨૪ અવતારોમાંના એક ગણવામાં આવે છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર તે મહાવીર સ્વામી. જૈન ધર્મ અનુસાર ૨૪ તીર્થંકર થઈ ગયા હતા. એમનાં નામ આ પ્રમાણે છે :

(૧) ઋષભદેવ (ર) અજિતનાથ (૩) સંભવનાથ (૪) અભિનંદન સ્વામી (૫) સુમતિનાથ (૬) પદ્મપ્રભ સ્વામી (૭) સુપાર્શ્વનાથ (૮) ચંદ્રપ્રભ સ્વામી (૯) સુવીધિનાથ (૧૦) શીતલનાથ (૧૧) શ્રેયાંસનાથ (૧૨) વાસુપૂજ્ય સ્વામી (૧૩) વિમલનાથ (૧૪) અનંતનાથ (૧૫) ધર્મનાથ (૧૬) શાંતિનાથ (૧૭) કુંથુનાથ (૧૮) અરનાથ (૧૯) મલ્લિનાથ (૨૦) મુનિસ્રુવ્રત સ્વામી (૨૧) નમિનાથ (રર) નેમિનાથ (૨૩) પાર્શ્વનાથ (૨૪) મહાવીર સ્વામી.

ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત

જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ઈ.સ.પૂર્વે ૫૩૯ (બીજી માન્યતા પ્રમાણે ૫૯૯)માં કુંડગ્રામમાં જન્મ્યા હતા. એમના પિતા ‘નાત’ નામના ક્ષત્રિય કુળના શિરોમણિ સિદ્ધાર્થ નામે હતા અને એમની માતાનું નામ ત્રિશલાદેવી હતું. એમ કહેવાય છે કે એ દેવાનન્દા નામની બ્રાહ્મણીના ગર્ભમાં હતા, ત્યાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં એમને લઈ જવામાં આવ્યા હતા.

નાનપણથી જ તેઓ વૈરાગવૃત્તિ ધરાવતા હતા. સાથે ને સાથે તેઓ કોમળ અને સ્નેહાળ હતા. એટલે જ માતપિતાને તરછોડીને, એમને દુભવીને, યતિ થવાનું એમને મન ન થયું. તેથી એમણે ગૃહસ્થાશ્રમ માંડ્યો. તેઓ યશોદા નામની એક કુળવાન સ્ત્રીને પરણ્યા. યશોદાએ ‘પ્રિયદર્શના’ નામની એક કન્યાને જન્મ આપ્યો.

માતા-પિતાના મૃત્યુ પછી તરત ૩૦ વર્ષની ઉંમરે મોટાભાઈ નન્દિવર્ધનની રજા લઈ એ યતિ થયા અને તપશ્ચર્યા અને ધ્યાન માટે નીકળી પડ્યા.

બાર વર્ષ એમણે અણગાર (વિનાના) અને નિર્વસન સ્થિતિમાં જ મન, વચન અને કાયની ગુપ્તિ પુર :સર (દોષ થકી સંભાળીને) અદ્‌ભુત તપશ્ચર્યા (ઉપવાસાદિક) કરવામાં તથા ધ્યાન ધરવામાં પસાર કર્યાં. આ તપશ્ચર્યાના અંતે તેરમે વર્ષે એટલે પોતાની ૪૨-૪૩ વર્ષની ઉંમરે એમને ‘કેવલ જ્ઞાન’ પ્રાપ્ત થયું – જેથી તેઓ દેવ, મનુષ્ય આદિ દરેક જીવની સઘળી સ્થિતિ યથાર્થ જાણી શકતા. આ પછીથી એમણે ત્રીસ વર્ષ ધર્મનો ઉપદેશ કર્યો.

ત્રીસ વર્ષ સુધી જૈન ધર્મનો ઉપદેશ આપીને મહાવીર સ્વામીએ ઘણા શિષ્યો મેળવ્યા અને જૈન ધમર્નો સારી રીતે પ્રચાર-પ્રસાર કર્યો.

મહાવીર સ્વામીના મુખ્ય અગિયાર શિષ્યોને ‘ગણધર’ કહેવાય છે.

જૈન ધર્મનું મહામંડળ તે ‘સંઘ’ કહેવાય છે. સંઘના ચાર વિભાગ છે : (૧) સાધુ (મુનિ-યતિ-શ્રમણ) (૨) સાધ્વી (આર્યા-આર્જા) (૩) શ્રાવક અને (૪) શ્રાવિકા. તેમાંના પહેલા બે, સંસાર ત્યજી, વૈરાગ્ય અને તપના તીવ્ર નિયમ પાળે છે અને છેલ્લા બે, સંસારમાં રહી મુનિઓનો ઉપદેશ સાંભળે છે.

જૈનધર્મના પન્થો

જૈનધર્મના મુખ્ય બે પન્થો છે : ‘શ્વેતામ્બર’ અને ‘દિગમ્બર.’ શ્વેતાંબર એટલે શ્વેત વસ્ત્રવાળા અને ‘દિગમ્બર’ એટલે દિશાઓરૂપી વસ્ત્રવાળા.

ધર્મગ્રંથો

શ્રીમહાવીર સ્વામીએ જાતે માત્ર ઉપદેશ જ કર્યો છે, ગ્રન્થ રચ્યા નથી. પણ એમના ગણધરોએ ગ્રંથો રચી એમાં પોતાના ગુરુના ઉપદેશને પ્રેમ અને કાળજીથી સાચવી રાખ્યો છે.

જૈનશાસનના સૌથી પ્રાચીન ગ્રન્થો ‘પૂર્વ’ અને ‘અંગ’ ને નામે પ્રસિદ્ધ છે. પૂર્વ ચૌદ છે અને અંગ બાર છે.

ધર્મોપદેશ

તપસ્યા : જૈન ધર્મમાં તપસ્યાને બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. જૈન ધર્મના મતાનુસાર અહિંસા, સંયમ અને તપ એ જ ઉત્કૃષ્ટ મંગળ છે.

વ્રત : વ્રત પાંચ છે. અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ પાંચ વ્રતોમાં જૈન ધર્મનો સાર આવી જાય છે.

ગુપ્તિ : ગુપ્તિ એટલે ગોપન કરવું – રક્ષણ કરવું. મન, વાણી અને કાયાને એવી રીતે સાચવીને રાખવાં કે કોઈ દોષ ન થાય, પાપ ન લાગે. ગુપ્તિ ત્રણ છે. મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિ.

ભાવના : ભાવના એટલે મનમાં ભાવ લાવવો. ભાવના ચાર છે : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ.

૧. મૈત્રી : બધાં જ પ્રાણીઓ પ્રત્યે મિત્રતા અને પ્રેમની ભાવના રાખવી. કોઈના પણ અપરાધને ક્ષમા આપવી. કોઈની સાથે વેર ન રાખવું.

૨. પ્રમોદ : આપણાથી જે મોટા છે અને વધારે ઉચ્ચ છે તેમની સાથે વિનયપૂર્વકનો વર્તાવ રાખવો. તેઓની સેવા-સ્તુતિમાં આનંદ માનવો.

૩. કારુણ્ય : દીન અને દુ :ખી લોકો પ્રત્યે કરુણાની ભાવના રાખવી અને બને ત્યાં સુધી તેમને સુખ પહોંચાડવાનો પ્રયત્ન કરવો.

૪. માધ્યસ્થ : જે આપણાથી બિલકુલ વિપરીત વૃત્તિવાળો યા વિરોધી હોય તેના પ્રત્યે ક્યારેય ક્રોધ ન કરવો અને તેની સાથે તટસ્થ ભાવથી વર્તાવ કરવો.

ત્રણ રત્ન : જૈન ધર્મમાં ત્રણ રત્ન માનવામાં આવ્યાં છે : સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચરિત્ર.

૧. સમ્યક્ દર્શન : સમ્યક્ દર્શનનો અર્થ છે સાચું દર્શન. સાચા સિદ્ધાંતોમાં શ્રદ્ધા રાખવી, સાચાં દેવશાસ્ત્ર અને ગુરુમાં શ્રદ્ધા રાખવી અથવા સાત તત્ત્વોમાં શ્રદ્ધા રાખવી.

૨. સમ્યક્ જ્ઞાન : સમ્યક્ સહિત જે જ્ઞાન પ્રાપ્ત થાય તે સમ્યક્ જ્ઞાન. સમ્યક્ જ્ઞાન આવવાથી વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.

૩. સમ્યક્ ચરિત્ર : સદ્વ્યવહાર એટલે સમ્યક્ ચારિત્ર. સમ્યક્ દર્શન હોય, સમ્યક્ જ્ઞાન હોય પણ સમ્યક્ ચારિત્ર ન હોય તો તે બંનેનો શું લાભ? સમ્યક્ ચરિત્ર આ ત્રણેની આધારશિલા છે.

જૈન ધર્મમાં આ રત્નત્રયનો મોટો મહિમા છે અને આ ત્રણને જેણે જીવનમાં ઉતારી દીધાં તેને મોક્ષનો માર્ગ મળી જાય છે.

સાત તત્ત્વ : જૈન ધર્મમાં સાત તત્ત્વ માનવામાં આવ્યાં છે : જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ.

જૈન ધર્મનો પરમ પવિત્ર મંત્ર છે નવકાર મંત્ર અથવા નમસ્કાર મંત્ર. જેનો સંપૂર્ણ પાઠ આ મુજબ છે :

નમો અરિહંતાણં

નમો સિદ્ધાણં

નમો આયરિયાણં

નમો ઉવજ્ઝાયાણં

નમો લોએ સવ્વસાહૂણં.

જૈન ધર્મનાં કેટલાંક સર્વસામાન્ય તત્ત્વો નીચે મુજબ છે :

૧. અહિંસા એ આ ધર્મનું પરમતત્ત્વ છે. આ ધર્મના સઘળા આચારવિચારની પાછળ અહિંસા માટે તીવ્ર લાગણી રહેલી છે.

૨. જૈન ધર્મનો બીજો મોટો આગ્રહ તપ માટે છે. ઉપવાસ વગેરે દ્વારા શરીર અને ઇન્દ્રિયોનું દમન કરવું તેને તેઓ આવશ્યક ગણે છે.

૩. વૈરાગ્ય ઉપર તેઓ બહુ લક્ષ આપે છે. મનુષ્યનો પરમ પુરુષાર્થ વ્યાવહારિક સમૃદ્ધિ નથી પણ કૈવલ્યસ્થિતિ એટલે કે નિર્વાણ અથવા શાંતિ છે. અને તે માટે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચરિત્ર એ ત્રણ (રત્નત્રય) બહુ ખંતથી પ્રાપ્ત કરવાનો બોધ કરે છે.

૪. તેઓ જગતને અનાદિ માને છે અને કર્મના મહાન નિયમથી સઘળું ચાલ્યા કરે છે એમ કહે છે.

૫. તેઓ જગતનો કર્તા એક ઈશ્વર છે એમ માનતા નથી પણ ઋષભદેવ વગેરે રાગાદિદોષરહિત અને લોકોના ઉદ્ધારક એવા જે તીર્થંકરો થઈ ગયા છે તેમને ભગવાન તરીકે પૂજે છે.

૬. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનમાં ‘સ્યાદ્વાદ’ યાને ‘સપ્તભંગીનય’ એ મુખ્ય છે.

જૈનદર્શનનો મુખ્ય આધાર છે ‘અનેકાન્ત’. અનેકાન્તનો સરલાર્થ છે એક જ વસ્તુનું અનેક ધર્માત્મક હોવું તે. બે વિભિન્ન દૃષ્ટિબિંદુથી એક વસ્તુને સત્ માનવામાં આવે છે તો અન્ય દૃષ્ટિએ તે અસત્ પણ ભાસે છે. આમ સત્યનો શોધક સત્યને અનેક દૃષ્ટિકોણથી જોઈને પોતાનો કોઈ આગ્રહ લઈને રહેતો નથી.

જૈન ધર્મના ચિંતનનું મૂળ છે – અનેકાન્ત અથવા સ્યાદ્વાદ અને આચારનો આધારસ્થંભ છે અહિંસા.

તહેવારો

(૧) મહાવીર જયંતી : ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીની જન્મતિથિ ચૈત્ર સુદ તેરસ.

(૨) પર્યુષણ પર્વ : પર્યુષણ શબ્દનો અર્થ થાય ‘એક સાથે રહેવું.’ આત્માની શુદ્ધિ માટે આ અષ્ટદિવસીય પર્વમાં સાધક કઠોર તપ, ધ્યાન-ધારણા, પૂજા ઇત્યાદિનું અનુષ્ઠાન કરે છે.

Total Views: 267

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.