૫્રારંભિક

યહૂદીઓ કેનનમાં વસવાટ કરતા હતા. ત્યાંની આસપાસની બીજી પ્રજાઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારથી એમના ધાર્મિક વિચારમાં અને જ્ઞાનમાં ઘણી વૃદ્ધિ થવા લાગી. પ્રાચીન નિયમશાસ્ત્ર, સંતોનો ઉપદેશ, અન્ય પ્રજાઓ સાથેના સંબંધો – આ બધું ભેગું મળીને યહૂદીઓના ધર્મમાં વિભિન્ન મતવાદો ઉદ્ભવ્યા અને પરિણામ સ્વરૂપે યહૂદીઓનાં ચાર મંડળ – સૅડ્યૂસી, ફારીસી, ઈસીન અને ઝીલટ – રચાયાં, આવા વિપરીત સમયે ‘ધર્મસંસ્થાપન’ના મહા-ઉદ્દેશથી ખરી ધાર્મિકતામાં ઉપયોગી થાય તેવા ધર્મની સ્થાપના માટે ઈસુ ખ્રિસ્તનો આવિર્ભાવ થયો.

ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત

ઈસવીસનનાં આજે જેટલાં વર્ષો થયાં છે તેટલાં વર્ષ ઉપર જોસેફ નામના એક યહૂદી સુતારની સ્ત્રી મેરિને પેટે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. એ ત્રીસ વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીની એમના જીવનની હકીકત બહુ થોડી મળી આવે છે. એમનાં મા-બાપ અને ભાઈઓની સાથે એ નાઝરેથ શહેરમાં રહેતા અને પિતાની મદદે આવી સુતારનું કામ કરતા. પોતે પરણ્યા નહોતા – એટલું જ ચોક્કસ જાણવા મળેલું છે.

ત્રીસમા વર્ષમાં એક વખતે એમના સાંભળવામાં આવ્યું કે પાસેના વનમાં જોન નામે એક સાધુ ઉપદેશ આપે છે, તે ઉપરથી ઈસુ એનો ઉપદેશ સાંભળવા ગયા. એ ઉપદેશનો સાર એ હતો કે પ્રભુનું રાજ્ય (ધર્મરાજ્ય) આવવાનો સમય થયો છે, માટે કોઈએ પાપ કરવું નહિ અને સૌ પ્રત્યે પ્રેમ અને સમાન ભાવથી વર્તવું.

આ ઉપદેશ સાંભળી જે યહૂદીઓએ પોતાનું જીવન બદલવાનું કબૂલ કર્યું, તેમને જોને એમની શુદ્ધિના ચિહ્નરૂપે જોર્ડન નદીમાં સ્નાન કરાવ્યું અને બાપ્ટિઝમ આપ્યું. એ વખતે જોને એવી ભવિષ્યવાણી કરી, ‘મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવે છે. એના પગરખાની દોરી છોડવા પણ હું યોગ્ય નથી.’ આ પાછળ આવનાર તે ‘ઈસુ ખ્રિસ્ત’.

ઈસુ ખ્રિસ્ત તરત તે જ સ્થળેથી વનમાં ચાલ્યા ગયા અને ચાલીસ દિવસ પ્રભુનું ધ્યાન કરી પરમ બોધ પામ્યા. ઈસુને શેતાને સમસ્ત પૃથ્વીનું રાજ્ય વગેરેની ઘણી લાલચો આપી, પણ તે ડગ્યા નહિ. શાસ્ત્રમાં લખાઈ ચૂકેલું છે કે મનુષ્ય માત્ર રોટલીથી (અન્ન) જીવશે નહિ, પણ પ્રભુના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવશે, અર્થાત્ સંસારના ઉપભોગ નહિ પણ પ્રભુનાં વચન એ જ મનુષ્યનું ખરું કર્તવ્ય છે અને ખરું જીવન છે.

પછી વનમાંથી ગામમાં આવી ઈસુ ખ્રિસ્તે જગતના કલ્યાણ અર્થે ઉપદેશ આરંભ્યો. બે માછીઓ એમના સૌથી પહેલા શિષ્ય થયા. તેઓ જાળ ત્યાં મૂકીને ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલ્યા. ઈસુ ખ્રિસ્તે સીનેગોગ (પ્રાર્થનામંદિર)માં જઈ ઉપદેશ કરવા માંડ્યો.

ઈસુ ખ્રિસ્તના ઉપદેશ અને કૃત્યોથી યહૂદી ધર્મગુરુઓ ભડક્યા અને એમને રાજદ્રોહના ગુનામાં ફસાવવાની અને મારી નાખવાની અનેક યુક્તિઓ રચી.

એક સાંજે ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યમંડળ સાથે વાળુ કરવા બેઠા હતા. વાળુ કરી એક સ્થળે પ્રભુની પ્રાર્થના કરીને શિષ્યોને જગાડતા હતા એટલામાં એમનો જૂડસ નામનો એક શિષ્ય હથિયારબંધ માણસ લઈને આવ્યો.

સિપાઈઓએ ઈસુને પકડ્યા. ઈસુને મુખ્ય ધર્માચાર્ય પાસે લઈ ગયા અને જેરુસલેમના દેવળનો નાશ થશે એવી ધમકી આપ્યાનો એમના ઉપર આરોપ મૂક્યો. એમને મોતની સજા ફરમાવી. એમના ઉપર રાજદ્રોહનો આરોપ મુકાયો.

ઈસુ ખ્રિસ્તને વધસ્તમ્ભ ઉપર લઈ જવાની આજ્ઞા કરી! રોમન સિપાઈઓએ ઈસુને રાજાનો પોષાક પહેરાવ્યો અને માથે કાંટાનો મુકુટ મૂકયો. ‘યહૂદીઓનો રાજા!’ એવા મશ્કરીના શબ્દો લખીને ચોડ્યા. ઈસુને વધસ્તમ્ભ ઉપર ચડાવ્યા અને એમના દેહને ખીલા માર્યા છતાં પણ ‘હે પ્રભુ! તારી ઇચ્છા (પ્રમાણે) થજો, મારી નહિ. તેઓ શું કરે છે તેની એમને ખબર નથી’ એમ પ્રભુની ઇચ્છાને શરણ થઈ પોતાના દુશ્મનો માટે પણ પરમ ક્ષમાના શબ્દો ઉચ્ચારી એમણે પ્રાણ છોડ્યા!

પ્રભુ ઈસુના વખતમાં પ્રાચીન નિયમો ધરાવતો ધર્મગ્રંથ વ્યવહારમાં હતો. પ્રભુ ઈસુએ કોઈ નવું પુસ્તક લખ્યું ન હતું. તેઓ તો ઠેર ઠેર ફરીને લોકોને ઉપદેશ આપતા હતા. તે પછી તેમના અનુયાયીઓ કેવળ તેમના ઉપદેશનો પ્રચાર કરવા ‘Good News’ સંભળાવતા રહ્યા હતા.

ધર્મગ્રંથ – બાઈબલ

જગતભરના ખ્રિસ્તીઓનો પવિત્ર ગ્રંથ છે – બાઈબલ. તે હિબ્રૂ અને ગ્રીક ભાષામાં ગ્રંથસ્થ છે.

‘બાઈબલ’ શબ્દ ગ્રીક ભાષામાંથી લેવાયો છે જેનો અર્થ ‘પુસ્તક’ થાય છે. સાચા અર્થમાં બાઈબલ બે પુસ્તકોનો સંગ્રહ છે, જેને ‘જૂનો કરાર’ તથા ‘નવો કરાર’ કહેવાય છે. ‘કરાર’ શબ્દનો એક વાણી કે સમાધાન (સમજણ)ના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. જૂના કરારમાં દેવવાણીથી પ્રેરિત મૂસા દ્વારા યહૂદી લોકોને અપાયેલ આદેશો અને વિભિન્ન રચનાઓનો સંગ્રહ છે. નવો કરાર એ ઈસુ ખ્રિસ્તની વાણી અને ધર્મોપદેશોનો સંગ્રહ છે.

જૂના કરારના લેખો ૩૯ પુસ્તકોનો સંગ્રહ છે જે જુદા જુદા લેખકોએ લખ્યો છે. તે મોટે ભાગે હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો છે. કેટલાક ભાગ અરામીક ભાષામાં પણ લખવામાં આવ્યા છે. જૂના કરારના કેટલાક ભાગ પાંચસો વર્ષ પૂર્વે લખાયેલા હતા અને આ કરારના પ્રથમ પુસ્તક અને છેલ્લા પુસ્તકની વચ્ચે લગભગ ૧૦૦૦ વર્ષ કરતાં વધારે સમયનું અંતર છે. આ સંગ્રહમાં નિયમ, ઇતિહાસ, ગદ્ય, ગીત, કાવ્ય અને વિવેકી પુરુષોના ઉપદેશ સામેલ છે. ‘જૂનો કરાર’ ત્રણ મુખ્ય વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે – નિયમશાસ્ત્ર, ભવિષ્યવેત્તા તથા પવિત્ર લખાણ.

નવા કરારમાં ઓછામાં ઓછા આઠ લેખકોનાં સત્યાવીસ પુસ્તકોનો સમાવેશ થયેલ છે. આ બધા લેખકોએ ગ્રીક ભાષામાં લખ્યું હતું. તેમાં અડધા કરતાં ઉપરાંત લેખો ચાર પ્રેરિતો મારફત લખવામાં આવેલ છે. તે પ્રેરિતો પોતાના વિશેષ પ્રતિનિધિઓ કે સહાયકોના સ્વરૂપે ઈસુ મારફતે પસંદ કરાયા હતા. તેમાંથી ત્રણ – માથ્થી, યોહાન અને પીટર – આ પૃથ્વી પર ઈસુના જીવનકાળ દરમિયાન તેમના નિકટના બાર શિષ્યોમાંના હતા. એક અન્ય લેખક હતો, જેનું નામ પાૅલ હતું. ઈસુએ તેને અદ્‌ભુત રીતે દર્શન આપીને, આગળ જતાં એક પ્રેરિત રીતે પસંદ કર્યો હતો. પ્રથમ ચાર પુસ્તકો ‘Gospel’ અથવા ‘શુભસંદેશ’ કહેવાય છે. તેમાં ઈસુના જીવન અને મૃત્યુનાં જુદાં જુદાં વર્ણન આપેલ છે. આ પુસ્તકો ઈસુના ઉપદેશો, આ ધરતી પર તેનું પ્રગટ થવાનું પ્રયોજન તથા તેમના મરણના મહત્ત્વ પર ભાર મૂકે છે. ત્યાર પછી ’અભતિં જ્ઞર આજ્ઞતહિંયત’ નામનું પુસ્તક આવે છે. તેમાં ઈસુના મરણ પછીની ઘટનાઓનો ઇતિહાસ છે. નવા કરારનું છેલ્લું પુસ્તક ‘Revelation’ બીજાં બધાં પુસ્તકોથી જુદા જ પ્રકારનું છે. તેમાં ખૂબ અલંકૃત ભાષાનો પ્રયોગ કરવામાં આવેલ છે અને તેના લેખક પ્રેરિત યોહાને જે દિવ્યદર્શન જોયું હતું તેના સંબંધમાં તેણે લખ્યું છે.

ધર્મોપદેશ

ખ્રિસ્તી ધર્મ પ્રેમ અને અહિંસાના પાયા ઉપર ઊભો છે. સેવા અને ત્યાગ તેની આધારશિલા છે. ઈસુનું પવિત્ર જીવન તેનો પ્રકાશ-સ્તંભ છે.

ખ્રિસ્તી ધર્મ કહે છે –

એકબીજા પ્રત્યે પ્રેમ રાખો. શત્રુને પણ પ્યાર કરો. અપરાધીને ક્ષમા બક્ષો. પાપની ઘૃણા કરો. પાપીની સેવા કરો. દુ :ખી અને પીડિતોના માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરો.

આ છે પ્રભુ ઈસુનો સંદેશ જેને અસંખ્ય મિશનરીઓ દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા ખ્રિસ્તીઓને પહોંચાડે છે.

સાચો ખ્રિસ્તી તે છે જે મનુષ્યમાત્રને પ્રેમ કરે છે અને પ્રાણી માત્રની સેવા માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરવા માટે સદા તૈયાર રહે છે.

તહેવારો

(૧) ક્રિસ્ટમસ (નાતાલ) : ઈસુ ખ્રિસ્તના જન્મના ઉપલક્ષમાં આ તહેવાર ઉજવાય છે.

(૨) ઈસ્ટર : ઈસુ ખ્રિસ્તના પુન : પ્રગટીકરણના ઉપલક્ષમાં આ તહેવાર ઉજવાય છે.

(૩) અસેન્સન : ઈસ્ટર ડેના ચાલીસ દિવસ પછી ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણની સ્મૃતિમાં આ તહેવાર ઉજવાય છે.

(૪) પેન્ટેકોસ્ટ ડે : અસેન્સનના દસ દિવસ પછી આ તહેવાર ઉજવાય છે. આ દિવસે અંતરંગ શિષ્યો તેમજ બીજા શિષ્યોને ’ઇંજ્ઞહુ જાશશિિં’ દ્વારા ઉપહાર મળ્યો હતો. આ દિવસ ચર્ચનો પ્રાદુર્ભાવ સૂચવે છે.

Total Views: 399

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.