જૈન ધર્મ એ વિશ્વના વર્તમાન ધર્મોમાં એક અતિ પ્રાચીન ધર્મ છે. પ્રાચીન ભારતમાં વૈદિક પરંપરા અને શ્રમણ પરંપરા એમ બે મૂળ પરંપરા હતી. એમાંની શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી. આ શ્રમણધર્મ નિવૃત્તિપ્રધાન હોવાથી દીક્ષાને મહત્ત્વની ગણે છે અને શ્રમણધર્મનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે.

આ શ્રમણધર્મ સૃષ્ટિને અનાદિ-અનંત માનતો હોવાથી એના સર્જક તરીકે ઈશ્વરને માનતો નથી. આ શ્રમણ પરંપરાની અનેક શાખાઓમાંથી નિર્ગ્રંથને નામે ઓળખાતી એક શાખા જૈન ધર્મને નામે પ્રસિદ્ધ થઈ.

‘જિન’ શબ્દનો અર્થ છે – રાગ, દ્વેષ અને મોહના વિજેતા. આથી જે વીતરાગ થયા, તેઓને ‘જિન’ કહેવામાં આવે છે. આ જિનના અનુયાયીઓ તે જૈન અને આ જિને પ્રરૂપેલો ધર્મ તે જૈન ધર્મ. એના વર્તમાન સમયના ૨૪ તીર્થંકરોમાં ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર અને ભગવાન મહાવીર સ્વામી ચોવીસમા અંતિમ તીર્થંકર છે.

પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ માનવસંસ્કૃતિના આદિ નિર્માતા છે અને એમણે જ સૌ પ્રથમ પરિવારપ્રથા, સમાજવ્યવસ્થા, શાસનપદ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી. ભારતવર્ષમાં ઇક્ષ્વાકુભૂમિમાં, કૌશલદેશમાં આવેલી અયોધ્યા નગરીમાં અંતિમકુલકર નાભિના પુત્રરૂપે ઋષભદેવનો જન્મ થયો હતો. ઋષભદેવ પ્રથમ રાજા બન્યા. અનેક વર્ષો સુધી એમણે રાજ્ય કર્યું. એ સમયે એમણે એકલવાયુ જીવન ગાળતી માનવજાતિને પરિવાર આપ્યો, સમાજ સ્થાપ્યો, સમાજને કલાઓ શીખવી, પૃથ્વીને ભોગભૂમિને બદલે કર્મભૂમિ બનાવી. લોકજીવન સુવ્યવસ્થિત કરીને ધર્મજીવન આપ્યું. ત્યાગને જીવનશુદ્ધિનું, તપને જીવનક્રિયાનું અને મોક્ષને માનવીનું અંતિમ લક્ષ્ય હોવાનો ઉપદેશ આપ્યો.

ઉત્તરાવસ્થામાં રાજા ઋષભદેવે પુત્ર ભરતને રાજશાસન સોંપીને દીક્ષા ગ્રહણ કરી. દીર્ઘ સાધનાને અંતે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ દિવસે તેમણે લોકોને અહિંસા, સત્ય આદિ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા.

‘ઋગ્વેદ’માં પણ ભગવાન ઋષભદેવના નામનો ઉલ્લેખ મળે છે અને તેમને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે. શિવ સાથેનું ઋષભદેવનું સામ્ય પણ આશ્ચર્યજનક છે. આમ શ્રવણ અને બ્રાહ્મણ બંને પરંપરામાં ભગવાન ઋષભદેવ આદિ પુરુષ તરીકે બહુમાન્ય છે.

ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરતના નામ પરથી આર્યાવર્તનું નામ ભારત પડ્યું હોવાનો બ્રાહ્મણ અને શ્રમણ બંને પરંપરામાં ઉલ્લેખ મળે છે. આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવ પ્રથમ રાજા, પ્રથમ સાધુ – ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થંકર છે. ભગવાન ઋષભદેવે લોકોને સંદેશ આપ્યો, ‘કોઈ જીવને મારવો નહીં, બધાની સાથે હેતથી રહેવું, અસત્ય બોલવું નહીં, ચોરી કરવી નહીં, શીલપાલન કરવું અને સંતોષથી રહેવું.’ ભગવાન ઋષભદેવે કહેલો આ ધર્મ સહુ પાળવા લાગ્યા. એમણે સંઘની સ્થાપના કરી. આ સંઘને તીર્થ પણ કહેવાય છે, તેથી ઋષભદેવ – આદિનાથ – પહેલા તીર્થ કરનારા એટલે તીર્થંકર થયા. જૈન ધર્મને જનસમૂહમાં વ્યાપક સ્વરૂપ આપ્યું એના ચોવીસમા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીએે.

ઈ.સ. પૂર્વે ૫૪૩ની ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રિએ ત્રિશલામાતાની કૂખે હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાન મહાવીરનો જન્મ થયો. એ સમયે ધરતી પરના સર્વ જીવો સંતપ્ત હતા.

ચારે વર્ણ ઊંચનીચના ભાવથી સાપનોળિયાની જેમ વર્તતા હતા. જન્મજાત મોટાઈનો ભારે કેફ હતો. દાસ અને અછૂતની દુર્દશાનો કોઈ પાર નહોતો. એને પૃથ્વી પર રહેવા ઘર નહોતું, ઉચ્ચ વર્ણના ગણાતા લોકોના બેફામ જુલ્મો અને અવિચારી ત્રાસ મૂંગે મોઢે સહેવા પડતા હતા.

ભગવાન મહાવીરે પહેલે પગલે ક્રાંતિ કરી. એમણે કહ્યું કે જ્ઞાન માત્ર જ્ઞાની માટે નથી, સામાન્ય માનવી માટે પણ છે. સામાન્ય લોકો સમજે એ રીતે એમની ભાષામાં બોલવું જોઈએ. એ સમયે જનસામાન્યની ભાષા અર્ધમાગધી હતી. ભગવાન મહાવીરે સહુને સમજાય એવી અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો.

ભગવાન મહાવીરે સ્ત્રીને સ્વતંત્રતા બક્ષવા માટે બે મહાન સુધારા કર્યા. એક તો વ્રતમાં બ્રહ્મચર્યને સ્થાન આપ્યું અને બીજું સ્ત્રી સંન્યાસિની થઈ દીક્ષિત થાય તો સર્વ બંધનોમાંથી મુક્ત બને એમ કહ્યું. ભગવાન મહાવીરે નારીને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવાની દીવાદાંડી દર્શાવી.

 

ભગવાન મહાવીરે જાતિ અને વર્ણના મહત્ત્વને દૂર કરીને ચારિત્ર્યની મહત્તા સ્થાપી. એમણે શૂદ્રોને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢ્યા અને પશુતામાંથી પ્રભુતા આપી. કોઈ પણ વર્ણનાં સ્ત્રી-પુરુષ આ ધર્મ સ્વીકારી શકે છે તેમ કહ્યું. ઊંચનીચની વિચારધારામાં સમૂળી ક્રાંતિ કરી.

કહ્યું કે આત્મતત્ત્વની દૃષ્ટિએ બધાં સરખાં છે. બ્રાહ્મણ કે શૂદ્ર, સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, રાય કે રંક જે કોઈ પુરુષાર્થ કરે તે મોક્ષનો અધિકારી છે. એમના સંઘમાં ચંદનબાળા પ્રથમ સાધ્વી બન્યાં.

ઈશ્વરકૃપા પર આધાર રાખીને પ્રારબ્ધને સહારે જીવતા માનવીની ગુલામી એમણે દૂર કરી. પુરુષાર્થનો ઉપદેશ આપ્યો.

સાધનકાળનાં સાડા બાર વર્ષ દરમિયાન ભગવાન મહાવીરે ફક્ત ૩૪૯ દિવસ અને તેય એક જ ટંક જે મળ્યું તે ગોચરી રૂપે લીધું. બાકીના તમામ દિવસોમાં પાણી વાપર્યા સિવાયના ઉપવાસ કર્યા. પોતાના સાધક જીવનના ૪૫૧૫ દિવસમાંથી ૪૧૬૬ દિવસ નિર્જલ તપશ્ચર્યા કરી હતી.

તપસાધનાનાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ દરમિયાન મહાવીર પલાંઠી વાળીને બેઠા કે સૂતા નથી. ક્વચિત્ જ ઊભડક પગે બેઠા છે. એમણે મુખ્યત્વે તો ઊભા રહીને સાધના કરી. આવા પ્રખર તપને કારણે જૈન અને જૈનેતર ગ્રંથોમાં એમને ‘દીર્ઘ તપસ્વી’ તરીકે વર્ણવવામાં આવ્યા. હજારો માઈલનો વિહાર કરતા હતા. દેહ પર વસ્ત્ર નહીં, માથે છત્ર નહીં, પગમાં પગરખાં નહીં, એમણે માનવ-આત્માની તાકાતનો જગતને પરિચય આપ્યો.

ભગવાન મહાવીરે મત અને મજહબની લડાઈ ગૌણપદે સ્થાપી. સંસારના પ્રત્યેક મતને સાપેક્ષ સત્યવાળા ઠેરવ્યા. આચારમાં અહિંસા આપી. વિચારમાં અનેકાંત આપ્યો. વાણીમાં સ્યાદ્વાદ આપ્યો. સમાજમાં અપરિગ્રહ સ્થાપ્યો. એમણે કહ્યું :

धम्मो मंगलमुक्किट्ठं, अहिंसा संजमो तवो।

देवा वि तं नमंसंति, जस्स धम्मे सया मणो।।

(ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે; અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણો છે. જેનું મન ધર્મમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવો પણ નમે છે.)

જૈન ધર્મમાં આત્મકલ્યાણ સાધવા માટેનાં પાંચ મહાવ્રતોનો મહિમા છે. એમાં પહેલું મહાવ્રત છે અહિંસા. એ જૈન ધર્મનો પાયો છે. જૈન ધર્મમાં અહિંસાનો ઉદ્ગમ તાત્ત્વિક વિચારણા અને પ્રત્યક્ષ અનુભવમાંથી થયો હોવાથી તે અત્યંત વ્યાપક અને સૂક્ષ્મ છે. જૈન ધર્મે અહિંસાને માત્ર મનુષ્ય પૂરતી સીમિત રાખી નથી, બલ્કે પ્રાણીમાત્ર અને પ્રકૃતિ સુધી આવરી લીધી છે. તે સર્વજીવને સમાન ગણે છે અને એમના પ્રત્યે આદર રાખે છે. જે પ્રાણી પ્રત્યે ક્રૂર થાય તે માનવ પ્રત્યે પણ ક્રૂર થઈ શકે. ક્રૂરતા એ માત્ર બાહ્ય આચરણ નથી, પરંતુ આંતરિક દુર્વૃત્તિ છે. આમ બધા જીવોની સમાનતાના સિદ્ધાંતમાંથી અહિંસાનો આવિષ્કાર થયો છે.

સર્વ જીવ જીવવા ઇચ્છે છે, કોઈને મરવું ગમતું નથી. સહુ સુખ ઇચ્છે છે, કોઈ દુ :ખ ઇચ્છતું નથી એ એની મૂળ ભાવના છે. વળી પુનર્જન્મને કારણે જીવ આદિ આ ભવે એક યોનિમાં હોય, તે પછીના ભવે બીજી યોનિમાં પણ જન્મે. આજે માખી હોય તે મનુષ્ય પણ થાય. આવું હોવાથી મનુષ્યને મનુષ્યેતર પ્રાણીસૃષ્ટિને દુ :ખ આપવાનો અધિકાર નથી. સંસારનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે, પછી તે શત્રુ હોય કે મિત્ર, સમભાવથી વર્તવું જોઈએ. આ વિશે જૈન દર્શન કહે છે- ‘મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશું જ નથી, તેવી જ રીતે જગતમાં અહિંસા સમાન બીજો કોઈ ધર્મ નથી’.

અહિંસાની આ ભાવનાથી સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન થઈ શકે છે અને આથી જ શાકાહાર, ઉપવાસ અને મિતાહારનો મહિમા પ્રગટ થાય છે.

બીજું મહાવ્રત છે સત્ય. હું અસત્યનું આચરણ નહીં કરું તથા બીજા પાસે તેનું આચરણ કરાવીશ નહીં અને અન્ય કોઈ એવું આચરણ કરે તો તેને અનુમોદન નહીં આપું. ‘પ્રશ્નવ્યાકરણ’ નામના આગમગ્રંથમાં કહ્યું છે, ‘સત્ય એ જ ઈશ્વર છે.’ આથી જ તીર્થંકર ભગવાન મહાવીરે પોતાના ઉપદેશમાં કહ્યું, ‘હું પૂર્ણ જ્ઞાની છું અને તે તમે સ્વીકારો, તેમ નહીં પણ દરેક જીવ સાચી સાધના કરે તો એ પદને પ્રાપ્ત કરી શકે છે.’

જૈનદર્શને સત્ય વિશે વ્યાપક વિચારણા કરી છે. ‘હું કહું છું તે જ સત્ય’ એવા આગ્રહ, દુરાગ્રહ કે પૂર્વગ્રહમાં વિચારની હિંસા સમાયેલી છે. બીજાના કથનમાં પણ સત્યનો અંશ હોઈ શકે તેવી ઉદાર દૃષ્ટિ તે અનેકાંત, કારણ કે સત્ય સાપેક્ષ છે. તમારી નજરનું સત્ય અને તેના પરની તમારી શ્રદ્ધા તેમજ બીજાની નજરનું સત્ય અને તે વિશે તેની વિચારણા – આમ, અનેકાંતમાં સમતા, સહિષ્ણુતા, સમન્વય અને સહઅસ્તિત્વની ભાવના છે.

સત્યની શોધ માટેના અવિરત પ્રયાસની આ એક સાચી પદ્ધતિ છે. બધી વસ્તુને સાપેક્ષભાવે વિચારવી અને દરેક સ્થિતિમાં રહેલા સત્યના અંશને જોવો એનું નામ અનેકાંત છે. ‘મારું જ સાચું’ એમ નહીં, પરંતુ ‘સાચું તે મારું’ તેવી ભાવના આમાં પ્રતીત થાય છે. સંત વિનોબાએ કહ્યું છે કે અનેકાંત દૃષ્ટિ એ તીર્થંકર ભગવાન મહાવીરની જગતને વિશિષ્ટ દેન છે.

ત્રીજું મહાવ્રત તે અસ્તેય છે. માણસે સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ કરવો જોઈએ. અણહકનું વણઆપ્યું, કોઈનું કશું લેવું જોઈએ નહીં, કોઈની પાસે લેવડાવવું જોઈએ પણ નહીં અને એવા કામમાં સહાય કે ટેકો પણ આપવો જોઈએ નહીં. ભગવાન મહાવીરે તો એમ પણ કહ્યું કે દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ પણ એના માલિકને પૂછ્યા વિના સંયમી મનુષ્યો લેતા નથી, બીજા દ્વારા લેવડાવતા નથી કે અન્યને લેવા માટે સંમતિ આપતા નથી. આવે વખતે મોટી મોટી વસ્તુઓની તો વાત જ શી? સંયમીએ પોતે સ્વીકારી શકે એવી નિર્દાેષ વસ્તુઓ શોધી શોધીને લેવી જોઈએ. આનો અર્થ એ કે પ્રત્યેક વસ્તુ લેતી વખતે એની નિર્દાેષતા-સદોષતાનો વિચાર કરવો જોઈએ.

ચોથું મહાવ્રત તે બ્રહ્મચર્ય. એમણે કહ્યું કે સ્વર્ગમાં અને આ લોકમાં જે કોઈ શારીરિક કે માનસિક દુ :ખો છે, તે બધાં કામભોગોની લાલચમાંથી પેદા થયેલાં છે, કારણ કે ભોગોપભોગ અંતે તો દુ :ખદાયી છે. નદી વહેતી હોય પણ એને બે કાંઠા જોઈએ, તે રીતે જીવનપ્રવાહને વહેવા માટે સંયમ જોઈએ. આ સંયમ સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે તો સ્વસ્થતા અને પ્રસન્નતા અર્પે છે. આથી તીર્થંકર ભગવાન મહાવીરે કહ્યું, ‘તું પોતે જ પોતાની જાતનો નિગ્રહ કર, આત્માનું દમન કર. વાસના, તૃષ્ણા અને કામભોગોમાં જીવનાર અંતે દીર્ઘકાળ સુધી દુ :ખ પામે છે.’ એમણે કહ્યું કે દુરાચારમાં પ્રવૃત્ત આત્મા પોતાનું જ અનિષ્ટ કરે છે, આથી સુખ, શાંતિ અને સમાધિનું મૂળ કારણ સાહજિક અને પ્રસન્નતાપૂર્વક સ્વીકારેલો સંયમ છે.

પાંચમું મહાવ્રત છે અપરિગ્રહનું. પરિગ્રહ એ પાપનું મૂળ છે. માત્ર કોઈ વસ્તુની પ્રાપ્તિ કે સંગ્રહ એ જ પરિગ્રહ નથી, પરંતુ કોઈ વસ્તુ માટેની મૂર્છા અને આસક્તિ એ પણ પરિગ્રહ છે. આ પરિગ્રહ એ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને આસક્તિ એ પાંચેય પાપોની જડ છે. આજે આપણે જોઈએ છીએ કે વર્તમાન જગતની અસીમ યાતનાઓનું મુખ્ય કારણ માનવીની બહેકેલી પરિગ્રહવૃત્તિ છે.

માણસ એમ માને છે કે પરિગ્રહથી સુખ મળે છે, પરંતુ હકીકતમાં પરિગ્રહ જ એના દુ :ખનું અને બંધનનું કારણ બને છે તેમજ માનવીને બાહ્ય વસ્તુઓનો ગુલામ બનાવે છે. પરિગ્રહને કારણે જ પાપ પેદા થાય છે, હિંસા થાય છે, ભય અને અસત્યનો આશરો લેવાય છે.

જૈન ધર્મમાં ભગવાન મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ એમના ગણધરોએ દ્વાદશાંગીમાં ગૂંથી લીધો છે. આ ઉપદેશ ‘આગમગ્રંથ’ તરીકે ઓળખાય છે અને જૈન શાસ્ત્રોના તમામ ગ્રંથોના ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણચરણાનુયોગ અને કથાનુયોગ એમ ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. જૈન ધર્મની શ્વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથી જેવી પરંપરા વિશે ઘણું સાહિત્ય લખાયું છે.

જૈન ધર્મમાં નવકાર મંત્રનું સ્થાન અદ્વિતીય છે. જૈન સાધુ કોઈ પણ જીવને પીડા ન થાય એ રીતે સાવધાનીપૂર્વક વ્યવહાર કરે છે. વાહનનો ઉપયોગ કરવાને બદલે પાદવિહાર કરે છે. ઉકાળેલું પાણી પીએ છે અને ભિક્ષા અર્થાત્ માધુકરીવૃત્તિ કરે છે. જુદાં જુદાં ઘરમાંથી ઘરવાળાઓને સંકોચ ન થાય તે પ્રમાણે એ ભિક્ષા લે છે. સાધુનો ધર્મ બિલકુલ અકિંચન-અપરિગ્રહી રહેવાનો છે. વર્ષાઋતુમાં એક સ્થળે ચાર માસ રહે છે, જેને ચાતુર્માસ કહે છે. જૈન સાધુ આત્મકલ્યાણની સાધનામાં સતત પરોવાયેલા રહી નિ :સ્વાર્થ ભાવે પોતાના જીવનને પરકલ્યાણ માટે ઉપયોગી બનાવે છે.

જૈન ધર્મમાં કર્મની વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વની તમામ ઘટનાઓ કર્મને આધીન રહીને બને છે. સારા કર્મનું સારું અને ખરાબ કર્મનું ખરાબ ફળ આવે એવી માન્યતા અન્ય ધર્મમાં મળે છે ત્યારે ભારતીય ધર્મો આ માન્યતાને જન્મજન્માંતર સુધી ઘટાવે છે. આ સંદર્ભમાં જૈન ધર્મ સવિશેષ ઊંડાણમાં જાય છે અને એમ કહે છે કે મન, વચન અને કાયાથી પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક પળે કે કોઈ સમયે કોઈકને કોઈક સ્થૂળ કે સૂક્ષ્મ કર્મ બંધાયા કરે છે અને જે તે કર્મ ઉદયમાં આવતાં ભોગવવાં પડે છે. તપ, જ્ઞાન, શુભભાવ, ધ્યાન વગેરે દ્વારા અમુક પ્રકારનાં કર્મોનો ક્ષય કરી શકાય છે. કર્મના આઠ પ્રકાર બતાવ્યા છે.

(૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય

(૩) મોહનીય (૪)અંતરાય

(૫) આયુષ્ય (૬) નામ

(૭) ગૌત્ર (૮) વેદનીય

આમાંનાં પ્રથમ ચાર પ્રકારનાં કર્મો ભારે અને આત્માને નીચો પાડનાર, બંધનમાં રાખનાર, સંસારમાં ભમાડનાર છે. એને ઘાતીકર્મ કહે છે. રાગ-દ્વેષથી રહિતપણું પ્રાપ્ત થાય, સમત્વભાવ આવે તો આ ઘાતી કર્મોનો ક્ષય થાય. એમ થાય ત્યારે સર્વોચ્ચજ્ઞાન- કેવળજ્ઞાન પ્રગટ થાય અને તે જ ભવમાં આત્મા બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, દેહ છોડી મુક્તિ પામે. ત્યાર પછી એ આત્માને જન્મ-મરણના ચક્રમાં ફરી આવવાનું રહેતું નથી. મોક્ષગતિ માત્ર મનુષ્યભવ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. પ્રત્યેક આત્માનું ચરમલક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું જ હોય છે, હોવું ઘટે. પરંતુ અજ્ઞાન, ત્યાગ-સંયમનો અભાવ, ક્રોધાદિ કષાયો, પ્રમાદ વગેરેને કારણે મનુષ્ય-જન્મ મળવા છતાં જીવને પોતાનું લક્ષ્ય સમજાતું નથી અથવા સમજાય છે તો પણ વિવિધ કારણોને લીધે તે માટેનો પુરુષાર્થ થતો નથી. એટલા માટે જૈન ધર્મે સમ્યક્ પ્રકારનાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર ઉપર ભાર મૂક્યો છે. એ વડે જ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે.

આમ, જૈન ધર્મમાં મનની શક્તિ માટે પચ્ચખ્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ, વીરતાની ભાવના માટે ક્ષમા જેવી ભાવનાઓ જીવનમાં અપનાવવાનું કહ્યું છે અને માનવીને મુક્તિ માટે મોક્ષનો પથ દર્શાવ્યો છે.

Total Views: 65
By Published On: November 1, 2015Categories: Kumarpal Desai0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram