પ્રારંભિક

હિન્દના ઇતિહાસમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક કટોકટી સર્જાઈ. થોડાક સૈકા પહેલાં જ હિન્દમાં મુસલમાન રાજ્ય સ્થપાયું હતું અને બાબરે મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. નવા ધર્મના આ આગમને અને વિજેતાઓ દ્વારા દેશ પર મળેલી રાજકીય જીતે સ્વાભાવિક રીતે જ દેશમાં ધાર્મિક અને સામાજિક ઊથલપાથલ સર્જી હતી. હિન્દની મુસલમાન કોમમાં ધર્મઝનૂન તો હતું જ. તેમાં વળી રાજ્યસત્તા આવી એટલે તો હિન્દુઓનાં મંદિરો તોડવાં અને બળજબરીથી હિન્દુઓને વટલાવી મુસલમાનો બનાવવા એ જ ઘણા ખરા મુસલમાન રાજ્યકર્તાઓએ પોતાનું ધર્મકર્તવ્ય માન્યું. રાજકીય અને સામાજિક અશાંતિનો આ સમય હતો. મુસલમાનો સાથે આવેલા નવા ધાર્મિક વિચારથી ઊભા થયેલા પડકારને જવાબ આપવા નવો માર્ગ શોધવાના પ્રયત્નમાંથી તથા માનસિક મંથનમાંથી એક નવી ધાર્મિક પ્રતિક્રિયાનો આરંભ થયો. આ પડકારને જવાબ આપવા અનેક પ્રયત્નો થયા. નાનકનો પ્રયત્ન સૌથી સુદૃઢ હતો. હિન્દુમાં મોગલ શાસનને પડકાર આપનાર નવા વિચારનો પ્રવાહ ગુરુ નાનકે શરૂ કર્યો.

ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત

ગુરુ નાનકદેવનો જન્મ સંવત ૧૫૨૬ની સાલમાં કાર્તિક શુકલ પૂર્ણિમાના રોજ પંજાબના લાહોર શહેરમાં થયો હતો. પિતાનું નામ શ્રીકાલુ (કલ્યાણચંદ્ર) વેદી અને માતાનું નામ તૃપ્તાજી હતું.

તેમનો જન્મ મોસાળમાં થયો હોવાથી તેમનું નામ નાનક રાખવામાં આવ્યું. એક વરસના થતાં જ દાંત ફૂટી નીકળ્યા અને ત્યારથી જ તેઓએ ચાલવાનું શરૂ કરી દીધું. જ્યારથી બોલવાનું શરૂ કર્યું ત્યારથી જ ઈશ્વરનું નામ લેવા લાગ્યા. બેસતા ત્યારે પદ્માસન વાળીને જ બેસતા, જાણે કે ઊંડા ધ્યાનમાં નિમગ્ન થઈ જતા ન હોય!

છ વરસના થતાં તેઓને હિંદીનું પ્રાથમિક શિક્ષણ લેવા ગામના ગોપાલ પંડ્યાની શાળામાં બેસાડ્યા. પછી તેઓ સંસ્કૃતનું અધ્યયન કરવા પંડિત વ્રજનાથ શર્મા પાસે ગયા. નાનકે અહીં વેદાંતનું જ્ઞાન મેળવ્યું અને પુરાણોનું પણ અધ્યયન કર્યું. ફારસી શીખવા માટે નાનક અગિયાર વર્ષની ઉંમરે ફારસીના મૌલવી કુતુબુદ્દીન પાસે ગયા. બાળપણ અને શિક્ષણનો સમય સમાપ્ત થતાં તેમના પિતાએ ખેતર સંભાળવાનું કામ સોંપ્યું. આ કાર્યમાં ઉપેક્ષા સેવતાં વેપાર કરવા સૂચવ્યું. ત્યાં પણ સદાવ્રતવૃત્તિ રાખતાં તેમના પિતાએ લગ્નબંધનમાં જકડવાનો નિર્ણય કર્યો. સુલક્ષણી નામની કન્યા સાથે નાનકનાં લગ્ન સંવત ૧૫૪૫ના જયેષ્ઠ માસમાં થયાં. લગ્નજીવનથી તેમને બે પુત્રો થયા. ગૃહસ્થાશ્રમ અને કુટુંબપ્રેમમાં છ વર્ષ પસાર કર્યા બાદ તેઓ વિશ્વપ્રેમના માર્ગે વળ્યા. આગળ જતાં તેઓએ જ્ઞાનપ્રસાર માટે પ્રવાસ આદર્યો. અનેક ગામો અને શહેરોમાં ઉપદેશામૃત વરસાવતા રહ્યા. તેઓ હરદ્વાર, સિયાલકોટ, મથુરા, વૃંદાવન, અયોધ્યા, કાશી, ગયા, કામરૂપદેશ, આસામ, મણિપુર, લોશાઈ, દક્ષિણનાં શહેરો, અજમેર, પાટણ, ઈડર, ડુંગરપુર, ઉજ્જૈન, નાગપુર, હુગલી, ગોલકોંડા, હૈદ્રાબાદ, પંઢરપુર, તાંજોર, ત્રિચિનાપલ્લી, રામેશ્વર, લંકા, મલબાર, શૃંગેરી વગેરે શહેરો અને સિક્કિમ, ભૂતાન, કરાંચી, બલુચિસ્તાન, મક્કા, મદીના, બગદાદ, ચીન વગેરે દેશોમાં પણ જ્ઞાનપ્રસારના પવિત્ર કાર્ય માટે ગયા હતા. તેઓ ૧૫૭૯માં કર્તારપુરમાં આવ્યા અને ૧૫૯૫ના આસો માસમાં તેમનો અંત :કાળ થયો ત્યાં સુધી ત્યાં જ રહ્યા. અંતકાળે ‘ૐ સત્યશ્રી અકાલ!’નો મંત્ર ત્રણ વખત ઉચ્ચારી ગુરુ નાનકદેવનો પવિત્ર આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો. ‘અકાલ’ એટલે અવિનાશી પરમાત્મા!

તેમના નાના પુત્ર લક્ષ્મીચંદ્રે પખો ગામમાં નાનકજીના નામે બનાવેલ મંદિર ‘નાનકડેરા’ નામે જાણીતું છે. નાનકે નવો ધર્મ સ્થાપ્યો – શીખ ધર્મ. શીખ એટલે શિષ્ય-ચેલો. નાનકનું સમગ્ર જીવન ધર્મનો ઉપદેશ આપવામાં વીત્યું. તેઓએ દેશવિદેશનું ખૂબ ભ્રમણ કર્યું. એક વાર તેઓ મક્કા પણ ગયા હતા. નાનકદેવ અંધવિશ્વાસની વિરુદ્ધ હતા. જાતિ-જ્ઞાતિનો કોઈ ભેદ તેઓ માનતા ન હતા. તેઓના શિષ્યોમાં હિન્દુ પણ હતા અને મુસલમાન પણ હતા, ઉચ્ચ વર્ગના લોકો પણ હતા અને નીચલા વર્ગના પણ હતા. જપુજી નાનકદેવની સૌથી સારી અને સૌથી ઊંચી રચના છે. શીખ ધર્મ પ્રારંભથી જ પ્રગતિશીલ રહ્યો છે. શીખ ધર્મમાં ‘વાહે ગુરુ’નો ધાર્મિક નારો પ્રચલિત છે.

ગુરુ ગોવિંદે જ ચાર ‘ચકાર’નું પ્રચલન કર્યું હતું જે ધારણ કરવું પ્રત્યેક શીખ માટે આવશ્યક મનાય છે. તે ચાર આ પ્રકારનાં છે. (૧) કંઘી (૨) કચ્છ (૩) કડું (૪) કિરપાણ.

ધર્મગ્રંથ – શ્રીગુરુગ્રંથસાહિબ

ગુરુ નાનકદેવનાં વચનોને સૌપ્રથમ ગુરુ અંગદે ‘ગુરુમુખી’ લિપિમાં લખ્યાં. ત્યારથી આ લિપિ ચાલુ થઈ છે. શીખોના મુખ્ય ધર્મગં્રથ ‘ગ્રંથ સાહિબ’નું સંકલન અને સંપાદન ઈ.સ. ૧૬૦૪માં અમૃતસરમાં પાંચમા ગુરુ અર્જનદેવે કર્યું હતું. આ ગ્રંથમાં પહેલાંના પાંચ ગુરુ અને નવમા ગુરુ તેગબહાદુરનાં વચન અને પદને દસમા ગુરુ ગોવિંદસિંહે સંગ્રહિત કર્યાં છે. એક દોહો એમનો પોતાનો પણ છે. શીખ ધર્મમાં શ્રીગુરુગ્રંથનો પણ મોટો મહિમા છે. આ ગ્રંથમાં ગુરુ શિષ્યોની સાથે વાત કરતા હોય તે રીતની વાણી છે. ૧૪૩૦ મોટાં મોટાં પૃષ્ઠો ધરાવતા આ ગુરુગ્રંથમાં ૩૧ રાગોમાં આબદ્ધ લગભગ ૬૦૦૦ ભજનોનો સંગ્રહ છે. આ ગ્રંથમાં શીખ ગુરુઓ ઉપરાંત હિંદુ અને મુસલમાન સંતોની વાણીને સમાવવામાં આવી છે.

ગુરુગ્રંથમાં પરમેશ્વરનાં અનેક નામ આવે છે. હરિ, રામ, પ્રભુ, ભગવાન, ગોવિંદ, ગોપાલ, ઈશ્વર, માધવ, મુરારી ઉપરાંત અલ્લાહ, કરીમ, રબ્બ, રહીમ, વાહેગુરુ વગેરે નામ પણ જોવા મળે છે.

ગુરુ જેટલી જ આ ધર્મગ્રંથ ઉપર શ્રદ્ધા રાખવાનું શીખ ધર્મમાં કહેવામાં આવ્યું છે. ૧૭૦૮માં ગુરુ ગોવિંદે પોતાના અંતિમ સમયે ‘ગ્રંથ’ની જ પંથના ગુરુ તરીકે ઘોષણા કરી અને એવી આજ્ઞા કરી કે હવેથી કોઈ વ્યક્તિ ગુરુ નહીં બને.

ગુરુગ્રંથને ગુરુ માનવાનો અર્થ છે – ગુરુની પવિત્રવાણી પ્રમાણે, નાનકદેવ અને બીજા ગુરુઓ તથા ભક્તોની વાણી પ્રમાણે ચાલવાથી જ મનુષ્યનું કલ્યાણ થશે. તે વાણી વડે જ આ લોક અને પરલોક બંને સ્થળે સુખ મળશે, શાંતિ મળશે, મુક્તિ મળશે.

ગુરુગ્રંથની પૂજાનો અર્થ છે – ગુરુગ્રંથની વાણી અનુસાર પોતાના જીવનને તે પ્રમાણેનું બનાવવાનું.

શીખ ધર્મમાં એક ઈશ્વરની ઉપાસના કરવામાં આવે છે. તેઓમાં અનંત ગુણો છે. તેઓનાં અનંત નામ છે એટલું જ નહીં તેઓ અનામ છે.

ગુરુ નાનકની રચનાઓમાં કેટલાક વારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે; જેવા કે આસા-દી-વાર, માઝ-દી-વાર વગેરે. ‘બારમાહા’ પણ રહસ્યવાદી ક્ષેત્રમાં આત્મા-પરમાત્માના સંબંધો વિષયક અભૂતપૂર્વ રચના છે. ‘સિદ્ધિ-ગોષ્ઠી’માં યથાર્થ-યોગ પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સંધ્યા સમયે પાઠ કરવાની રચના ‘રહિરાસ’ અને શયન વેળા પાઠ કરવાની રચના ‘સોહિલા’ ગુરુ નાનકનું ખાસ વિશિષ્ટ પ્રદાન છે. આ સઘળી રચનાઓમાં બ્રહ્મ અને ગુરુ, માયા અને જીવ, આત્મજ્ઞાન, નામ અને હુકમ જેવા વિષયોને સુપેરે સ્ફૂટ કર્યા છે. શીખ ધર્મમાં નામસ્મરણને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. શીખ ધર્મ પાળવાવાળા લોકો માને છે કે પ્રભુ સર્વવ્યાપી છે.

ધર્મોપદેશ

શીખધર્મનાં મુખ્ય લક્ષણો આ મુજબ છે.

૧. સત્ય સર્વથી ઉચ્ચ છે, પણ સત્યાચરણ તેનાથીય ઉચ્ચતર છે. એક ઈશ્વરની સત્યતામાં શ્રદ્ધા રાખવી અને તેના આદેશો પ્રત્યે મસ્તક નમાવવું.

ર. પરમ સત્યરૂપ પરમાત્માની આરાધના અર્થે હિન્દુ હોય કે મુસલમાન બધાંને તેઓએ સમભાવપૂર્વક નિમંત્ર્યા અને જણાવ્યું કે તેમાં વિશ્વાસ, તેની મહેર, સદાચાર વગેરે જરૂરી છે.

૩. જાદુમંતર, કર્મકાંડ અને બાહ્યાચારનો તેઓએ પ્રતિકાર કર્યો.

૪. તેઓએ હિન્દુ-મુસલમાનોમાં સમન્વય સાધ્યો.

પ. તેઓએ ગૃહત્યાગ કરવા પર નિષેધ સૂચવ્યો.

૬. મન પરના સંયમ દ્વારા નામ-સ્મરણમાં ચિત્ત પરોવાય તે પર ભાર મૂક્યો.

૭. નામ-સ્મરણ અને હુકમપાલનને જ મોક્ષનું એક માત્ર ઉપાદાન માન્યું.

તહેવારો

શીખધર્મનાં મુખ્ય તહેવારો આ મુજબ છે :

ગુરુનાનક જયંતી

બૈશાખી

ગુરુપર્વ

Total Views: 164
By Published On: November 1, 2015Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram