જાપાનમાં અત્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર છે, પરંતુ તેનો પ્રાચીન ધર્મ શિન્ટો છે. શિન્ટો શબ્દનો અર્થ થાય દેવતાઈ માર્ગ. ઈ.સ. ૬૦૦થી આ નામ જાપાનના પ્રાચીન ધર્મને લગાડવામાં આવ્યું છે. આ ધર્મના કોઈ સ્થાપક નથી. આ ધર્મ પ્રાચીન કાળના વિભિન્ન લોકસમુદાયની પ્રણાલીઓ અને માન્યતાઓ પર આધારિત છે. સુધારાવાદી સમ્રાટ કોટુકુએ બુદ્ધના ધર્મને આવકાર્યો અને શિન્ટો ધર્મને તિરસ્કાર્યો આ કારણે બૌદ્ધ ધર્મનું છઠ્ઠા સૈકામાં જાપાનમાં આગમન થયું. બૌદ્ધ ધર્મે જાપાનના જૂના શિન્ટો ધર્મનો નાશ ન કરતાં એની સાથે તે ભળી ગયો. શિન્ટો ધર્મનાં દેવળો અને ઉત્સવો યથાવત્ રહ્યાં. શિન્ટોના દેવ તે બુદ્ધદેવના જ અવતાર છે એમ મનાવા લાગ્યું. શિન્ટો ધર્મે પછીના સમયમાં નીચેની દસ ધર્માજ્ઞાઓ કરી :
(૧) ઈશ્વરેચ્છાનું ઉલ્લંઘન ન કરો. (૨) તમારા પૂર્વજોના ઉપકારને ન ભૂલો. (૩) રાષ્ટ્રના ફરમાનનું ઉલ્લંઘન કરીને ગુનો ન કરો. (૪) જે દેવો દ્વારા કુદરતી આપત્તિ અને દુર્ભાગ્યનું નિવારણ થાય છે તેમજ બીમારી દૂર થાય છે તે દેવોની ભલમનસાઈને ન ભૂલો. (૫) સમગ્ર જગત એક મહાન કુટુંબ છે તે ન ભૂલો. (૬) તમારા સ્વયંના વ્યક્તિત્વની સીમાઓને ન ભૂલો. (૭) બીજાઓ ક્રોધિત થાય છતાંય તમે ક્રોધિત ન થાઓ. (૮) તમારા કાર્યમાં નિષ્ક્રિય ન બનો. (૯) ધર્મોપદેશો પર દોષારોપણ ન કરો. (૧૦) પારકાના ધર્મોપદેશથી આકર્ષાઈને ખેંચાઈ ન જાઓ.
પશ્ચાદ્વર્તી સમયમાં શિન્ટો ધર્મે નિષ્ઠા અને પવિત્રતા પર ભાર મૂક્યો. શિન્ટો ધર્મ તેના અનુયાયીઓને નજીકનાં મંદિરોમાં જવા અને ઉત્સવમાં ભાગ લેવા તથા દૂરનાં સ્થાનોએ યાત્રાએ જવા માટે પ્રોત્સાહિત કરે છે. એ નોંધપાત્ર છે કે લગભગ હજાર વર્ષ સુધી શિન્ટો ધર્મે બૌદ્ધ ધર્મ સાથે સહ-અસ્તિત્વ જાળવી રાખ્યું. જાપાનમાં સંપૂર્ણપણે બૌદ્ધવાદી કે શિન્ટોવાદી હોય તેવાની સંખ્યા અલ્પ છે.
ધર્મગ્રંથ
શિન્ટો ધર્મનું મોટું પુસ્તક ‘કોજિકિ’ છે. ઈ.સ. આઠમા સૈકાના પ્રારંભમાં એક પૌરાણિકના મુખેથી દેવકથાઓ રૂપે આ પુસ્તક ઉતારી લીધેલું છે. આ ગ્રંથમાં સૃષ્ટિની ઉત્પત્તિ, જાપાનનો પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન દેવકથાઓ ઇત્યાદિ વર્ણવવામાં આવેલાં છે. આવું જ અન્ય પુસ્તક ‘નિહોંગી’ નામનું છે. શિન્ટો ધર્મમાં દેવને ‘કમી’ કહે છે. આ ‘કમી’ના વર્ગ પાડીએ તો તેમાં એક વર્ગ પ્રકૃતિના દેવોનો અને બીજો મનુષ્યના દેવોનો એમ બે વર્ગ થાય. પ્રાચીન શિન્ટો ધર્મના દેવ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સમુદ્ર વગેરેમાં વસનારા દેવ છે. તેઓ પૈકીના મુખ્ય દેવો નીચે મુજબ છે :
(૧) અમતેરસુ – સૂર્યદેવી. (૨) ત્સુકિ યોમિ – ચંદ્રદેવી. (૩) સુસ નો વો – પર્જન્યદેવ. (૪) ઓહોનમોચિ – પૃથ્વીદેવ. (૫) ઉકેમોચિ – અન્નદેવી.
આ ઉપરાંત પર્વત, વાયુ, સમુદ્ર, નદી, અગ્નિ, વૃક્ષ, કૂપ, ગૃહસ્થંભ ઇત્યાદિના પણ દેવો છે.
શિન્ટો ધર્મનાં દેવળો સફેદ લાકડાનાં અને કોઈ પણ જાતની કોતરણી વિનાનાં હોય છે. આમાં દેવળોની પવિત્રતા અને સાદાઈનો ભાવ ગર્ભિત છે. દેવળોમાં કોઈ પણ દેવની મૂર્તિ હોતી નથી. તેને સ્થાને દેવના બદલે ચિહ્નરૂપે તલવાર, દર્પણ કે રત્ન સ્થાપિત કરવામાં આવેલું હોય છે. આ ચિહ્નને રેશમી વસ્ત્રથી ઢાંકેલું રાખવામાં આવે છે.
તહેવારો : (૧) ઓશોગાત્સુ (૨) હારુમાત્સુરી.
Your Content Goes Here