નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ’એ પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે.

મનુષ્યની સ્વભાવસિદ્ધ વિશિષ્ટતા તેની બુદ્ધિ-વિવેચના છે. મનુષ્ય પ્રકૃતિનું દાસત્વ સ્વીકારીને યાંત્રિક મનોવૃત્તિથી પૂર્ણતાનો અનુભવ કરી ન શકે, કે ક્યારેય સંતુષ્ટ ન થઈ શકે, ધન્યતાની અનુભૂતિ પણ ન કરી શકે. વસ્તુત : જન્મ, શૈશવ, બાલ્યાવસ્થા, યૌવન, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, મૃત્યુ, આશા-નિરાશા, વિધ્વંસ-નિર્માણ, પ્રાપ્તિ-અપ્રાપ્તિ, જય-પરાજય, ઉત્થાન-પતન, જ્ઞાન-અજ્ઞાન વગેરેના ધુમ્મસથી નિરંતર ઢંકાયેલા અને સતત સંઘર્ષમય જીવનના રહસ્યને જાણી લેવું એ જ એનું પરમ લક્ષ્ય જણાય છે. સંપૂર્ણ સૃષ્ટિની પાછળ જે ગૂઢતત્ત્વ અને અદૃશ્ય શક્તિ ક્રિયાશીલ છે, તેને તે મેળવવા ઇચ્છે છે. ‘આત્મેત્યેવોપાસીત… તદેતત્ પદનીયમસ્ય સર્વસ્ય’ (બૃ.ઉ. ૧.૪.૭) આ સાધના દ્વારા મનુષ્ય એ લક્ષ્યને પામવા માટે જીવનની બધી વસ્તુઓની એક પછી એક પરીક્ષા કરીને તેના યથાર્થ તત્ત્વને સમજવા માટે જ તે પોતાની બધી શક્તિ કામે લગાડી દે છે. તેને જાણવા ને પ્રાપ્ત કરવામાં જ તેને પૂર્ણ સંતોષ અને સમાધાન પ્રાપ્ત થાય છે તથા એમાં જ જીવનની સાર્થકતા રહેલી છે. ‘યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તત :.’ (ગીતા ૬.૨૨)

આ હેતુથી જ બધા દેશના, બધા કાળના શ્રેષ્ઠ માનવોના ઈશ્વરાનુસંધાનમાં, ભગવદ્ આરાધનામાં અને સેવામાં સર્વોત્કૃષ્ટ ચિંતનનો પરિચય જોવા મળે છે. એ પણ જોવા મળે છે કે આ પરમલક્ષ્યની પ્રાપ્તિમાં સફળ થઈને માનવ મહાત્મા, મહામાનવ, બોધિસત્વ, દેવ, ભગવાન બની જાય છે. તેના જીવનનું પ્રાણકેન્દ્ર જળમાં, સ્થળમાં, આકાશમાં, વાયુમંડળમાં, ગ્રહનક્ષત્રમાં, જીવનમરણમાં સર્વદા એકમાત્ર વિશ્વપ્રેમ બની જાય છે. તેના સમસ્ત આનંદનો સ્રોત એકમાત્ર તેનો અંતરાત્મા બની જાય છે. તેના પ્રેમ અને આનંદનો સ્રોત છે ‘તદેતત્ પ્રેય : પુત્રાત્ પ્રેયો વિત્તાત્ પ્રેયોઽન્યસ્માત્ સર્વસ્માદન્તરતરં યદયમાત્મા’

(બૃ.ઉ. ૧.૪.૮), ‘આત્મન્યેવાત્મના તુષ્ટ : સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે.’ (ગીતા-૨.૫૫)

પરંતુ દેશ, કાળ અને પાત્રના ભેદથી પ્રયોજન પ્રમાણે ભગવાનની આરાધનાનાં આ ભાવ, રૂપ, અને ક્રિયા ભિન્ન ભિન્ન ભાવોમાં, વિભિન્ન ભાષાઓમાં ભિન્ન ભિન્ન અનુષ્ઠાનોના રૂપે પ્રગટ થાય છે. ભગવત્-પ્રાપ્તિરૂપ જ્ઞાનાલોકમાં બધા સંદેહ દૂર થઈ જાય છે, આત્મસ્મૃતિ પાછી આવી જાય છે અને આત્મવિશ્વાસ દૃઢ થઈ જાય છે – ભિદ્યતે હૃદય-ગ્રંથિશ્છિદ્યન્તે સર્વસંશયા :—। ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન્ દૃષ્ટે પરાવરે।। (મુંડક ઉ. ૨.૨.૮)

પૂર્ણકામ, સ્થિર બુદ્ધિયુક્ત મહર્ષિગણ આ ભાવથી મત અને પથનો નિર્દેશ કરી જાય છે. વાક્યમનાતીત સૂક્ષ્માતિસૂક્ષ્મ પરમાત્મતત્ત્વનું નિશ્ચિત લક્ષણ બતાવી શકાય નહીં, એને ઈંગિત જ કરી શકાય. એટલે શ્રીરામકૃષ્ણે કહ્યું છે, ‘સાકાર, નિરાકાર અને એનાથી એ વધારે કેટલું અને શું? અહીંની અનુભૂતિઓ વેદ-વેદાંતને પાછળ મૂકી દે છે.’ બીજી તરફ વત્તાઓછા પ્રમાણમાં પ્રત્યેક દ્રષ્ટા, ધર્માચાર્ય કે ધર્મગુરુને કેન્દ્ર બનાવીને ભિન્ન ભિન્ન ધર્મ અને સંપ્રદાય ઊભા થયા. ગુરુભક્તિનું લક્ષણ છે ‘એકાંતિક નિષ્ઠા.’ નિષ્ઠા પ્રત્યે અત્યધિક સતર્કતા અને ભક્તિપ્રવણતાને કારણે સંકીર્ણતા અને રૂઢિવાદિતા આવી જાય છે અને આ જ રૂઢિવાદિતા કટ્ટરતામાં પરિણત થાય છે. કટ્ટરતાથી કોલાહલ, વેર-વિરોધ, મારામારી અને અંતે યુદ્ધ પણ થઈ જાય છે. જે ઈશ્વર સર્વવ્યાપી, સર્વરૂપ તથા બધાના પ્રેમાસ્પદ છે; તેમાં વિશેષ આશ્ચર્યની વાત તો એ છે કે સંકીર્ણતાને કારણે એના નામ પર ઉચ્ચ-નીચના ભેદ, જ્ઞાની-અજ્ઞાનીની ભિન્નતા, વર્ણની વિષમતા, અધિકાર ભેદ જેવી વાતો શરૂ થઈ જાય છે. કયાં પેલા પરમ કરુણામય, કરુણાવરુણાલય જગત્પિતા અથવા જગન્માતા અને કયાં એમના નામે એમનાં રૂપ, ગુણ, લક્ષણનિર્ધારણ તથા નિરૂપણમાં હિંસાનું તાંડવનૃત્ય! એનાથી વધારે શરમની વાત બીજી કઈ હોઈ શકે?

પરંતુ તેની સાથે એ પણ સત્ય છે કે આ મત અને પથનાં દ્વંદ્વ અને યુદ્ધ કોઈ નવી વાત નથી. આ પણ જાણે કે એક ચિરંતન સત્ય છે. આ જ કારણે માનવજાતિમાં એવું જોવા મળે છે કે આ સંઘર્ષનો ઇતિહાસ પણ તેની સાથે અવિચ્છેદ્યરૂપે જોડાયેલ છે. ક્યારેક ઓછો તો ક્યારેક વધારે, ક્યારેક ઉગ્ર તો ક્યારેક નમ્ર. પરમહંસ દેવના એક ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે,

‘કેટલાક અંધજનો એક હાથી પાસે ગયા. કોઈ બીજાએ કહ્યું કે આ પ્રાણીનું નામ હાથી છે. ત્યારે પેલા અંધલોકોએ હાથી કેવો હોય છે, એ જાણવાની ઇચ્છા કરી. એમાંથી એકે હાથીના પગને સ્પર્શ કરીને કહ્યું, ‘હાથી એક થાંભલા જેવો છે.’ એ અંધે હાથીના પગનો જ સ્પર્શ કર્યા હતો. બીજાએ કહ્યું કે હાથી એક ‘સૂપડા’ જેવો છે. એણે હાથીના એક કાનને હાથ લગાડીને જોયું હતું. આ રીતે જેણે સૂંઢ કે પેટે હાથ લગાડીને જોયું તો તેઓ એવી જ રીતે અલગ અલગ પ્રકારે કહેવા લાગ્યા. એવી જ રીતે ઈશ્વર વિશે જેણે જેટલું જોયું છે, તે વિચારે છે કે ઈશ્વર આવો જ છે અને બીજું કંઈ નહીં.’

પરંતુ ગઈ બે સદીઓથી વિજ્ઞાનના અભ્યુદય સાથે મનુષ્યે માનવના એકત્વને ક્રમશ : જાણવા અને સમજવાનો પ્રારંભ કરી દીધો છે. ધર્મ એક વિજ્ઞાન છે. પરંતુ ધર્મની યુક્તિક્તા અને તેનો વૈજ્ઞાનિક આધાર અસ્પષ્ટ હોવાને કારણે આ યુગના સંધિકાળે ભગવાન શ્રીરામકૃષ્ણ દેવનો આર્વિભાવ થયો. તેમણે પોતાની સાધના અને પ્રત્યક્ષ તેમજ યથાર્થ અનુભૂતિને યુગોપયોગી બનાવીને જનમાનસમાં ધર્મને સુપ્રતિષ્ઠિત કરી દીધો છે. ઈશ્વર એક છે, ધર્મ એક છે, ‘જેટલા મત એટલા પથ’, બધા ધર્મ સત્ય છે, બધા ધર્મોનું લક્ષ્ય છે-સાર્વભૌમિક સત્યની પ્રાપ્તિ કરવી, આનંદના અધિકારી બનવું, અમૃતત્વ પ્રાપ્ત કરવું. માનવજીવનનો આ જ ઉદ્દેશ્ય છે.

શ્રીરામકૃષ્ણ દેવના આ મહામંત્ર વિશે લીલા પ્રસંગમાં સ્વામી સારદાનંદજીએ લખ્યું છે, ‘બધા મતોની સાધનામાં પૂર્ણ થઈને શ્રીરામકૃષ્ણ દેવની દૃઢ ધારણા થઈ ગઈ હતી, ‘બધા ધર્મો સત્ય છે, જેટલા મત તેટલા જ પથ છે.’ યોગ ચેતના અને સાધારણ બુદ્ધિ બંનેના આધારે શ્રીરામકૃષ્ણ દેવે સમજી લીધું હતું- એવું કહી શકાય છે. એનું કારણ એ છે કે બધા મતોની સાધના દ્વારા એમણે પ્રત્યેકની પ્રત્યક્ષ અનુભૂતિ મેળવી હતી. યુગાવતાર શ્રીરામકૃષ્ણ દેવની આ વાણીના પ્રચારના પરિણામે ધાર્મિક મનોમાલિન્ય અને ધર્મગ્લાનિ દૂર થશે. તેથી આ યુગ-પ્રયોજન માટે જ વર્તમાન યુગમાં એમનું આગમન થયું છે, એ વાત સહજ ભાવે સમજી શકાય છે. આધ્યાત્મિક સિદ્ધાંતની ઉદારતા પ્રમાણે જ અવતારી પુરુષના યોગદાનનું મૂલ્યાંકન કરીને જ એમને યથાયોગ્ય સ્થાન આપવું પડશે. આ દૃષ્ટિએ વિચાર કરવાથી શ્રીરામકૃષ્ણ દેવને અવશ્ય સર્વોચ્ચ સ્થાન દેવું પડશે.

બધા ધર્મ સત્ય છે ‘જેટલા મત તેટલા પથ’ આ મહાન ઉદાર વાણીને શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી સર્વપ્રથમ સાંભળીને જગત ચકિત અને મુગ્ધ થઈ ગયું છે, આ વાત આપણામાંથી ઘણાને આ સમયે સમજાઈ ગઈ છે. એના પર વિરોધ કરીને કોઈ કહી શકે કે પ્રાચીન યુગના ઋષિ અને ધર્માચાર્યોમાંથી કોઈ કોઈની અંદર આ ઉદારતાનો આંતરિક આંશિક વિકાસ જોવા મળ્યો છે. પરંતુ થોડી ગહન દૃષ્ટિએ જોવાથી આ વાત સમજાય છે કે આ બધા આચાર્યોએ પોતપોતાની બુદ્ધિથી કેટલાક મતોમાં કાપકૂપ અને ખેંચતાણ કરીને એમાં જે કંઈ હતું તેને જ સારભૂત માનીને, જે કંઈ પોતે સમજી શકયા હતા એમાં જ એક સમન્વય જોવાનો અને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રીરામકૃષ્ણે આ રીતે કોઈ પણ મતના ભાવનો જરાય ત્યાગ કર્યા વિના સમાનરૂપે એમાનામાંથી પ્રત્યેકને પોતાના જીવનમાં સાધના દ્વારા અનુભૂત કરીને તથા એ મતના નિર્દિષ્ટ લક્ષ્ય સુધી પહોંચીને જ આ નિશ્ચિય કર્યો હતો. આ રીતે પહેલાંના કોઈ પણ આચાર્યે આ સત્યની પ્રાપ્તિ કરી ન હતી.’

એટલે તો સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણ દેવના આવિર્ભાવ વિશે કહ્યું હતું, ‘આર્ય પ્રજાનો સાચો ધર્મ શું છે તેનું દૃષ્ટાંત પૂરું પાડવા, અનાદિ કાળથી ચાલ્યા આવતા ઇતિહાસમાં ભારતની સમગ્ર ભૂમિમાં પ્રસરી રહેલા અનેક વિસંવાદી અને એકબીજા સાથે ઝઘડતા, પરસ્પર વિરુદ્ધ રીતરિવાજોથી ભરેલા અને તેથી આપણા દેશના માણસો માટે દુર્બાેધ કોયડારૂપ અને પરદેશીઓના ધિક્કારને પાત્ર બની ગયેલા, ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી સંપ્રદાયો વચ્ચે હિંદુ ધર્મની સાચી એકતા કયાં રહેલી છે તે દર્શાવવા અને સર્વોપરી સનાતન ધર્મનાં જે સાર્વજનિક મર્મ અને વિશિષ્ટતા કાળક્રમે ભુલાઈ ગયાં હતાં તે સનાતન ધર્મમાં પોતાના અપૂર્વ જીવન દ્વારા પ્રાણ રેડવા ભગવાન શ્રીરામકૃષ્ણનો અવતાર થયો હતો.’

પોતાના જીવનમાં તંત્ર, વૈષ્ણવ તેમજ અદ્વૈત વેદાંતની સાધના દ્વારા પ્રત્યક્ષ અનુભૂતિ મેળવીને અને ઈસ્લામ તેમજ ખ્રિસ્તી ધર્મોની સાર્થકતાની પ્રત્યક્ષ અનુભૂતિ મેળવીને શ્રીરામકૃષ્ણ અનેક રીતે ભિન્ન ભિન્ન અવસરે આ મહાન સત્ય બતાવી ગયા છે. એ વિશે એમના શ્રીમુખેથી નીકળેલી વાણી બધા ધર્મોમાં એકત્વ અને સમન્વય બતાવે છે અને બધા સંભવિત પ્રશ્નોનું સાચું સમાધાન અને યોગ્યતા બતાવે છે. જેમ કે (કેદાર વગેરે ભક્તોને), ‘બધા માર્ગાેથી એમને મેળવી શકાય છે. બધા ધર્મો સત્ય છે. અગાસી પર પહોંચવાની વાત છે. ત્યાં તમે દાદરેથી જઈ શકો છો, નિસરણીથી પણ જઈ શકો છો, વાંસની સીડીથી પણ જઈ શકો છો.

‘જો તમે કહો કે એ ધર્મોમાં ઘણી ખામી છે, કુસંસ્કાર છે, તો હું કહું છું કે એ બધું કયા ધર્મમાં નથી. બધા ધર્મોમાં છે. બધા એમ વિચારે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. વ્યાકુળતા હોવાથી જ બધું થઈ જશે. એમના પર પ્રેમ, આકર્ષણ રહેવાથી થઈ જશે. તેઓ તો અંતર્યામી છે, આંતરિક આકર્ષણ અને વ્યાકુળતાને તેઓ જાણી શકે છે. ધારો કે એક પિતાને ઘણા છોકરા છે. મોટા છોકરાઓ તેમને ‘બાબા’ અને ‘પાપા’ જેવા શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારણથી બોલાવે છે. પરંતુ નાનાં બાળકો એમને કેવળ ‘બા’ અને ‘પા’ એમ કહીને બોલાવે છે. હવે જે ‘બા’ અને ‘પા’ જ બોલી શકે છે શું એમને પિતા ચાહતા નથી? પિતા જાણે છે કે તેઓ મને બોલાવે છે. પછી ભલે તે સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકતા ન હોય. પિતા માટે બધાં બાળકો સમાન છે.

એ રીતે ભક્તગણ પણ ઈશ્વરને ભિન્ન ભિન્ન નામે પોકારે છે. તેઓ એમને જ પોકારી રહ્યા છે. એક તળાવના ચાર ઘાટ છે. હિન્દુ જે ઘાટ પર પાણી પીએ છે ત્યારે તેને તેઓ ‘જલ’ કહે છે. મુસલમાન જે ઘાટ પર પાણી પીએ છે ત્યારે તેઓ તેને ‘પાની’ કહે છે. અંગ્રેજો જે ઘાટ પર પાણી પીએ છે તેને ‘વોટર’ કહે છે અને કેટલાક અન્ય લોકો ‘એકવા’ કહે છે. આવી જ રીતે ઈશ્વર એક છે, પણ લોકો એને જુદા જુદા નામે બોલાવે છે.

જેનો જે ભાવ હોય તેના તે જ ભાવનું હું સન્માન કરું છું. વૈષ્ણવો માટે વૈષ્ણવોના ભાવને રાખવા કહું છું, શાક્તો માટે શાક્તના ભાવને. એટલે કહું છું કે ‘મારો જ માર્ગ સાચો છે અને બાકી બધા મિથ્યા છે, એવું ન કહો.’ હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી ભિન્ન ભિન્ન પથ દ્વારા એક જ સ્થાને પહોંચે છે. પોતપોતાના ભાવ દ્વારા આંતરિકતાથી એમને પોકારીએ તો ભગવત્પ્રાપ્તિ થશે.

વિજયની સાસુએ કહ્યું હતું કે આપ બલરામને કહી દો કે સાકાર પૂજાની શી આવશ્યકતા છે? નિરાકાર સચ્ચિદાનંદને પોકારવાથી બધું થઈ જશે.

મેં કહ્યું, ‘આ વાત હું એમને શા માટે કહું ? અને તેઓ એ શા માટે સાંભળે?’

હું કહું છું કે બધા એમને પોકારી રહ્યા છે. વેરવિરોધની આવશ્યકતા નથી. કોઈ કહે છે સાકાર, કોઈ કહે છે નિરાકાર. હું કહું છું કે જેને સાકાર પર વિશ્વાસ છે તેઓ સાકારનું ચિંતન કરે, જેમને નિરાકાર પર શ્રદ્ધા છે તેઓ નિરાકારનું ચિંતન કરે. છતાં પણ કહું છું કે મતાંધતા સારી નથી. એટલે કે મારો જ ધર્મ સાચો છે અને બીજા બધા ખોટા છે (એ વાત સાચી નથી).’ મારો ધર્મ બરાબર છે અને પેલા લોકોનો ધર્મ પણ ઠીક છે કે નહીં, સાચો છે કે નહીં, એની મને ખબર નથી; આ ભાવ સારો છે. એનું કારણ એ છે કે જ્યાં સુધી ઈશ્વરદર્શન નથી થતું ત્યાં સુધી તેઓ કેવા છે તે વાત સમજમાં નથી આવતી. કબીર કહે છે :

નિર્ગુણ મેરે બાપ હૈં, સગુણ મેરી મહતારી—।

કાકો નિન્દૂ કાકો વન્દૂ, દોનોં પલડા ભારી—।।

હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, શાક્ત, શૈવ, વૈષ્ણવ, પ્રાચીન ઋષિઓની વાણી અને આધુનિક બ્રહ્મજ્ઞાની તમે બધા એક જ વસ્તુને ચાહો છો. છતાં પણ જેના પેટમાં જે સહ્ય અને સુપાચ્ય બને તે પ્રકારે મા વ્યવસ્થા કરે છે. મા ઘરમાં કોઈ પણ ખાવાની વસ્તુ લાવે અને જો તેને પાંચ છોકરા હોય તો બધાને એક જ પ્રકારનું ખવડાવતી નથી. કોઈને માટે જોલ (બાફેલા શાકભાજી પાણી સાથે)બનાવે છે. પરંતુ મા પ્રેમ તો બધાને સમાનરૂપે જ કરે છે.

આંતરિક ભાવ થવાથી બધા ધર્મો દ્વારા ઈશ્વરને મેળવી શકાય છે. વૈષ્ણવ પણ ઈશ્વરને મેળવી શકે, શાક્તને પણ ઈશ્વર મળશે, વેદાંતી પણ મેળવશે, બ્રહ્મજ્ઞાની પણ ઈશ્વરપ્રાપ્તિ કરી શકશે અને એવી જ રીતે મુસલમાન, ખ્રિસ્તી પણ એમને મેળવી શકશે. આંતરિક પ્રેમ હોય તો બધાને મળશે. કેટલાક લોકો ઝઘડા કરી બેસે છે. તેઓ કહે છે, ‘અમારા કૃષ્ણને ભજ્યા વિના કંઈ થઈ શકશે નહીં’; ‘અમારાં કાલી માને ભજ્યા વિના કંઈ થશે નહીં’; ‘અમારા ખ્રિસ્તી ધર્મને અપનાવ્યા વિના કંઈ પણ થશે નહીં’.

આ પ્રકારની બુદ્ધિને મતાંધતા કહે છે, એટલે કે મારો જ ધર્મ બરાબર છે અને બાકીના બધા ખોટા છે. આવી બુદ્ધિ ખરાબ છે, ઈશ્વરની પાસે ભિન્ન ભિન્ન પથો દ્વારા જઈ શકાય છે. બધા માર્ગાેથી એમને મેળવી શકાય છે. જેમ તમે લોકો કોઈ ગાડી દ્વારા, કોઈ હોડીથી, કોઈ જહાજથી કે કોઈ પગપાળા જાઓ છો. જેને જેવી સુવિધા મળે કે જેવો જેનો સ્વભાવ હોય એ પ્રમાણે એ જાય છે. હેતુ એક જ છેે. કોઈ પહેલાં પહોેંચે છે તો કોઈ પછી પહોંચે છે.’

ધર્મના ક્ષેત્રમાં શ્રીરામકૃષ્ણ દેવે નિરર્થક વાદવિવાદને દૂર કરીને બધા ધર્મોનો સમન્વય કરી દીધો છે. તેઓ મનુષ્યની જાતિ, કુળ, શિક્ષણ, પદ વગેરે જોતા ન હતા. ‘ભાવગ્રાહી જનાર્દન’ ન્યાયથી તેઓ મનુષ્યની આંતરિક ભાવના તરફ ધ્યાન આપતા. એટલા માટે બધાની સાથે સમાનરૂપે એમનું હળવું-મળવું તથા આવવું-જવું સંભવ બન્યું હતું. જેમ કે એક બાજુએ કેશવચંદ્ર સેન, પ્રતાપચંદ્ર મજૂમદાર, શિવનાથ શાસ્ત્રી, ગિરીશ ઘોષ, રામચંદ્ર દત્ત વગેરે હતા; તો એ જ રીતે નરેન, રાખાલ, લાટુ, યોગીનમા, ગોલાપમા, ગોપાલની મા સાથે ને સાથે અભિનેત્રી વિનોદિની, પદ્મવિનોદ જેવાં નાટ્યભૂમિનાં અભિનેતા-અભિનેત્રીઓ, રસિક મહેતર એમ એ બધાંને એમણે પ્રેમથી પોતાની તરફ આકર્ષી લીધાં હતાં. આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મની વચ્ચે પારસ્પરિક વિરોધ તો સર્વવિદિત બાબત છે. તે બધાંનો પણ એમણે સમન્વય કર્યો હતો. એમાંથી પ્રત્યેક ઈશ્વરપ્રાપ્તિનો સ્વતંત્ર માર્ગ છે. દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ દેવના શ્રીમુખેથી ‘શિવજ્ઞાને જીવસેવા’ એવા મંત્રરૂપે નીકળેલી અમૃતધારા દ્વારા સર્જાયેલ જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મના અપૂર્વ સમન્વયકારી મંત્રે મનુષ્યના જીવનમાં એક નવીન આધ્યાત્મિક ચેતના અને ધાર્મિક ક્રાંતિ લાવી દીધી છે. આધ્યાત્મિક રાજ્યના બીજા એક પરસ્પર વિરોધી આદર્શ દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈતનો સમન્વય કરતાં શ્રીરામકૃષ્ણે કહ્યું છે- આ અવસ્થાઓ માનવના આધ્યાત્મિક વિકાસ પ્રમાણે સ્વત : આવીને ઊભી રહે છે. એટલે એ પરસ્પર વિરોધી ન હોઈને માનવની આધ્યાત્મિક ઉન્નતિ અને અવસ્થા સાપેક્ષ છે.

એક વાક્યમાં કહીએ તો શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશ સર્વ-ધર્મ સમન્વયનું મૂર્તરૂપ છે.

યૈર્મતે ધાર્મિકા યસ્મિન્ ધર્મમાર્ગે વ્યવસ્થિતા :—।

તેષાં તન્મતમાદૃત્ય ભક્તિક્ષેત્રે દૃœઢીકૃતા—।।

પ્રોત્સાહિત્ય યથા ન્યાયં યેન તત્સાધનેષ્વપિ—।

નમોઽસ્તુ રામકૃષ્ણાય તસ્મૈ શ્રી ગુરવે નમ :—।।

સર્વધર્મ પ્રણેતારં ધર્મગ્લાનિ વિનાશકમ્—।

સાધુમિત્રં શિવં શાન્તં રામકૃષ્ણં નમામ્યહમ્—।।

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.