પ્રારંભિક

એવું માનવામાં આવે છે કે સૂફીવાદનું મૂળ ઈસ્લામમાં છે અને મુહમ્મદ સાહેબ તેના આદ્યસ્થાપક છે. એવું કહેવાય છે કે મુહમ્મદ પયગંબરને બે પ્રકારે જ્ઞાનપ્રકાશ મળ્યો હતો – એક કુરાનમાં આબદ્ધ છે તેવો અને અન્ય તેમના અંત :કરણમાં અવસ્થિત. કુરાનનો ઉપદેશ સર્વને માટે તથા સર્વને બંધનકર્તા હતો; બીજા પ્રકારનો થોડાક પસંદગીયુક્ત પરંપરાગત વારસદારોને અપાયેલ. એટલે મુહમ્મદ પયગંબરને પ્રાપ્ત જ્ઞાનને બે પ્રકારે વર્ણવાયું છે : ઈસ્મ-ઈ-સફીના (ગ્રંથ-જ્ઞાન) અને ઈલ્મ-ઈ-સીના (અંત :કરણનું જ્ઞાન). પ્રથમ પ્રકારનું જ્ઞાન ઉલમાના સૈદ્ધાંતિક ઉપદેશમાં આલેખાયું છે. બીજા પ્રકારનું જ્ઞાન ચુસ્તપણે જૂજ દીક્ષિતોને ઉપલબ્ધ થયું છે. સૂફીઓનો આ રહસ્યમય ઉપદેશ છે. મુસલમાનોના મતે સૂફીવાદનાં મૂળ ઈસ્લામ ધર્મના ધર્મગ્રંથ કુર્આનના કેટલાક ફકરાઓમાં રહેલાં છે. શરૂઆતના સૂફીવાદની મુખ્ય લાક્ષણિકતા છે : સુખ-ભોગોનો ત્યાગ, અલ્લાહ અને તેના ચૂકાદાનો ડર.

ત્રણ રહસ્યવાદી કવિઓનું આગમન થતાં સૂફીવાદનો સર્વોત્કૃષ્ટકાળ ૧૩મી સદીમાં શરૂ થયો. આ કવિઓ હતા : ફરીદુદ્દીન અત્તાર, જલાલુદ્દીન રૂમી અને શેખ શાદી. ભારતીય સૂફીવાદનાં મૂળ પર્શિયાની રહસ્યવાદી અવધારણાઓમાં છુપાયેલાં છે.

સૂફીવાદમાં રહેલા પ્રેમતત્ત્વ અને તેના સ્થાપકોની સરળતાથી સમજી શકાય તેવી પ્રેરણાત્મક રચનાઓએ લોકો પર વિશેષ અસર કરી છે.

સૂફીમતના અનુયાયીઓની માન્યતાઓ

૧. અસ્તિત્વ માત્ર પરમાત્માનું છે; તે પ્રત્યેક વસ્તુમાં છે અને પ્રત્યેક વસ્તુ પરમાત્મામાં છે.

૨. દુનિયાની પ્રત્યેક ચીજ પરમાત્મામાંથી જ ઉદ્ભવી છે અને પરમાત્મા સિવાય કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ નથી.

૩. બધા ધર્મો વ્યર્થ છે; હા, જો તેઓ એક જ સત્ય તરફનો માર્ગ ચીંધે તો સાર્થક છે. આ બધામાં સાર્થક ધર્મ ઈસ્લામ છે, જેનું સાચું દર્શન સૂફીમતનું દર્શન છે.

૪. પાપ અને પુણ્યમાં કોઈ ભેદ નથી કારણ કે બન્નેનું સર્જન પરમાત્માએ જ કર્યું છે.

૫. મનુષ્યોના સંકલ્પનાં પ્રેરણા અને નિશ્ચય પરમાત્મા કરે છે તેથી મનુષ્ય પોતાનાં કર્મમાં પણ સ્વાધીન નથી.

૬. આત્મા શરીરના પાંજરામાં કેદ છે પરંતુ પાંજરું પછીથી બન્યું છે અને પક્ષી (આત્મા) પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે. પાંજરું તૂટ્યા વિના પક્ષી સ્વતંત્ર થઈ શકતું નથી. તેથી મૃત્યુ કામ્ય છે કારણ કે મૃત્યુ પછી જ આત્મા પરમાત્માને પ્રાપ્ત કરે છે.

૭. સૂફીનું મુખ્ય કર્તવ્ય ધ્યાન અને સમાધિ છે, પ્રાર્થના અને નામ-સ્મરણ-કીર્તન છે. આ પદ્ધતિ દ્વારા તે પરમાત્મા-મિલનના માર્ગ પર અગ્રસર થાય છે.

સૂફી મતનાં લક્ષણો

૧. સમગ્ર વાસ્તવિકતા એક છે એટલે કે સંસારમાં આપણે જે કંઈ પણ જોઈએ છીએ તે એક જ સત્તાનો વિસ્તાર છે. પ્રકૃતિનાં બધાં રૂપ એક જ સત્યનાં વિવિધ પાસાં છે.

૨. જેવી રીતે બધી વસ્તુઓ એક જ તત્ત્વમાંથી ઉદ્ભવી છે તેવી જ રીતે તે બધું એ જ તત્ત્વમાં વિલીન થાય છે.

૩. જો બુદ્ધિ ખંડિત અથવા પક્ષપાતયુક્ત ન હોય તો સત્યનું જ્ઞાન બુદ્ધિ દ્વારા પણ થઈ શકે છે. તર્કથી વાસ્તવિકતાનું સમગ્રજ્ઞાન પ્રાપ્ત થતું નથી. વાસ્તવિકતાના સંપૂર્ણ જ્ઞાન માટે બુદ્ધિ કરતાં ભાવના અને અનુભૂતિ વિશેષ વિશ્વસનીય છે.

૪. મનુષ્યજીવનનું મુખ્ય લક્ષ્ય એ છે કે ધાર્મિક અનુભૂતિઓ દ્વારા મનુષ્ય અંતિમ સત્યનો સાક્ષાત્કાર કરે અને તે સત્ય સાથે એકાકાર બને.

૫. આ ધાર્મિક અનુભૂતિ જ પ્રેમ છે. ખરેખર પ્રેમમાં જ સત્યનું જ્ઞાન છુપાયેલું છે.

૬. બધા જ પ્રકારની ધાર્મિકતા અને ઉચ્ચ નૈતિકતાનો આધાર પ્રેમ છે. પ્રેમ વગર ધર્મ અને નીતિ બન્ને નિર્જીવ થઈ જાય છે. પ્રેમના પ્રકાશ વગર બુદ્ધિ પણ અંધકારમાં ભટકતી રહે છે.

૭. સૂફી સાધકો ઈશ્વરને નિરાકાર અને સાકાર એમ બંને રીતે માને છે. તેઓ ઈશ્વરને મનુષ્યનો આત્મા અને મનુષ્યને તે આત્માનું આવરણ માને છે. મોટે ભાગે દરેક સાધક ઈશ્વરની કલ્પના પરમ સુંદરીના સ્વરૂપે કરે છે અને તેના પર આસક્ત થવા માગે છે. સૂફી મતમાં પરમેશ્વર સાકાર સૌંદર્ય છે અને સાધક સાકાર પ્રેમ.

સૌંદર્યની સાથે પ્રેમ અને પ્રેમ દ્વારા મુક્તિ એ સૂફી મતનો સિદ્ધાંત છે. આમ તો સૂફી મત યતિવૃત્તિ, વૈરાગ્યસાધના, યોગ અને સંયમ એ બધા પર ભાર મૂકે છે. ભારતમાં સૂફીઓના ચાર સંપ્રદાયો પ્રસિદ્ધ છે :

૧. સુહરાવર્દિયા ૨. ચિશ્તિયા ૩. કાદિરિયા

૪. નક્્શબન્દિયા.

સૂફીમત પ્રેમનો માર્ગ છે. એક મત પ્રમાણે સૂફીસાધનાની શરૂઆત ઈ.સ. આઠમી સદી પહેલાં થઈ હતી. અબુ હાશિમે સૂફી સંપ્રદાયની સ્થાપના પેલેસ્ટાઈનમાં કરી હતી. અબુ હાશિમને પહેલા સૂફી માનવામાં આવે છે.

સૂફી અર્થ વિશે વિવિધ મંતવ્યો પ્રવર્તે છે. જુદા જુદા વિદ્વાનોએ ‘સૂફી’ શબ્દના વિભિન્ન અર્થો કર્યા છે. કેટલાકના મતે સૂફી એટલે પવિત્રતા, કેટલાકના મતે સૂફ એટલે ઊન. ‘સૂફ’ શબ્દ સૌપ્રથમ ઈ.સ. ૮૧૫માં વપરાશમાં આવ્યો. સૂફીઓ ઊનમાંથી બનાવેલ ચોલો અને કાનટોપી પહેરે છે. અરબીમાં ઊનને ‘સૂફ’ કહે છે. અન્ય મત પ્રમાણે સૂફીનો અર્થ પ્રેમનો સાધક થાય છે. અરબી ભાષાનો એક શબ્દ ‘સૂફ’ જેનો અર્થ પવિત્ર થાય છે. સૂફીઓ પવિત્રતા અને સાદગીના આગ્રહી હોવાથી ‘સૂફ’ પરથી સૂફી કહેવાયા.

સૂફીમતના સિદ્ધાંતો

૧. ઈશ્વર એક જ છે, નિરાકાર છે, નિરંજન છે.

૨. રોજા (સવારથી સાંજ સુધી નિરાહાર રહેવું) શરીરની પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખે છે.

૩. નમાજ પાંચ વખત પઢવી.

સૂફીઓ નમાજ બાબતે બહુ ચુસ્ત નથી. સૂફીઓ ‘ઝિક્રે જલી’ એટલે કે મૌખિક જપ અને ‘ઝિક્રે ખફી’ એટલે કે માનસિક જપ-નામસ્મરણને કર્તવ્ય સમજે છે. સૂફીસાધનામાં તસવ્વુફનું બહુ જ મહત્ત્વ છે. તમામ દુ :ખોમાં ધીરજ રાખવી, આવી પડેલ દુ :ખને ખુદાની મહેરબાની સમજવી; ક્ષમા, અક્રોધ, અપ્રતિક્રિયા વગેરે તસવ્વુફમાં આવે છે.

સૂફી સાધનાના ચાર તબક્કા (અવસ્થા) છે – શરિઅત, તરિક્ત, મારિફત, હકીકત.

સૂફી-સાધનાની પ્રથમ શરત છે દિલમાંથી ખુદા સિવાયનું બધું જ સાફ કરી નાખવું. બીજી શરત છે તત્પરતા, આત્મામાંથી પ્રગટ થતી સતત બંદગી અને પ્રભુમાં લીન થવું. સૂફીઓ મૂર્તિપૂજામાં માનતા નથી. સૂફીઓ મુફલીસી અને તકલીફોનો સ્વીકાર કરે છે.

Total Views: 544

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.