આ ધર્મ ચીનમાં પ્રવર્તમાન છે. લાઓત્સે (લાઓત્ઝે) એ સ્થાપેલ ધર્મનું નામ છે તાઓ ધર્મ.

ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત

લાઓત્સેનો જન્મ ઈ.સ. પૂર્વે ૬૦૪માં ચીનના ત્ચ્યુ પ્રદેશના ચૂઝેનમાં થયો હતો. તેમનું બાળપણનું નામ હતું ‘લી’. ચીની ભાષામાં તેનો અર્થ ‘બોર’ (એક જાતનું ફળ) થાય છે. બોરડીના વૃક્ષ હેઠળ તેમનો જન્મ થવાને કારણે તેમનું એવું નામ પડ્યું હતું. જન્મ સમયે તેમના આખા શરીર પર સફેદ વાળ હતા.

સરકારી ગુપ્ત રેકોર્ડના રક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા. નોકરીના સમય દરમિયાન તેઓ સંપૂર્ણપણે નિર્લિપ્તભાવે પોતાની ફરજ બજાવતા હતા. બાળપણથી જ તેઓ નિવૃત્તિપરક હતા. ચિંતન-મનન તેમજ ધ્યાન એ તેમનો મૂળ સ્વભાવ હતો. એક દ્વારપાલના આગ્રહથી લાઓત્સેએ ‘તાઓ તેહ ચિંગ’ ગ્રંથની રચના કરી. તેઓએ એક જ બેઠકમાં તાઓ ધર્મને સમજાવતી નાનકડી પુસ્તિકાની રચના કરી દીધી હતી. ત્યારબાદ તેઓ ક્યાં ગયા તેની કોઈને ખબર પડી ન હતી.

ધર્મગં્રથ : તાઓ-તે-ચિંગ

તાઓ-તે-ચિંગ એ તાઓ ધર્મનો મુખ્ય ગ્રંથ છે. આ લઘુગ્રંથ વિચારોનો રત્નભંડાર છે. ચીની તત્ત્વચિંતકોએ આ ગ્રંથ પર ભાષ્યો પણ લખ્યાં છે. ગ્રંથનો પ્રસાર થતાં લોકો તેના તરફ આકર્ષાયા હતા. ઈ.સ. પૂર્વે ૩૦૦માં ચીનમાં આ ધર્મ વિશેષરૂપે વિસ્તર્યો. ઈ.સ. પૂર્વે ૧૫૬માં એક રાજાએ આ ધર્મના અધ્યયન માટે રાજાજ્ઞા કરી હતી. તેથી તેનું રાજદરબારમાં અધ્યયન થવા લાગ્યું. આવી રાજાજ્ઞા મળવાથી આ ધર્મ તાઓ-તે-ચિંગ એવા નામે ઓળખાવા લાગ્યો.

તાઓના અનેક અર્થ છે. તાઓ પરબ્રહ્મ છે. તાઓને પામવાના માર્ગનું નામ ‘તેહ’ છે. તેહમાં સઘળા ગુણોનું અધિષ્ઠાન છે અને તેને ‘વૂળી’ કહેવાય છે. વિશ્વવ્યાપક પરમાત્મા એટલે તાઓ. તે સર્વત્ર છે, સમાનપણે છે – અંદર, બહાર, આગળ, પાછળ, ઉપર, નીચે. તે સર્વમાં છે, છતાંય સર્વાતીત છે. તે અનાદિ, જગત્કારણ, સ્વયંસિદ્ધ, અસીમ, અમાપ, અચિંત્ય, અગ્રાહ્ય, અનામી, અરૂપ, સર્વવ્યાપ્ત છે.

તાઓ ધર્મ મુજબ ધર્મનાં બે પાસાં છે. એટલે કે સારું અને ખોટું, પ્રકાશ ને અંધકાર, પુરુષ અને સ્ત્રી, ગરમી અને ઠંડી. આ દ્વંદ્વોના સંમિલનથી પૂર્ણતા સાંપડે છે. એક જ તત્ત્વ સર્વત્ર ઓતપ્રોત છે, બાહ્યભેદ તુચ્છ છે. સમગ્ર માનવજાતિ અભિન્ન છે.

આ ધર્મનો અનુયાયી સરળ હોય છે. સાદાઈ તેનું આભૂષણ છે. તેને મન ધન, માન, કીર્તિ આ બધું કંઈ જ કિંમતનું નથી. આ ધર્મ માને છે કે સર્વ દુ :ખોનું મૂળ જીવનમાં પ્રેમનો અભાવ છે. પ્રેમ એ પ્રાકૃતિક નિયમ છે. પ્રેમ કરનારને પ્રેમ કરવો તે સ્વાભાવિક લક્ષણ છે. પરંતુ જેનું વર્તન પ્રેમયુક્ત નથી તેવા પ્રત્યે પણ પ્રેમ પ્રદર્શિત કરવો એ તાઓ ધર્મ સૂચવે છે. તાઓ ધર્મ સદંતર યુદ્ધવિરોધી છે. તાઓ ધર્મના મત મુજબ સૈન્ય હોવું એ દુ :ખ અને દુર્ભાગ્યનું ચિહ્ન છે.

લાઓત્સેએ ‘ઉપકારને બદલે ઉપકાર તેમજ અપકારને બદલે પણ ઉપકાર’ એમ ઉપદેશ કર્યો, પણ નવાઈભર્યું એ છે કે આવો ઉત્તમ બોધ વિસ્મૃત થયો અને લાઓત્સેનું નામ જાદુવિદ્યા તથા ખોટાં વહેમ – અંધશ્રદ્ધા સાથે જોડાઈ ગયું.

તહેવારો

(૧) લેન્ટર્ન ફેસ્ટીવલ, (૨) ટોમ્બ સ્વીપીંગ ડે, (૩) ડ્રેગોન બોટ ફેસ્ટીવલ, (૪) ચાઈનીઝ ન્યૂઈયર, (૫) હંગ્રી ઘોસ્ટ ફેસ્ટીવલ

Total Views: 333
By Published On: November 1, 2015Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram