પ્રારંભિક

પેલેસ્ટાઈન અને એની આસપાસના પ્રદેશોમાં વસેલા યહૂદી લોકોનો ધર્મ ઘણો પ્રાચીન છે. ખ્રિસ્તી ધર્મ એમાંથી થયો છે. રોમન લોકોએ ઈ.સ.ના પહેલા સૈકામાં જેરૂસલેમનો નાશ કર્યો ત્યાર પછીથી યહૂદીપ્રજા વિખરાઈ ગઈ અને પૃથ્વીના જુદા જુદા ભાગોમાં વસવા લાગી. તેથી અત્યારે આ ધર્મ અમુક દેશમાં ચાલે છે એમ કહી શકાતું નથી. પણ હજી યહૂદીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં તેઓ પોતાનો ધર્મ નિષ્ઠાપૂર્વક પાળે છે.

ધર્મસ્થાપકનું જીવનવૃત્તાંત

મોઝીઝ એ યહૂદીધર્મના આદ્ય આચાર્ય છે. યહોવાહે પોતે સિનાઈ પર્વત ઉપર એમને સાક્ષાત્ દર્શન દઈને પોતાનું સ્વરૂપ, પોતાની ઇચ્છા તથા યહૂદી પ્રજા સાથેનો પોતાનો કરાર જ્ણાવ્યો હતો.

‘લેવિ’ (ધર્મગુરુ)ના કુટુંબમાં મોઝીઝનો જન્મ થયો. તે સમયે ઇજિપ્તના રાજાએ એવો ઢંઢેરો પિટાવ્યો હતો કે છોકરી જન્મે એ બધીને જીવતી રાખવી અને છોકરા જન્મે એમને નદીમાં નાખી દેવા. મોઝીઝની માતાએ ત્રણ મહિના તો પોતાના બાળકને સંતાડી રાખ્યું. પણ પછી રાજાના ત્રાસથી ડરીને એણે એને એક પેટીમાં મૂકીને નદીમાં વહેવરાવી દીધું. એક દિવસ રાજાની દીકરી નદીએ નહાવા ગઈ હતી ત્યાં તેણે એ પેટી જોઈ. તેને બહાર કઢાવીને ઉઘાડાવી. અંદર જોયું તો એક બાળક નજરે પડ્યું. એને દયા આવી અને એ બાળક યહૂદી છે એમ લાગવાથી એક યહૂદણ દાસીને તેને ઉછેરવાનો હુકમ કર્યો. એ દાસી મોઝીઝની બહેન થતી હતી તે કોઈ જાણતું ન હતું. એણે મોઝીઝની માને દાયણ તરીકે રખાવી, કોઈ ન જાણે એમ માતાના દૂધથી મોઝીઝ ઊછર્યા અને મોટા થયા. એક દિવસ એક યહૂદીને કોઈ ઇજિપ્તવાસી મારતો હતો એ દૃશ્ય એમનાથી જોવાયું નહીં અને એમણે ગુસ્સે થઈ એ ઇજિપ્તવાસીને મારી નાખ્યો. આથી રાજ્યમાં બહુ ખળભળાટ થઈ ગયો. મોઝીઝને ઇજિપ્તમાં રહેવું યોગ્ય ન લાગ્યું. પોતાના યહૂદી જાતભાઈઓને એકઠા કરી, રાતો સમુદ્ર ઓળંગી સૌને સામે કાંઠે લઈ ગયા. સમુદ્રે મોઝીઝને માર્ગ આપ્યો તથા ઇજિપ્તનું લશ્કર તેમની પાછળ જેવું દરિયામાં ઊતર્યું કે તરત જ દરિયામાં ડૂબી ગયું.

મોઝીઝે હોરેબ (સિનાઈ) પર્વત પર પ્રભુ યહોવાહનાં દર્શન કર્યાં અને આજ્ઞાઓ મેળવી.

શાસ્ત્રોક્ત કથન મુજબ મોઝીઝ પણ યહોવાહનું મુખ ન જોઈ શક્યા. (એટલે કે મનુષ્યથી ઈશ્વરનું સંપૂર્ણ જ્ઞાન પામી શકાતું નથી). એ યહોવાહે મોઝીઝને કહ્યું કે હવેથી હું યહૂદી પ્રજામાં ‘એલ-શદ્દાઈય’ને બદલે ‘યહોવાહ’ને નામે ઓળખાઈશ. એનો અર્થ એ કે અત્યાર સુધી તે પ્રજાને મન ઈશ્વર એક અચળ પથ્થર સમાન હતો તે હવેથી સ્વતંત્ર ઇચ્છાવાળા ચેતન પ્રભુ તરીકે ઓળખાવા લાગ્યો. પછી યહોવાહે સ્વહસ્તે મોઝીઝ સમક્ષ નીતિ અને ધર્મની દશ આજ્ઞાઓ લખી તેમજ યહૂદી પ્રજા સાથે યહોવાહે કરાર કર્યો. તેમાં અન્ય દેવની પૂજા ન કરવી તથા ઘડેલી મૂર્તિ પૂજામાં ન વાપરવી એવો સખત ઠરાવ કર્યો.

ધર્મગ્રંથો

આ ધર્મનું જ્ઞાન મેળવવાનાં મુખ્ય સાધનો નીચે પ્રમાણે છેે.

‘જૂનો કરાર’ : યહૂદી લોકો એમ માને છે કે પરમેશ્વરે એમની પ્રજા સાથે અમુક કરાર કર્યો છે. તેના નિયમો પરમેશ્વર પોતે પાળે છે અને એમની પ્રજાએ પાળવા જોઈએ.

‘મિશ્નહ’ : ઈસુ ખ્રિસ્તના સમયથી ‘ફેરીસી’ નામના યહૂદી ધર્મગુરુઓએ જે મત પ્રસારવા માંડ્યો તેને પરિણામે ઈ.સ. ૨૦૦ના અરસામાં આ ગ્રંથ રચાયો.

મિદ્રશ : એ મિશ્નહથી કંઈક પહેલાંનું અને કંઈક પછીનું પુસ્તક છે.

તાલમદ : આ યહૂદી ધર્મનું બહુ માનીતું પુસ્તક છે. એના બે ભાગ છે – એક પેલેસ્ટાઈન શાખાનો અને બીજો બેબિલોનની શાખાનો.

મેઈમનાઈડીઝ (ઈ.સ. ૧૧૮૦) અને મોઝીઝ મેન્ડેલસોહ્ન (ઈ.સ. ૧૭૨૮-૮૬) આ ધર્મના મુખ્ય તત્ત્વજ્ઞો છે.

યહૂદી લોકોના મુખ્ય દેવનું નામ ‘યહવે-યહોવાહ’ અથવા ‘યાહુ’ છે જેના પરથી એ લોકોનું યહૂદી એવું નામ પડ્યું છે. મૂળ આ યહોવાહ ભલે અનેક દેવોમાંનો એક હોય પણ ઈ.સ. પૂર્વે આઠમા સૈકામાં તો યહોવાહ નિત્ય સત્ સનાતન પ્રભુ છે એવો એકેશ્વરવાદ એક પ્રાચીન સંપ્રદાય તરીકે ગણાતો હતો.

ધર્મોપદેશ – સિદ્ધાંતો

૧. ઈશ્વર એક અને અદ્વિતીય છે.

૨. મનુષ્ય એનું પ્રતિબિંબ છે.

૩. આત્મા અમર છે.

૪. પાપ-પુણ્યનો બદલો મળે છે.

૫. યહૂદી પ્રજાને ઈશ્વરે જગતમાં ઉપરનાં સત્યો પ્રસારવાનું કામ સોંપ્યું છે.

તહેવારો

યહૂદી ધર્મમાં ત્રણ મોટા તહેવારો છે.

૧. પાસઓવર : યહૂદીઓ આ તહેવારને ઈ.સ. પૂર્વે ૧૩૦૦થી ઊજવે છે. મોઝીઝે ઈઝરાયેલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી અપાવેલી મુક્તિના પ્રસંગની યાદગીરીમાં આ તહેવાર ઉજવાય છે.

(૨) સુક્કોટ : રેગિસ્તાનમાં થઈને “Promised Land” માં જતાં યહૂદીઓએ વિતાવેલાં વર્ષોના પ્રસંગની યાદગીરીમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તે ટેબર્નેકલ-મિજબાનીના નામે પણ ઓળખાય છે.

(૩) શવ્યૂટ : નવા પાકની કાપણીના સમયે આ તહેવાર ઉજવાય છે. તે પેન્ટેકોશ્ટ-મિજબાનીના નામે પણ પ્રચલિત છે.

Total Views: 67
By Published On: November 1, 2015Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram