‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી પ્રત્યે આસક્તિ રહે નહિ ! તેમની બીક ન લાગે. જો એક લોહચુંબક ખૂબ મોટો હોય અને બીજો એક નાનો હોય તો લોઢાના કટકાને કયો લોહચુંબક તાણી લે ? મોટો જ તાણી લે. ઈશ્વર મોટો લોહચુંબક, તેની પાસે કામિની નાનો લોહચુંબક, એટલે કામિની શું કરે ?

એક ભક્ત – મહાશય, સ્ત્રીઓ પ્રત્યે શું તિરસ્કાર દર્શાવવો ?

શ્રીરામકૃષ્ણ – જેણે ઈશ્વર-પ્રાપ્તિ કરી હોય, તે કામિનીને વિકારી નજરે જુએ નહિ કે જેથી બીક લાગે. તે ખરેખર દેખે કે સ્ત્રીઓ મા બ્રહ્મમયીના અંશ અને એટલા માટે ‘મા’ કહીને બધી સ્ત્રીઓનું સન્માન કરે.

શ્રીરામકૃષ્ણ (વિજયને) – તમે અવારનવાર આવતા રહેજો. તમને મળવાની બહુ ઇચ્છા રહે છે.

વિજય – બ્રાહ્મસમાજની નોકરી કરવી પડે છે એટલે હમેશાં અવાતું નથી. સગવડ મળતાં જ આવીશ.

શ્રીરામકૃષ્ણ (વિજયને) – જુઓ, આચાર્યનું કામ બહુ કઠણ. ઈશ્વરના સાક્ષાત્ આદેશ વિના લોકોને ઉપદેશ આપી શકાય નહિ. જો આદેશ મળ્યા વગર ઉપદેશ આપો તો માણસો સાંભળે નહિ, એ ઉપદેશમાં જરાય શક્તિ ન હોય. પ્રથમ સાધના કરીને યા ગમે તે રીતે, પણ ઈશ્વરપ્રાપ્તિ કરવી જોઈએ. ઈશ્વરનો આદેશ મળે પછી લેકચર અપાય. ઈશ્વરનો આદેશ મળ્યા પછી આચાર્ય થઈને ગમે ત્યાં લેકચર આપી શકાય. જેને ઈશ્વરનો આદેશ મળે તેને તેની પાસેથી શક્તિ મળે; ત્યારે આચાર્યનું કઠિન કામ કરી શકાય.

એક મોટા જમીનદારની સાથે એક સાધારણ માણસ મોટી અદાલતમાં મુકદૃમો લડતો હતો. એટલે લોકો સમજી ગયા કે આની પાછળ કોઈ જોરદાર માણસ છે. કદાચ બીજો એક મોટો જમીનદાર જ તેની પાછળ રહીને મુકદૃમો લડી રહ્યો છે. માણસ સામાન્ય જીવ, સાક્ષાત્ ઈશ્વર પાસેથી શક્તિ મેળવ્યા વિના આચાર્યનું કઠણ કામ કરી શકે નહિ.

વિજય – મહાશય, બ્રાહ્મસમાજમાં જે ઉપદેશ વગેરે અપાય છે, તેનાથી શું લોકોનો ઉદ્ધાર થતો નથી ?

શ્રીરામકૃષ્ણ – જો સદ્ગુરુ હોય તો જીવનો અહંકાર ત્રણ ડકારમાં નીકળી જાય.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૪૦-૧૪૨)

Total Views: 177
By Published On: December 1, 2015Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram