દેવો અને ઋષિઓની એક પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્માએ આ કથાનું વર્ણન કર્યું હતું :

બ્રહ્માની રાત્રીમાં જ્યારે સર્વ પ્રાણીઓ અને સમગ્ર વિશ્વ અખંડ અને નિ :સ્તબ્ધ શાંત સ્થિતિમાં અવસ્થિત હતું.

જગતાત્મા, સહસ્ર નેત્રોવાળા, સર્વજ્ઞ, જડ અને ચેતન બંને, અગાધ સમુદ્રમાં સહસ્ર મસ્તકવાળા નાગ પર સૂતેલા એવા મહાન નારાયણનું મેં ધ્યાન ધર્યું; એમની દૈદીપ્યમાન કાંતિથી મોહિત થઈને, મેં એ સનાતન પુરુષનો સ્પર્શ કર્યો અને કહ્યું : ‘બોલો, તમે કોણ છો?’ અર્ધસુપ્ત નેત્રકમળવાળા તેમણે મારી સામે જોયું અને ઊઠીને મંદ મંદ હસતાં કહ્યું : ‘હે વત્સ! હે મહાતેજસ્વી પિતામહ, તમે ભલે આવ્યા.’ મને તેનાથી માઠું લાગ્યું અને મેં કહ્યું : ‘હે નિર્દાેષ! સર્વના સર્જન અને સંહારનું કારણ, સર્વલોક રચયિતા, બધાનું મૂળ અને આત્મા એવા મને તમે, ગુરુ જેમ શિષ્યને કહે તેમ, ‘હે વત્સ!’ એમ કહીને કેમ બોલાવો છો? તમે મને આવા મૂર્ખતાપૂર્ણ શબ્દોથી કેમ સંબંધો છો?’ પછી વિષ્ણુએ ઉત્તરમાં કહ્યું : ‘શું તમે જાણતા નથી કે હું નારાયણ, બધા લોકનો સર્જક, પોષક અને સંહારક, સનાતન પુરુષ, સંસારનું અવિનાશી મૂળ અને કેન્દ્ર છું. મારા પોતાના અવિનાશી દેહમાંથી તમે જન્મ્યા છો.’

પછી તે અગાધ સમુદ્રમાં અમારા બંને વચ્ચે ઉગ્ર દલીલો ચાલી. પછી અમારા વાદવિવાદનો અંત લાવવા બંને વચ્ચે ભવ્ય પ્રકાશિત લિંગ પ્રગટ થયું. એ લિંગ અગ્નિસ્તંભ જેવું, પ્રલયકાળના સેંકડો અગ્નિ જેવું, આદિ-મધ્ય અને અંત વિનાનું, અનુપમ અને અવર્ણનીય હતું.

ત્યાર પછી હજારો અગ્નિજ્વાળાઓથી મોહિત થયેલા મહાન વિષ્ણુ મોહ પામ્યા અને એમના જેવા જ મોહ પામેલા મને કહ્યું : ‘ચાલો હવે આપણે અગ્નિસ્તંભનું મૂળ તપાસીએ. હંુ નીચે જઈશ, તમારી સર્વશક્તિના બળે તમે ઉપર તપાસો. પછી તેમણે કાળા તથા સૂર્ય જેવા પ્રકાશતા મેરુ પર્વતસમાન શરીરવાળા, હજારો યોજન વિસ્તારવાળા, ધોળી તીક્ષ્ણ અને ઉગ્ર દાઢોવાળા, લાંબા નાકવાળા, મોટા ગર્જના કરવાવાળા, ટૂંકા પગવાળા, જયપ્રદાતા, દૃઢ અને ઉપમારહિત એવા વરાહ સ્વરૂપ ધારણ કર્યું અને નીચે ડૂબકી મારી. હજાર વર્ષ સુધી આવી રીતે તેઓ નીચે તરફ જતા ગયા પરંતુ એ લિંગનું મૂળ જોયું નહીં. હું એ સમય દરમિયાન સફેદ અને કાંતિયુક્ત નેત્રોવાળો, ચોપાસ પાંખોવાળો, મન અને વાયુ જેવા વેગવાળો હંસ બન્યો અને અગ્નિસ્તંભના અંતને જાણવા માટે હજારો વર્ષ સુધી ઊંચે ને ઊંચે જવા લાગ્યો; પણ અંત મળ્યો નહીં. પછી હું ઘણા સમયે નીચે પાછો ફર્યો ત્યારે થાકીને ઉપર આવેલા, આશ્ચર્યચકિત બનેલા મહાન વિષ્ણુને મળ્યા.

પછી શિવ અમારી સમક્ષ ઉપસ્થિત થયા. તેમની માયાથી મોહિત થયેલા અમે બંનેએ એમને પ્રણામ કર્યા. તે વખતે ત્યાં શબ્દરૂપ લક્ષણવાળો ‘ૐ’ એવો સ્પષ્ટ અને પ્લુત નાદ પ્રગટ થયો. તેમને નારાયણે કહ્યું : ‘અમારો વિવાદ સારો નિવડ્યો છે, કારણ કે હે દેવોના દેવ, એ વિવાદ સમાવવા તમે પોતે પ્રગટ થયા છો.’ પછી શિવે વિષ્ણુને જવાબ આપ્યો : ‘તમે ખરેખર સર્વલોકના સર્જક, પોષક અને સંહારક છો. હે વત્સ, આ સચરાચર જગતનું તમે પાલન કરો; કારણ કે હું અવયવરહિત મહાદેવ છું. સર્જન, પોષણ અને સંહાર માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના નામે જુદો જુદે થાઉં છું. હે બ્રહ્મા, આવનારા સમયમાં તમારા અંગમાંથી મારું આવું રૂપ પ્રગટ થશે. પછી હું ત્રણેયરૂપમાં વિભાજિત થઈને પ્રગટીશ.’ ત્યારબાદ મહાદેવ અદૃશ્ય થયા. ત્યાર પછી ત્રણેય લોકમાં શિવલિંગની પૂજાનું પ્રવર્તન થયું.

….

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.