ગયા અંકમાં આપણે નરેનની કથાશ્રવણપરાયણતા તેમજ દેવદેવીઓ પ્રત્યેની ભક્તિપરાયણતા વિશે વાંચ્યું, હવે આગળ…

ભલે સમજાય કે ન સમજાય પણ નરેનને તો નાનપણથી જ ધ્યાનની લગની લાગી. આમ ઉપર ઉપરથી તે નધ્યાન, ધ્યાનપની રમત રમતો પરંતુ, રમતમાં પણ નરેનની ભીતર અદ્‌ભુત ભાવ પ્રગટ થવા લાગ્યા. તે લાંબા સમય સુધી ધ્યાનમાં લીન બનીને બેઠેલો જોવા મળતો. એને હલાવીને હોશમાં લાવવો પડતો હતો. આસપાસના બીજા છોકરા પણ તેના ધ્યાનની રમતમાં સામેલ થવા લાગ્યા. એકવાર સંધ્યા સમય હતો. આકાશમાં ચંદ્ર દેખાતો હતો. નરેનના દેવાલયમાં બધાં બાળકો આંખો મીંચીને બેઠાં હતાં. એવામાં એક છોકરાએ જોયું તો ઓરડાની ભોંય પર એક બાજુએથી એક મોટો સાપ આવી રહ્યો છે. એણે તો ગભરાઈને રાડ પાડી. એનાથી બાકીના બીજા બધા નાગને જોઈને ભયભીત થઈ ગયા. પરંતુ નરેન તો ગહન ધ્યાનમાં લીન હતો. એના કાને આ વાતનો એક શબ્દ પણ ન પડ્યો. છોકરાઓ નરેનને મોટેથી સાદ પાડવા લાગ્યા. એનાથી કંઈ ન થયું. અંતે છોકરાઓ તો ભાગ્યા અને એનાં માતપિતાને બોલાવી લાવ્યા. આ દરમ્યાન નાગ તો પોતાની ફેણ ફેલાવીને ઊભો થઈ ગયો. બધાં લોકો ભયમાં ડૂબી ગયાં. કોણ જાણે કેમ પણ થોડીવાર પછી નાગ પોતાની વાંકીચૂંકી ચાલે ત્યાંથી ચાલ્યો ગયો. પછીથી આ બધું સાંભળીને નરેને શાંતિથી કહ્યું, નમને તો નાગની કંઈ ખબર જ ન પડી. હું તો ઘણા આનંદમાં ડૂબ્યો હતો.થ

છ વરસ થતાં નરેન શાળાએ જવા લાગ્યો. શાળાનો પહેલો દિવસ એને માટે મહત્ત્વનો દિવસ હતો. એ દિવસે વહેલી સવારે એમના ઘરના પુરોહિતને થોડા પૂજા – સંસ્કાર માટે બોલાવ્યા હતા. પાઠના આરંભ કરતાં પહેલાં પ્રથમ દિવસે થનાર આ વિદ્યારંભ સંસ્કાર હતો. નરેનના ઘરના બધા સભ્યો હાજર હતા. પુરોહિતે કેટલાક મંત્રોનું ઉચ્ચારણ ર્ક્યું અને આ નવવિદ્યાર્થીને દેવી સરસ્વતીનાં ચરણોમાં સમર્પિત કરી દીધો. સરસ્વતી જ્ઞાનની દેવી છે ને એટલે જ ! ત્યાર પછી તેના જમણા હાથમાં ચાક આપીને તેની આંગળીઓ પકડીને ધરતી પર બંગાળી અક્ષર લખાવ્યા. લખતી વખતે એને દોહરાવવાનું કહ્યું નઆ ક છે, આ ખ છે.થ શાળાએ જતી વખતે નરેને નવું ધોતિયું પહેર્યું હતું. કાંખમાં બેસવાનું આસન હતું. એની કમર સાથે એક લાંબી દોરી બાંધી હતી. એની સાથે શાહીમાં ડૂબાડીને લખવાની બરુની કલમ લટકતી હતી. આ રીતે સજ્જધજ્જ થઈને શાળાએ જતા નરેનને એ દિવસે ખૂબ મજા પડી.

આમ નરેનનું શાળાએ જવાનું શરૂ થયું. પરંતુ શાળામાં તો જાતજાતનાં બાળકો આવે. થોડા દિવસોમાં જ નરેન ત્યાંથી ઘણાં ચિત્ર વિચિત્ર શબ્દો અને ગાળ શીખી ગયો. નરેનના મુખેથી આ શબ્દો સાંભળીને તેનાં માતપિતાએ નિર્ણય કર્યો કે હવે એને એ શાળાએ મોકલવો ઠીક નથી. એટલે નરેન તથા ઘરનાં બીજાં બધાં બાળકો અને તેના પિતાના મિત્રોનાં બાળકોને પણ એક સાથે ભણાવવા માટે એક અલગ શિક્ષકની નિમણૂક કરી. ભણતર આરંભ થતાં જ નરેનની બુદ્ધિની તિક્ષ્ણતા અને તેની વિશેષતા પ્રગટ થવા લાગ્યાં. નરેનની સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે બીજાં બાળકો જ્યારે વર્ણમાળાના અક્ષરોની નકલ કરવાનું શીખતાં હતાં, ત્યારે નરેનને વાંચવા-લખવાનું પણ આવડી ગયું. હજી પણ નરેન પોતાનાં મા પાસે ભણતો હતો. માએ જ એને નફર્સ્ટ બુક ઓફ ઇંગ્લિશથનો અભ્યાસ કરાવી દીધો. એણે મા પાસેથી આ મહત્ત્વનો બોધપાઠ શીખી લીધો હતો કે જગતમાં ભલે ગમે તેટલું દુ :ખ કે સંકટ સહન કરવું પડે પણ નૈતિક મૂલ્યોનો ક્યારેય ત્યાગ ન કરવો.

માએ એને જણાવ્યું હતું, નઆજીવન પવિત્ર રહેવું, પોતાના સ્વમાનનું રક્ષણ કરવું અને બીજાના સ્વમાન પર ક્યારેય આઘાત ન કરવો. ખૂબ શાંત રહેવું, પરંતુ જરૂર પડે ત્યારે હૃદયને કઠોર બનાવી દેવું.

….

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.