(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

ગયાં અંકમાં બે બાળવિદ્યાર્થીઓનું ભણતર અંગેના વિપરીત ચિંતન અને બાગના રક્ષકો રૂપે રહેલા બે લોલીના દુષ્ટચિંતન વિશે વાંચ્યું. હવે આગળ…

લાંબા નાકે લડનારા – નકૂસે

મારું મગજ તોફાને ચડેલા દરિયા જેવું લાગતું હતું. એમાં વિચારોનાં મોજાં ખળભળાટ મચાવતાં હતાં, દરેક જૂના વિચારથી નવો વિચાર ઉદ્ભવી રહ્યો હતો. એમાં કેટલાય નવા વિચારો ઊભરતા હતા. એમાંથી કેટલાક તો મતલબ વિનાના હતા અને કેટલાક મનમાં ઘર કરી લેનારા હતા. આવા ઊછળતા સમુદ્રને શાંત કરવાનો કોઈ ઉપાય ન હતો. દરેક મોજું ક્રોધ વધારતો હતો. મારા માટે નવાઈની વાત તો એ છે કે મેં કાંઈ એવું કાર્ય કર્યું નથી છતાં મારે મોતના મોંમાં કેમ ફસાવું પડ્યું. મને તો માત્ર ભૂખ લાગી હતી અને જીવતા રહેવા મેં ખાધું. પણ જ્યાં રહેવાનો પ્રયત્ન જીવનનો અંત લાવી દે એવી જગ્યાએ ભલા કોણ જીવતું રહી શકે. મારા શરીરનું એકેએક પીછું અને મનમગજની કોશિકાઓ ભયંકર પીડાથી કરાંજતાં હતાં.

જ્યાં હું ઊડતો હતો ત્યાંથી બરાડા પાડવાના મોટા સાદ સાંભળી શકાતા હતા. પણ મેં એ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. મારાં ભૂખ, દર્દ, ભય અને દુ :ખી મને આસપાસની બધી ચીજોથી એક અલગાવ એકાકીપણુ ઊભું કરી દીધું હતું.

મને યાદ આવે છે કે એક વખત મારા જૂના વડલાના વૃક્ષ નીચે અજબ દેખાતા મનુષ્યોને આરામ કરતા મેં જોયા હતા. હું એમના વિશે જાણવા શ્રીલક્કડખોદ પાસે દોડતો દોડતો ગયો. એમણે કહ્યું કે આ સાધુઓ છે. એમણે જિંદગીની નિરર્થકતા જોઈ લીધી હતી અને એને લીધે સંસારના આકર્ષણ પ્રત્યે વિરક્તિ આવી ગઈ હતી. હું એની આ વાતથી પ્રભાવિત ન થયો કે એની સાથે સહમત પણ ન થયો. મને એ વિચાર સાવ ફાલતું લાગ્યો. એ દિવસોમાં મને લાગતું કે આકર્ષણ એ સ્વભાવિક હતું અને અલગાવ થવો કે એકાકીપણુ આવવું એ મિથ્યાભિમાન છે. અમે પક્ષી જ્યારે પણ ઝઘડીએ (અને ઝઘડતાં તો ખૂબ જ) ત્યારે અમારામાં અસ્થાયી રૂપે એક ઉદાસીનતા ઊભી થઈ જતી, પણ એ ઉદાસીનતા વધુ સમય સુધી ન રહેતી. તે સાધુઓ સદાને માટે દુનિયાથી વિરક્ત થઈને કેવી રીતે રહી શકતા હતા? મને લાગ્યું કે જરૂર કોઈ બીજી વાત હતી. પણ હવે મારા વિચાર બદલી રહ્યા હતા અને મને જે ઠોકરો લાગતી હતી તે મને આ દુનિયાના આકર્ષણથી વિમુખ કરતી હતી.

હું ઘણા વખતથી ઊડતો હતો અને મારી પાંખો હવે થાકી ગઈ હતી. પણ મારા લોલી સાથેના હમણાંના અનુભવો પછી હું દરેક વૃક્ષથી સચેત રહેતો. નસીબનો ખેલ તો જુઓ! કુદરતે મને વિશ્રામ માટે વૃક્ષરૂપી આશરો આપ્યો હતો અને હવે હું ધરતી પરનાં દરેક વૃક્ષથી ડરવા લાગ્યો. જો હું લીલા રંગના દરેક આશરા પર શક કરવા માંડુ તો હું મારું બાકીનું જીવન કેવી રીતે જીવું? થાકીહારીને હું એક ડાળી પર બેઠો. અત્યંત ધીમેથી અને સાવધાનીપૂર્વક મેં બોર તરફ ચાંચ લંબાવી. શું થાય છે એ જોવા મેં થોડી રાહ જોઈ. મારું શરીર સાબૂત, મનમગજ સતર્ક અને પંજા મુક્ત હતાં.

હું ઊડવાની તૈયારીમાં હતો ત્યારે નીચે કંઈક ભાગદોડ મચી. અત્યંત અનોખું દૃશ્ય હતું. માનવ જેવા દેખાતા અને લાંબાં નાકવાળા એ જીવોને નજીકથી જોઈ શકું એટલે હું નીચેની એક ડાળીએ આવીને બેઠો. આ બધા પરસ્પર લાંબાં નાકથી લડતા હતા. જાણે કે નાક-કુસ્તી થતી હોય એવું લાગતું હતું. એમનાં નાક એમના હાથથી વધારે મજબૂત, જાડાં અને લાંબાં હતાં અને એ નાકનો ઉપયોગ તેઓ એક બીજાને હડસેલવામાં કરતા હતા.

ધીરે ધીરે બાકીના પણ આ નાકકુસ્તી જોવા અને એને શાબાશી આપવા અને જુસ્સો વધારવા આવી ગયા. બધાનાં નાક અલગ અલગ લંબાઈનાં હતાં. એમાં નાનાં નાકથી માંડીને મોટા નાક સુધીનાં બધાં આવી જાય. શાબાશીના શબ્દોથી એ પહેલવાનોમાં એક નવી સ્ફૂર્તિ આવી જાય.

‘શાબાશ બ, એને હરાવી દે, તું નાનો છો, તારે કંઈ ખોવાનો ડર નથી, આબરૂ જવાનો ય નહીં.’

‘યાદ રાખજે અ, ધક્કો મારો અને તાજ બચાવો, પકડમાં લઈને એને બરાબર દબાવી દો.’

વાતાવરણ ગરમ હતું. ચારે તરફ નાક ટકરાવાના અવાજ આવતા હતા. આવા હિંસક ટોળા સાથે વાતચીત કરવી સાવ નકામી છે, એ મને સમજાયું. હું એક ભલાભોળા દેખાતા માણસ પાસે ગયો. એનું નાક કંઈક નાનું હતું. મેં સાવધાનીપૂર્વક એને પૂછ્યું કે અહીં શું થઈ રહ્યું છે. એણે મને કહ્યું, ‘ભાઈ અ, પોતાની જાતને અને નાકનો બાદશાહ ગણે છે અને એ કારણે એના કેટલાય પ્રશંસક બની ગયા. બીજી બાજુએ બ છે જે હજી યુવાન છે અને એનું લાંબું નાક હજી વધી રહ્યું છે. આ જોઈને અ એ બ ને કહ્યું કે તે પોતાનાં નાકને કપડાંથી ઢાંકી રાખે. એ એની અદેખાઈ કરે છે. બ આ વાતને માનતો નથી. એણે પોતાની પાછળ રહેનારાનું એક દળ બનાવ્યું, એમણે નારા લગાવવાનું શરૂ કર્યું, ‘જૂની નાક જાય, નવાં સપનાં આવે.’ તમને તો ખબર છે કે જૂના અને નવા વચ્ચે હંમેશાં શત્રુતા ચાલતી આવે છે. આજે એનો જાહેરમાં ફેંસલો થશે. આવું કંઈ પહેલીવાર નથી બન્યું, આવું તો અનેકવાર થયું છે.’

મારા આ નવા દોસ્તે મને બતાવ્યું કે આ જાતિને નકૂસે કહે છે. પૈસાવાળા, શાંતિપ્રિય પણ પોતાના નાક વિશે જરા સંવેદનશીલ – અહંભાવી છે.

હું બોલ્યા વગર ન રહ્યો. મેં કહ્યું, ‘પરમ મૂર્ખા છે.’

નકૂસે કહ્યું, ‘આ તો આબરૂની વાત છે.’

હું ફરીથી બોલી ઊઠ્યો, ‘અરે મૂર્ખા!’

‘આબરૂ અને શાખ બચાવવી એ મૂર્ખતા નથી. શાખ ગઈ તો જીવ ગયો સમજવું.’

‘પાગલ,’ બીજા શબ્દો ન મળતા હું બોલી ઊઠ્યો.

‘તમને દુનિયાના રીતરસમનો ખ્યાલ નથી.’

મેં કહ્યું, ‘અરે ઘાસીરામ, ગધેડા!’

‘તું ક્યાંનો મર્યો છે? તારી તો કોઈ સંસ્કૃતિ જ નથી લાગતી.’

હું આગળ કંઈ બોલું તે પહેલાં તો ત્યાં ખળભળાટ મચી ગયો. ‘અ’ અને ‘બ’ બન્નેએ સંતુલન ગુમાવ્યું. પીઠભર ખાબક્યા. તેઓ એવા તો હાસ્યાસ્પદ બન્યા કે મારાથી હસ્યા વિના રહેવાયું નહીં. હું મારા હસવાનું પૂરું કરું તે પહેલાં શ્રી‘બ’ શ્રી‘અ’ પર તૂટી પડ્યા. હવે ‘બ’નું શરીર ‘અ’ના શરીર સાથે અથડાય તે પહેલાં ‘બ’નું નાક જમીન સાથે અથડાયું. તેણે ભયંકર પીડા સાથે ચિત્કાર કર્યો. તેણે સંતુલન ગુમાવ્યું અને પાછળ નીચે પડી ગયો. હવે એક બીજો ઉપર હતો અને આ હાસ્યાત્મક વાત ફરીથી ઘટી. હવે આ લડાઈ ‘બ’ પરથી ઉતરીને ‘ગ’ પર ગઈ, જેને અચાનક ઘા લાગ્યો. ‘ગ’એ ‘ખ’ને માર્યો અને પછી આ બધું એમ ને એમ ચાલતું રહ્યું. જાણે કે સૂકા ઘાસમાં આગ લાગી હોય એમ લાગતું હતું. તરત જ થોડાક તમાશો જોનારા બાકી રહ્યા. એનાથી આ જુસ્સો પણ ઓછો થયો. લડાઈ થોડી ઠંડી પડી અને હવે જુદા પડવાનો સમય આવી ગયો.

‘મારે જવામાં ઉતાવળ ન હોત તો હું તારું નાક કાપી લેત.’

‘તમે સદા આવું જ બહાનું કાઢતા રહો છો. હું હંમેશાં કેવી રીતે તમારા નાકને છૂંદી નાખું છું તે કહો.’

‘મોકો મળશે તો હું તારા મોંને મસળી નાખીશ. દુનિયા તમારા ખાનદાનને છૂંદાયેલ નાકવાળાના નામે જાણે છે.’

‘તેઓ શા માટે ઝઘડી રહ્યા હતા? શું તેઓ શાખને નામે પોતાની કોઈ કમજોરીને છુપાવી રહ્યા હતા?’ મેં મારા મિત્રને ફરી પૂછ્યું, ‘ચાલતી વખતે શું આપના લાંબા નાકને કારણે કોઈ અસુવિધા થતી નથી? શું નાની જગ્યાએ તમે અટકી જતા નથી?’

‘હા, પણ આબરૂની વાત છે ને. સાંભળ્યું છે કે લોકો ખાનદાનનું નાક જાળવવા પોતાનાં જ સગાવહાલાને મારી નાખે છે. સાપની પૂંછડી પર કોઈ પગ રાખે તો તે પણ ફેંણ ચડાવે છે.’

‘સાચી વાત, જનાબ! શાખની સાચી જગ્યા પૂંછડી જ છે ને! એણે અહીંથી આગળ વધવું ન જોઈએ.’ પોતાના શબ્દો પર હું ખુશ થઈ ગયો, કારણ કે તે ચૂપ થઈ ગયો હતો.

મેં આગળ કહ્યું, ‘આપની હાલત હતાશાજનક છે, શ્રીમાન.’

શ્રી નકૂસેએ કહ્યું, ‘આ પ્રતિષ્ઠાની વાત છે. નાક વિના ભલા જીવવું શા કામનું.’

મેં કહ્યું, ‘વાહ, આ નાક આપને શાંતિ અને નિરાંતની જીંદગી જીવવા દેતું નથી અને આપ અત્યારે પણ નાકની જ વાત કરો છો ને! બોતલરામ.’

‘તમે પોતે જ બોતલરામ છો. તું ક્યાંથી આવે છે?’

‘હું વડનો લીલો પોપટ છું, પણ એક સાધારણ પોપટ નહીં હો.’

મારે મારું વાક્ય વચ્ચે જ અધૂરું છોડવું પડ્યું. મારી ચાંચ થોડી હલી અને થોડી વધતી હોય તેમ લાગ્યું. હું સચેત અને ચૂપ થઈ ગયો. હું તો આખરે એક પક્ષી હતો. મારા માટે માન-શાખ અને લાંબું નાક શા ખપનાં? હું વૃક્ષ પર બેઠો હઈશ અને ચાંચ જમીનને અડતી હશે. એનાથી શો લાભ. આ લાંબાં નાકવાળાની સમસ્યાઓમાં મારું નાનું નાક ઘૂસાડવા કરતાં આ જગ્યાએથી જલદી ભાગવામાં જ ભલાઈ હતી. આ લાંબાં નાકવાળા પોતાની ખાલીખમ ખોખલી શાખને શાકભાજીની જેમ ભલે રાંધતા હોય. હું તો જેવો છું એમાં જ ખુશ છું.’

મેં તરત જ એ જગ્યા છોડી દીધી. પણ આજે ય મારું નાનું નાક પહેલાં કરતાં થોડું વધારે લાંબું છે. જે મને એકવાર ડંફાસ મારવાની યાદ અપાવતું રહે છે.

Total Views: 262

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.