અધ્યાત્મની શોધ

આધ્યાત્મિક પરિવર્તન :

યુવાન રાજકુમાર સિદ્ધાર્થ પોતાના મહેલના બાગમાં એક વૃક્ષની નીચે પોતાના વિચારોમાં ખોવાયેલા બેઠા હતા. મધ્યરાત્રીના અંધકારમાં આખા જગત પર નિસ્તબ્ધતા અને શાંતિ છવાયેલી હતી. નર્તકીઓના હાસ્યવિનોદ અને કોલાહલથી કંટાળીને તેઓ ભોજનકક્ષ છોડીને થોડી ક્ષણ પૂર્વે અહીં આવ્યા હતા. એક તીવ્ર અસંતોષ, એક ગહન રિક્તતા એમની ભીતર વધતાં જતાં હતાં. અચાનક એમને કંઈક વિચિત્ર વાણીઓ સંભળાઈ. એમણે આકાશમાં કેટલાક દેવતાઓને સમગાન કરતાં સાંભળ્યા :

‘શાંતિ ઝંખીયે છીએ, ક્યાંથી મળે શાંતિ? કોણ જાણે ક્યાંથી આવીને ક્યાં જઈ રહ્યા છીએ. વારે વારે આવીએ છીએ, કોણ જાણે કેટલું હસીએ છીએ અને કેટલું રડીએ છીએ. સદા અમે એ જ વિચારમાં મગ્ન રહીએ છીએ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અને અમે શા માટે અર્થહીન રમત રમી રહ્યા છીએ… હે સૂતા રહેનારાઓ, ઊંઘમાંથી ઊઠો અને ફરી પાછા ક્યારેય ન સૂઓ.’

સિદ્ધાર્થ ઊભા થયા. પોતાનાં પત્ની અને સંતાન તરફ અંતિમ વાર જોયું અને પોતાની ઐતિહાસિક યાત્રાએ નીકળી પડ્યા, જેણે અંતે એમને બુદ્ધ અને તથાગત બનાવી દીધા.

આધ્યાત્મિક પથનો અંગીકાર કરનાર એક માત્ર બુદ્ધ જ ન હતા. કઠોપનિષદ (૧.૩.૧૪)માં કહ્યું છે : ।। उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।। અર્થાત્ ‘ઊઠો, જાગો અને મહાન આચાર્યોના ઉપદેશોનું અનુસરણ કરીને સત્યનો સાક્ષાત્કાર કરો. વસ્તુત : અતિ પ્રાચીન કાળથી ભગવાન મહાન શાસ્ત્રોના માધ્યમથી માનવને પોતાનો બોજો પોતે જ વહન કરીને એમની પાછળ આવવાનું આહ્‌વાન કરે છે અને આ આહ્‌વાન સાંભળીને પૂર્વ અને પશ્ચિમના દેશોમાં હજારો લોકોએ પોતાનું સર્વસ્વ ત્યાગીને અતિચેતન રાજ્યની આ યાત્રાને સ્વીકારી છે. સામાન્ય લોકો માટે આ સંસાર અને તેનાં સુખ ઘણું મહત્ત્વ ધરાવે છે, પરંતુ એવા પણ લોકો છે કે જે નિત્ય અને અનંત (પરમાત્મા) માટે તલસે છે. સ્વામી વિવેકાનંદના સત્ય માટેના અથાક પ્રયાસ અને સંઘર્ષનો વિચાર કરો. તેઓ અસાધારણરૂપે પવિત્ર, શક્તિસંપન્ન, સુંદર, બુદ્ધિમાન અને પ્રતિભાસંપન્ન હતા અને જો તેમણે ઇચ્છા કરી હોત તો સાંસારિક જીવનમાં કોઈપણ ઊંચાઈ સુધી પહોંચી શકે તેમ હતા. પોતાના પરિવારની દરિદ્રતા અને અસહાયતા પણ એમને સાંસારિક જીવન તરફ ખેંચવાનાં પ્રબળ કારણ બની શકે તેમ હતાં. પરંતુ આ બધાં પ્રલોભનો હોવા છતાં એમણે ત્યાગ અને સેવાનો પથ પસંદ કર્યો.

પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય અવશ્ય આવે છે કે જ્યારે તે આધ્યાત્મિક લક્ષ્ય પ્રત્યે આકર્ષાય છે. આ આમંત્રણ પ્રાપ્ત થતાં તે તેને સાંભળ્યા વિના રહી શકતો નથી. ત્યારે સંસારની કોઈપણ વસ્તુ તેને સંતોષ આપી શકતી નથી. એ ઉચ્ચતર આહ્‌વાનનું અનુસરણ કર્યા વિના તે ક્યારેય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. આ આંતરિક જાગરણ તથા ઉચ્ચતર આદર્શનું અનુસરણ કરવાની અપરિહાર્ય પ્રેરણા આધ્યાત્મિક જીવનના શુભારંભની દ્યોતક છે. ત્યાર પછી આધ્યાત્મિક લક્ષ સાધકને આખું જીવન આકર્ષે છે અને તેની સ્મૃતિમાં વારંવાર ઉદિત થતું રહે છે. સાંસારિક લક્ષ્યોના સ્થાને આધ્યાત્મિક લક્ષ્યને સ્વીકાર કરવાની વૃત્તિને ‘આધ્યાત્મિક પરિવર્તન’ કહેવાય છે. એનાથી આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે. કેટલાક લોકોમાં આ પરિવર્તન અચાનક આવે છે અને કેટલાકમાં તેનો ક્રમિક વિકાસ થાય છે.

કોઈપણ દેશમાં કોઈપણ કાળે એવી સાચી ઈશ્વરોન્મુખતા થોડાક જ લોકોમાં આવે છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો સાચું આધ્યાત્મિક જીવન કેટલાક પસંદગીના અલ્પ લોકો માટે જ હોય છે. સામૂહિક આધ્યાત્મિકતાનો આદર્શ ભલે ઘણો સુંદર લાગતો હોય, પણ એ ક્યારેય સંભવ નથી. ભગવદ્ગીતામાં (૭.૩)કહ્યું છે કે હજારો લોકોમાં કેવળ થોડા જ લોકો આધ્યાત્મિક જીવનને સ્વીકારે છે અને એમનામાંથી પણ થોડીક જ વ્યક્તિઓ અતિચેતન અનુભૂતિ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. પરંતુ આપણામાંથી પ્રત્યેકે એ વિચારવું જોઈએ કે આપણે એ પસંદ થયેલ અલ્પસંખ્યક લોકો છીએ તથા ઉચ્ચતમ આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણે સંઘર્ષ કરવો જોઈએ.

આધ્યાત્મિક સ્પૃહા એક દુર્લભ સૌભાગ્ય

ધર્મ જીવનમાં પણ એક પ્રકારની અમીરશાહી જોવા મળે છે. મહાન સંત અને ઋષિ તથા બધા જ ધર્મોના સિદ્ધ પુરુષોનો એક વર્ગ હોય છે. પરંતુ સાંસારિક અમીરોથી વિપરીત આધ્યાત્મિક અમીરો પોતાની સંપત્તિનું વિતરણ બીજામાં કરવા સદૈવ તત્પર રહે છે. તેઓ સ્વયં જેનો ઉપભોગ કરે છે, તેને બીજાને દેવામાં કેવળ પ્રસન્ન જ થાય છે. પરંતુ ખેદની વાત તો એ છે કે બહુ ઓછા લોકો આધ્યાત્મિક જીવનની આ મહાન સંપત્તિના ઇચ્છુક હોય છે. મોટાભાગના લોકો અધ્યાત્મપ્રાસાદની સુખકર ઉષ્ણતાનો આનંદ લેવાને બદલે સંસારરૂપી ભૂંડના ઘરમાં આળોેટવાનું વધારે પસંદ કરે છે. ઘોડાને પાણીની નજીક લઈ જઈ શકાય છે, પણ જો તે પાણી પીવા ન ઇચ્છે તો તમે એને પાણી પિવડાવી શકતા નથી. એટલે ચારે તરફ કેટલા લોકો આધ્યાત્મિક પથ પર ચાલી રહ્યા છે, એ જોવાની આવશ્યકતા નથી. જો તમને ઉચ્ચ આદર્શ આકર્ષે, જો તમે તેના આહ્‌વાનને અનુભવો તો તમે તેનો અંગીકાર કરો અને તેની શરતો પૂરી કરો. જો બીજા એ આહ્‌વાનને સાંભળ્યું ન સાંભળ્યું કરે, તો તેના વિશે તમે વધુ કાંઈ કરી શકો નહીં. આધ્યાત્મિક જીવનમાં બીજાથી અલગ માર્ગને સ્વીકારવો અનિવાર્ય છે.

શંકરાચાર્ય વિવેકચૂડામણિમાં કહે છે :

દુર્લભં ત્રયમેવૈતદ્દેવાનુગ્રહહેતુકમ્—।

મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રય :—।। શ્લોક : ૩

અર્થાત્ : ‘મનુષ્ય જન્મ, મુક્ત થવાની ઇચ્છા અને મહાપુરુષોનો સંશ્રય આ ત્રણેય દુર્લભ છે તથા ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે.’ પરંતુ આ ત્રણેય દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ પર્યાપ્ત નથી. આપણે એના દ્વારા લાભાન્વિત થવા માટે તત્પર રહેવું જોઈએ તથા આધ્યાત્મિક જીવન માટે સર્વસ્વના ત્યાગ માટે તૈયાર રહેવું જોઈએ. જીવનના ચરમ લક્ષ્યની પ્રાપ્તિ માટે કોઈપણ મૂલ્ય ચૂકવવાની તથા ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવાની તત્પરતા હોવી જોઈએ.’

જો કોઈ કારણથી આપણું મન ઉચ્ચતર તથા ચિરંતન તત્ત્વો તરફ આકર્ષાય તો આપણે એને મોટું સૌભાગ્ય સમજવું જોઈએ અને એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે લક્ષ્યપ્રાપ્તિ સુધી થાક્યા વિના ઉચ્ચતર પથ પર ધીરસ્થિર ભાવે પ્રગતિ કરતા રહીએ. આધ્યાત્મિક ઉત્સાહ જાળવી રાખવો જોઈએ, પરંતુ આપણે શિથિલ બની જઈએ એવો ભય સદા રહે છે. એટલે આધ્યાત્મિક જીવનને અંગીકાર કર્યા પછી થોડા સમય બાદ અધિકાંશ લોકો આધ્યાત્મિક પ્રયાસ બંધ કરી દે છે. મનની વધારેે પડતી ચંચળતા અને બહિર્મુખતાને કારણે તેનો વધારે સમય સુધી આધ્યાત્મિક ઉત્સાહ અને તીવ્રતા જાળવી રાખતા નથી અને નિષ્ઠાપૂર્વક લગની સાથે સાધના અને સ્વાધ્યાય કરતા નથી. એટલે આપણે સાવધાન રહેવું જોઈએ. આધ્યાત્મિક જીવન માટે દૃઢનિષ્ઠા એક માત્ર આવશ્યક વસ્તુ છે. નિરુત્સાહિત થયા વિના કે પ્રયાસમાં ઢીલ કર્યા વિના, મહાન લગન અને અતૂટ દૃઢતા દ્વારા જ પ્રગતિ સંભવ છે. અંગ્રેજી કવિ વિલિયમ વર્ડ્ઝવર્થ પોતાના પ્રસિદ્ધ કાવ્યમાં કહે છે, ‘આપણો જન્મ નિદ્રા અને વિસ્મૃતિ માત્ર છે.’ બીજા એક ગીતમાં તેઓ કહે છે : ‘સંસાર આપણી સાથે વધારે માત્રામાં જોડાયેલો છે; પહેલાં અને પછીથી, મેળવતા અને ગુમાવતા, આપણે આપણી શક્તિ ક્ષય કરીએ છીએ.’ આપણે આ રીતે પોતાનું સમગ્ર જીવન ગુમાવી દેવું ન જોઈએ. (ક્રમશ 🙂

Total Views: 343

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.