ગયા અંકમાં ૧૮૧૦ થી ૧૯૪૦ દરમિયાનનાં વિવિધ સુધારાવાદી ચળવળો અને સરકાર દ્વારા પસાર થયેલ સુધારાવાદી કાયદાઓ વિશે વાંચ્યું, હવે આગળ…

ધર્મ : પુન :દૃઢિકરણ

ઈ.સ.પૂર્વે બીજી સદીમાં લખાયેલ મનુસ્મૃતિ પર મૂળભૂત રીતે તેમજ અધકચરા અને અસ્પષ્ટ સ્રોતવાળી પરંપરાઓ પર પણ આધારિત હિન્દુ ધર્મ દ્વારા માન્યતા પામેલ આચાર-વ્યવહારોનું ૧૯મી સદીમાં પુન :પરીક્ષણ કરવાની આવશ્યકતા ઊભી થઈ. તત્કાલીન હિન્દુચિંતકો દ્વારા હિન્દુ ધર્મના તત્ત્વચિંતનાત્મક અને બ્રહ્મવિદ્યા વિષયક પાસાંનું તેવી જ રીતે બારીકાઈપૂર્વકનું અન્વીક્ષણ કરવાની જરૂર જણાઈ હતી. હિન્દુ ધર્મ એ યથાર્થ પ્રકારનો ધર્મ નથી તેમજ ‘મૂર્તિપૂજક’ હિન્દુઓએ તેમની મુક્તિ માટે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરિત થવું જોઈએ એવું બતાવવા માટે ખ્રિસ્તી મિશનરીઓ વિશેષરૂપે પ્રયાસ કરતા હતા. હિન્દુ ધર્મના સ્વરૂપ અંગેનો તેમનો નિષ્કર્ષ સમજી શકાય તેવો હતો કારણ કે તેનાં અનુષ્ઠાનોના ‘કેવી રીતે’ પાછળના ‘શા માટે’ નું સ્પષ્ટીકરણ કરવા સાધારણ હિન્દુ સક્ષમ ન હતો. વળી ૧૮મી સદીના પ્રારંભમાં ભારતના સંપર્કમાં આવેલા યુરોપીયનો ‘એક ધર્મ’ ધરાવતા હિન્દુઓના વૈવિધ્યપૂર્ણ ધાર્મિક આચાર-વ્યવહારોને જોઈ શક્યા ન હતા તેમજ તેઓ હિન્દુઓના મહાન સાંસ્કૃતિક વારસાથી પણ માહિતગાર થયા ન હતા. ૧૯મી સદીના પાછળના અર્ધશતકમાં પરિસ્થિતિ બદલાઈ. ઘણા બધા પશ્ચિમી વિદ્વાનોએ સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યું અને વેદો તેમજ ઉપનિષદોનો ફ્રેન્ચ, જર્મન અને અંગે્રજી ભાષામાં અનુવાદ કર્યો. આ વિદ્વાનો – ભારતવિદો – એ રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યો, ભગવદ્ ગીતા, કાવ્યો અને નાટકો; સંવાદો, નૃત્ય, ગણિતશાસ્ત્ર, જ્યોતિષ, શિલ્પ અને એવા બધા વિષયોના વિવરણ ગં્રથો જેવા સંસ્કૃત સાહિત્યનાં દ્વાર ખોલ્યાં. ૨૦મી સદીના પ્રારંભમાં સંસ્કૃત સાહિત્યક્ષેત્રે થયેલી આ શરૂઆતે હિન્દુઓ અને તેમની પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પશ્ચિમની સમજણના ખ્યાલને બદલ્યો. ખ્રિસ્તી ધર્મમાં કેટલીક ધ્યાનાકર્ષક વિલક્ષણતાઓ છે : એક જ ઈશ્વર, મૂર્તિપૂજાનો અભાવ, દરિદ્ર કે પતિતોની સહાયનો અભિગમ, ગંભીર પરિવેશમાં સામૂહિક પ્રાર્થના કરવાના ઉદ્દેશવાળા ચર્ચનું વ્યવસ્થાતંત્ર. ઘણા બધા ભારતીયોએ બાઈબલનો અભ્યાસ કર્યો અને થોડાક બુદ્ધિશાળીઓ સ્વૈચ્છિકપણે ખ્રિસ્તીધર્મમાં ધર્માંતરિત થયા. શૂદ્રો, અસ્પૃશ્ય અને આદિવાસી જનજાતિ સમૂહોના ધર્માંતરણ કરતાં આ જુદા પ્રકારની ઘટના હતી. સમગ્રતયા હિન્દુ ધર્મ માટે ધમકીરૂપ ખ્રિસ્તી ધર્મમાં થતા ધર્માંતરણ માટેનાં ક્રિયાત્મક બળો સ્પષ્ટપણે સમજી શકાયાં હતાં. ૧૯મી સદીના મધ્યભાગમાં હિન્દુઓમાંના પ્રબુદ્ધ લોકો વિજેતા તરીકેની દમનકારી માનસિકતામાંથી બહાર આવ્યા હતા. તેઓ રાજકીય, સામાજિક અને ધાર્મિક મોરચા બાબતે કૃતનિશ્ચયી બન્યા હતા.

અંતર્નિરીક્ષણ કરવું, વિશ્લેષણ કરવું અને હિન્દુ ધર્મની અંતર્ગત જ્યાં જરૂરી જણાય ત્યાં ધાર્મિક વિધિવિધાનોમાં યથાર્થ સુધારણાઓ કરવી એ હિન્દુધર્મના રક્ષણનો એક માત્ર માર્ગ હતો. અગાઉના સમયમાં લેવાયેલાં સુધારાત્મક પગલાંને ૮ પ્રકારનાં ગણી શકાય : હિન્દુ ધર્મમાં આવરી લેવાયેલા છે એવું જણાવીને ખ્રિસ્તી ધર્મના સારા ખ્યાલોને ગ્રહણ કરવા, તત્ત્વચિંતનાત્મક મૂળભૂત ખ્યાલોનું સ્પષ્ટીકરણ કરવું, હિન્દુ ધર્મનાં અર્થસભર વિધિવિધાનો પાછળની બૌદ્ધિકતા બહાર લાવવી, કેટલાંક બિનજરૂરી ક્રિયાકાંડોની નાબૂદી કરવી, પવિત્રતા-અપવિત્રતાના ખ્યાલો પરત્વે પુન : ધ્યાન આપવું, બુદ્ધિયુક્ત ન હોય તેવા નિષેધો અને તેના સંબંધિત પ્રાયશ્ચિત્ત વિધિઓની નાબૂદી કરવી, જાતિભેદનું સૂચન કરતી પોશાક અને ઢબછબની બાહ્ય નિશાનીઓનો બાધ કરવો તેમજ હિન્દુ ધર્મની અંતર્ગત સામુદાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.

ખ્રિસ્તી ધર્મના સંદર્ભમાં હિન્દુધર્મની પુન :સમીક્ષાના પ્રારંભિક પરિણામરૂપે કોલકાતામાં ૧૮૨૮માં બ્રાહ્મસમાજ (રામ મોહન રાય), ૧૮૬૭માં મુંબઈમાં પ્રાર્થના સમાજ (ન્યાયમૂર્તિ એમ. જી. રાનડે) અને ૧૮૭૫માં આર્યસમાજ (દયાનંદ સરસ્વતી) ની સ્થાપના થઈ. અનિવાર્યપણે આ ત્રણેય વેદો તરફ પાછા વળ્યા. મૂર્તિપૂજા એ અપૌરુષેય એવા વેદોમાંથી નિષ્પન્ન થતો આદેશ ન હોવાને કારણે તેઓએ ઘરમાં કે મંદિરમાં થતી મૂર્તિપૂજાને અનુમોદન આપ્યું ન હતું. પછીના સૈકામાં આ સમાજો ભારતના ઘણા બધા ભાગોના શહેરોમાં સ્થપાયા.

આ સુધારકોએ જ્ઞાતિવાદને દૂર કરવાનું કાર્ય કર્યું, અ-બ્રાહ્મણો માટે વેદાધ્યયનનાં દ્વાર ખુલ્લાં કર્યાં, સ્ત્રીઓના વેદાધ્યયનનું સમર્થન કર્યું અને કેટલાક ક્રિયાકાંડોને સરળ બનાવ્યા. તેઓએ લોકોને જાહેરસ્થાનોમાં સામૂહિક રીતે પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેઓ કર્મ, પુનર્જન્મ અને મોક્ષમાં માનતા હતા પણ સગુણ સાકાર ઈશ્વરમાં માનતા ન હતા. પ્રાર્થનાસમાજ અનીશ્વરવાદી હતો અને તેના અનુયાયીઓને મરાઠી સંત-કવિઓનાં ગીત-ભજનો ગાવા માટે પ્રોત્સાહન આપતો. જેઓ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દુ ધર્મમાં પાછા આવવા માગતા હતા તેવા હિન્દુઓના પુન :ધર્માંતરણનું કાર્ય આર્યસમાજે હાથ ધર્યું. વળી આર્યસમાજે અન્ય ધર્મના લોકોના હિન્દુધર્મમાંના પ્રવેશને આવકાર્યોે; આ બન્ને પગલાં હિન્દુધર્મના ઇતિહાસમાં અપૂર્વ ગણી શકાય.

Total Views: 63
By Published On: December 1, 2015Categories: Ashok Garde0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram