નોંધ : ઓગસ્ટ ૧૯૦૬ થી નવેમ્બર ૧૯૧૧ દરમિયાન અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદકીય વિભાગમાં ‘ઘભભફતશજ્ઞક્ષફહ ગજ્ઞયિંત’ ના નામે નિયમિતરૂપે ઘણા નિબંધો પ્રકાશિત થયા હતા. એ પૈકીના આ નિબંધનું શ્રી સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. જો કે આ નિબંધો મુખ્યત્વે વ્યક્તિગત અને સામાજિક ઉન્નતિના સર્વસામાન્ય સિદ્ધાંતોનું વિવેચન કરે છે તે કારણે આ નિબંધો ભારતની વર્તમાન સ્થિતિમાં ઘણું ઊંચું મૂલ્ય ધરાવે છે.
પ્રત્યેક ધર્મ કોઈ સુનિશ્ચિત વિભાવનાની આસપાસ કેન્દ્રિત થયેલો હોય છે : પ્રાચીન ઇજિપ્ત મૃત્યુની આસપાસ, પર્શિયા શુભ અને અશુભના રહસ્યની આસપાસ, ખ્રિસ્તી ધર્મ દિવ્ય અવતારના મુક્તિદાયી પ્રેમની આસપાસ. માત્ર હિંદુ ધર્મ જ વૈરાગ્ય અને મુક્તિના પરમ આદર્શનું લક્ષ ધરાવે છે અને એમાં કંઈ ઈહલોકપણું નથી. આ ખરેખર હિંદુધર્મનું નબળું પાસું છે. હૃદયના ઊંડાણમાં તીવ્રપણે અનુભવેલી આ ખામી અંગે સ્વામી વિવેકાનંદ અવારનવાર હળવી મજાક કરતાં કરતાં કહેતા : ‘આ દુકાનમાં માત્ર ત્યાગ અને મુક્તિ છે! ગૃહસ્થો માટે કંઈ જ નહીં!’ તેની મહાનતાની આડે આવતી આ ક્ષતિને પહોંચી વળવા હિંદુધર્મની શક્તિમત્તામાં રહેલો ગુણ છે – તેના સંપર્કમાં આવતી પ્રત્યેક ધાર્મિક વિભાવના સાથે સંશ્લેષણ સાધવાની ક્ષમતા. હિંદુ ધર્મની ધર્મ તરીકેની સમાવેશક શક્તિ અને સંસ્કૃતિ તરીકેની પ્રતિરોધક ક્ષમતા માનવ ઇતિહાસમાં ચમકાવી દે તેવા વિરોધાભાસોને પ્રદર્શિત કરે છે. ધર્મોના વાસ્તવિક માળખામાંથી મૂળભૂત રીતે ઉદ્ભવેલ અને જેનું સંયોજનકારી તત્ત્વ વેદાંતફિલસૂફી તરીકે ઓળખાય છે, તે હિંદુ ધર્મે મોગલકાળમાં સુધારાવાદી સંપ્રદાયોને ઉત્પન્ન કર્યા છે તેમજ ખ્રિસ્તીકાળમાં પણ સુધારાવાદી સંપ્રદાયોને ઉત્પન્ન કર્યા છે, જે હકીકતમાં નૂતન આદર્શની પ્રશંસાની અભિવ્યક્તિ છે.
હાલમાં જો કે હિંદુઓ સ્વીકારે છે કે દેશની ધાર્મિક અંત :પ્રેરણાનું મહાનતમ આહ્વાન જીવનમાં સમગ્રપણે નવાં ક્ષેત્રોને આત્મસાત્ કરવામાં રહેલું છે. આપણે ખ્રિસ્તીઓનાં ‘સીમિત દૃષ્ટિબિંદુઓ’ને સ્વીકૃત કરવાં જોઈએ. જેઓ ‘મુક્તિ’ નહિ, પણ માત્ર સ્વર્ગ ઇચ્છે છે તેઓ માટે કેટલાક ધાર્મિક ઉપદેશો અને પ્રોત્સાહનો હોવાં જ જોઈએ. ધર્મમાં પવિત્રતાની સાથે સાથે નીતિમત્તાની સ્વીકૃતિ થવી જોઈએ. કર્તવ્ય બજાવવામાં નીતિમત્તા રહેલી છે : પવિત્રતામાં ત્યાગ જરૂરી છે. એક મહાન સંન્યાસીની પાર્શ્વભૂમિકારૂપે હજાર શાલીન નાગરિકોની આવશ્યકતા છે. સંન્યાસના તત્ત્વચિંતનની જેમ નાગરિકત્વનું પણ તત્ત્વચિંતન હોવું જોઈએ.
સત્યની બાબતમાં એક વસ્તુના પદગૌરવના બદલામાં બાકીની વસ્તુઓની અવમાનના કરવાની જરૂર નથી. આદર્શ તો નિત્ય અનંત, નિત્ય દિવ્ય છે. ઉચ્ચપણે નીતિમાન સમાજ મહાન સંતો પેદા કરે છે. માતાપિતાની પવિત્રતા જ અવતારોના જન્મને શક્ય બનાવે છે. જ્યાં લગ્નસંબંધ વફાદારીપૂર્વક નિભાવાય છે ત્યાં નિષ્ઠાવાન સંન્યાસ શક્ય છે, નહીં કે ચારિત્ર્યહીન અને ઉદ્દંડ જીવન જીવનારાઓમાં. એ જ રીતે ભવ્ય ધાર્મિક આદર્શની જાળવણી માટે શાલીન નાગરિકો હોવા જરૂરી છે અને સંન્યાસીની જેમ જ સામાન્ય નાગરિકોની શાલીનતા પણ આ ભવ્ય આદર્શના પ્રગટીકરણ માટે જરૂરી છે.
પણ જો આ આવું છે તો આપણે આપણાં પ્રાચીન ધર્મશાસ્ત્રોનું નવા ઉદ્દેશથી મૂલ્યાંકન કરવું જોઈએ. વર્તમાન જગતનું માનવ્યપૂર્ણ કામ કરવા માટે આપણને સહાયતા અને પ્રોત્સાહન આપી શકે તેવા લોકોને આપણે શોધવા જોઈએ. જેમ કર્મથી મુક્ત રહીને, તેમ ફરજ બજાવીને પણ ત્યાગ કેળવી શકાય. આપણને ઉપદેશ કરનારાં તો હજારો શાસ્ત્રો છે પણ સંન્યાસની તરફેણમાં પ્રવર્તતી પૂર્વધારણાઓ આપણને ધર્મપક્ષે ઉપેક્ષાવૃત્તિ કેળવવા તરફ દોરી ગઈ છે. યુરોપીય સમાજનું નબળું પાસું સંન્યાસના આદર્શની ગેરહાજરીમાં રહેલું છે, તે સાચું છે. પણ તેટલા જ પ્રમાણમાં એ પણ સાચું છે કે ગૃહસ્થ અને નાગરિકત્વના આદર્શ પર ભાર મૂકવાની ઊણપ જ હિંદુ ધર્મનું નબળું પાસું છે. હકીકતમાં તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આપણાં શાસ્ત્રો રચાયાં હતાં ત્યારે આપણો સમાજ સદ્ગુણોમાં અને ભૌતિક રીતે સમૃદ્ધ હતો. આ બે પૈકીનું પાછળનું ભૌતિક સમૃદ્ધિનું પાસું જ્યારે હ્રાસ પાસે છે ત્યારે પહેલા નૈતિક ક્ષેત્રનો સડો અટકાવવો મુશ્કેલ બને છે અને વર્તમાન જરૂરિયાત એ છે કે તે બંનેને વિચારણાપૂર્વક પુન : પ્રાપ્ત કરવાં.
આ માટે આપણે અથાક્ પરિશ્રમ કરવો જોઈએ. આપણે વિશ્વને એક શાળા તરીકે ગણવું જોઈએ જેમાં એક વર્ગમાંથી બીજા વર્ગમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધવા ઝંખતા રહેવું એ મહત્ત્વની બાબત બને. આપણે પ્રગતિના ચક્રને ટેકો દેવો જોઈએ અને આપણી સામેના આપણે જ નિર્ધારિત કરેલ લક્ષ્યને સિદ્ધ કરવા વણઅટક્યે સંઘર્ષરત રહેવું જોઈએ.
આપણું ચિંતન આપણને કહે છે કે આ જીવનની બાબતોમાં નિરપેક્ષ પ્રગતિ અશક્ય છે. પરંતુ સાપેક્ષ પ્રગતિ બિલકુલ શક્ય છે અને આપણે જ્યારે સાપેક્ષતાની આ ભૂમિ પર પગરણ માંડીએ ત્યારે આપણને પછીના બીજા જ પગલે સંપૂર્ણ સફળતા મળવાની છે, તેમ સમજીને કાર્ય કરવું જોઈએ.
સાપેક્ષ બાબતોમાં પણ ચાલો આપણે ઉચ્ચ આદર્શાેને પ્રસ્થાપિત કરીએ. ‘હું સારા પેચવાળા ખીલાઓ નથી બનાવતો, પણ મુરબ્બી, સર્વોત્તમ પેચવાળા ખીલાઓ હું બનાવું છું’, આવું એક દેશી કારીગરે એક અતિ સામાન્ય પૂછપરછના ઉત્તરરૂપે કહ્યું. આપણું મનોવલણ આવું હોવું જોઈએ. આપણે પણ ઉત્તમોત્તમ પેચવાળા ખીલા બનાવવા જોઈએ. દરેક બાબતમાં આવું જ હોવું જોઈએ. સારું નહિ પણ ઉત્તમ, મુશ્કેલીઓ વચ્ચે પણ ઉત્તમોત્તમ આપણે હાંસલ કરવું જોઈએ. અતિ ઉત્તમથી સહેજ પણ ઓછું ન જોઈએ. કંઈ જ સહેલું ન ખપે. કંઈ જ સસ્તું ન ખપે. જે મનોવલણ કે ઊર્જા સંન્યાસીને પેદા કરી શકે છે, તે જ મનોવલણ કે ઊર્જા સામાન્ય માનવીને પણ જગદંબાના કાર્ય માટે સક્ષમ બનાવશે.
અને મિત્રો પરત્વે પણ આપણા આદર્શાે ઉચ્ચતર હોવા જોઈએ. ખરાબની સંગતમાં કોઈ મનુષ્ય ન રહે. સાધુ કે સામાન્ય નાગરિક, ગમે તે હોય પણ તે ઉમદા મનુષ્ય બને. એ બ્રાહ્મણ હોય કે ચાંડાલ, તેમણે પોતાનું આત્મસન્માન કેળવવું જોઈએ અને બીજા પાસેથી પણ એવા આત્મસન્માનની અપેક્ષા રાખવી જોઈએ. આપણે એટલી હદે નિષ્ક્રિય ન બનવું જોઈએ કે જેથી સામેની વ્યક્તિ પશુસમાન બની જાય.
શાળામાં ક્રમિકપણે ભણાવાય છે, પણ તે બધાને ‘શિક્ષણ’ જ કહેવાય. બધા તબક્કે અપાતું શિક્ષણ શાળાના સત્તાધીશો માટે મહત્ત્વનું હોય છે. આપણી સંસ્કૃતિની બાબતમાં પણ તેવું જ છે. એક વેપારી માણસની સંનિષ્ઠા એ ત્યાગી સંન્યાસીના અપરિગ્રહના જેટલી જ મહત્ત્વની છે કારણ કે જો જગતમાં ઉમદા મનુષ્યો ન હોય તો ધાર્મિક પ્રવાહો જ નષ્ટ થઈ જાય.
આ રીતે હિંદુધર્મ ભૌતિક અને વ્યવહારુ જીવનની જરૂરિયાતને પૂર્ણપણે ઓળખી લઈને આ ધર્મ પોતાના મૂલ્યવાન ખજાનામાંથી તેની વૃદ્ધિ અને પ્રગતિ માટે જરૂરી જણાય તેવા પરસ્પર વિરોધી આદર્શાેને ગ્રહણ કરીને ફરી એકવાર સંયોજિત કરે છે. આદર્શ સામાજિક જીવનનો સાચો સંબંધ વ્યક્તિના વ્યવહારુપણામાં હોવો જોઈએ. માનવ જીવનમાં સાધિત કરવાનો ઉદ્દેશ અરણ્યવાસી સાધુ દ્વારા જ ઉપદેશાતો નથી, પણ નગરમાં વસતા કસાઈ અને ગૃહિણી દ્વારા પણ ઉપદેશાય છે.
Your Content Goes Here