યુવાનની સંપદા

યુવાન કોને ગણાય? ૧૫ અને ૩૦ વર્ષના વયજૂથના વ્યક્તિને યુવાન કહેવાય. પરંતુ યુવાન કહેવાને માટેની ઉંમર એક જ શું માપદંડ છે? અલબત્ત જો તમે યુવાનીની તાજગીથી છલકતા જુવાન માણસને ક્યારેય જોયો ન હોય તો પછી તમારે યુવાનના આ વયજૂથમાં આવતા દરેક વ્યક્તિને યુવાન ગણવો જોઈએ. ખડતલ શરીર! તીક્ષ્ણ બુદ્ધિશક્તિ! અત્યંત ખંતીલાપણું! જોમ ભરી તેજસ્વી ચળકતી આંખો! ગુલાબી ગાલ! શરીરનું હલનચલન સિંહસમા સાહસ જેવું! આ છે આદર્શ યુવાનનાં ગુણલક્ષણ. વ્યક્તિમાં તમારે આવા એકાદ યુવાનને જોવો જોઈએ. તો જ તમને સાચા યુવાનનું સ્પષ્ટ ચિત્ર મળી શકે. તમને ૩૦ વર્ષની નીચેની હજારો વ્યક્તિઓ મળશે. પરંતુ એમનામાં વાસ્તવિક યુવાની છે કે નહીં તે ખરેખર અગત્યની બાબત છે.

હવે ઉપર વર્ણવેલ ગુણવત્તાવાળા આદર્શ યુવાન અને શેરીઓમાં ટોળાબંધ જોવા મળતા કહેવાતા યુવાનો વચ્ચે સાગર જેટલો ભેદ છે, એવું તમે માનો છો? આદર્શ યુવકમાં રહેલ વિદ્યુતસમા વ્યક્તિત્વનું રહસ્ય શું છે? એ છે બ્રહ્મચર્ય! બ્રહ્મચર્ય એ આપણા પ્રાચીન ઋષિઓએ શોધેલો અદ્‌ભુત પારિભાષિક શબ્દ છે!

બ્રહ્મચર્ય શક્તિ દ્વારા પ્રાચીન ભારતમાં જીવનનાં ધોરણને અને સંસ્કૃતિને ભવ્ય સર્વોત્કૃષ્ટતા આપી છે. બ્રહ્મચર્ય એક માત્ર શક્તિ છે કે જે આપણી સંસ્કૃતિ અને જીવનધોરણને પુનર્જીવિત અને પ્રાણવાન કરી શકે; આજે આ બન્ને જાણે કે ઊંડી ગર્તામાં પડ્યાં છે.

બ્રહ્મચર્ય વિનાનો યુવાન રસ વિનાનાં ફળ જેવો અને સુગંધ વિનાનાં પુષ્પ સમો છે. અલબત્ત સુગંધ વિનાનાં પુષ્પને ઓછામાં ઓછું સૌંદર્ય હોય પરંતુ બ્રહ્મચર્ય વિનાનો યુવાન સુગંધ અને સૌંદર્ય વિહોણો છે.

યુવાન અને બ્રહ્મચર્ય વચ્ચે ગાઢ સંબંધ છે, એકબીજા વિના તેઓ રહી ન શકે. ખરેખર તો જ્યારે તમે ‘યુવાન’ એ શબ્દ ઉચ્ચારો છો ત્યારે તેમાં બ્રહ્મચર્યનો પ્રભાવ સમાયેલો જ છે. એટલે તમે સહજભાવે કહી શકો કે બ્રહ્મચર્ય અને યુવાન એ સમાનાર્થી શબ્દ છે. આપણે હવે ઊંડાણથી બ્રહ્મચર્યની ચર્ચા કરીએ એ પહેલાં એક બાબત સ્પષ્ટ કરી લઈએ.

લોકો જેવા બ્રહ્મચર્ય એ શબ્દને સાંભળે છે ત્યારે તેઓ ચિંતાતુર બનીને પૂછે છે, ‘તો પછી લગ્ન કરવાં એ શું ખોટું છે?’ આ બહુ સામાન્ય પ્રશ્ન છે. પરંતુ વાસ્તવિક રીતે આવો પ્રશ્ન ઊભો થવાની જરાય જરૂર નથી. પરાપૂર્વથી લગ્નને સુવિધાજનક અને માનપૂર્વકની સામાજિક સંસ્થા માનવામાં આવી છે. એટલે લગ્ન કરવાં એ કંઈ ખોટું નથી. પરંતુ તમારે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે લગ્ન એ ભોગવિલાસનું જીવન જીવવાનું લાયસન્સ નથી. જેમ ભૂખ તમને ભોજન માટે દબાણ કરે છે, એનો અર્થ એ નથી કે તમે ખાઉધરા બની જાઓ! બ્રહ્મચર્ય એ સંયમિત જીવન જીવવા માટે ઘણું અગત્યનું છે. એટલે પરણેલા વ્યક્તિ માટે પણ એ અસંગત નથી.

આ સંદર્ભમાં મુખ્ય વિષય ઉપર આપણે આવીએ તે પહેલાં એક વધુ બાબતને સ્પષ્ટ કરવી જરૂરી છે :

પરણીને શિસ્તબદ્ધ રીતે ગૃહસ્થ જીવન જીવવું એ આ આદર્શથી કંઈ ઊતરતો આદર્શ નથી. આનો આપણે જરા વિચાર કરીએ, બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ અને આ બધા સંતો ક્યાંથી આવ્યા છે? તેઓ બધા પરણેલાં સ્ત્રીપુરુષોના ઘરમાંથી, ખરુંને? અલબત્ત બ્રહ્મચારીઓની ગુણવત્તાનો આધાર મોટેભાગે જે ગુણવત્તાવાળા ઘરમાંથી આવે છે તેના પર છે. બ્રહ્મચર્ય એ બધી સફળતામાં મુખ્ય પાસું છે. એટલે જ આપણા પ્રબુદ્ધ વડિલો એવી સલાહ આપે છે કે આપણા બધાં યુવાન સ્ત્રીપુરુષોએ બ્રહ્મચર્ય વિશે ઘણી વિગતથી જાણવું જોઈએ.

જો કોઈ પણ યુવાન સ્વચ્છંદી બની જાય અને આત્મવિનાશના પથે ચાલતો થાય તો એના પતનને રોકવું અને એને ઉન્નત કરવો એ ઘણું કઠિન કાર્ય છે. એટલે જ પ્રારંભથી જ આપણા યુવાનોએ સર્વોત્કૃષ્ટ આદર્શને જાણવો જોઈએ અને એ પ્રમાણે પોતાના વ્યક્તિત્વને ઢાળવા પ્રયત્ન કરવો જોઈએ. બ્રહ્મચર્ય એ જીવનનું સારભૂત તત્ત્વ છે અને યુવાનોનું મૂળ શક્તિસ્રોત છે, આ એક હકીકત છે. આમ હોવા છતાં પણ આજે માબાપ પોતાનાં બાળકોને બ્રહ્મચર્યનું શિક્ષણ આપવા અચકાય છે. એનું પણ એક કારણ છે. તેઓ પોતે પણ બ્રહ્મચર્યની ગહનતાને જાણતાં નથી. આ ઉપરાંત એક નિરાધાર ભયને લીધે પણ એવું બને છે અને એ ભય છે, ‘અરે, મારો દીકરો સાધુ બની જાય તો?’ પરંતુ આવાં માબાપોએ જાણવું જોઈએ કે કોઈ એક વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે તો તે સંન્યાસી બની જાય તેવું નથી. આટલી સરળતાથી સંન્યાસી બનવું અશક્ય છે. જ્યાં સુધી પોતાના હૃદયમાં તીવ્ર અને ગહન વૈરાગ્ય ન આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સંન્યાસી બની શકે નહીં અને આવો તીવ્ર વૈરાગ્ય એ કોઈ રમતની વાત નથી. દરેકને આવો વૈરાગ્ય આવી શકે નહીં, ક્યારેય નહીં! સાધુ થવા માટે આવશ્યક એવાં સાચા વૈરાગ્ય અને ત્યાગની નજીક થોડો ઘણો આત્મસંયમ અને થોડી ઘણી સ્વયંશિસ્તથી જવું શક્ય નથી. એટલે પોતાનાં બાળકો સંન્યાસી બની જશે એવા આધાર વિનાના ભયને કારણે બ્રહ્મચર્ય વિશેના ઉચ્ચ સત્યોથી અજ્ઞાત રાખે તો તે કમનસીબ સંતાનોનાં લગ્નજીવનને પણ બરબાદ કરી નાખશે. આપણે આગળ જોયું તેમ સદ્ગૃહસ્થોના ઘરમાંથી જ સારા બ્રહ્મચારીઓ મળે છે. એવી જ રીતે સારા બ્રહ્મચારીઓ સદ્ગૃહસ્થીઓ બની શકે છે. એટલે જ આ બાબતને આપણે ઘરમાં લાવવી જોઈએ કે બ્રહ્મચર્યનો અભ્યાસ એ શાણા અને તંદુરસ્ત સમાજની આધારશિલા છે.

હમણાં હમણાં બ્રહ્મચર્યપાલનની વિરુદ્ધમાં એક બીજી દલીલ રજૂ કરવામાં આવે છે, ‘અખંડ બ્રહ્મચર્યનું પાલન આ દુનિયામાં અશક્ય છે.’ આજના જમાનામાં ડાૅક્ટરો અને મનોચિકિત્સકો પણ આ દલીલના પક્ષમાં ઘણું ઘણું કહેતા રહે છે. આ લોકો જાહેર માહિતી પ્રસાધનનાં સંસાધનો દ્વારા તે માહિતી ફેલાવવામાં વધારે ને વધારે પ્રબળ બનતા જાય છે અને દરરોજે દરરોજ સમાજના વિસ્તૃત ફલકમાં પહોંચી રહ્યા છે. પરીણામે બ્રહ્મચર્યનું પાલન કરવાની બાબત દૈનંદિન ભયંકર રીતે નીચે ને નીચે ઊતરતી જાય છે અને સમાજમાંથી આ મહાન આદર્શ આજે જાણે કે હંમેશાંને માટે વિદાય લેતો હોય તેવું લાગે છે.

સૌ પ્રથમ તો બ્રહ્મચર્યનું પાલન એ ઘણું અતિકઠિન કાર્ય છે. એ સાગરના પ્રવાહની સામે તરવા જેવું છે અને એમાંય જો આજના કહેવાતા વિદ્વાન ડાૅક્ટરો અને મનોચિકિત્સકો પણ માનવસમૂહની સાથે પોતાનો અવાજ મેળવે અને બ્રહ્મચર્યની વિરુદ્ધ કહે તો એ તો એનાથીયે વધારે કઠિન બનવાનું છે. એટલે આજે બ્રહ્મચર્યની સમગ્ર વાત એક હાંસીપાત્ર બની ગઈ છે અને મનોવૈજ્ઞાનિક વિકૃતિની દૃષ્ટિએ, અત્યંત હીન નજરે એના તરફ જોવામાં આવે છે.

અલબત્ત, બ્રહ્મચર્યના આદર્શ વિશેની આવી ભયંકર ભ્રામક કલ્પના ઉદ્ભવવાનાં પણ નક્કર કારણો છે. ઘણા મહાન અને સુખ્યાત યોગીઓ પણ આ આદર્શમાંથી ચલિત થયા છે. પુરાણોના સમયથી આવાં અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. પરંતુ સાહસ અને શ્રદ્ધા ગુમાવવા માટેનું આ કારણ નથી. બીજી દૃષ્ટિએ જોઈએ તો આવાં ઉદાહરણો એ અભાવાત્મક બોધપાઠ છે કે જે આપણને વધારે સાવધ અને સચેત બનવાનું શીખવે છે અને વળી આપણે એ પણ જાણવું જોઈએ કે જેઓ પર્વતની સપાટી કરતાં વધારે ઊંચું આરોહણ કરવાનો પ્રયત્ન કરે છે તે અવારનવાર લપસી જાય છે કે પડી પણ જાય છે. પરંતુ બ્રહ્મચર્ય એક ખરેખર કઠિન આદર્શ છે એને કારણે વધારે ઉન્નત થવા માટેના પ્રયત્નો છોડી દેવા અને ભોગવિલાસના ઊંડા કાદવ-કીચડમાં ફસાવાનું ચાલુ રાખવું યોગ્ય છે? ના, ક્યારેય નહીં.

આ સાથે એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે. આ સમયનો સમાજ સામાજિકતાનો, મુક્ત જીવન જીવવાવાળો છે, એવા સમાજમાં યુવાન અને યુવતીઓ મુક્તપણે હળીમળી શકે છે.

વાસ્તવમાં જો આવી રીતે કોઈ પણ વ્યક્તિ મુક્તપણે પોતાની વિરુદ્ધ જાતીયતાવાળી વ્યક્તિ સાથે ન હળેભળે તો તેમને અસંસ્કારી કે અસભ્ય ગણવામાં આવે છે! વળી આ ઉંમર પ્રસિદ્ધિ પામવાની ઉંમર છે. દરેક સ્થળે અશ્લિલ દૃશ્યો જોવા મળે છે. ઉત્તેજિત કરે અને પંપાળે એવા પદાર્થાે હાથવગા બન્યા છે અને આ બધાં આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને ખૂબ લલચાવે છે અને મન ઉપર સતત આક્રમણ કરતાં રહે છે. એને પરિણામે સમાજમાં દરેક સ્થળે જાતીય વૃત્તિની અતિરેકતા જોવા મળે છે. આ વાતાવરણમાં બ્રહ્મચર્યના આદર્શને ઉત્કૃષ્ટ રીતે જીવનમાં ઉતારવો એ અત્યંત ભગીરથ, દુષ્કર કાર્ય છે.

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.