(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

ગયા અંકમાં આપણે માનસિક તણાવ ઉપજાવનાર અને તેને દૂર કરનાર પરિબળો વિશે વાંચ્યું, હવે આગળ…

માનસિક તણાવનાં વિભિન્ન કારણો

ચાલો, હવે આપણે ઉદાહરણોની શૃંખલાને ધ્યાનમાં રાખીને તણાવનાં વિભિન્ન કારણોની યાદી તૈયાર કરીએ.

ધારો કે જો કોઈ પરિવારનો અગ્રણી સંતુલિત જીવન જીવે છે, ઉત્તેજિત થતો નથી, તો એની શાંતિપૂર્ણ અસર સંપૂર્ણ પરિવાર પર પડશે. આનાથી ઊલટું ઉત્તેજનાથી પૂર્ણ જીવન જીવનાર સર્વાદા ખીજાળવા અને આવેશમય, ક્રોધી અને આક્રમક હોય તો પરિવારમાં શાંતિ ન રહી શકે. પહેલો નિષ્કર્ષ એ નીકળ્યો કે કેટલાક લોકોમાં જો તણાવ હોય તો તે તણાવ પારસ્પરિક સંબંધમાં વ્યાપી જાય છે. કોઈ જૂથ કે સમુદાયમાં વ્યાપ્ત તણાવ આ શૃંખલાનો પછીનો વિસ્તાર છે. ધારો કે આપણે એક ત્રણ માળના મકાનમાં રહીએ છીએ. સૌથી ઉપરના માળે ભાડુત રહે છે. બાકીના બે માળે માલિક રહે છે.

કોઈ એક સમસ્યાને લીધે તણાવ ઊભો થયો તે પહેલાં બધા શાંતિપૂર્વક રહેતા હતા. ધારો કે કોઈ પાળેલુ કૂતરું રાતના ભસે છે અને એને કારણે બધાની ઊંઘ ઊડી જાય છે, એવી સમસ્યા છે. હવે પ્રભાવિત લોકો એનો વિરોધ કરે તો સંભવત : કૂતરાના માલિકને માઠું લાગશે. તણાવગ્રસ્ત થઈને ભવનના લોકોનું સામુદાયિક જીવન અશાંત બની શકે અને કટુતા ફેલાય છે. મનથી તણાવનું ઉન્મૂલન કરવું આપણી મૂળ આવશ્યકતા છે. પરંતુ તણાવનાં કારણોનું સ્પષ્ટ જ્ઞાન થયા વિના એ સંભવ નથી. એટલે મનની કાર્યપ્રણાલીને સમજવી એ પ્રાથમિક આવશ્યકતા છે. માનસિક તણાવ નિ :સંદેહ દૈહિક અને માનસિક હોય છે. પરંતુ સારી રીતે મનની કાર્યપ્રણાલીને સમજવી એ પ્રાથમિક આવશ્યકતા છે. માનસિક તણાવ નિ :સંદેહ હોય છે, પરંતુ તે વિશેષ કરીને મનની અસ્થિરતા પર આશ્રિત હોય છે. સ્વસ્થ મનથી સ્નાયુગત તણાવ દૂર થઈ શકે છે.

એ સ્પષ્ટ છે કે સ્નાયવિક તણાવ ગૃહસ્થો સુધી સીમિત હોય છે એવું નથી. એ સંન્યાસીઓ તેમજ બ્રહ્મચારીઓમાં હોઈ શકે છે. ક્યારેક ક્યારેક તેઓ કાર્યસારિણી સાથે તાલમેલ જાળવી શકતા નથી અને બધું છોડીને હિમાલય ચાલ્યા જાય છે. પાછા આવ્યા પછી જો એમને આપણે પૂછીએ કે આપ અચાનક કેમ ચાલ્યા ગયા? તો તેઓ કહેવાના કે એક પ્રકારનો માનસિક થાક અનુભવતો હતો. આ એક સામાન્ય ઘટના છે. મને એક બીજી ઘટના યાદ આવે છે. એક વાર એક બ્રહ્મચારી એક વરિષ્ટ સંન્યાસી પાસે ગયો અને કહ્યું, ‘મહારાજ, હું ભયંકર માનસિક અવસાદથી ઘેરાયેલો છું.’ સૌભાગ્યવશ સંન્યાસી પૂર્ણતયા શંકરવાદી અને દૃઢ અદ્વૈતવાદી હતા. એમણે યુવાન બ્રહ્મચારી તરફ જોયું અને કહ્યું, ‘અરે, તમે માનસિક અવસાદ ગ્રસ્ત છો? સારું. તો કહો શું તમે મન છો, દેહ છો કે નિત્ય આત્મા છો?’

યુવાન બ્રહ્મચારીને પોતાની સમસ્યાનો ઉત્તર અને માનસિક તણાવનો ઉકેલ મળી ગયો. તેણે કહ્યું, ‘હું જ્યારે પોતાના દિવ્યત્વ એવં જીવનના ઉચ્ચસ્વરૂપને ભૂલતો નથી ત્યારે હું આત્મા છું, એ વખતે ન તો હું દેહ છું, ન તો મન અને ઈન્દ્રિઓ પણ નહીં. એટલે હવે કોઈ સમસ્યા જ નથી. પરંતુ હું જ્યારે પોતાના સત્યસ્વરૂપને ભૂલીને નીચે ધરાતલ પર પડું છું અને શરીર, મન એવં ઇચ્છા, એની સાથે સંબદ્ધ સહયોગી કામનાઓ અને ઉદ્વેગો સાથે તાદાત્મ્ય સ્થાપિત કરી લઉં છું ત્યારે મને કષ્ટ થાય છે.’

એટલે જ બ્રહ્મચારીની શંકાનું સમાધાન જે રીતે વરિષ્ઠ સંન્યાસીએ કર્યું તે એ બધા પર લાગુ પડે છે કે જે માનસિક તણાવ તેમજ અવસાદથી પીડિત છે. જ્યાં સુધી આપણું જ્ઞાન ખંડિત રહેશે અને આપણે દેહ અને મનને સત્ય સમજતા રહીશું ત્યાં સુધી આપણે દુ :ખ-કષ્ટમાં રહીશું. આપણે નિત્યને અનિત્ય મન સાથે શા માટે જોડીએ છીએ? જો તમે એવો વિશ્વાસ કરી લો કે કેવળ આત્મા જ સત્ય છે અને તમે તે આત્મા છો તો કોઈ સમસ્યા જ નથી. સદ્ભાગ્યે બ્રહ્મચારી આ વાત તરત સમજી ગયો. તે વરિષ્ઠ સંન્યાસી સાથે મુલાકાત કરીને પૂર્ણતયા સંતુષ્ઠ થઈને પાછો ફર્યો. તેણે એ અનુભવ્યું કે અનિત્યના આવરણથી નિત્ય આત્માની વ્યાપકતાને સીમિત કરવી એ એની ભૂલ હતી. બ્રહ્મચારીની સમસ્યાનું સમાધાન અને જેમની એવી જ સમસ્યા છે એવા લોકોનું વાસ્તવમાં સમાધાન પોતાના યથાર્થ સ્વરૂપના સાક્ષાત્કારમાં રહેલ છે.

જો આપણે સ્નાયવિક તણાવનો ઉપચાર શોધવા ઇચ્છીએ છીએ તો આપણે માનવમનની ક્રિયાને પણ સમજવી પડે. ભારતીય મનોવૈજ્ઞાનિક પતંજલિના મત પ્રમાણે મનની પાંચ સ્થિતિઓ હોય છે. જ્યારે મન તણાવ, ભાવનાત્મક અંતર્દ્વંદ્વ તેમજ ચિંતાઓથી ગ્રસ્ત હોય છે ત્યારે મનની સ્થિતિને ક્ષિપ્ત (અતિઅશાંત) કહે છે. જે લોકો તણાવના પ્રભાવથી નિષ્ક્રિય અને જડ થઈ જાય છે, એમનું મન મૂઢ સ્થિતિમાં હોય છે. મનની પ્રત્યેક સ્થિતિ ત્રણ ગુણોમાંથી એકના પ્રભાવમાં હોય છે. ક્ષિપ્ત સ્થિતિમાં મન રજોગુણને અધીન રહે છે. તેમાં તે તણાવગ્રસ્ત થવા છતાં પણ નિરંતર કાર્યરત રહે છે. મૂઢ સ્થિતિ તમોગુણની છે. એના પ્રભાવમાં મન કામ, ક્રોધ જેવી વાસનાઓ તરફ રહે છે. પતંજલિએ ત્રીજી સ્થિતિને વિક્ષિપ્ત કહી છે. તેમાં મન આંશિકરૂપે ક્યારેક ક્યારેક ધ્યાનસ્થ થાય છે. આ સ્થિતિઓની વચ્ચેની સ્થિતિઓને હું એક ઉદાહરણ દ્વારા રજૂ કરીશ. ધારો કે કોઈનો પુત્ર કહેવું માનતો નથી, જો તે ક્ષિપ્તાવસ્થામાં હોય અને તમે એને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરો તો તે વિરોધ કે બળવો કરશે; જો તે મૂઢ સ્થિતિમાં હોય તો તેમાં તેની કોઈ પણ પ્રતિક્રિયા જોવા નહીં મળે. વિક્ષિપ્ત સ્થિતિમાં તે સાંભળ્યું ન સાંભળ્યું કરે છે. સહજભાવની ક્ષણોમાં તે વાત સાંભળીને તેનું પાલન પણ કરી શકે છે અથવા તે પોતાનું મનમાન્યું પણ કરી શકે છે. પતંજલિ ચોથી અવસ્થાને એકાગ્રતા કહે છે. આ અવસ્થા પોતાનાં કાર્યમાં ગહનરુચિ રાખનારા લોકોમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે એક અધ્યયનમાં તલ્લીન વ્યક્તિમાં – ચિત્રકાર ચિત્રકળામાં કે સંગીતજ્ઞ ગાયનમાં અથવા કર્મયોગીની જેમ વાસ્તવિક ઉત્સાહથી ઓફિસમાં કાર્યરત કર્મચારીમાં આ રુચિ જોવા મળે છે. આ બધી વ્યક્તિ એકાગ્રચિત મનની પૂર્ણ એકાગ્રતા બતાવે છે. પાંચમી અવસ્થા છે નિરુદ્ધ, જે સમાધિ જેવી હોય છે અને તે વીરલ વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે છે. (ક્રમશ 🙂

Total Views: 427

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.