ગયા અંકમાં ધર્મનું પુનરુત્થાન અને પુન :દૃઢીકરણ કેમ થાય એ વિશે વાંચ્યું, હવે આગળ…

સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન (૧૮૯૭) અને તેની સાથે સંલગ્ન વિદેશની વેદાંત સમિતિઓ જેવી સંસ્થાઓએ હિન્દુ ધર્મના તત્ત્વચિંતનાત્મક મૂળભૂત તત્ત્વોને તેના સુનિશ્ચિત સ્વરૂપમાં લોકો સમક્ષ પ્રસ્તુત કર્યા. સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મના ખ્યાલો એક જ સિક્કાની બે બાજુઓ જેવા છે તેમ દર્શાવ્યું. ક્રિયાયોગ અને ધ્યાન દ્વારા આધ્યાત્મિક વિકાસના સંદેશના પ્રસાર અર્થે ઈ.સ. ૧૯૨૦માં યુ.એસ.એ.માં સેલ્ફ-રિયાલાઈજેશન ફેલોશિપ (પરમહંસ યોગાનંદ)ની સ્થાપના કરાઈ. પછીથી ૧૯૫૩માં વેદાંતના ખ્યાલોના વિશ્વવ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે ચિન્મય મિશન (સ્વામી ચિન્મયાનંદ)ની સ્થાપના થઈ. આ અને આવી અન્ય સંસ્થાઓના સંન્યાસીઓ દ્વારા અનિવાર્યપણે હિન્દુ ધર્મનાં ષડ્દર્શનો અને મોક્ષપ્રાપ્તિના ત્રણમાર્ગાે (યોગ)ની સવિસ્તર સમજ આપવામાં આવી હતી. એમણે આ તત્ત્વચિંતનોને કેવી રીતે આચરણમાં મૂકીને મુક્તિ તેમજ પરમાનંદ પામી શકાય તેનું પથપ્રદર્શન કર્યું. હિન્દુધર્મ સ્વીકારે છે કે ઈશ્વરપ્રાપ્તિના બધા માર્ગો સાચા અને સારા છે. તેથી આમાંની એક પણ સંસ્થા તેમના દર્શાવેલ સિદ્ધાંતોના અમલ માટે કોઈ પણ વ્યક્તિએ હિન્દુ ધર્મમાં ધર્માંતરિત થવું જોઈએ એવો આગ્રહ રાખતી નથી. સાધારણ મનુષ્ય સરળતાથી ગ્રહણ કરી શકે તેવાં વિભિન્ન સ્વરૂપોમાં બ્રહ્મ સ્વયં પ્રગટિત થઈ શકે છે એટલે કે ઈશ્વર સાકાર છે તેવું સ્વીકારવા તરફ સગુણ બ્રહ્મનો ખ્યાલ દોરી જાય છે. અનિવાર્યપણે ઈશ્વર આ ચાર સ્વરૂપે પ્રગટિત થાય છે : સર્જક (બ્રહ્મા), પોષક (વિષ્ણુ), સંહાર (મહેશ) તેમજ શક્તિની દેવી (દુર્ગા). આ પ્રત્યેકનાં અનેક નામ, રૂપ અને અવતારો છે તેમજ બીજાં ઘણાં બધાં દેવદેવીઓ તેમનાં પરિવાર કે પરિચારક વર્ગના છે. હિન્દુ તેના પરિવાર કે જ્ઞાતિસમૂહની પરંપરાના કોઈ એક ઈશ્વરીય ભાવનો ભક્ત બને છે અથવા તો તેનાથી ભિન્ન એક કે વધુ ઈષ્ટને ગમે તે સમયે પસંદ કરી શકે છે. અનિવાર્યપણે પ્રત્યેક હિન્દુ જાણે છે કે અંતત : ‘ઈશ્વર એક જ’ છે – બ્રહ્મ અથવા પરમાત્મા અને ગમે તે ઈશ્વર-સ્વરૂપને કરાયેલી પ્રાર્થના અંતે તે ‘એક જ ઈશ્વર’ પ્રતિ કરાયેલી ગણાય છે. બે સુવાક્યો સર્વસામાન્યપણે સુવિદિત છે : ‘સર્વ નદીઓનાં જળ એક જ સમુદ્રમાં ભળે છે તેમ ગમે તે ઈશ્વર-સ્વરૂપને કરાયેલા નમસ્કાર ‘એક જ ઈશ્વર’ પ્રત્યે કરાયેલા ગણાય છે.’ વળી ‘સત્ય એક જ છે, ઋષિઓ તેને વિવિધ નામોથી બોલાવે છે.’ વિષ્ણુ કે શિવ કે દુર્ગાને તેમના મુખ્ય ઈષ્ટ તરીકે અનુસરીને હિન્દુ ધર્મના ઘણા બધા સંપ્રદાયો ઇ.સ. પૂર્વે બીજી સદીની આસપાસના સમયથી માંડીને ભક્તિમાર્ગે ઘણા બધા મત (માર્ગાે) મારફત દોરતા રહ્યા હતા. વર્તમાન સમય સુધી (૨૦ મી સદી) આમાં સતતપણે વધારો થતો રહ્યો છે. તેમની વિભિન્નતા પાછળ એકતા રહેલી છે પણ વાસ્તવિક હકીકત તો તે છે કે આ વિવિધ ઈષ્ટ-સ્વરૂપો સગુણ બ્રહ્મનું જ વિશિષ્ટ પ્રગટીકરણ છે તે બહાર લાવવા પર ભાર મુકાયો હતો.

ઈ.સ.પૂર્વે બીજી સદીમાં રચાયેલ મનુસ્મૃતિમાં નિર્દિષ્ટ કરાયેલ દૈનિક તેમજ સામયિક ક્રિયાકાંડો સમાનતા અને સ્વતંત્રતાનાં મૂલ્યોવાળા ઔદ્યોગિકીકરણ પામેલા સમાજની વ્યક્તિઓના દૈનંદિન જીવન માટે સાર્થક રહ્યા ન હતા.

ઉદાહરણ તરીકે સવારથી શરૂ કરીને સંધ્યાકાળ સુધીમાં બ્રાહ્મણે દરરોજ પંચયજ્ઞો કરવાના હતા. લાંબા સમયથી મોટાભાગના બ્રાહ્મણો દ્વારા આ પંચયજ્ઞો કરાતા ન હતા – ૧૯મી સદીમાં માત્ર પ્રાત :સંધ્યા (સૂર્યપ્રણામ) અને શક્ય હોય તો સાયંસંધ્યા કરાતાં. દ્વિજો માટે ગર્ભધારણથી મૃત્યુ પર્યંતના સંસ્કારો (ધાર્મિક વિધિઓ) હતા. માત્ર બ્રાહ્મણો દ્વારા ફક્ત આઠેક સંસ્કારોનું અનુષ્ઠાન થતું. સુધારકોએ બુદ્ધિગમ્યતાના માપદંડના આધારે મોટાભાગના સંસ્કારોની અવગણના કરીને બાળકનો નામકરણવિધિ, બાલ્યાવસ્થામાંથી બ્રહ્મચર્યાશ્રમમાં પ્રવેશતા દ્વિજોનો ઉપનયનવિધિ, લગ્નવિધિ અને મરણોત્તરવિધિ એવા ચાર અગત્યના સંસ્કારોને યોગ્ય ઠરાવ્યા.

લગ્નવિધિ સિવાયના બાકીના વિધિઓને સ્વૈચ્છિક ગણ્યા અને આ સ્વૈચ્છિક વિધિઓ સિવાય ચલાવી લેવું એમ ગણાયું. જો કે લગ્નવિધિ ભારતની પ્રાંતીય ભાષાના આધારે કંઈક અંશે જુદો જુદો હતો વળી તે વિસ્તૃત હતો અને તેનો સમયગાળો ત્રણેક દિવસ જેટલો લાંબો હતો. પતિ-પત્ની તેમના પરિવારો અને સમાજના સુમેળ સાથે સુસંગત એવા અગત્યના ભાગોેને લક્ષમાં રાખીને આ વિધિ સરળ બનાવાયો છે. તેવી જ રીતે પૂર્વજો પ્રત્યેના આદર-સન્માનને નુકસાન પહોંચાડ્યા વિના લાંબોલચક મરણોત્તરવિધિ સરળ બનાવાયો હતો.

આ ક્રિયાકાંડોની ચોમેર પેદા થયેલી વહેમભરી ઘણી બધી પરંપરાઓને ધીરે ધીરે દૂર કરાઈ. શ્રુતિ-સ્મૃતિ-પુરાણોમાં જોવા મળતા હિન્દુ ધર્મના સિદ્ધાંતોની સાથે આ વિધિઓ કેવી રીતે સુસંગત છે તે દર્શાવાઈને આ બધાં પગલાં લેવાયાં હતાં. તેમ છતાં આ બધા સુધારકોને મોટાભાગે સ્થાપિત હિતોવાળા પુરોહિતપણાવાદી બ્રાહ્મણો તરફથી વિશેષરૂપે પ્રતિકાર વેઠવો પડ્યો હતો.

મોડે મોડે ૧૯૭૦માં ‘ધ્યાન પ્રબોધિની’ નામની સામાજિક સુધારાવાદી સંસ્થાએ આ ક્રિયાકાંડોને સરળ બનાવ્યા છે તથા પૂજા-અનુષ્ઠાનો સંપન્ન કરવા સ્ત્રીઓ સહિત બ્રાહ્મણેતર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરી છે.

મોટેભાગે બ્રાહ્મણો એવા દ્વિજ વર્ગનાં સ્ત્રી-પુરુષોના મનમાં પવિત્રતા-અપવિત્રતાના ખ્યાલો અંગે પ્રબળ પ્રભાવ હતો. નિષિધ્ધ ચીજવસ્તુ કે વ્યક્તિનો સ્પર્શ કરવાથી, મનાઈ ફરમાવેલ વ્યક્તિ (સ્ત્રી માસિકધર્મમાંથી પસાર થાય છે – સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો હોય છે)ને ગૃહપ્રવેશ (ખાસ કરીને રસોડામાં) કરાવવાથી, નિર્ધારિત કરાયેલ નજીકનાં સગાંના અગ્નિસંસ્કારવિધિમાં જોડાવાથી અને એવા ઘણા પ્રકારના પ્રસંગોને લઈને અપવિત્ર બની જઈ શકાતું. વ્યક્તિ સ્નાન કરવાથી મોટાભાગના આવા ‘અપવિત્રતાના દોષો’માંથી મુક્ત થઈને શુદ્ધ થઈ શકતી.

જ્યારે ચીજવસ્તુઓ અપવિત્ર બનતી ત્યારે તેના પર પવિત્ર ગંગાજળ કે પવિત્ર ગૌમૂત્ર છાંટવામાં આવતું. માસિકધર્મમાંની સ્ત્રી કે સૂતક વ્યક્તિ (નજીકના સગાના મૃત્યુથી પેદા થતી)ની અપવિત્રતા દૂર કરી શકાય તેવા પ્રકારની ન હતી અને સંબંધિત વ્યક્તિને નિશ્ચિત સમયગાળાના દિવસો સુધી ચેપીરોગવાળી વ્યક્તિના જેવો પ્રતિબંધાત્મક એકાંત વેઠવો પડતો.

પરંપરાએ તેવા જ પ્રકારના શુકન-અપશુકન, પાપ-પુણ્યના જોડિયા ખ્યાલો ઊભા કર્યા હતા. રવિવારે નખ કાપવા એ અપશુકન ગણાય, ગાયને ચારો ખવડાવવો કે ગંગા નદીમાં ડૂબકી મારવી તે પુણ્ય કહેવાય, તેમજ શૂદ્ર સાથે બેસવું તે પાપ ગણાય જેવા ખ્યાલો હતા. સામાજિક સુધારાની ચળવળે તેની અસર કરવાનું શરૂ કર્યું અને સ્ત્રીકેળવણીનું પ્રમાણ વધ્યું તેથી મોટાભાગના આ ખ્યાલો અદૃશ્ય થઈ ગયા. વિજ્ઞાનના ખ્યાલો, નવી ટેક્નોલોજીની પ્રાપ્યતા અને ઔદ્યોગિકીકરણના ફરજિયાતપણાએ સાથે કામ કરતાં સ્ત્રી-પુરુષોનાં રંગ-ઢંગ ધીમે ધીમે બદલી નાખ્યાં.

સ્મૃતિના અને અનિર્ણિત સ્રોતોની પરંપરાઓના સિદ્ધાંતો અમુક જાતની વર્તણૂંકોની મનાઈ ફરમાવનારા હતા. ખોરાકમાં અમુક ચીજોને નિષિધ્ધ ગણી હતી, ખાસ કરીને બ્રાહ્મણ જ્ઞાતિ માટે માંસ-માછલીનો નિષેધ કરાયો હતો, સપ્તાહના અમુક દિવસોએ હજામત કે દાઢી કરાતાં ન હતાં, અમુક દિવસે દક્ષિણ દિશા તરફ મુસાફરી કરાતી ન હતી, દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂઈ ન શકાય અને આવા ઘણા બધા બિનમહત્ત્વના પ્રતિબંધો પ્રવર્તમાન હતા. સમુદ્રોલ્લંઘન અને ગાયની કતલ કે તેના માંસ ખાવા પરનો કડક પ્રતિબંધ વિશેષપણે દુ :ખદાયક હતો.

જો કે કોઈપણ શ્રુતિ કે સ્મૃતિમાં ગાયનું માંસ ખાવાનો પ્રતિબંધ નથી પણ પરંપરાગત રીતે તે નિષિધ્ધ ગણાતું અને હિન્દુઓ માટે ગાય પવિત્ર બની હતી. આવો પ્રતિબંધ અથવા તો ગાયનું પવિત્રપણું સ્વયં કનડગતરૂપે ન હતાં : પરંતુ મુસ્લિમો ગાયોની કતલ કરીને તેમજ તેનું માંસ-ભક્ષણ કરીને ઈરાદાપૂર્વક હિન્દુઓને અવાર-નવાર દુ :ખ પહોંચાડતા. સદ્ભાગ્યે સમુદ્રયાત્રાનો પ્રતિબંધ બધા જ હિંદુઓ માટે સર્વસામાન્ય ન હતો પણ તે ખાસ કરીને બ્રાહ્મણો અને ક્ષત્રિયો પૂરતો હતો.

જાણતાં કે અજાણતાં કરાયેલ આવા નૈતિક નિયમના ભંગ માટે ખાસ પ્રકારના પ્રાયશ્ચિત્તનો વિધિ નિશ્ચિત કરાયો હતો. આના દ્વારા વ્યક્તિ પ્રતિબંધિત કૃત્યથી થયેલા દોષ કે પાપમાંથી મુક્ત થઈ શકતી. મોટાભાગના આવા પ્રતિબંધોનો ત્યાગ કરાયો છે : ઉપવાસમાં કે ધાર્મિક ઉદ્દેશોથી માંસ-ભક્ષણ ન કરાતું તે ચાલુ છે અને તેવી જ રીતે ગાયનું પવિત્ર હોવાપણું પણ ચાલુ છે, તે ખાસ નોંધવા લાયક છે કે અપવિત્રતાના અને પ્રતિબંધોના મોટાભાગના ખ્યાલો નૈતિક રીતે તટસ્થ હતા. દેખીતી રીતે આવાં વર્તન-વ્યવહાર એવાં હતાં કે ‘અ’ એ આચરેલાં ‘ક્ષ’ કર્મોથી ‘બ’ વ્યક્તિને ખરેખર અસર થતી ન હતી.

હિન્દુઓ બાબતે જ્ઞાતિભેદ સૂચવવા વ્યક્તિના બાહ્ય દેખાવ પર ભાર મુકાયો હતો તે મહત્ત્વનો મુદ્દો છે. દરેક જ્ઞાતિ માટે પોશાક, મસ્તક અને મુખ પરની બાહ્ય લાક્ષણિકતાઓની પદ્ધતિ ભિન્ન-ભિન્ન હતાં. ઉદાહરણરૂપે બ્રાહ્મણ પુરુષો માથે મુંડન કરાવતા અને શિખા રાખતા તેમજ ટોપીની જેમ કાઢી શકાય તેવી લાંબા કાપડની નિશ્ચિત આકારની પાઘડી પહેરતા. ઉપનયનવિધિ કરેલા બધા દ્વિજપુરુષો જીવનપર્યંત જનોઈ ધારણ કરતા.

સ્ત્રીઓએ કપાળે કુમકુમ-ચાંલ્લો કરવાનું હતું. વિધવા સ્ત્રીઓએ મસ્તકમુંડન કરાવવાનું રહેતું, મંગળસૂત્ર પહેરવા અને ચાંલ્લો કરવા અંગે તેમના પર પ્રતિબંધ હતો તેમજ તેમણે માત્ર લાલ કે સફેદ સાડી પહેરવી એવી અપેક્ષા રખાતી. પુરુષોએ મૂછો રાખવી પડતી અને તેમના પિતાના મૃત્યુ-પ્રસંગે તેઓ મૂછ કપાવી શકતા.

ભારતના મોટાભાગમાં સ્ત્રીઓને સાડી સિવાય અન્ય પ્રકારનો પોશાક પહેરવાનું નિષિદ્ધ હતું, પરંતુ ભારતના ઉત્તર કે ઉત્તર-પશ્ચિમ પ્રદેશોમાં સાડી સિવાય ‘શલવાર-કમીજ’ પહેરવાની છૂટ હતી. આવા બધા પ્રતિબંધો ધીરે ધીરે દૂર કરાયા હતા અને તેમ કરવામાં પાશ્ચાત્ય પદ્ધતિના પોશાક વાપરવા તરફના વલણે મોટા પાયે સહાય કરી. હિન્દુ ધર્મમાંથી પોશાક અને વ્યક્તિગત બાહ્યદેખાવની બાબતને હઠાવાઈ અને તે બધું વ્યક્તિઓનો પસંદગીનો મુદ્દો બન્યું. (ક્રમશ 🙂

Total Views: 247

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.