ગયા અંકમાં સમાજના લોકો સુખશાંતિ, સુમેળ અને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય ઇચ્છે છે, એ વિશે વાંચ્યું, હવે આગળ…

દીર્ઘકાલીન સંબંધ-જાળવણી માટે

મહત્ત્વનાં સૂચનો

સરળતાપૂર્વક યાદ રાખી શકાય તે માટે હું દીર્ઘ સમય સુધી ટકી રહે તેવા સંબંધોની જાળવણી માટે કેટલાંક મહત્ત્વનાં સૂચનો અંગે્રજી મૂળાક્ષરોના ક્રમમાં આપું છું.

A – Assess, Accept and Adjust

મૂલ્યાંકન, સ્વીકાર અને અનુકૂલન

કોઈપણ વ્યક્તિએ બીજી વ્યક્તિનું મૂલ્યાંકન કરવું જોઈએ, તે વ્યક્તિની સારી-નરસી ખાસિયતો જાણવી જોઈએ અને તે જેવી છે તેવી સ્વીકારવી જોઈએ. કોઈપણ પ્રકારના સંબંધમાં કેટલાક અંશે આપવા-લેવાની કે બાંધછોડની મનોવૃત્તિ હોવી જોઈએ. જેમ અનુકૂલન એ પ્રાકૃતિક નિયમ છે તેમ કોઈપણ સંજોગાનુસાર અનુકૂળ બનવું પડે છે. સ્વર્ણીય નિયમ છે – ‘અભિપ્રાયની બાબતમાં જળપ્રવાહ સાથે ત્વરાથી તરો અને સિદ્ધાંતોની બાબતમાં પર્વતની જેમ અડગ ઊભા રહો.’ આ અગત્યનું સૂચન અમેરિકાના શાંતિ આશ્રમમાં સ્વામી તુરીયાનંદે (સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ) તેમના અંતેવાસીને કર્યું હતું અને તે તેને સ્પર્શી ગયું હતું. આ સૂચન ઘણા બધા પ્રસંગોએ કારગત નીવડ્યું છે. મોટાભાગના કિસ્સાઓમાં સંબંધગત વિસંવાદિતા કે ઝઘડા, ૯૦% કિસ્સામાં મતભેદને કારણે ઉદ્ભવે છે, જ્યારે માત્ર ૧૦% કિસ્સા સિદ્ધાંતગત હોય છે. તેથી જો તમે બીજાઓ સાથે ૯૦% પ્રસંગે અભિપ્રાયની બાબતમાં તાલમેલ કરશો તો તેઓ ૧૦% તમારી સાથે સિદ્ધાંતની બાબતે અનુકૂલન કેળવશે અને સંબંધો યથાવત્ અસ્ખલિત રહેશે. માતપિતા અને બાળકો, પતિ-પત્ની, સગાઓ, મિત્રો, આશ્રમમાં સામૂહિકપણે રહેતા શિષ્યો વગેરે- આવા કોઈપણ પ્રકારના સંબંધો- માટે આ સત્ય છે. આના સંદર્ભમાં હું ઘણી બધી સફળ બનેલી ઘટનાઓ ટાંકી શકું છું. એક વખત એક કંપનીની વહીવટી અધિકારી એવી સ્ત્રી મારી પાસે સલાહસૂચન માટે આવી. તે સ્ત્રી કેટલાક સમયથી યોગાસનો અને ધ્યાન કરતી હતી. આધ્યાત્મિક સાધનાઓ માટે લાંબો સમય ફાળવી શકાય તે માટે તેણે નોકરીમાંથી રાજીનામું આપ્યું. તે લગ્ન માટે સંમતિ આપતી ન હોવાથી તેનાં માતપિતા ગુસ્સે તો હતાં જ. રાજીનામાની બાબતે બળતામાં ઘી હોમ્યું અને ઘરમાં તણાવ અને સંબંધગત તિરાડ સર્જાતાં તેની માનસિક શાંતિ વિક્ષુબ્ધ થઈ ગઈ અને તેથી તે મારી સમક્ષ આવી. મેં જ્યારે તેને પૂછ્યું કે કંપનીમાંથી નોકરીમાં રાજીનામું આપ્યા પૂર્વે આધ્યાત્મિક સાધનામાં તે કેટલો કાળ વ્યતીત કરતી હતી, ત્યારે તેણે જણાવ્યું કે, ‘ચાર કલાક પરંતુ, હાલ તો ઘરનું વાતાવરણ હંમેશાં કલેશભર્યું રહેલું હોવાથી તે સમય શૂન્યવત્ છે.’ મેં તેને કહ્યું કે જો તે મારી સલાહ માનશે તો તે સમય-કાળ આઠ કલાક સુધી વધારી શકશે અને તે તરત જ સંમત થઈ ત્યારે મેં તેને ઉપર્યુક્ત સ્વર્ણમય નિયમ કહ્યો અને તેને સલાહ આપી કે જો તેની માતા રસોડામાં તેની મદદ લેવા માગે કે તેના મનપસંદ ટીવી શો જોવામાં તેનો સંગાથ ઇચ્છે કે જો તેના પિતા બજારમાં ખરીદી કરવા જતી વખતે તેનો સંગાથ ઇચ્છે તો તેણે સત્વરે હા ભણવી. પરંતુ જ્યાં સુધી તેના લગ્ન ન કરવાના નિર્ણય અને આધ્યાત્મિક સાધના અંગેની બાબતને લાગે વળગે છે ત્યાં સુધી તેણે તેનાં માતપિતાની આજ્ઞા સામે ઝૂકવું ન જોઈએ. થોડા સમયબાદ તેણે જણાવ્યું હતું કે મારી સલાહ અનુસર્યા બાદ તેનાં માતપિતા તેની દીકરીના નૂતન અભિગમને નિહાળીને અત્યંત ખુશ થયાં હતાં અને તે પણ તેટલી જ ખુશ થઈ હતી કારણ કે તેવા શાંતિપૂર્ણ પરિવેશમાં તે આધ્યાત્મિક સાધનાઓ સુચારુરૂપે સંપન્ન કરી રહી હતી.

B – Behaviour

વર્તણૂક

‘બૂરું જુઓ નહીં, બૂૂરું સાંભળો નહીં, બૂરું બોલો નહીં’ એવી મહાત્મા ગાંધીએ કહેલ ત્રણ વાંદરાની બોધદાયક વાર્તાથી આપણે સૌ સુપરિચિત છીએ. જ્યારે રામકૃષ્ણ મિશનના એક સંન્યાસી-બંધુ સ્વિટ્ઝર્લેન્ડ ગયા ત્યારે સરોવર કાંઠેના એક શહેરમાં વિચિત્ર જાતનું ત્રણ વાંદરાઓનું શિલ્પ તેમના જોવામાં આવ્યું. પહેલા વાંદરાની એક આંખ ખુલ્લી અને બીજી બંધ હતી, બીજા વાંદરાનો એક કાન ખુલ્લો અને બીજો બંધ હતો અને ત્રીજા વાંદરાનું અડધું મોં ખુલ્લું અને બાકીનું અડધું બંધ હતું. આ વાંદરાઓના શિલ્પ અંગેની વિચિત્રતાનું ચિંતન કરતાં કરતાં તેમને વેદો માંહેનો સંસ્કૃત શ્લોક યાદ આવ્યો, જેનો અર્થ થાય – ‘સારી વસ્તુઓ જુઓ, ખરાબ વસ્તુઓ નહીં; સારી બાબતો સાંભળો, ખરાબ બાબતો ન સાંભળો; સારી બાબતો અંગે બોલો, ખરાબ બાબતો ન બોલો,’ વગેરે – અને તેમને ઉપર્યુક્ત શિલ્પ પાછળના બોધનું જ્ઞાન થયું. બૂરી બાબતો કહેવી અથવા બીજાઓની ટીકાઓ કરવી- ખાસ કરીને તેમની પાછળ- એ કોઈપણ પ્રકારના સંબંધોને વિનાશ તરફ દોરી જતો નિશ્ચિત માર્ગ છે.

વાતચીતમાંની વધુ પડતી નિખાલસતા પણ ટીકાનું સ્વરૂપ લે છે. આપણાં શાસ્ત્રો ઉપદેશ કરે છે- ‘સત્ય બોલો, પણ પ્રિય સત્ય બોલો. અપ્રિય સત્ય ન બોલો.’ અત્રે હું એક વ્યક્તિની મુલાકાત લેનાર જ્યોતિષવિદ્નો પ્રસંગ ટાંકવા માગું છું.

એક વ્યકિતની હસ્તરેખાઓ જોઈને જ્યોતિષકારે તેને કહ્યું કે તેનાં બધાં સગાંસંબંધી તેના પહેલાં મૃત્યુ પામશે. આ સાંભળીને તે વ્યક્તિ ગુસ્સે થઈ અને તેણે જ્યોતિષીને તેનું મહેનતાણું આપ્યા વિના તગેડી મૂક્યો. જ્યોતિષી નાખુશ થઈને તેના ગુરુ પાસે ગયો અને સમગ્ર ઘટના કહી સંભળાવી. ગુરુએ કહ્યું કે હવે તે બંને છૂપા વેશમાં તે જ વ્યક્તિ પાસે જશે. બંને ત્યાં પહોંચ્યા.

ગુરુએ તે વ્યક્તિની હસ્તરેખા જોઈને તેને કહ્યું કે તે ખૂબ જ ભાગ્યશાળી છે અને તે એટલો દીર્ઘાયુ છે કે તેનાં બધાં સગાં કરતાં તે વધુ લાંબું જીવશે. આ ભવિષ્યવાણીથી તે વ્યક્તિ રાજી થઈ અને તેણે જ્યોતિષીઓને યોગ્ય રકમ આપીને નવાજિત કર્યા. જો કે હકીકતની દૃષ્ટિએ બંને આગાહીઓ સરખી જ હતી પણ કહેવાની મધુર રીતને કારણે બધો ભેદ સર્જાયો.

બધા પ્રકારના સંબંધોની માવજતના સંદર્ભમાં પણ આ નિયમ સત્ય છે.

સંબંધોની જાળવણીના ક્ષેત્રમાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસહધર્મિણી શ્રીમા શારદાદેવી શ્રેષ્ઠ આદર્શ ઉદાહરણ છે. તેઓએ તેમનાં બધાં સંગાથીઓ સાથે સર્વોત્કૃષ્ટ સંબંધો જાળવ્યા હતા- ગાંડી કાકી અને તેની અર્ધપાગલ દીકરી સાથે પણ. તેઓને મુસ્લિમ લૂંટારા અમજાદ અને ભક્તોના વિશાળ સમુદાય સાથે સમાન પ્રકારનો મધુર સંબંધ હતો.

એક વખત કોલકાતામાં દુષ્કાળ પડ્યો અને લોકો મહાસંકટમાં મુકાયા. તે વખતે દાન તો આવતું ન હતું અને સ્વામી વિવેકાનંદ સર્વત્ર નિહાળેલાં દુ :ખ, યાતના અને મુસીબતોને જોઈને વિશેષપણે વિક્ષુબ્ધ થઈ ઊઠ્યા હતા તેથી તેમણે દુષ્કાળ રાહતકાર્યમાં નાણાં વાપરવા માટે બેલુર મઠની જમીન વેચવાનો પ્રસ્તાવ મૂકયો.

ઘણાં વર્ષોના સખત પરિશ્રમથી સંપાદિત કરેલી મઠની જમીન અંગેના આ પ્રસ્તાવથી તેમના ગુરુબંધુઓ દિઙ્મૂઢ બની ગયા પરંતુ સ્વામી વિવેકાનંદના ગુસ્સાના ડરથી કોઈ આ પ્રસ્તાવનો વિરોધ કરવાનંુ સાહસ કરી શક્યા નહીં. ત્યારબાદ તે બધાએ શ્રીમા શારદાદેવીનું શરણ લીધું કારણ કે તેઓ જાણતા હતા કે સ્વામી વિવેકાનંદ શ્રીમાના આદેશને પૂર્ણત : માનશે.

ભક્તો તરફનો પ્રસ્તાવ સાંભળીને શ્રીમાએ સ્વામી વિવેકાનંદને બોલાવ્યા. સ્વામીજીએ શ્રીમાને કહ્યું, ‘ચારે બાજુના લોકોની યાતનાઓ અને મુસીબતોને હું જોઈ શકતો નથી તેથી દુષ્કાળરાહત માટે નાણાં મેળવવા અમે જમીન વેચીશું. સાધુ હોવાથી અમે વૃક્ષો તળે બેસી શકીએ અને ધ્યાન કરી શકીએ છીએ.’

આ સાંભળતાં શ્રીમાએ પ્રત્યુત્તર આપ્યો, ‘વૃક્ષો નીચે ધ્યાન ધરવું તારા માટે સારી બાબત છે. પરંતુ ભવિષ્યમાં મારાં ઘણાં સંતાનો આવશે, તેનો તો વિચાર કર. ત્યારે શું તેઓને જમવા, પ્રાર્થના કરવા, ધ્યાન કરવા અને સૂવા માટે સ્થાન નહીં જોઈએ? જો મઠ અને તેની જમીન નહીં રહે તો ભવિષ્યમાં રાહતકાર્યો કેવી રીતે કરી શકાશે?’ જો કે શ્રીશ્રીમાએ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું પણ તેમનું વ્યવહારુ જ્ઞાન અગાધ હતું. તેમણે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે શું તેઓએ જમીન વેચવા માટે મઠના ટ્રસ્ટીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો છે? જ્યારે સ્વામી વિવેકાનંદે જવાબમાં ના ભણી ત્યારે શ્રીશ્રીમાએ કહ્યું, ‘સારું, મેં તેઓ સાથે વિચાર-વિમર્શ કર્યો છે અને તેઓ જમીન વેચવા માટે સંમત નથી.’ સ્વામી વિવેકાનંદે શાંતિપૂર્ણ પાછા હઠવું પડ્યું અને મુશ્કેલી ટળી ગઈ.

શ્રીશ્રીમાનો પ્રચલિત ઉપદેશ હતો-

‘જો તમારે માનસિક શાંતિ જોઈતી હોય, તો બીજા કોઈના દોષ જોવા નહીં. તેથી ઊલટું તમારા જ દોષ જોતાં શીખો.’

આ સંસારમાં કોઈ પરિપૂર્ણ નથી. દરેકમાં ગુણ-અવગુણ રહેલા છે, અલબત્ત જુદા જુદા પ્રમાણમાં. સંસારમાં માત્ર સદ્ગુણ સંપન્ન કોઈ નથી તેમ જ માત્ર દુર્ગુણોથી ભરેલ કોઈ નથી. બંગાળના તે સમયના વિખ્યાત નવલકથાકાર, નાટ્યકાર અને કવિ તેમજ દારૂડિયા અને સંભવત : બધા જ દુગુર્ણાેથી આકંઠ ભરેલા ગિરીશચંદ્ર ઘોષ જ્યારે શ્રીરામકૃષ્ણ સમીપ પધાર્યા ત્યારે શ્રીરામકૃષ્ણે તેની માત્ર સદ્ગુણપરક ઊજળી બાજુ જ જોઈ.

તેઓએ કહ્યું, ‘ગિરીશના ઈશ્વર પ્રત્યે વિશ્વાસ બાબતે તેની પ્રશંસા કરવી જોઈએ કારણ કે તે અહીં આવ્યો છે.’ આ વિધાન સાંભળીને તથા શ્રીરામકૃષ્ણે તેની સાથે કરેલાં આચરણ-વ્યવહારથી તે એટલો દ્રવિત થઈ ઊઠ્યો કે તેણે બધા જ દુર્ગુણો છોડી દીધા અને સંતમાં પરિવર્તિત થઈ ગયો.

જો તમે દરેક વ્યક્તિની માત્ર ગુણપરક ઊજળી બાજુ જ જુઓ, તો આવો છે વ્યક્તિમાં પરિવર્તન લાવવાનો જાદુ.

C – Communication,

Concentration & Care

સંદેશની આપલે, ધ્યાનલક્ષિતા અને કાળજી

યથાયોગ્ય સંદેશાવ્યવહાર સંબંધોની જાળવણી માટે અતિ આવશ્યક છે. સંદેશ-પૂર્તિનો અભાવ કે ખામીયુક્ત સંદેશાવ્યવહાર ગેરસમજમાં પરિણમી શકે અને સંબંધ વિચ્છેદિત થાય. જેટલો વધુ સંદેશાવ્યવહાર, તેટલો પ્રગાઢ સંબંધ. તેવી જ રીતે, ધ્યાનલક્ષિતા અને કાળજી પણ સ્વસ્થ સંબંધોની જાણવણીમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. જેમાં તેઓ એકબીજા પ્રત્યેની નારાજગી વ્યક્ત કરવાની સ્વતંત્રતા મેળવી શકે તેવી સાપ્તાહિક બેઠકો કુટુંબના સભ્યો વચ્ચેની સમજણોની તિરાડને સાંધવામાં સહાય કરી શકે છે. બીજાની કાળજી રાખવી એનો અર્થ એટલો જ નહીં કે બીજાની સુખસગવડોની કાળજી રાખવી, પણ તેનો અર્થ એવો થાય કે બીજાઓના અભિપ્રાયોને પણ લક્ષમાં લેવા.

D – Discipline, Dedication and Devotion

શિસ્તબદ્ધતા, ત્યાગભાવના

અને સ્વાર્પણભાવ

સારા સંબંધોની જાણવણી અને સંવર્ધન માટે સુયોગ્ય શિસ્તબદ્ધતા, ત્યાગભાવના અને સ્વાર્પણભાવ કેળવવાં એ અગત્યનું છે.

E – Emotional maturity

લાગણીશીલતાની પરિપકવતા

દીર્ઘકાલીન સંબંધોની જાણવણી માટે યોગ્ય IQ (બુદ્ધિઆંક) અને EQ (લાગણીશીલતા મહત્ત્વના આંક) પરિબળો છે. સ્વ-સભાનતા, આવેશ પરનું નિયંત્રણ, સહાનુભૂતિ, ઉત્સાહ અને પ્રેરકતા એ EQના અગત્યના ઘટકોનું નિર્માણ કરે છે.

 

સંબંધોના સર્જન તેમજ સંપોષણ માટે વ્યક્તિ પાસે લાગણી સંબંધિત પરિપકવતા હોવી જરૂરી છે.

F – Forbearance, Forgetting and Forgiving

સહિષ્ણુતા, વિસ્મરણ અને ક્ષમા

બધા જ સાથે સંપૂર્ણ સુમેળ, સંવાદિતા અને સુખપૂર્વક નિવાસ કરતા ૨૦૦ સભ્યોવાળા સંયુક્ત કુટુંબમાં રહેતા જાપાનના વડાપ્રધાન ઓ’ ઓસાેન એ સહિષ્ણુતાનું સર્વોત્તમ ઉદાહરણ છે. એમ પણ કહેવાતું કે તેમના કુટુંબના પાળેલાં કૂતરાં પણ અંદરોઅંદર લડતાં-ઝઘડતાં ન હતાં.

જાપાનના સમ્રાટ આનું રહસ્ય જાણવા ઉત્સુક હતા અને તેમણે વડાપ્રધાનને સફળતાના સો મંત્રો (સૂત્રો) જણાવવા માટે વિનંતી કરી કે જેથી આ સૂત્રોનો પ્રજાજનોમાં ફેલાવો કરી શકાય અને એ મારફત પ્રજાનનો તેમના કુટુંબમાં સુમેળ જાળવી શકે. તે વૃદ્ધ સજ્જને ધ્રૂજતા હાથે કાગળ પર સો વખત ‘સહન કરો, સહન કરો’ એમ લખીને, કાગળ સમ્રાટને સુપરત કર્યો.

સહિષ્ણુતા કે સહનશીલતા એ ગુણો કુટુંબ, જ્ઞાતિસમૂહ કે સમાજમાં સુમેળપૂર્વક રહેવા માટેના મહત્ત્વના સર્વોચ્ચ ગુણો છે. સહન કરશે તે ટકશે, અન્યથા વિનાશ પામશે. તેવી જ રીતે ‘અસુખકર ભૂતકાળને ભૂલવો અને જતું કરવું કે માફ કરવું’ જેવા ગુણો સંબંધોને સંવર્ધિત થવા દેશે. જેટલી તમે ક્ષમા આપશો, સંબંધો તેટલા સારા થશે. (ક્રમશ 🙂

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.