શ્રીરામકૃષ્ણ – એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી બહાર આવી ખૂબ ખીજવાઈ જઈને હાથીની સામે લાત ઉગામવા લાગ્યો અને બોલ્યો : ‘તારી એટલી બધી હિંમત કે તું મને ઓળંગીને ચાલે ?’ પૈસાનો એટલો અહંકાર.
જ્ઞાનપ્રાપ્તિ થાય ત્યારે અહંકાર નીકળી જાય. જ્ઞાનપ્રાપ્તિ થયે સમાધિ થાય. સમાધિ થાય ત્યારે જ અહંકાર જાય. એ જ્ઞાનલાભ ખૂબ જ કઠિન. વેદમાં છે કે સપ્તભૂમિએ મન આવે ત્યારે સમાધિ થાય અને અહં જઈ શકે.
સાધારણ રીતે મન રહે ક્યાં ? પ્રથમની ત્રણ ભૂમિકાઓએ. લિંગ, ગુદા અને નાભિ, એ ત્રણ ભૂમિકા. એ વખતે મનની આસક્તિ કેવળ સંસારમાં, કામ-કાંચનમાં હોય. મનની સ્થિતિ જ્યારે હૃદયમાં હોય, ત્યારે ઈશ્વરી જયોતિનાં દર્શન થાય. એ વ્યક્તિ જ્યોતિ-દર્શન કરી બોલી ઊઠે, ‘આ શું ! આ શું !’ ત્યાર પછી કંઠે. મનની સ્થિતિ જ્યારે ત્યાં થાય, ત્યારે કેવળ ઈશ્વર સંબંધી વાતો કહેવાની અને સાંભળવાની ઇચ્છા થાય. ત્યાર પછી કપાળે, ભ્રૂમધ્યમાં મન ચઢે ત્યારે સચ્ચિદાનંદ-સ્વરૂપનું દર્શન થાય. એ રૂપનું આલિંગન, સ્પર્શ કરવાની ઇચ્છા થાય, પણ કરી શકાય નહિ. જેમ ફાનસની અંદરનો પ્રકાશ દેખાય પણ તેને અડી શકાય નહિ. અડું અડું એમ લાગે પણ અડાય નહિ તેમ. સાતમી ભૂમિકાએ જ્યારે મન ચડે ત્યારે પછી અહંકાર રહે નહિ, સમાધિ થાય.
વિજય – ત્યાં પહોંચ્યા પછી, જ્યારે બ્રહ્મ-જ્ઞાન થાય ત્યારે માણસ શું દેખે ?
શ્રીરામકૃષ્ણ – સાતમી ભૂમિકાએ મન પહોંચ્યા પછી શું થાય તે મોઢે બોલી શકાય નહિ. વહાણ એક વાર મધદરિયે ગયું તે પાછું આવે નહિ. વહાણના ખબર મળે નહિ. સમુદ્રના ખબર પણ વહાણની પાસેથી મળે નહિ.
એક મીઠાની પૂતળી સમુદ્રની ઊંડાઈ માપવા ગઈ. પણ જેવી ઊતરી કે તરત જ ઓગળી ગઈ. સમુદ્ર કેટલો ઊંડો છે એ ખબર કોણ લાવે ? જે ખબર લાવનાર તે જ ઓગળી ગઈ. સાતમી ભૂમિકામાં મનનો નાશ થાય, સમાધિ થાય. ત્યાં શો અનુભવ થાય તે મોઢેથી બોલી શકાય નહિ.
જે ‘અહંકાર’ સંસારી બનાવે, કામ-કાંચનમાં આસક્ત કરે, તેવો ‘અહંકાર’ ખરાબ. જીવ અને આત્માનો જે ભેદ પડી ગયો છે તે આ ‘અહંકાર’ વચમાં છે એટલે. પાણીની સપાટી ઉપર એક લાકડી મૂકવામાં આવે તો પાણીના બે ભાગ જેવું દેખાય, પણ ખરી રીતે તો એક જ પાણી છે, લાકડીને લીધે તે બે ભાગમાં દેખાય છે.
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૪૩-૪૪)
Your Content Goes Here