(ગયા અંકમાં સગુણ-નિર્ગુણબ્રહ્મ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયો વિશે વાંચ્યું, હવે આગળ…)

વ્યક્તિએ અનુસરણ કરવાના મુદ્દે કોઈ એકવાયતા હોવાની બાબતમાં હિન્દુ ધર્મ અપેક્ષા રાખતો નથી. ખ્રિસ્તી ધર્મ કે ઈસ્લામની જેમ સાપ્તાહિક ધોરણે નજીકના ધર્મસ્થાનમાં નિશ્ચિત સમયે બધા અનુયાયીઓએ જવું એવો આદેશ કરાયેલ નથી. એક હિન્દુ તેના ઘેર ઉપાસના કરે છે અથવા તો તેની મરજી અનુસાર મંદિરમાં જાય છે. પરિણામે સામૂહિક ધોરણે પ્રાર્થના કરવી એ નિત્યક્રમ મુજબની ઘટના ન હતી. આવી પદ્ધતિ બ્રાહ્મ, આર્ય અને પ્રાર્થનાસમાજે શરૂ કરી પણ તે લાંબો સમય ચાલી નહીં, તેનું સ્થાન સત્સંગે લીધું છે.

મોટેભાગે સાદું – સરળ જીવન જીવતી સાધુચરિત વ્યક્તિ ૨૦-૪૦ જેટલા લોકોના સમુદાયમાં આવો સત્સંગ કરતી હોય છે. વળી કીર્તન – પ્રણાલી પણ અસ્તિત્વમાં હતી એટલે કે કોઈક ધાર્મિક વ્યક્તિ પસંદ કરાયેલ નીતિમત્તા આધારિત વિષયો પર વાર્તાલાપ કરતી અને ક્રિયાકલાપ સાથે કાવ્યાત્મકરૂપે ગાતી. આવાં કીર્તનો મંદિરોમાં યોજાતાં. જ્યાં સ્ત્રી-પુરુષો એકઠાં થતાં પણ બેસવાની અલગ અલગ વ્યવસ્થા હતી.

ગુજરાત જેવાં રાજ્યોમાં નવરાત્રિ જેવો ઉત્સવ ઉજવાતો. જ્યાં સ્ત્રી-પુરુષો આવતાં અને અંબિકા-દુર્ગાદેવી વિષયક ગીતો સહિત ગરબા ગાતાં. ભારતભરનાં ઘણાં બધાં ‘પવિત્રસ્થળો’એ વર્ષના નિશ્ચિત દિવસોમાં ખાસ દેવીદેવતા નિમિત્તે વાર્ષિક ધોરણે ઉત્સવ-મેળા થાય છે. દેશના ઘણા બધા ભાગોમાં હિન્દુભક્તો એકઠા મળીને ૨૦૦ કિ.મી. સુધીના અંતરનાં પવિત્રસ્થાનોની પદયાત્રા કરતા. આવાં લોકસમુદાયનાં સંમિલનો દ્વારા તીર્થયાત્રીઓને પ્રોત્સાહન અપાતું હતું. તદુપરાંત સ્ત્રી-પુરુષ એમ બન્ને વર્ગના ઘણા સંતોએ હિન્દુધર્મના ભાગવત્ પુરાણ કે ભગવદ્ ગીતા જેવા વિવિધ વિષયો પર જાહેર કથા-વાર્તાઓ કરવાનું સ્વેચ્છાપૂર્વક શરૂ કર્યું. આવા પ્રસંગોએ સ્ત્રી-પુરુષ સાથે મળીને ૧૦૦ થી ૨૦૦૦ વ્યક્તિ જેટલો શ્રોતાવર્ગ હોઈ શકે.

ઘણા બધા પાશ્ચાત્ય વિદ્વાનોએ હિન્દુ ધર્મના નિરાશાજનક ભાવિ અંગે ભવિષ્ય ભાખ્યું હોવા છતાં ૧૯મી સદીના પ્રારંભમાં અશક્ય જણાય તેવી સિદ્ધિ હિન્દુ સુધારકોએ મેળવી છે. હિન્દુ ધર્મ એટલો બધો પ્રખરપણે પરિવર્તન પામ્યો કે ૧૯૬૦ પછી જન્મેલા હિન્દુઓને નહીંવત્ કે સાવ જ ખ્યાલ ન આવે કે ૧૮મી સદીની આસપાસ હિન્દુ પરંપરાઓએ કેટલાં ભયાનક નિયંત્રણો વેઠ્યાં હતાં. હિન્દુ ધર્મમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણા લાવવામાં કેવો ભગીરથ પુરુષાર્થ કરાયો હતો તે અંગે તેઓ સાવ જ અજાણ છે. મોટાભાગના લોકોએ વર્તમાન સ્વરૂપને જ કાયમના તરીકે જાણી લીધું છે જે એક શુભચિહ્ન છે.

તેઓએ એ જાણવું જોઈએ કે સુધારણાની આ પ્રક્રિયામાં હિન્દુ ધર્મના હાર્દરૂપ મૂળ ખ્યાલોનું પણ પરીક્ષણ કરાયું હતું અને તેને બદલવાની જરૂરિયાત જણાઈ ન હતી. હિન્દુ ધર્મના ઉદ્ગમથી જેનો દાવો કરાતો આવ્યો છે તેનું હિન્દુઓ નિશ્ચયતાપૂર્વક પ્રતિપાદન કરવા સક્ષમ છે કે તેઓનો ધર્મ શાશ્વત – સનાતન છે. આની ઝલક ‘મોક્ષના માર્ગાે’ એ નામના ત્રીજા પ્રકરણમાં આપવામાં આવી હતી.

આગળના પ્રકરણ ચારમાં વર્ણવેલ સામાજિક સુધારા અને આ પ્રકરણ ૫ાંચમાં વિવરણ કરાયેલ ધાર્મિક સુધારાઓએ હિન્દુ ધર્મને ટેક્નોલોજીકલ પ્રગતિની મહાન અસરે વ્યાખ્યાયિત કરેલ આધુનિક સમયને અનુકૂળ બનાવ્યો. પહેલાં જોયું તે મુજબ ઈ.સ.પૂર્વે ૧૦૦૦ ના પ્રાચીન સમયગાળાથી માંડીને હિન્દુ ધર્મે પરિવર્તન પામતા સંજોગાનુસાર અનુકૂળ બનવાની યોગ્યતા દર્શાવી છે. ઈ.સ. ૧૯ મી સદીથી ઉદ્ભવેલાં પરિવર્તનો માત્ર ખ્રિસ્તી ધર્મના ભયના કારણે જ ન હતાં. અન્ય દૃષ્ટિબિંદુથી જોતાં હિન્દુ ધર્મ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિને કારણે મોટાપાયે થયેલ ઔદ્યોગિકીકરણના પરિણામરૂપે પરિવેશને અનુકૂળ જાતે જ થયો છે. ખરું જોતાં ખ્રિસ્તી ધર્મ એવી જ રીતે ઇ.સ. ૧૬૦૦થી ઇ.સ. ૨૦૦૦ દરમિયાન પરિવર્તન પામ્યો. પ્રારંભમાં જે બાઈબલ માત્ર ‘ભાઈઓ’ને કહેવાતું તે ઘણા સમયથી ‘ભાઈઓ અને બહેનો’ ને સંભળાવાય છે. ઘણા ખ્રિસ્તી સંપ્રદાયો (૧૯૯૪માં પોપ સહિત) એ સ્વીકાર્યું છે કે ‘અન્ય ધર્મમાર્ગાે’ ઈશ્વર તરફ દોરી જઈ શકે છે. બાઈબલમાં સ્પષ્ટપણે બહિષ્કાર ન કરાયેલ ગુલામીપણાને હાલમાં સ્થાન નથી. ખ્રિસ્તી ધર્મ પણ ચુસ્ત દૃઢાગ્રહી નૈતિક મુદ્દા કરતાં સૈદ્ધાંતિક નીતિમત્તાના મુદ્દાને પસંદગી આપી રહ્યો છે. (ઉદાહરણરૂપે છુટાછેડાનો સ્વીકાર). વિશ્વધર્મની સાચા-ખોટા આચરણના ક્ષેત્રથી સૈદ્ધાંતિક નીતિમત્તા તરફની આગેકૂચ એ સર્વમાનવોની સમાનતા અને સ્વાતંત્ર્યના આદર્શાે તરફ માનવતાના વિકાસની આગેકૂચ છે.

જ્યારે આપણે ૨૧મી સદીના હિંદુધર્મને જોઈશું ત્યારે આપણને આવા ઘટનાક્રમનાં ઘણાં બધાં દૃષ્ટાંતો જોવા મળશે. વિશ્વાસપૂર્વક એવું ભવિષ્ય ભાખી શકાય કે હિંદુધર્મ આગામી સદીઓમાં માનવજાતના કલ્યાણ અર્થે પોતાને પુન :નિરૂપિત કરવા માટે સતતપણે અનુકૂળ બનતો રહેશે.

આગામી પ્રકરણ-છ હિંદુધર્મના હાર્દરૂપ મૂળભૂત ખ્યાલોનું અને તેના આચરણ પાછળના ચિંતનાત્મક પાસાનું વિવરણ કરે છે જે બંનેમાં સુધારાની પ્રક્રિયા દરમિયાન કોઈ જ પરિવર્તનની જરૂર જણાઈ ન હતી, વળી આપણે સમાજમાં રહેલ વ્યક્તિ માટેના ત્રિઆયામી માળખા તરફ એક નૂતન દૃષ્ટિપાત કરીએ કેમ કે સામાજિક સુધારાઓ બાદ તેને તપાસવા અને સમજવાની જરૂર છે. (ક્રમશ 🙂

Total Views: 68
By Published On: February 1, 2016Categories: Ashok Garde0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram