શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું.

શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં રહેતાં હતાં, તે દિવસોમાં શ્રીરામકૃષ્ણ વચ્ચે વચ્ચે એમની સાથે વિવિધ વિષયો પર સલાહસૂચન કરતા રહેતા. શ્રીશ્રીમા સામાન્યત : આવું કહેતાં, ‘અત્યારે હું કંઈ ન કહી શકું. પછીથી જ્યારે વિષયની સ્પષ્ટ ધારણા બંધાઈ જશે ત્યારે આપને જણાવીશ.’ આવું સાંભળીને શ્રીઠાકુર દાવો કરતાં કહેતા, ‘ના, મને અત્યારે જ કહો. એવું કોણ છે કે જેની સાથે પરામર્શ કર્યા પછી તમે મને પછીથી કહેશો ?’ આમ છતાં પણ શ્રીશ્રીમા પોતાની વાતને વળગી રહીને કહેતાં, ‘પછીથી જ્યારે મને એની સ્પષ્ટ ધારણા થઈ જશે ત્યારે બતાવીશ.’ ત્યાર પછી તેઓ નોબતખાનામાં જઈને મા કાલીને કરુણસ્વરે આજીજી કરીને પૂછતાં, ‘હે મા, મને બતાવો કે હું શું કહું ?’ એના પરિણામે એમના મનમાં આ વિષયની ધારણા સ્પષ્ટ થઈ જતી અને ત્યારે તેઓ તે વિશે શ્રીઠાકુરને સૂચિત કરી દેતાં.

કાશીપુરમાં જ્યારે શ્રીઠાકુરની અવસ્થા અત્યંત લથડી ગઈ ત્યારે એક દિવસ મા અત્યંત દુ :ખપૂર્ણ મન :સ્થિતિમાં સૂતાં હતાં. એ વખતે એમણે જોયું કે લહેરાતા કેશવાળી એક શ્યામવર્ણી નારી (મા કાલી) આવી અને એમની પાસે જ બેસી ગઈ. શ્રીશ્રીમાએ કહ્યું, ‘અરે, તો આ તમે જ છો ! ’ મા કાલીએ કહ્યું, ‘હા, હું દક્ષિણેશ્વરથી આવી છું.’ થોડી વાર સુધી બન્નેની વચ્ચે વાતો થયા પછી શ્રીશ્રીમાએ જોયું કે એ શ્યામા નારીની ગરદન એક બાજુએ નમેલી છે. શ્રીશ્રીમાએ પૂછ્યું, ‘તમારું ગળું અને માથું એક તરફ કેમ નમેલું છે ?’ મા કાલી એ જવાબ આપ્યો, ‘ગળામાં ઘારાને કારણે.’ શ્રીશ્રીમા વિસ્મિત થઈને બોલ્યાં, ‘કેવી વિચિત્ર વાત છે! એમના (શ્રીઠાકુરના) ગળામાં પણ ઘારંુ છે અને તમારા ગળામાં પણ ?’

મા કાલીએ કહ્યું, ‘હા.’ આ રીતે મા કાલીએ શ્રીશ્રીમાના મનમાં એ વાત બરાબર ઠસાવી દીધી કે તેઓ (મા કાલી) અને શ્રીઠાકુર એક અને અભિન્ન છે.

કાશીપુરમાં એક દિવસ જ્યારે શ્રીશ્રીમા શ્રીઠાકુરને જમાડતાં હતાં, ત્યારે વાતચીત દરમ્યાન શ્રીઠાકુરે એમને પૂછ્યું, ‘શું તમે (બંગાળમાં કોડીઓથી રમાતી રમત) અષ્ટ-કષ્ટે રમ્યાં છો?’ શ્રીશ્રીમાએ કહ્યું, ‘ના.’

શ્રીઠાકુરે કહ્યું, ‘આ રમત રમતી વખતે જો બે કાંકરીની જોડ બની જાય તો એમાંથી કોઈ એકને અલગ કરી શકાતી નથી. આ રીતે દરેક વ્યક્તિએ પોતાના ઇષ્ટ સાથે જોડાઈ જવું જોઈએ, ત્યારે કોઈ ભય રહેતો નથી. જો આમ ન બને તો વ્યક્તિ જીતતી વખતે પેલી એક કાંકરી પણ ગુમાવી બેસે છે. જો કોઈ પોતાના ઇષ્ટ સાથે જોડાયેલ રહે તો તેને મૃત્યુનો ભય રહેતો નથી.’

Total Views: 306

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.