(અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા)

૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે એમણે ભારત પાછા ફરવા નિર્ણય કર્યો. સાનફ્રાન્સિસ્કોની વેદાંત સોસાયટીના અધ્યક્ષ ડૉ. એમ. એચ. લોગને વિવેકાનંદને પત્ર લખી બીજા સ્વામીને મોકલવા માગણી કરી. સ્વામીજીએ સ્વામી ત્રિગુણાતીતને સ્વામી તુરીયાનંદનું સ્થાન લેવા કહ્યું. ઉદ્‌બોધનની જવાબદારી સ્વામી શુદ્ધાનંદને સોંપી સ્વામી ત્રિગુણાતીત જવાની તૈયારી કરવા લાગ્યા. તે દરમિયાન ૪થી જુલાઈ, ૧૯૦૨ને દિવસે વિવેકાનંદે દેહત્યાગ કર્યો. આ કરુણ ઘટના છતાં કોલંબો અને જાપાન થઈને અમેરિકા જવા સ્વામી ત્રિગુણાતીત રવાના થયા અને ૧૯૦૩ની બીજી જાન્યુઆરીએ એ સાનફ્રાન્સિસ્કો પહોંચ્યા. અમેરિકામાં માત્ર બ્રેડ-પાઉં અને પાણી પર રહેવાની પૂરી તૈયારીથી એ ગયા હતા. કોઈપણ ભોગે શાકાહારી જ રહેવાનો એમનો નિશ્ચય હતો.

ડૉ. લોગન, શ્રી અને શ્રીમતી સી. એફ. પીટર્સન અને સોસાયટીના બીજા સભ્યોએ એમને સારો આવકાર આપ્યો. પીટર્સનને ઘેર એમણે પ્રવચનો આપવાનો આરંભ કર્યો પણ આવડાં મોટાં ટોળાને સમાવવા એ જગ્યા નાની પડતાં, ૧૯૦૩ના માર્ચમાં, ૪૦, સ્ટેઈનર સ્ટ્રીટ પરનું મોટું મકાન ભાડે રાખ્યું; સોમવારે સાંજે સ્વામી ત્રિગુણાતીત ગીતાના અને ગુરુવારે સાંજે ઉપનિષદોના વર્ગાે લેતા, દર રવિવારે સવારે તથા સાંજે એ પ્રવચનો આપતા. અલબત્ત, દરેક સમયે સંગીત પીરસાતું.

એ જ વર્ષમાં સાનફ્રાન્સિસ્કોમાં કાર્ય એટલા પ્રમાણમાં વધી ગયું હતું કે, સોસાયટીને પોતાનું જ સુવ્યવસ્થિત મકાન હોય તો સારું એમ સ્વામી ત્રિગુણાતીતાનંદને લાગ્યું.

સ્વામી ત્રિગુણાતીતાનંદને માટે વિચાર અને કાર્ય બે એક જ હતાં અને યોગ્ય જગ્યા શોધવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી. તરત જ બધા સભ્યોની સભા બોલાવવામાં આવી, ઝડપથી ભંડોળ એકઠું કરવામાં આવ્યું અને વેબ્સ્ટર અને ફિલ્બર્ટ શેરીઓના ખૂણા પર જમીનનો ટુકડો ખરીદવામાં આવ્યો. ૧૯૦૫ની ૨૫મી ઓગસ્ટે શિલારોપણ કરવામાં આવ્યું. ત્યાં સ્વામી ત્રિગુણાતીતે ઠાકુરની, માની અને બીજાઓની છબીઓને એક પેટીમાં મૂકી.

મંદિરના ભાવિ વિશે બોલતાં સ્વામી ત્રિગુણાતીતાનંદે કહ્યું : ‘એ માણવા હું હયાત નહીં હોઉં; પછીથી આવનાર બીજા લોકો તે માણશે.’ અને એ કાર્યમાં પોતાના ભાગ વિશે બોલતાં એમણે કહ્યું કે, ‘આ મંદિર બાંધવામાં સ્વાર્થનો અંશમાત્ર પણ હશે તો એ ગબડી પડશે; પણ એ ઠાકુરનું કાર્ય હશે તો ટકી રહેશે.’ ૧૯૦૬ના ભયંકર ધરતીકંપે અને આગે મોટાભાગના સાનફ્રાન્સિસ્કોને સાફ કરી નાખ્યું હતું પણ આ મંદિરને કશી આંચ આવી ન હતી. પશ્ચિમની દુનિયામાં આ પહેલું હિન્દુ મંદિર હતું. ૧૯૦૬ની ૭મી જાન્યુઆરીએ એનો પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો અને ૧૫મી જાન્યુઆરીને રવિવારે ત્યાં પહેલી પૂજા કરવામાં આવી હતી.

સ્વામી ત્રિગુણાતીતાનંદ ચતુર હતા. મંદિરનું આયોજન એમણે જ કર્યું હતું અને તેમાં હિંદુ મંદિર, ખ્રિસ્તી ચર્ચ, મુસ્લિમ મસ્જિદ અને અમેરિકન સ્થાપત્યના અંશોનું તેમણે મિશ્રણ કર્યું હતું.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram