(ગયા અંકમાં યોગમાં સ્થિર ન હોય તેને આત્મજ્ઞાન, ધ્યાન, શાંતિ અને સાત્ત્વિક સુખ સાંપડતાં નથી. એ વિશે વાંચ્યું, હવે આગળ…)
જગતનાં ઘણાં સાહિત્યોમાં, સર્વત્ર અને નિત્ય ભજવાતી આ ટ્રેજિડી નિરૂપાઈ છે અને એક લેખકે એનું સુંદર નિરૂપણ કર્યું છે. જર્મન નાટ્યલેખક અને કવિ Goetheના પુસ્તક ‘The Faust’માં જોવા મળે છે. એ કૃતિનું મુખ્ય પાત્ર ફોસ્ટ છે. ૧૪મા કે એવા કોઈ પ્રકરણમાં, ‘વનમાં ફોસ્ટની એકોક્તિ’ આવે છે. અરણ્યમાં બેસીને એ પોતાની જાતને શાંત અને સ્થિર રીતે સંબોધન કરે છે. ‘મને શું થયું છે ?’ એમ એ વિચારે છે. પછી આ પ્રખ્યાત કંડિકા આવે છે !
‘અરે, માનવીની કેવી તે ભગ્ન દશા !
હવે અમારી અતૃપ્તિઓ હું જાણું છું !
તેં આપેલો પરમ આનંદ
અમને દેવોની વધારે નિકટ લાવે છે,
ને વળી જે શ્યામ સાથી આપ્યો છે તેને
મારાથી આઘો કરી શકતો નથી.
જો કે એ પોતાની ઘૃણા વડે
મારા ગર્વનું ખંડન કરે છે
અને એક શબ્દમાં, એક શ્વાસમાં,
તારી બધી બક્ષિસોને ફેરવી નાખી
વ્યર્થ કરી નાખે છે.
મારા હૃદયમાં એ દવ પેટાવે છે,
એને ઉભરાવી દે છે,
તે એવું કે તૃષ્ણાથી એ ઠોકર ખાઈ
કબજો મેળવવામાં પડે છે
અને તૃષ્ણાથી સુષુપ્ત થઈને
કબજામાં પડી રહે છે.’
આ છે માનવજીવનની કરુણ કથા, ટ્રેજિડી. ‘તૃષ્ણામાંથી ઠોકર ખાઈને હું કબજો મેળવવામાં પડું છું અને તૃષ્ણાથી સુષુપ્ત થઈને કબજામાં પડી રહું છું.’ આ છે ભાંગેલા માણસની દશા.
આ કરુણ સંજોગોમાં મને જતો બચાવે એવું કોઈ તત્ત્વજ્ઞાન છે ખરું ? ગીતા એ તત્ત્વજ્ઞાન રજૂ કરે છે – તે કોઈ સંપ્રદાયને, કોઈ એક ધર્મને કે કોઈ એક રાષ્ટ્રને નહીં પણ સમસ્ત માનવજાત માટે. સમગ્ર જીવન સફળ થવું જ જોઈએ. એ માટે જીવનના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા તત્ત્વદર્શનના માર્ગદર્શનની આવશ્યકતા રહે છે. આપણી સમક્ષ આપણે બે ચિત્રો રાખવાં જોઈએ : મારા જીવનનો હું નાશ ઇચ્છું છું ? મારી જીવનનૌકાનો નાશ ઇચ્છું
છું ? કે આનંદ અને શાંતિ સાથે આ જીવન પર હું સવાર થવા ચાહું છું ? મારી જાતને આ પ્રશ્ન પૂછું છું અને તેનો ઉત્તર મારે જ મેળવવાનો છે.
દરેક માનવીમાં ઉચ્ચતર જીવન માટેનો સંઘર્ષ ગીતા આમ આરંભે છે, આપણે કેમ સફળ થઈએ તેનાં આછાં સૂચન કરે છે પણ એ બધું, એ વ્યક્તિને જાતે જ કરવાનું એ કહે છે. એ કાર્ય તમારે બદલે કોઈ બીજું કરી શકે નહીં; એમાં બીજા કોઈને આપણા વતીનો અધિકાર-પત્ર આપી શકાતો નથી. વિવેકચૂડામણિના ૫૧મા શ્લોકમાં શંકરાચાર્ય એનો ખાસ ઉલ્લેખ કરી કહે છે :
ऋणमोचन कर्तारः पितुः सन्ति सुतादयः ।
बन्ध मोचन कर्ता तु स्वस्मादन्यो न कश्चन ।।
‘પિતાનું કોઈ કરજ હોય તો તે એનો દીકરો કે બીજો કોઈ સંબંધી ચૂકવે; પણ પિતા બંધનમાં હોય તો એના પોતાના સિવાય બીજું કોઈ એ બંધન દૂર કરી શકે નહીં.’
વિવેકચૂડામણિ બીજા એક શ્લોક (૫૨)માં જણાવે છે કે ‘મારા મસ્તક પર મોટો ભાર હોય તો मस्तक न्यस्त भार, કોઈ આવીને, મારા મસ્તક ઉપરથી એ લઈને, મને મુક્ત કરી શકે છે.’ क्षुधाधिकृत दुःखं तु विना स्वेन न केनचित् ‘પરંતુ જે ભૂખ્યું હોય તેણે જાતે ખાવું પડે છે, બીજો ખાય તેથી તેનું પેટ ભરાતું નથી.’ માટે
वस्तु स्वरूपं स्फुट-बोधचक्षुषा
स्वेनैव वेद्यं न तु पण्डितेन ।
चन्द्रस्वरूपं निजचक्षुषैव
ज्ञातव्यं अन्येर् अवगम्यते किम् ।।
કેવો તો અદ્ભુત શ્લોક છે !
वस्तु स्वरूपं એટલે ‘સત્યનું સ્વરૂપ’; વેદાંતમાં वस्तु ખૂબ અર્થગર્ભ સંસ્કૃત શબ્દ છે. અસ્તિત્વ ધરાવતો કોઈ પણ પદાર્થ તે वस्तु. પેલું મેજ वस्तु છે તે જ રીતે આત્મા પણ वस्तु છે. બ્રહ્મ वस्तु છે; આ સર્વ અસ્તિત્વ ધરાવતા સત્ય પદાર્થાે છે. એક ઇન્દ્રિયગમ્ય છે તો બીજા ઇન્દ્રિયાતીત છે. તમે वस्तु स्वरूपને શી રીતે જાણો ? स्फुटबोध चक्षुषा स्वेनैव वेद्यं ‘બુદ્ધિના સ્પષ્ટ ચક્ષુ વિકસાવીને તમારે એનો બોધ પામવો જોઈએ.’
बोधचक्षु ‘બુદ્ધિની, સમજણની આંખ’; स्फुट એટલે ‘સ્પષ્ટ’; स्वेनैव वेद्यं આપમેળે જાણવું જોઈએ. न तु पण्डितेन ‘તમારા વતી કોઈ પંડિતે નહીં.’ પછી દૃષ્ટાંત આવે છે : चन्द्रस्वरूपं निजचक्षुषैव ज्ञातव्यं अन्येर् अवगम्यते किम् ? ‘પૂર્ણિમાના ચંદ્રનું સુંદર સ્વરૂપ તમારે જાતે જ જોવું જોઈએ; તમારે બદલે બીજો કેવી રીતે જોઈ
શકે ?’ વેદાંતમાં આની ઉપર સતત ઝોક છે.
ઉચ્ચતર અને ઉચ્ચતર જાગૃતિ આપણામાં આપણે જ લાવવાની છે. આધ્યાત્મિક પ્રગતિ અને સિદ્ધિનો એ રાહ છે. ગીતા એ માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ છે : પશુતાથી મુક્તિ, પશુતાથી આનંદ તરફ. તેથી પછીનો ૬૮મો શ્લોક કહે છે :
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः ।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।
‘તેથી, હે મહાબાહો, ઇન્દ્રિયવિષયોમાંથી જેનું મન સંપૂર્ણપણે વશમાં છે તેની પ્રજ્ઞા સ્થિર થાય છે.’ तस्मात्, ‘તેથી’, આ સાચું હોય તો પછી શું આવે છે ? यस्य इन्द्रियाणीन्द्रियार्थेभ्यः निगृहीतानि सर्वशः, ‘જેની ઇન્દ્રિયો ચોમેરથી પૂર્ણપણે વશમાં આવી ગયેલી છે તે.’
સ્વતંત્ર દેશના નાગરિક થવા માટે તમારી ઉપર કેટલુંક નિયમન આવશ્યક છે; તેના વિના નાગરિકત્વ સંભવી શકે જ નહીં. અને નૈતિક મૂલ્યો, બધાં ઉચ્ચતર મૂલ્યો, આ ઇન્દ્રિય ઊર્જાતંત્રના નિયમનથી આવે છે.
ઇન્દ્રિયોને અને ઇન્દ્રિયવિષયોને એકમેક પ્રત્યે આકર્ષણ હોય છે. પણ એ જે કરવા ચાહે છે તેમ કરતાં તેમને રોકવા હું અહીં ખડો છું. હું જે ઇચ્છું છું તે તેમની પાસે કરાવવા હું ચાહું છું. આ સત્ય થોડા વિસ્તાર સાથે ત્રીજા અધ્યાયમાં આવશે.
तस्य प्रज्ञा प्रतिष्ठिता, ‘એ વ્યક્તિની પ્રજ્ઞા (શાણપણ) સ્થિર થયેલ છે.’ આ કહ્યા પછી ગીતા જે નોંધપાત્ર વિચાર આપે છે તે ચીન દેશના ઉપદેશક તાઓના બોધમાં પણ સાંપડે છે. (ક્રમશ 🙂
Your Content Goes Here