(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

(ગયા અંકમાં ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્રતા અને નિરુદ્ધ એ પાંચ અવસ્થા વિશે જાણ્યુંં, હવે આગળ…)

પ્રકરણ : ૨

માનસિક તણાવના નિરાકરણમાં

ઉચ્ચતર મૂલ્યોની ભૂમિકા

અત્યાર સુધી થયેલી ચર્ચાને ધ્યાનમાં રાખીને આપણે એવું કહી શકીએ કે માનસિક તણાવનાં કારણોમાં મુખ્ય છે આપણી ભીતર રહેલ વિભિન્ન આંતરિક તૃષ્ણાઓ. ઉદાહરણ તરીકે જ્યાં સુધી ધાર્મિક આદર્શને લાગે વળગે છે ત્યાં સુધી આ આપણી મૂળ તૃષ્ણાઓ છે. આ ઉપરાંત દેહ-મનના અનેક આવેગો, જૈવિક આવેગ તથા ગૂઢ લાલસાઓ જેવી બીજી અનેક તૃષ્ણાઓ છે. એટલે સુધી કે ઉચ્ચ જીવનમૂલ્ય પણ તણાવનું કારણ બની શકે છે. ધાર્મિક વૃત્તિવાળા અને પ્રવૃત્ત પુરુષ ઉચ્ચ જીવનના પૂર્ણત્વની અનુભૂતિ માટે આતુર હોય છે તેમને ભૌતિક સીમાઓ દિવ્યાનંદની ઉપલબ્ધિમાં બાધક બની જાય છે. એ પણ તણાવ ઉત્પન્ન કરે છે.

આ ધારણા કઠ ઉપનિષદમાં સ્પષ્ટપણે રજૂ થઈ છે. તેમાં યમરાજ નચિકેતાને ઉપદેશ દેતા કહે છે કે માનવપ્રાણીઓની સૃષ્ટિ એ પ્રકારની થઈ છે કે તેઓ બાહ્યસાંસારિક સુખોનો ભોગ કર્યા વિના રહી શકતા નથી. આંતરિક જ્ઞાનની વિરલ ક્ષણોમાં આપણે પોતાની અંદર રહેલ દિવ્યતાથી પરિચિત થઈએ છીએ. છતાં પણ જૈવિક આવેગો આપણને ભૌતિક સ્તરની સાંસારિક વસ્તુઓ તરફ ખેંચી લે છે. પરિણામે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જ્યાં વ્યક્તિને પોતાની અંદર પૂર્ણત્વનો પરિચય તો થાય છે અને તે તેને મેળવવા પણ ઇચ્છે છે પરંતુ પ્રબળ વાસનાઓ બાધક બની જાય છે. સ્પષ્ટપણે આ દ્વંદ્વાત્મક ખેંચાણને પરિણામે તણાવ ઊભો થશે. એક બાજુએ દિવ્ય આવેગ અને બીજી બાજુએ જૈવિક આવેગ છે. આ બન્નેની પરસ્પર રસાકસી જરાય ઓછો તણાવ ઉત્પન્ન કરતી નથી.

આ વિશે પાશ્ચાત્ય જગતના મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓમાં જાણીતા મનોચિકિત્સાના પ્રવર્તક Sigmund Freudના વિચારોની પુનરાવૃત્તિ ઉપયોગી થશે. Freudના મત પ્રમાણે માનવની મૂળભૂત કામનાઓ જ મનમાં દ્વંદ્વ-સંઘર્ષ ઉત્પન્ન કરે છે.

પ્રારંભમાં Freudએ આ મૂળ જૈવિક તૃષ્ણાઓને ‘કામ-આવેગ’ એવું નામ આપ્યું. પછીથી આ સંજ્ઞાને તેણે ‘સુખસિદ્ધાંત’ રૂપે પ્રતિપાદિત કર્યો. આ સિદ્ધાંત એ તથ્યને દર્શાવે છે કે આપણા બધાના જીવનમાં અધિકતમ સુખપ્રાપ્તિની કામના રહેલી છે.

આ રીતે સુખના સંદર્ભમાં મને ચાર્વાક્ દર્શન યાદ આવે છે. તે પ્રમાણે આપણે ‘ખાઓ, પીઓ અને મોજ માણો’ એ લોકોક્તિનું અનુગમન કરવું પડશે, આ છે સુખની સંકલ્પના. ચાર્વાકે ઈશ્વરીય અસ્તિત્વ, આત્મા અને અધ્યાત્મ સંબંધી અન્ય ધારણાઓને નકારી છે. એમનો આગ્રહ આ બિંદુ પર વિશેષ છે – ‘જીવન મળ્યું છે તો ઇન્દ્રિય સુખ અને ભૌતિક સુખસુવિધાઓનો ઉપભોગ વધુ ને વધુ માત્રામાં કરાય.’ પરંતુ ઉચ્ચતર મૂલ્યો પ્રત્યે સચેત વ્યક્તિમાં તીવ્ર શારીરિક સુખોની વ્યગ્રતાને યોગ્ય અભિવ્યક્તિ મળતી નથી અને એને કારણે ઉત્પન્ન થયેલ દ્વંદ્વ અત્યંત તણાવપૂર્ણ હોય છે. જે ઇન્દ્રિય સુખની કામનાઓનું ઊર્ધ્વીકરણ કરવામાં સમર્થ હોય એવી વ્યક્તિ દુર્લભ છે, આ વિશે આપણે પછીથી ચર્ચા કરીશું. અત્યારે તો આપણો વિચારવિમર્શ માનવની ભૌતિક ઇચ્છાના સંદર્ભ સુધી જ સીમિત રહેશે.

ઇન્દ્રિયસુખની પૂર્તિની પ્રક્રિયામાં ઉચ્ચતર મૂલ્યોના અવરોધ સિવાય એક બીજું પરિબળ પણ છે જેને ફ્રોઈડે ‘પરમ અહમ્-Super Ego’ એવું નામ આપ્યું છે. પરમ-અહમ્ સુખભોગની વૃત્તિ પર પ્રભાવશાળી અંકુશ રાખે છે. પરિણામે શરીરની પ્રવૃત્તિની અભિવ્યક્તિ પર મન નિયંત્રણ રાખે છે.

અહીં આપણે એ સ્પષ્ટપણે સ્વીકારી લેવું યોગ્ય રહેશે કે માનવજાત શક્તિશાળી શારીરિક કામનાઓનો વિષય બની જાય છે અને ગમે તે ભોગે તેની તૃપ્તિ કરવા ઇચ્છે છે. ઉદાહરણ તરીકે કોલેજમાં જનાર છોકરો કે છોકરી કેબલ ટી.વી. પર એક બિહામણી ફિલ્મનો આનંદ લઈ રહ્યાં છે.

એ જ વખતે એમનાં માતપિતા ઘરે પાછાં ફરે છે. એમનાં છોકરા કે છોકરી એવી ફિલ્મ જુએ એ એમને પસંદ નથી. તેઓ બહુ ધાર્મિક વૃત્તિવાળાં છે. છોકરો કે છોકરી ડરી જાય છે, કારણ કે તેઓ આ બાબતથી અવગત છે અને તેઓ ફિલ્મ જોવાનું બંધ કરી દે છે. છતાં પણ તેઓ એમને એ જોવા વ્યાકુળ છે.

એ પણ સંભવ છે કે છોકરો કે છોકરી સુખની અનુભૂતિ માટે પોતાની જાત પર નિયંત્રણ રાખતાં હોય, વળી જો કોઈ યુવાને જીવનમાં ઉચ્ચતર મૂલ્યોનો વિકાસ કર્યો હોય અથવા આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ દીક્ષિત થયો હોય તો તે જેનાથી પતન થાય એવી તુચ્છ ફિલ્મ જોવાનું પસંદ નહીં કરે. પરંતુ આનાથી બચવું છે, એ જાણતા હોવા છતાં જ્યારે તે એકલો હોય છે ત્યારે પોતાની ઇચ્છાને દબાવી શકતો નથી. તણાવ અને અંતર્દ્વંદ્વને કારણે તેને અકથનીય પીડા થાય છે.

એટલે આધ્યાત્મિક પ્રેરણા તણાવ વધારવામાં સ્વત : સક્ષમ છે. શાસ્ત્રો કહે છે – આવું ન કરો, તેમ ન કરો. વાણીવિચાર એવં કર્તવ્ય કર્મોનાં નિષ્પાદનમાં શુચિતા લાવવા માટે આ નિર્દેશ આપણને અટકાવે છે. એના પર વિશ્વાસ વ્યક્ત કરવા ઉપરાંત પણ જો આપણે એનું ક્રિયાન્વયન કરી ન શકીએ તો આપણે પોતાની જાતને અસ્તવ્યસ્ત અનુભવીએ છીએ.

આ બોધ – પરમ અહમ્ છે, જે મનની ઇચ્છાઓ પર નિયંત્રણ રાખે છે અને દેહસુખ સિદ્ધાંતની અભિવ્યક્તિ પર પણ અંકુશ રાખે છે. પરંતુ જ્યારે આ સિદ્ધાંતને ઉપયુક્ત અભિવ્યક્તિ ન મળે ત્યારે તે સિદ્ધાંત દબાય છે. એમાંથી આ ગ્રંથિ અચેતન સ્તર પર પ્રવેશીને પડી રહે છે અને તણાવ ઊભો કરતી રહે છે.

એટલે એવું કહેવામાં આવ્યું છે કે ધાર્મિક આદર્શ વ્યક્તિને સુખભોગના માર્ગનું આરોહણ કરવામાં રોકે છે. આવી વ્યક્તિ અપરોક્ષરૂપે અપરાધની ભાવનાથી ભયભીત થઈને પોતાનાં સુખભોગની તૃષ્ણાઓની પૂર્તિ કરી શકતી નથી.

તેનું અંત :કરણ ઉદ્વિગ્ન-કોચવાતું રહે છે અને એ માનસિક તણાવનું કારણ બની જાય છે! એ ઉપરાંત આવી વ્યક્તિ લોકનિંદાના ભયથી ગ્રસ્ત રહે છે. બધું જોઈએ તો એવું લાગે છે કે જે લોકો ઉચ્ચતર મૂલ્યો પ્રત્યે ઉદાસીન રહે છે તેઓ સુખભોગમાં બેફિકર બનીને પોતાનો સમય વ્યતીત કરે છે. (ક્રમશ 🙂

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram