(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

પૃથ્વીના ગર્ભમાં રહેલ એક બીજ પોષણ અને બીજાં પ્રાકૃતિક વરદાનોને ગ્રહણ કરીને, જ્યાં સુધી તેનો પ્રસરણશીલ આત્મા પુષ્પિત અને પલ્લવિત ન થાય ત્યાં સુધી મૂકભાવે ત્યાં પ્રસુપ્ત રહે છે. શાંત ચિંતન-મનનની ગોદમાં પરિપોષિત અસાધારણ પ્રતિભા પોતાના જાગરણના નિયતકાલની ધૈર્યપૂર્વક પ્રતીક્ષા કરતી રહે છે. મૌન જો કે મહાન અદૃષ્ટ શક્તિ તથા જીવનનો ચમત્કાર છે, આપણા ચરિત્ર પર વિચિત્ર વિરોધાભાસ સાથે કામ કરે છે. સમયે સમયે એ પોતાની ઉદાસીભરી નીરવતાથી આપણને અભિભૂત કરે છે. અને વળી એ આપણાં હૃદય પર તાપ અને બફારાવાળા ગરમીના દિવસોમાં સ્ફૂર્તિ આપનાર વર્ષાનાં બુંદોના રૂપે આવે છે.

પ્રાય : મૌન એક શક્તિવર્ધક (ટોનિક)ના રૂપે આપણા સ્ફૂર્તિહીન પ્રાણને જોશ અને પુનર્જીવન આપે છે. વળી બીજા અવસરટાણે આપણા ઉપર તેનો પ્રભાવ માદક દ્રવ્યના પ્રભાવ જેવો હોય છે. તે આપણા જીવનની શક્તિઓને નિદ્રાના તમોગુણમાં નાખી દે છે. પ્રકૃતિની બધી મહાન શક્તિઓ વિરોધાભાસમાં કાર્ય કરે છે.

ધર્મ અને દર્શનના જગતમાં મૌનની સાધનાની અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. એ એક પરિવેશનું સર્જન કરે છે તેમજ સાધકને અશાંત અને વિક્ષુબ્ધ ભૌતિક જગતમાંથી પૂર્ણત : ગુહ્ય અંતરતમના પુણ્યમંદિરમાં પ્રવેશ કરવા સમર્થ બનાવે છે. જ્યારે આપણે કોઈ સુમધુર સંગીત સાંભળીએ છીએ ત્યારે એ જ સમયે કોઈ મોટેથી વાતચીત કે કોલાહલ કરે તો આપણે વિક્ષુબ્ધ થઈ જઈએ છીએ; સાથે ને સાથે પ્રાય : સંગીતના સૂક્ષ્મ સૌંદર્યની અનુભૂતિ કરી શકતા નથી. બરાબર એ જ રીતે આધ્યાત્મિક અનુશીલનમાં જો આપણું ધ્યાન બીજી દિશામાં આકર્ષાય તો ઘણો ઓછો લાભ મળે છે કે કોઈ ફાયદો થતો નથી. આ જ કારણે અનેક મહાન મતોના વિચારકો દ્વારા આધ્યાત્મિક અનુશીલન પહેલાં પૂર્ણમૌનના વિચારનું દૃઢતાપૂર્વક સમર્થન કરવામાં આવે છે. કેવી રીતે આ મૌન મનની એકાગ્રતામાં આપણને સહાયતા કરે છે, તેના ટેક્નિકલ કારણને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. પરંતુ તેનું આનાથી પણ વધારે ગૂઢ મહત્ત્વ આપણા ઉચ્ચતર સ્વભાવનું અનાવરણ કરવામાં છે. આજે પણ આપણે જોઈએ છીએ કે અનેક પૂજા-સ્થળોમાં આધ્યાત્મિક ભક્તિ અને પ્રાર્થના માટે આવશ્યક વાતાવરણનું સર્જન કરવા પૂર્ણ શાંતિ રાખવામાં આવે છે.

જો આપણા કાનમાં સંસારનો કોલાહલ ભર્યો રહે તો આપણે કયારેય આત્માની ભાષાને સાંભળી ન શકીએ. આ બાબતને કોઈ એક સૂફી સંતે ઘણી સુંદર રીતે વ્યક્ત કરી છે, ‘મૌન રહો, જેનાથી ઈશ્વર જેણે તમને ભાષા આપી છે તે બોલી શકે; કારણ કે જ્યારે ઈશ્વરે દરવાજો અને તાળું બનાવ્યાં છે તો એક ચાવી પણ બનાવી છે… હું મૌન છું. અરે! આત્માના પણ આત્મા! તમે બોલો.’

બધા આધ્યાત્મિક આચાર્યો અને પ્રબુદ્ધ સંત નીરવતા અને શાંતિનું એક ગરિમામય અને વિલક્ષણ વાતાવરણ સર્જે છે. ભારતના કેટલાક મહાન ઋષિઓ પૂર્ણતયા મૌન રહે છે, છતાં પણ તેઓ પોતાના અનુયાયીઓનાં જીવન પર પ્રબળ પ્રભાવ પાડે છે. નવદીક્ષિત શિષ્યોએ આધ્યાત્મિક સાધનાનાં જે રૂપોનો અભ્યાસ કરવો પડે છે તેમાં મૌન સાધના પ્રથમ સ્થાને છે. નવદીક્ષિત શિષ્ય પોતાના આચાર્યો સમક્ષ અનુમતિ વિના કંઈપણ બોલતા નથી. આ વ્યવહાર દ્વારા તેઓ પ્રત્યક્ષરૂપે કેવા આશીર્વાદ મેળવે છે?

તેનાથી એમનાં મન ગ્રહણશીલ બને છે અને આ ગ્રહણશીલ મન જે કંઈ પ્રાપ્ત કરે છે તેેને સરળતાથી આત્મસાત્ કરી શકે છે. આપણા ધર્મનિરપેક્ષ શિક્ષણમાં પણ તેની આવશ્યકતા જોઈ શકાય છે. જ્યાં સુધી મન ગ્રહણશીલ નથી બનતું ત્યાં સુધી અધ્યયનમાં ગમે તેટલો સમય ગાળીએ તો પણ ઘણું ઓછું લાભકારી થાય છે. આ મહત્ત્વની વાત છે કે મેડમ મોન્ટેસરીએ પોતાની શિક્ષણ પદ્ધતિમાં મૌનના આ વિચારનું સમર્થન કર્યું છે.

ભારતમાં અવિસ્મરણીય કાળ સુધી મૌનનું મૂલ્ય બધા સમજી ગયા અને બાળશિક્ષણથી માંડીને અત્યંત સમુન્નત વૈદિક શ્રુતિધરો સુધી તેની વિસ્તૃત સાધના થઈ હતી. પરંતુ જીવન અને ચિંતનની આ પદ્ધતિ આપણાં આધુનિક જીવન અને ટેવથી સાવ અલગ થઈ ગઈ છે. કેટલાક લોકો એવા પણ છે કે જે એના પ્રત્યે પ્રબળ અરુચિ ધરાવે છે. એનું કારણ એ છે કે મૌનના વિચારને આવા લોકો અવસાદ કે અકર્મણ્યતા સાથે જોડીને ભ્રમ ઊભો કરી દે છે.

મૌનનો ઉદ્દેશ્ય આપણા મનને વિચારોથી મુક્ત રાખવાનો તથા શૂન્યતા તેમજ નિષ્ક્રિયતાની સ્થિતિમાં રહેવાનો નથી. તેનાથી વિપરીત મૌન આપણા કાર્યકુશળ અને એકાગ્ર વિચાર માટે એક પાકું પરિબળ બની જાય છે. મૌનનો અભિપ્રાય આપણાં શરીર, મન અને આપણી બધી કાર્યક્ષમતાઓનું એવું સંયોજન છે કે જેનાથી પ્રત્યેક કણ એક સામંજસ્યમાં ક્રિયાશીલ રહે છે. આ સ્થિતિમાં આપણાં બધાં આકાંક્ષાઓ અને આદર્શો એવી સામંજસ્યતામાં કાર્ય કરે છે કે એમનામાં કોઈ સંઘર્ષ ઊભો થતો નથી. એનું સત્યાપન આપ એક એવા યંત્રથી કરી શકો છો કે જેમાં સંઘર્ષથી બચી શકાય છે, તેમાં ઓછામાં ઓછો શોર-બકોર થાય છે અને મશીન વધારે કાળ સુધી કાર્યશીલ રહે છે. જીવનમાં અને ક્રિયાશીલતાના બધાં રૂપોમાં આપણે એેને ખરું ઊતરતું જોઈ શકીએ છીએ.

જેના જીવનમાં અસામંજસ્ય અને સંઘર્ષનો અભાવ છે, તેનું જીવન અત્યંત કાર્યકુશળ છે. જે વ્યક્તિનું મન સુવ્યવસ્થિત છે અને જેની જીવનપદ્ધતિ સુસંગઠિત છે, તે હંમેશાં પોતાની ભીતર કંઈક રોચક વસ્તુનો અનુભવ કરે છે. જો કે એણે પોતાની ભીતર જ કંઈક મેળવી લીધું છે એટલે તે પોતાનો અભિપ્રાય બીજાને આપતો નથી. તે શાંત હોય છે અને પોતાનાં મન અને મનોવૃતિઓના સંતુલનથી સદૈવ ભીતરના રસનું અનુસંધાન કરતો રહે છે.

આર્યોએ અધ્યયનનાં બધાં રૂપોમાં આને બધાથી વધારે જરૂરી તથ્યરૂપે જાણ્યું છે. જ્યાં સુધી પોતાની પાસે એકાગ્રતા અને સંયોજનની શક્તિ ન હોય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ સફળતાપૂર્વક અધ્યયન કરી ન શકે. વળી જ્યાં સુધી આપણે મૌન તરફ અભિમુખ ન થઈએ ત્યાં સુધી તે શક્તિ પ્રાપ્ત ન કરી શકાય. મૌન વ્યક્તિ ઘણી સુખપ્રદ હોય છે.

ગૃહસ્થ જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિ શાંત, પ્રકૃતિસ્થ અને વિચારશીલ હોય છે તે શક્તિશાળી પ્રભાવ ફેલાવે છે. સ્નાયુઓના અસંતુલનવાળા લોકો આવા શાંતચિત્ત વ્યક્તિની ભીતર વિશ્રાંતિનું એક મોટું સ્ત્રોત મેળવી શકે છે. (ક્રમશ 🙂

Total Views: 316

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.