આધ્યાત્મિક જીવનયાપન કરવા માટે સદ્ગુરુની આવશ્યકતા છે. સાધારણ સાધકને પોતાના પૂર્વજન્મની પ્રવૃત્તિઓ અને વર્તમાન અધિકારનો ખ્યાલ હોતો નથી. વળી, શુદ્ધ બુદ્ધિ પણ હોતી નથી કે પોતાના અધિકારીપણાની પસંદગી કરી શકે. એટલા માટે હૃદયના આંતરિક રહસ્યને જાણનારા અને સાધના દ્વારા લક્ષ્ય સુધી પહોંચેલા મહાપુરુષનો આશ્રય લેવો જરૂરી છે. સર્વજ્ઞ મહાપુરુષ જ સાધનાના નિર્દેશના અધિકારી છે. આવા મહાપુરુષને સદ્ગુરુ કહેવાય છે.

આવા મહાપુરુષ દેહ અને અંત :કરણથી ઊર્ધ્વસ્થિતિએ રહેલા હોય છે, ભગવાન સાથે અભિન્નતા રાખતા હોય છે અને તેથી તેમની બાહ્ય વ્યાવહારિક ઓળખ હોતી નથી. વાસ્તવમાં તેઓ પરમાર્થ સ્વરૂપ હોય છે. ભગવાન જ ગુરુ અને ગુરુ જ ભગવાન છે. આ કેવળ ભાવ નથી કેમ કે પરમાર્થ સત્યવસ્તુને પરમાર્થ સત્યવસ્તુ સિવાય કોણ બતાવી શકે છે? જન્મજન્માંતરપર્યંત ભટકતા રહ્યા પછી જેમનું અંત :કરણ પ્રભુનાં દર્શન માટે યોગ્ય બને છે તેમને તેઓ કૃપા કરીને દર્શન આપે છે. જેને પરમાર્થ તત્ત્વ અથવા ભગવાન કહે છે, તેના જ મૂર્તિમંત અનુગ્રહનું નામ ગુરુ છે. ગુરુનો દેહ ચર્મચક્ષુથી દેખાતો દેહ નથી, તે તો વિશુદ્ધ ચૈતન્ય છે.

જ્યાં સુધી આપણે ગુરુને ભગવદ્રૂપે જોતા નથી, તેમના ભગવદ્-જ્ઞાનનો સ્વીકાર કરતા નથી અને તેમની ક્રિયાઓને લીલારૂપે જોતા નથી ત્યાં સુધી ગુરુકરણ થયું નથી એમ સમજવું. ગુરુનું વરણ કર્યા પછી તેમને ભગવાનના સ્વરૂપથી નીચા સ્તરે સમજવા એ પતનનું કારણ છે, આ ભગવદ્સ્વરૂપમાં તેઓ એક જ છે.

જ્ઞાનની દૃષ્ટિએ પરમાત્મા, ગુરુ અને શિષ્ય એક છે. આ એકત્વબોધમાં જ શિષ્યની પૂર્ણતા છે. તેથી તો શાસ્ત્રવાક્ય સાર્થક છે : ‘ગુરુરેવ પરં બ્રહ્મ’. એ રૂપે શિષ્ય તેઓને પકડી શકતો નથી, તેઓ સ્વયં શિષ્ય સમક્ષ પ્રગટ થઈને પોતાને પકડાવે છે. ગુરુનો મહિમા કેવળ શિષ્ય જ સમજી શકે છે, તે પણ જ્યારે ગુરુ તેની સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે ત્યારે; બીજું કોઈ તેમને જાણી શકતું નથી, કેમ કે તેઓ પોતાને ગુપ્ત રાખે છે.

શિષ્ય જાણે છે કે મારા ગુરુદેવ સર્વજ્ઞ છે, તેઓ મારા અને ચરાચરજગતનાં બધાં રહસ્યોના એક માત્ર જ્ઞાતા છે. તેઓ સર્વશક્તિમાન છે, પરમ કૃપાળુ છે. આ જ તેઓનું સ્વરૂપ છે. જગતમાં જેટલા પણ જીવોના ઉદ્ધાર કરનારા મહાત્મા પ્રગટ થયા છે તે બધા જ મારા ગુરુનો લીલાવિગ્રહ છે. હું તેમને પ્રાપ્ત કરીને ધન્ય બની ગયો છું, એવી શિષ્યની દૃષ્ટિ કલ્યાણકારિણી જ નહીં પરંતુ કલ્યાણસ્વરૂપિણી છે.

સર્વત્ર તેમનું જ્ઞાન અને અનુગ્રહ પ્રગટ થઈ રહ્યાં છે, તેમના સિવાય અન્ય કોઈ મંત્રદાતા હોઈ શકે નહીં. આવા ગુરુનું શરણ અને એમનાં કરકમળોની છત્રછાયા પ્રાપ્ત કરીને શિષ્ય કૃતાર્થ બની જાય છે.

સંક્ષેપમાં એટલું જાણી લેવું જોઈએ કે ગુરુ વિના અધ્યાત્મમાર્ગનાં રહસ્ય જાણી શકાતાં નથી, તેનાં વિઘ્નો દૂર થતાં નથી. જે ઉપાસના કરવા માગે છે, તે ગુરુ વિના એક ડગલું પણ આગળ વધી શકતો નથી. ગુરુના આત્મસંતોષમાં જ શિષ્યની પૂર્ણતા છે. ‘ગુરુ’ શબ્દ જીભ પર આવતાં વેંત શિષ્ય ગદ્ગદ બની જાય છે. ગુરુનું સ્મરણ કરાવતી વસ્તુને જોઈને શિષ્ય ભાવવિભોર બની જાય છે. ગુરુના સ્મરણમાં જ સમસ્ત દેવતાઓનું સ્મરણ અંતર્ભૂત છે. ગુરુ સૌથી શ્રેષ્ઠ છે, ગુરુ સાક્ષાત્ ભગવાન છે. ગુરુપૂજા જ ભગવત્પૂજા છે. ગુરુ, મંત્ર અને ઇષ્ટદેવતા આ ત્રણ નહીં પણ એક જ છે.

Total Views: 178
By Published On: March 1, 2016Categories: Harshadbhai Patel0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram