શ્રીરામકૃષ્ણ – અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો ? જે ‘અહંકાર’ બોલે કે શું મને ઓળખતો નથી ? આટલી મારી મિલકત, મારાથી મોટો કોણ છે ? જો ચોર આવા માણસની દશ રૂપિયાની ચોરી કરે ને પકડાય, તો પહેલાં તો રૂપિયા ઝૂંટવી લે, ત્યાર પછી ચોરને ખૂબ મારે; એટલેથીયે એને છોડે નહિ, દરવાનને બોલાવીને પોલીસમાં પકડાવે અને જેલમાં નંખાવે. કમજાત અહંકાર કહેશે, ‘ખબર નથી ? મારા દશ રૂપિયા ચોર્યા છે. તેની એટલી બધી હિંમત ?
વિજય – જો અહંકાર ગયા વિના સંસાર પરની આસક્તિ જાય નહિ, સમાધિ થાય નહિ, ત્યારે તો પછી બ્રહ્મ-જ્ઞાનનો માર્ગ લેવો જ સારો કે જેથી સમાધિ થાય. વળી જો ભક્તિયોગમાં અહંકાર રહે, તો પછી જ્ઞાનયોગ જ સારો.
શ્રીરામકૃષ્ણ – કવચિત્ એકાદ-બે માણસને સમાધિ થઈને અહંકાર જાય ખરો. પરંતુ મોટે ભાગે જાય નહિ. હજાર જ્ઞાન-વિચાર કરો, પણ અહંકાર ફરી ફરીને પાછો હાજર. પીપળાનું ઝાડ આજ કાપી નાખો પણ કાલે વળી સવારમાં જુઓ તો પૂંખડું નીકળ્યું જ છે. ત્યારે કોઈ રીતે જો ‘અહંકાર’ જાય જ નહિ, તો સાલો ‘દાસ’ અહંકાર થઈને ભલે રહે. હે ઈશ્વર ! તમે પ્રભુ, હું દાસ, એ ભાવે રહો. હું દાસ, હું ભક્ત, એવા અહંકારમાં દોષ નહિ. બીજી મીઠાઈ ખાધે પેટમાં (એસીડીટી) અમ્લ-ખટાશ થાય, પણ ગાંગડા-સાકર મીઠાઈમાં ન લેખાય.
જ્ઞાનયોગ બહુ કઠણ, દેહ-ભાન ગયા વિના જ્ઞાન થાય નહિ. કલિયુગમાં અન્ન ઉપર પ્રાણનો આધાર, એટલે દેહબુદ્ધિ, અહંબુદ્ધિ જાય નહિ. તેથી કલિયુગને માટે ભક્તિયોગ. ભક્તિમાર્ગ સહેલો માર્ગ. અંત :કરણથી વ્યાકુળ થઈને, પ્રભુનાં નામ, ગુણ-કીર્તન કરો, પ્રાર્થના કરો, તો ભગવાનનાં દર્શન થશે, એમાં જરાય સંદેહ નથી. જેમ કે પાણી ઉપર વાંસ ન રાખતાં માત્ર એક રેખા દોરવામાં આવે, તો જાણે કે પાણીના બે ભાગ હોય એમ લાગે, પણ એ રેખા વધુ વખત રહે નહિ. દાસ-અહંકાર કે ભક્તનો અહંકાર કે બાળકનો અહંકાર, એ જાણે કે અહંકારની રેખા-માત્ર.
ભાવ જો સાચો હોય તો કામ, ક્રોધનો આકાર માત્ર રહે. ઈશ્વરલાભ પછી જેનામાં દાસનો ‘અહંકાર’ કે ભક્તનો ‘અહંકાર’ રહે તે વ્યક્તિ કોઈનું બૂરું કરી શકે નહિ. પારસમણિનો સ્પર્શ થયા પછી તલવાર સોનાની થઈ જાય. તેનો આકાર તલવારનો રહે, પણ એ કોઈનો ઘાત કરી શકે નહિ.
નાળિયેરનાં પાંદડાં સુકાઈને ખરી પડ્યા પછી તેનો ડાઘ માત્ર રહે. એ ડાઘને લીધે એટલી ખબર પડે કે એક વખતે અહીં પાન હતું. તે પ્રમાણે જેને ઈશ્વર-પ્રાપ્તિ થઈ છે તેના અહંકારનો ડાઘ માત્ર રહે, કામ-ક્રોધનો આકાર માત્ર રહે, નાનાં છોકરાં જેવી અવસ્થા થાય. છોકરાંમાં સત્ત્વ, રજ કે તમોગુણમાંથી કોઈ ગુણનું જોર ન હોય.
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૪૪-૪૫)
Your Content Goes Here