પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય નામ પર્વતપુત્રી પાર્વતી પણ હતું. તેમનાં મોટાં બહેન ગંગાનદી હતાં. બાળપણથી જ ઉમા શિવનાં અનુરાગી હતાં અને રાત્રિના સમયે છૂપી રીતે એકઠાં કરેલાં ફળ-ફૂલ શિવલિંગ સમક્ષ અર્પણ કરતાં અને દીપ પ્રગટાવતાં. એક દિવસ એક દેવે પણ ભવિષ્ય ભાખ્યું કે ઉમા મહાદેવનાં પત્ની બનશે. આ વાણીથી તેમના પિતાનું સ્વાભિમાન જાગી ઊઠ્યું અને ઉમાના વિવાહ કરવા તે ઉત્સુક બન્યા. પરંતુ કંઈ જ કરી શક્યા નહીં કારણ કે પોતાની સમગ્ર ચેષ્ટાઓને અંતર્મુખ કરીને, બાહ્ય જગતની ગતિવિધિ વિષે વિસ્મૃત બનીને શિવ ગહન સમાધિમાં મગ્ન રહેતા. ઉમા તેમનાં દાસી બન્યાં અને તેમની સર્વ પ્રકારે સેવા કરવા લાગ્યાં. પણ તેમને તપસ્યામાંથી વિચલિત ન કરી શક્યાં કે ન તો તેમનો અનુરાગ જાગ્રત કરી શક્યાં.

તે કાળમાં તારકાસુર નામનો દુષ્ટ રાક્ષસ દેવો તથા મનુષ્યોને તેઓનાં સઘળાં કથાસત્રો અને યજ્ઞકાર્યોનો નાશ કરતો રહીને નિર્દયપણે હેરાન-પરેશાન કરતો હતો. દેવો તેને હરાવી શકતા ન હતા કેમ કે ભૂતકાળમાં તપસ્યાઓ કરીને તેણે બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું. તેથી દેવો બ્રહ્મા પાસે ગયા અને તેમની સહાયતા માટે યાચના કરી. બ્રહ્માએ સમજાવ્યું કે તેમણે પોતે જ તેને વરદાન આપ્યું હોવાથી તેઓ તારકાસુર સામે કંઈ કરી શકશે નહીં, પરંતુ તેમણે વચન આપ્યું કે શિવ-પાર્વતીથી જન્મેલો પુત્ર વિજય માટે દેવોની સેનાનો અધિપતિ બનશે.

ત્યાર બાદ દેવના અધિપતિ ઇન્દ્રે કામદેવનું શરણ લીધું અને તેમની સહાયની આવશ્યકતા સમજાવી. કામદેવ સંમત થયા અને તેમની પત્ની રતિ અને સહયોગી વસંતઋતુ સાથે જ્યાં શિવ નિવાસ કરતા હતા તે પર્વત પર જવા નીકળી પડ્યાં. તે ઋતુમાં વૃક્ષોને નવાં પુષ્પો આવતાં હતાં, બરફ અદૃશ્ય થયો હતો અને પશુ-પંખીઓ સંવવન કરતાં હતાં, માત્ર શિવ જ તેમના ધ્યાનમાં અચળપણે મગ્ન હતા.

કામદેવ સુદ્ધાં ઉમાના સૌંદર્યદર્શનથી જ્યાં સુધી પોતે નવું જોમ ન મેળવ્યું ત્યાં સુધી નાહિંમત બની ગયો. જ્યારે પાર્વતી શિવ-પૂજન માટે આવ્યાં અને શિવ પોતાના ધ્યાનમાંથી બાહ્યદશામાં ઊતરી આવ્યા, તે ક્ષણ કામદેવે પસંદ કરી અને પોતાનું કામબાણ ખેંચ્યું અને જેવું તે બાણ તાકવા જાય છે તેવો જ મહાદેવે તેને જોયો કે તરત જ તેમના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ્યો અને કામદેવનું દહન કરી નાખ્યું; રતિને બેહોશ દશામાં છોડીને શિવે સ્થાનત્યાગ કર્યો અને પાર્વતીને તેમના પિતા લઈ ગયા. તે સમયથી કામદેવ અનંગ કહેવાયો કારણ કે તે મૃત્યુ પામ્યો ન હતો, પરંતુ અશરીરી થઈ ગયો હતો. પોતાનો પતિ ગુમાવતાં જ્યારે રતિ કલ્પાંત કરતી હતી ત્યારે તેણે આકાશવાણી સાંભળી, ‘કામદેવનો કાયમ માટે નાશ નથી થયો, જ્યારે શિવનાં ઉમા સાથે લગ્ન થશે ત્યારે લગ્નમાં વહુના ઉપહારરૂપે તારો પતિ પુન : શરીર પ્રાપ્ત કરશે.’

હવે પાર્વતી પોતાના અર્થહીન સૌંદર્યને વ્યથિત થઈને દોષ દેવા લાગ્યાં કારણ કે જો તે સૌંદર્યને કોઈ પ્રિયતમ પ્રેમ ન કરતો તો તેવા સૌંદર્યવાન બનવાનો શો અર્થ ? તે સંન્યાસિની બની ગયાં અને વિખરાયેલા વાળ સાથે અને તપસ્વી જેવાં વલ્કલ-વસ્ત્રો ધારણ કરીને અને પોતાનાં બધાં આભૂષણો ઉતારી નાખીને પર્વતીય એકાંતમાં પ્રવેશ્યાં. નિરંતર શિવનું ધ્યાન ધરતાં રહીને અને શિવને પ્રિય એવાં તપ આદરીને પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યાં.

તેમના અનુરાગની ઉત્કૃષ્ટતાને અભિનંદિત કરતા એક યુવાબ્રાહ્મણ એક દિવસ તેમની સમક્ષ ઉપસ્થિત થયા. તે બ્રાહ્મણે તેમને પૂછ્યું કે ક્યા કારણસર તેઓ તેમની યુવાની અને સૌંદર્યના ભોગે આવી રીતે આત્મ-નિષેધમાં જીવન વેડફે છે અને વળી તેમના હૃદયની આંતરિક ઇચ્છા જણાવવાનું પણ કહ્યું. પાર્વતી એ વિગતવાર પોતાની કથા વર્ણવી અને કહ્યું કે કામદેવનું મૃત્યુ થવાથી શિવની સંમતિ મેળવવા આવી તપશ્ચર્યા સિવાય કોઈ અન્ય માર્ગ નથી.

આ સાંભળી યુવાબ્રાહ્મણે કહ્યું તેઓ કેવા વિષમય સર્પ અને હાથીનું રક્તરંજીત ચર્મ ધારણ કરે છે, તેઓ કેવા સ્મશાનભૂમિમાં વાસ કરે છે, કેવા તેઓ વૃષભ પર સવારી કરે છે અને કેવા દરિદ્ર છે, તેમના જન્મવૃત્તાંતની કોઈ માહિતી નથી તેમનાં અપશુકનિયાળ કૃત્યોની ભયાનક કથાઓ ગણાવીને પાર્વતીને શિવ પ્રત્યેના અનુરાગમાંથી વિમુખ કરવાનો પ્રયાસ કર્યો. પાર્વતી ક્રોધિત થઈ ઊઠ્યાં અને શિવ વિષે જે કહેવાયું તે સાચું હોય કે ખોટું, તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમ વિચલિત થઈ શકશે નહીં, તેવું અંતમાં જાહેર કરીને તેમણે પોતાના આરાધ્ય દેવનો બચાવ કર્યો. પછી યુવાબ્રાહ્મણે પોતાના નકલી સ્વાંગનો ત્યાગ કર્યો અને પોતાની જાતને બીજા કોઈ નહીં, પણ શિવ સ્વરૂપે પ્રગટ કરી અને તેમણે પોતાનો પ્રેમ પાર્વતી પર વરસાવ્યો. ત્યાર બાદ પાર્વતી પોતાના સુખમય સદ્ભાગ્યની વાત પોતાના પિતાને જણાવવા ઘેર પાછાં આવ્યાં અને યથાયોગ્ય રૂપમાં લગ્નની પૂર્વતૈયારીઓ કરાઈ. અંતે તે દિવસ આવી પહોંચ્યો, શિવ અને તેમના વધૂ બંને તૈયાર હતાં અને બ્રહ્મા અને વિષ્ણુની સાથે શિવ ભવ્ય વરઘોડામાં હિમાલય પ્રદેશમાં શેરીઓમાં ઘૂંટીભેર વેરાયેલાં પુષ્પો પરથી સવારી કરતા પ્રવેશ્યા અને શિવ પર્વત-કન્યાને લઈ કૈલાસ ગયા. છતાં તે પહેલાં શિવે અટૂલી બનેલી રતિને કામદેવને પુનજીર્વિત કરીને સોંપ્યો.

ઘણાં વર્ષો સુધી શિવ અને પાર્વતીએ તેઓના સ્વર્ગીય હિમાલયમાં પરમાનંદપૂર્વક નિવાસ કર્યો. પરંતુ અંતે દેવોના સંદેશવાહકરૂપે અગ્નિદેવ ઉપસ્થિત થયા અને દેવોને તેમની વિપત્તિમાંથી ઉગારવા માટે પુત્રને જન્મ ન આપ્યો હોવાથી શિવને ઠપકો આપ્યો. શિવે અગ્નિને ફળદ્રુપ બીજ આપ્યું, તે અગ્નિએ ગ્રહણ કરી લીધું. તે બીજ અંતે ગંગાને સમર્પિત કર્યું અને ગંગાએ તેને વહેલી પરોઢમાં તેના જળમાં સ્નાન કરવા માટે છ સ્વર્ગીય કન્યાઓ આવે ત્યાં સુધી જાળવી રાખ્યું. તેઓએ તે બીજને બરુનાં ઝૂંડમાં રાખ્યું કે જ્યાં તે યુદ્ધનો ભાવિ દેવકુમાર નામનો દેવબાળ બની ગયું. ત્યાર બાદ શિવ અને પાર્વતીને તેનો મેળાપ થયો અને તેઓ તેને કૈલાસ લઈ ગયાં, ત્યાં તેણે આનંદમય બાળપણ વિતાવ્યું. જ્યારે તે બાળક બલિષ્ઠ યુવાન બન્યો ત્યારે દેવોએ તેની સહાય માગી અને શિવે તારકાસુર સામેના સંગ્રામ માટેના સૈન્યના સેનાપતિરૂપે તેને મોકલ્યો. તે વિજયી બન્યો અને રાક્ષસનો સંહાર કર્યો. સ્વર્ગ તેમજ પૃથ્વી પર શાંતિની પુન :સ્થાપના થઈ.

શિવ અને પાર્વતીના બીજા પુત્ર છે ગણેશ. તે જ્ઞાનના દેવતા અને વિઘ્નહર્તા છે. એક દિવસ ભૂલથી ગર્વિષ્ઠ માતાએ શનિગ્રહને તેમના બાળક પર દૃષ્ટિ ફેંકવાનું કહ્યું; શનિના અનિષ્ટકારી દૃષ્ટિપાતથી બાળકનું મસ્તક ભસ્મીભૂત થઈ ગયું. પાર્વતીએ બ્રહ્માની સલાહ માગી અને બ્રહ્માએ તેમને જે સૌથી પ્રથમ મળે તેનું મસ્તક સ્થાપિત કરવાનું કહ્યું : તે મસ્તક હાથીનું હતું.

Total Views: 116
By Published On: March 1, 2016Categories: Bhagini Nivedita0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram