(મનુષ્ય જીવનમાં ઉચ્ચ સ્થિતિની લક્ષ્યપ્રાપ્તિ માટે ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંઘર્ષ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ…)

સત્યની શક્તિ

સામાન્યત : પ્રારંભમાં ભગવાન માટે વ્યાકુળતા થવી ઘણી કઠિન છે. એનું કારણ એ છે કે ભગવાન આપણને સત્ય જણાતા નથી. આપણામાંથી મોટાભાગના માટે આ દેહ જ આપણો આત્મા છે અને આ દેહના ભૌતિક સ્તર પર સુખભોગ માટે આપણે અત્યંત વધારે ચિંતિત રહીએ છીએ; એ જરૂરી નથી કે તે અત્યંત સ્થૂળ પ્રકારનો ભોગ હોય. આપણામાંથી મોટાભાગના લોકો માટે ધર્મ અત્યંત પ્રમાણમાં અણઘડ જેવો છે અને તે વિવિધ ફેશનની જેમ એક ફેશન છે. પરંતુ જો આપણા આધ્યાત્મિક પ્રયાસોથી કોઈ દિવસ ભગવાન આપણને સત્ય લાગવા માંડે તો આપણને અનુભવ થશે કે આપણું સમગ્ર વ્યક્તિત્વ એ સત્તા પ્રત્યે આકર્ષાતું રહે છે. સાથે ને સાથે એક માત્ર એને માટે જ લાલાયિત રહે છે. જો જગત આપણા માટે સત્ય છે, તો તે આપણું પૂરેપૂરું ધ્યાન પોતાની તરફ ખેંચી લેશે. જો બીજું કંઈ સત્ય લાગવા માંડે તો તે પણ એ જ કરશે. જેને આપણે જે સમયે સત્ય સમજીએ તે એ સમય સુધી આપણને પ્રભાવિત કરતું રહે છે, આપણી ભાવનાઓનું મંથન કરે છે, આપણી ઇચ્છાશક્તિને આકર્ષિત કરે છે, આપણી સમગ્ર બુદ્ધિ પર છવાઈ જાય છે. વસ્તુત : આપણી સમગ્ર સત્તા આ સત્યને અનુરૂપ ક્રિયા કરે છે.

જો આપણે પોતાના તથા સંતોના જીવનની સચેતતાનું અધ્યયન કરીએ તો આપણને બંને વચ્ચે એક વિશાળ અંતર દેખાશે. બંનેનાં મન ‘વાસ્તવિકતા’ દ્વારા પ્રભાવિત થાય છે, પરંતુ સંત માટે જે સત્ય છે, તે આપણા જેવા સામાન્ય લોકોના સત્યથી ભિન્ન છે. આપણા માટે આ જગત સત્ય છે, એમને માટે અધ્યાત્મ જગત જ સત્ય છે. પરમાત્માનો સાક્ષાત્કાર કેવી રીતે કરવો, ભગવાનની બૌદ્ધિક અથવા અસ્પષ્ટ ધારણાને બદલે ભગવાનની સત્યપ્રતીતિ કેવી રીતે પ્રાપ્ત કરવી-એમનું સમગ્ર જીવન આ એક ભાવ દ્વારા પરિપૂર્ણ રહે છે. જો આપણે સંતો દ્વારા જેને વાસ્તવિક કહેવાયું છે, તેને હૃદયંગમ કરી શકીએ તો તેઓ ઈશ્વરસાક્ષાત્કાર માટે પોતાના જીવનનો ત્યાગ કરવા તત્પર કેમ રહે છે, એ વાતને આપણે આત્મસાત્ કરી શકીશું.

પરંતુ આપણે સંતોનું આંધળું અનુકરણ કરવું ન જોઈએ. એમનું આચરણ કેટલીક રૂઢિ વિરુદ્ધ અને નવાઈ પમાડનારું હોઈ શકે છે, પરંતુ જેમ આપણે કહ્યું છે તેમ એમની બધી ભગવત્ પિપાસા સત્યની સ્પષ્ટ ધારણાના આધાર પર હોય છે. આપણામાંથી જે લોકો માટે આ ઇન્દ્રિયજગત જ એક માત્ર સત્ય છે એમણે પોતાના આધ્યાત્મિક સંઘર્ષમાં સાવધાન થવું જોઈએ. આપણી સફળતા મોટે ભાગે આપણી દૈનંદિન સાધનાની નિયમિતતા અને તીવ્રતા પર આધાર રાખે છે. પ્રાય : આપણે આ વિષયમાં ઘણા અસાવધાન હોઈએ છીએ. સતત અભ્યાસ કર્યા વિના આધ્યાત્મિક જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકાતું નથી. આધ્યાત્મિક જીવન પરમાત્મા પ્રત્યેના સમર્પણનું, આત્મોત્સર્ગનું, ત્યાગ અને એકાગ્ર નિષ્ઠાનું જીવન હોય છે. એટલે આપણે પોતાના કલ્યાણ તેમજ બીજા લોકોના કલ્યાણ માટે પોતાના વિચારો વિશે વધારે સતર્ક અને સજગ બનવું પડે. એમને માટે આપણા કામ, ક્રોધ, લોભાદિના વિચારો વિષ ભરેલા ગેસથી પણ વધારે હાનિકારક બની શકે છે. વસ્તુત : આપણે પોતાના અપવિત્ર વિચારો દ્વારા જે વિનાશ કરીએ છીએ તે ઝેરી ગેસ દ્વારા થતા વિનાશ કરતાં વધારે ખરાબ છે. પોતાના અપવિત્ર વિચારોથી આપણે એવા લોકોને પ્રભાવિત કરીએ છીએ કે જે અપવિત્રતાને જાણતા જ નથી. પરંતુ પોતાના પવિત્ર વિચારોથી આપણે બીજાની પવિત્રતા માટેના તેમના પ્રયાસોમાં મદદ કરીએ છીએ.

દિવ્ય અસંતોષ

આપણે પોતાનામાં તીવ્ર દિવ્ય અસંતોષ ઉત્પન્ન કરવો જોઈએ. એના વિશે બધા કાળના યોગી, સાધક ચર્ચા કરતા આવ્યા છે. જ્યાં સુધી આપણે પોતાના આત્મામાં સમસ્ત સાંસારિક આસકિતઓ અને વાસનાઓના નાશક આ દિવ્ય અસંતોષનો ઉદય નથી કરતા, ત્યાં સુધી આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે આપણામાં સાચી વ્યાકુળતા ઉત્પન્ન થઈ શકતી નથી. સંસારમાં વાસ્તવિક શાંતિ ક્યારેય પણ હોઈ શકતી નથી. પરંતુ આપણે પોતાની ભૂમિકા યથાસંભવ સારી રીતે નિભાવવી જોઈએ. આપણા પ્રયાસોમાં કોઈ પણ પ્રકારની ઢીલ તથા આપણી બદ્ધ અવસ્થા પ્રત્યે કોઈપણ પ્રકારના સંતોષનો ભાવ ક્યારેય ન હોવો જોઈએ. આ પ્રકારનો સંતોષ બધા સાધકો માટે ઘણો હાનિકારક છે. આપણે સચેતનરૂપે ઉચ્ચતર જીવન માટે લાલસા અને વ્યાકુળતાના અગ્નિને પ્રજ્જવલિત કર્યે જવો જોઈએ. આપણે શક્તિઓને કોઈ નિમ્ન ઉદ્દેશ માટે ક્યારેય નિરર્થક ગુમાવવી ન જોઈએ. આધ્યાત્મિક ઉપલબ્ધિ માટે વ્યાકુળતાની તુલનામાં અકર્મણ્યતાની શાંતિને ક્યારેય પસંદ કરવી ન જોઈએ.

પરમલક્ષ્ય તરફ ઠીક ઠીક દૂર સુધી આગળ વધ્યા વિના કોઈ સુરક્ષા થઈ શકતી નથી. આત્મસાક્ષાત્કાર પૂર્વે કોઈપણ ભક્તને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અથવા કોઈપણ ક્ષણે તેનું ગર્હિત પતન થઈ શકે છે. એટલે પર્યાપ્ત પ્રગતિ ન થાય ત્યાં સુધી પોતાની શક્તિ પર ઘણો વધારે ભરોસો રાખીને કોઈ મોટો ખતરો વહોરી ન લેવો જોઈએ.

સાધના અને પ્રાર્થનામાં તીવ્રતા લાવવી જોઈએ. રાતદિવસ સતત પ્રાર્થના, સતત ધ્યાન, નિરંતર ઉચ્ચતર વિચારોના ચિંતનથી આપણને ઘણો લાભ થશે. પ્રારંભિક સાધકના મનને ભગવદ્ વિચારોમાં નિરંતર લગાડી રાખવું જોઈએ, એનાથી તેની આદત પડી જાય છે. ઉપર્યુક્ત શુભ આદત પડી ગયા પછી પથ આસાન થઈ જાય છે અને સાધકના જીવનમાં વધારે તણાવ ઊભો થતો નથી.

આપણે મનનો એક અંશ જ નહીં, પરંતુ સમગ્ર મન ભગવાનમાં લગાડવું જોઈએ. શ્રીરામકૃષ્ણ કહેતા, ‘જો મારે એક રૂપિયાની કિંમતનું ખરીદવું હોય, તો મારે એક રૂપિયો આપવો પડે, એક પૈસોય ઓછો નહીં. ઓછું દેવાથી કપડું મળે નહીં.’ આધ્યાત્મિક જીવનમાં પણ આ જ વાત છે. જો તમે પૂરો મનોયોગ ન કરો તો તમને કંઈપણ મળશે નહીં. જો થોડાક મહિના કે થોડાં વર્ષો સુધી બેદરકારીથી ધ્યાનનો અભ્યાસ કર્યા પછી તમને કોઈ આધ્યાત્મિક લાભ ન થાય તો તમારા સિવાય બીજું કોઈ એના માટે દોષી નથી.

આપણે અધ્યવસાયની આવશ્યકતા છે. દૃઢતાપૂર્વક નિરંતર સાધના કરવી જોઈએ. દેહ અને મનને પવિત્ર રાખવા સંઘર્ષમાં હાર માની લેવા કરતાં મરી જવું શ્રેયસ્કર છે. અને જો આપણે મરી જઈએ તો પણ શું? મહત્ત્વપૂર્ણ વાત આ છે કે આપણે સત્યનો સાક્ષાત્કાર કરીએ, આપણે વાસ્તવિક સ્વરૂપનો પૂર્ણ વિકાસ કરીએ. જો આપણે પોતાના પૂરા પ્રયત્ન કરી શકીએ, પૂર્ણ સંઘર્ષ કરી શકીએ તો માની લો કે આપણે આપણું કર્તવ્ય કરી લીધું છે. ત્યાર પછી બાકીનું કામ પરમાત્મા પર છોડી દેવું જોઈએ. (ક્રમશ 🙂

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.