‘માર્ગાેટ, આ રવિવારે મારે ત્યાં જરૂર આવજે.’
‘કેમ, કંઈ વિશેષ કાર્યક્રમ છે?’
‘હા, તને જરૂર ગમશે.’
‘પણ છે શું?’
‘મારે ત્યાં એક હિંદુ યોગી આવવાના છે. તેઓ પ્રવચન આપવાના છે અને મને લાગે છે કે તારો આત્મા જેને ઝંખે છે, એમાં આ હિંદુ યોગીનું પ્રવચન તને જરૂર મદદરૂપ થશે.’
‘તો તો હું જરૂર આવીશ.’
લંડનમાં નૂતન શિક્ષણપદ્ધતિથી ચાલી રહેલી રસ્કિન સ્કૂલનાં સંચાલિકા અને શિક્ષિકા માર્ગરેટ નોબલના અંતરની ઝંખનાને જાણનાર તેની મિત્ર લેડી ઇઝાબેલે તેને પોતાને ત્યાં હિંદુ યોગીના પ્રવચનમાં આવવાનું આમંત્રણ આપ્યું. આ લેડી ઇઝાબેલ ભારતના એક સમયના વાઈસરાૅય લાૅર્ડ રિપનની પિતરાઈ બહેન થતી હતી. તે ભારતની સંસ્કૃતિ અને રીતરસમોથી ઘણી પરિચિત હતી. આથી જ તેણે નવેમ્બર મહિનાના એક રવિવારે પોતાને ત્યાં હિંદુ યોગીનું પ્રવચન ગોઠવ્યું હતું અને તેમાં પોતાના નિકટના મિત્રો અને સ્વજનોને આમંત્રણ આપ્યું હતું. માર્ગરેટને પણ આમંત્રણ મળ્યું.
નાનપણમાં જ વહાલસોયા પિતાના મૃત્યુના આઘાતે માર્ગરેટને હચમચાવી મૂકી હતી. એના પિતા માન્ચેસ્ટરના એક દેવળના પાદરી હતા. તેઓ અત્યંત ધર્મપરાયણ અને સેવાભાવી હતા. ઔદ્યોગિક ક્રાંતિએ સર્જેલી મજૂરોની દયાજનક સ્થિતિ જોઈને તેઓ અત્યંત દ્રવિત થઈ જતા. તેઓ દરરોજ ગરીબ વસ્તીમાં જતા અને કંગાલ, અસહાય, રોગિષ્ઠ મજૂરોને સહાય કરતા, એમને આશ્વાસન આપતા અને એમનાં આંસુ લૂછતા. આ કાર્યમાં એમને પત્નીનો પણ પૂરો સાથસહકાર મળતો. આવાં ધર્મપરાયણ દંપતી સેમ્યુઅલ અને મેરીનું પ્રથમ સંતાન તે માર્ગરેટ. ત્યાર પછી પણ તેમને બીજાં બે સંતાનો પુત્રી મે અને પુત્ર રિચમન્ડ થયાં હતાં. પણ માર્ગરેટના જન્મ વખતે મેરીની સ્થિતિ જુદી જ હતી. તેને પ્રસૂતિ સમયની ચિંતા કોરી ખાતી હતી. બધું જ હેમખેમ પાર ઊતરશે કે કેમ, નવજાત શિશુ સલામત હશે કે કેમ આ બધી મૂંઝવણો મેરીને આકુળ-વ્યાકુળ કરી દેતી.
ભય અને આશંકાથી તે અત્યંત વિહ્વળ બની જતી. તેની આવી પરિસ્થિતિ જોઈને તેના પતિ તેને હિંમત અને આશ્વાસન આપતાં કહેતા, ‘તું પ્રભુ ઉપર વિશ્વાસ રાખ, પ્રભુને તું પ્રાર્થના કર. એ જ સર્વનો રક્ષક છે, તારણહાર છે. એ જ બધું હેમખેમ પાર ઉતારશે.’ પતિનાં આવાં વચનો સાંભળીને થોડી વાર તો એનામાં હિંમત અને શ્રદ્ધા જાગતાં, પણ ફરી ચિંતા અને ભય એના હૃદય પર છવાઈ જતાં. પણ આખરે તેણે આજીજીપૂર્વક ભગવાનને પ્રાર્થના કરી, અંતરમાંથી પ્રભુને પોકાર કર્યો. પોતાના અને અજન્મ્યા બાળકના રક્ષણ માટે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુ સમક્ષ નિવેદન કર્યું, ‘હે પ્રભુ, જો આ મારું પ્રથમ સંતાન નિર્વિઘ્ને જન્મે તો હું તેને તારી સેવામાં સંપૂર્ણપણે સમર્પી દઈશ.’ મેરીએ જેવી ભગવાનને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી સમર્પણ કર્યું કે તત્ક્ષણ એનું મન શાંત થઈ ગયું. એક ઊંડી સઘન શાંતિ તેના સમગ્ર અસ્તિત્વને ઘેરી વળી. અત્યાર સુધી એને કોરી ખાનાર ભય અને આશંકા ક્યાંય અદૃશ્ય થઈ ગયાં. એક ઊંડી શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને પ્રબળ શક્તિ જાણે તેની અંદર જાગી ગઈ હોય એવું તેને લાગ્યું. પછી તે અપાર આનંદમાં રહેવા લાગી. ત્યાર પછી એને કોઈ પણ પ્રકારની ચિંતાએ સતાવી નહીં.
એના આશ્ચર્ય વચ્ચે એને પ્રસૂતિમાં પણ બિલકુલ પીડા થઈ નહીં. સાવ સહજપણે, કોઈ પણ જાતની મુશ્કેલી વગર એણે નિર્વિઘ્ને ૨૮ ઓક્ટોબર, ૧૮૬૭ના રોજ પુત્રીને જન્મ આપ્યો અને તેને માર્ગરેટ નામ આપ્યું. આમ જન્મ પહેલાં જ પ્રભુના કાર્ય માટે સમર્પિત થઈ ચૂકેલી એ દેવકન્યાના આગમનથી તેનાં માતાપિતાનું જીવન પણ આનંદોલ્લાસથી છલકાતું બની ગયું. માર્ગરેટ તેના પિતાની અત્યંત લાડકી હતી. પાદરી પિતાએ તેને શૈશવમાં જ ધર્મ, માનવપ્રેમ, દયા અને સેવાના સંસ્કારોથી ઘડી હતી. તેઓ જ્યારે ગરીબ વસ્તીમાં સેવાર્થે જતા ત્યારે નાની માર્ગરેટને પોતાની સાથે જ લઈ જતા અને આમ એના કુમળા મગજમાં પિતાના આ સેવાકાર્યની છાપ દૃઢ થઈ જતી.
‘માર્ગરેટ, અહીં આવ તો બેટા!’
દોડતી માર્ગરેટ આવી અને એણે જોયું તો પિતાની સાથે કોઈ વડા બિશપ હતા. એટલે તેણે એમને પ્રણામ કર્યા. પણ બિશપ તો માર્ગરેટની સામે સ્થિર નજરે જોઈ જ રહ્યા. તેની તેજસ્વી વેધક આંખો, સોનેરી વાળ, અંગેઅંગમાં ઊછળતો તરવરાટ અને એમાંથી પ્રગટ થઈ રહેલી શક્તિ જોઈને બિશપને એવું જણાયું કે આ કોઈ સામાન્ય આત્મા નથી અને તત્ક્ષણ એમના અંતરમાંથી સહજપણે ઉદ્ગાર સરી ૫ડ્યા, ‘એક દિવસ આ કન્યા ઉપર ભારતવર્ષની સેવા કરવાની જવાબદારી આવશે.’
આ સાંભળીને સેમ્યુઅલ તો આશ્ચર્યમાં પડી ગયા! ક્યાં માન્ચેસ્ટર અને ક્યાં ભારત! એમને થયું કે આ વડા બિશપ ભારતમાં જઈ આવ્યા છે એટલે તેઓ એવું કહેતા હશે. પણ તેમણે તેમના તરફ દૃષ્ટિ કરી તો એમની દૃષ્ટિ તો જાણે દૂર દૂરના ભાવિમાં સ્થિર થયેલી ન હોય! અને એમના ચહેરા ઉપરની ગંભીરતા જોઈને સેમ્યુઅલને જણાયું કે એમના અંતરમાંથી નીકળેલા આ શબ્દો કદાચ સાચા પણ હોય. આથી એમણે કોઈ પ્રતિવાદ ન કર્યો. ફક્ત એટલું જ બોલ્યા, ‘આ મારી પુત્રી એ મારો પ્રાણ છે. આપ એને આશીર્વાદ આપો.’
દીનદુ :ખીઓની સેવા કરવાનો એટલો બધો બોજો સેમ્યુઅલે ઉઠાવ્યો હતો કે એમનું શરીર એ બોજો ખેંચી શક્યું નહીં. તેઓ બીમાર પડ્યા. એમને લાગ્યું કે હવે આ શરીર ઝાઝું ખેંચી શકે તેમ નથી એટલે એમણે પત્નીને કહ્યું, ‘મને બીજી કોઈ ચિંતા નથી, પણ મારી માર્ગાેટની ચિંતા છે. ત્રણેય સંતાનોમાં એ અનોખી છે. એને તું કોઈ રીતે મુંઝાવા ન દઈશ.’
‘પ્રભુ તમને આમાંથી જરૂર સાજા કરશે. તમે ચિંતા ન કરો,’ મેરીએ આશ્વાસન આપતાં કહ્યું.
‘ના, મારી આ જીવલેણ બીમારીની મને ખબર છે. હવે હું આમાંથી સાજો થવાનો નથી. પ્રભુ મને પોતાની પાસે બોલાવી રહ્યા છે અને હું આનંદથી પ્રભુ પાસે જઈશ. પણ એ પહેલાં તું મને એક વચન આપ તો જ મને શાંતિ થશે.’
‘શું?’ મેરીએ અધીરતાથી પૂછી નાખ્યું.
‘માર્ગાેટનું તું ધ્યાન રાખજે. એક દિવસ એક મહાન આદેશ તેની પાસે આવશે, ત્યારે માતા તરીકે તું તેને સહાય કરજે.’
મેરીએ જ્યારે ખાતરી આપી પછી જ સેમ્યુઅલ પુત્રી માટે નિશ્ચિંત બન્યા અને ત્યાર બાદ થોડા જ દિવસોમાં ચોત્રીસ વર્ષની ભરયુવાન વયે પત્ની અને ત્રણ બાળકોને છોડીને સેમ્યુઅલે ઐહિક જીવન સમાપ્ત કરી લીધું. મેરી માટે હવે કપરો કાળ શરૂ થયો. માન્ચેસ્ટરમાં એકલાં રહેવું, ત્રણ બાળકોને મોટાં કરવાં, તેમનો સારી રીતે નિર્વાહ કરવો અને શિક્ષણ આપવું એ બધું તેના માટે સરળ ન હતું. આથી તે માન્ચેસ્ટર છોડીને પોતાના પિતાની પાસે આયલર્ૅન્ડમાં રહેવા જતી રહી.
પિતાના અવસાને માર્ગાેટના હૃદયમાં શૂન્યાવકાશ સર્જી દીધો. ઘરમાં તે સહુથી મોટી હતી. અને પરિસ્થિતિએ હવે તેેને વધારે ગંભીર અને મોટી બનાવી દીધી, સાથે હઠીલી પણ. માર્ગરેટે આયલર્ૅન્ડમાં રહીને જ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. પછી કોલેજમાં ભણવા તે હેલિફેક્સ ગઈ. ત્યાં છાત્રાલયમાં રહીને કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. અહીં તેની કુશાગ્ર બુદ્ધિને વિકસવાનું ક્ષેત્ર મળ્યું, તેની તીવ્ર જિજ્ઞાસા સંતોષવા વિસ્તૃત વાતાવરણ મળ્યું, જીવનના વિકાસ માટે પૂરી અનુકૂળતા મળી.
જગત અને જીવન વિશે તે જેમ જેમ વધારે ને વધારે જાણતી ગઈ તેમ તેમ અદૃષ્ટને પામવાની તેની ભૂખ વધુ ને વધુ પ્રબળ બનવા લાગી. કોલેજના અભ્યાસકાળ દરમિયાન જ તેણે પોતાના શોખના વિષયો સંગીત, ચિત્રકલા અને પ્રાકૃતિક વિજ્ઞાનનું પણ અધ્યયન કર્યું. સત્તર વર્ષની વયે તેણે કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને પછી શિક્ષણક્ષેત્રમાં ઝંપલાવ્યું. (ક્રમશ 🙂
Your Content Goes Here