(ગયા અંકમાં સંગીતશાસ્ત્રની ઉત્ક્રાંતિના વિવિધ આયામો, પ્રદાનકર્તાઓ, કૃતિઓ, સંગીતના વિવિધ રસો, સ્વરીય જ્ઞાનના ભેદ વિશે જાણકારી મેળવી, હવે આગળ…)

પ્રેમભક્તિના ભાવ-આંદોલનમાં ચૈતન્ય મહાપ્રભુ અને તેના રૂપ ગોસ્વામી જેવા શિષ્યોએ ઉત્તર અને પૂર્વ ભારતમાં પોતાનાં ભજનસંગીત અને હરિકીર્તનને ઈશ્વરની અનુભૂતિનું સાધન ગણીને ભક્તિસંગીતને લોકપ્રિય બનાવ્યું. ભક્તિસંગીતનું આ ભાવ-આંદોલન દક્ષિણ ભારતમાં પ્રસરી ગયું અને ‘નામ-સંકીર્તન સંપ્રદાય’ના નામે તેણે ઊંડાં મૂળિયાં નાખ્યાં. પોતાના સુખ્યાત ગ્રંથ ‘ભક્તિરસામૃતસિન્ધુ’માં રૂપ ગોસ્વામીએ ભક્તિનાં સોપાનો – શ્રદ્ધાના નિમ્ન સોપાનથી માંડીને મહાભાવના સર્વોત્કૃષ્ટ સોપાન (ઈશ્વરના દિવ્ય આનંદમાં ભાવસમાધિ) – સુધીનું વર્ણન કર્યું છે. પ્રભુનાં મંદિરોમાં સંગીતમય રજૂઆતથી શ્રીમદ્ ભાગવત પણ લોકપ્રિય બન્યું. કન્નડભાષામાં પણ કીર્તનના સમાનાર્થી દેવરનામ પ્રચલિત છે. સંત પુરંદરદાસ, સંત કનકદાસ અને સંત વિજયદાસ જેવા કેટલાક ભક્ત કવિઓએ આની રચના કરી છે. સંત પુરંદરદાસને કર્ણાટિક શાસ્ત્રીય સંગીતના પિતા ગણવામાં આવે છે. સંત ત્યાગરાજનું નામ પણ ભક્તિસંગીતના સંતરૂપે જાણીતું છે. તેમની અમર ‘કૃતિઓ’ દક્ષિણ ભારતમાં આજે પણ લોકપ્રિય છે. તેઓ ‘વગ્ગેયકાર’ની સુવર્ણમયી ત્રિમૂર્તિમાંના એક તરીકે જાણીતા છે. એ ત્રિમૂર્તિમાં મુથ્થુસ્વામી દીક્ષિતર અને શ્યામા શાસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. એમની કૃતિઓએ જીવનના દરેક વર્ગના લોકો પર કાયમી પ્રભાવ પાડ્યો છે. એમની મધુર અને ભવ્યતાપૂર્ણ સંરચનાઓએ કેટલાયના હૃદયને દિવ્યાનંદથી મંત્રમુગ્ધ કરી દીધાં અને સંગીતના માધ્યમથી સાચી ભક્તિના પથે ચાલવા ઘણા સાધકોને માર્ગદર્શન આપ્યું હતું. ખરેખર કર્ણાટિક શાસ્ત્રીય સંગીતનો મોટા ભાગનો સંગ્રહ ભાવભક્તિપૂર્ણ છે.

મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં ભક્તિભાવ આંદોલનના પ્રસાર સાથે ત્યાંના કવિ-ભક્તસંતો અને તેમના અનુયાયીઓએ સંગીતના માધ્યમનો ઉપયોગ કરીને ભક્તિસંગીતનો પ્રચારપ્રસાર કર્યો. સાથે ને સાથે તેમણે એક અમર ભક્તિ કાવ્યોનો વારસો આપણને આપ્યો છે અને આજે તે એટલો જ લોકપ્રિય છે. કીર્તનના સમાનાર્થી જેવો મરાઠીભાષામાં ‘અભંગ’ નામનો શબ્દ જાણીતો છે. એના મહાન રચયિતાઓમાં જ્ઞાનદેવ, નામદેવ, એકનાથ, તુકારામ અને બીજા જાણીતા સંતભક્તો હતા. ‘વારીકરી’ સંપ્રદાયમાં જનાબાઈ, બહિનાબાઈ, સોયરાબાઈ, મુક્તાબાઈ અને કાન્હોપાત્રા જેવાં કેટલાંય નારીસંતો જોવા મળે છે. એમનાં ભક્તિસંગીતનાં ગીતકાવ્યો આજે પણ સમૂહમાં લાલિત્યપૂર્ણ નૃત્ય સાથે ગવાય છે. કર્ણાટકના પુરંદરદાસ, કનકદાસ, વિજયદાસ અને બીજા સંતોના સંપ્રદાયોની જેમ વિઠ્ઠલ સંપ્રદાય મહારાષ્ટ્રમાં લોકપ્રિય બન્યો. જો કે આ સંપ્રદાયનો ઉદ્ગમ કર્ણાટકમાં જ થયો હતો. આ સંપ્રદાયે પણ ભક્તિસંગીતમાં ઘણું મોટું પ્રદાન કર્યંુ છે.

ગુજરાત, રાજસ્થાન તેમજ ઉત્તરભારતના પ્રદેશોમાં કીર્તનને ભજનના નામે પણ ઓળખાય છે. અમર કૃષ્ણભક્ત મીરાબાઈએ વિરહ અને મિલનભાવભરેલાં ભજનો દ્વારા અસંખ્ય ભક્તોને પ્રેરણા આપી છે. મીરાનાં આ ભક્તિપદો લોકઢાળમાં ભજનરૂપે અને શાસ્ત્રીય સંગીતકારો દ્વારા પણ ગવાય છે. અંધસંત કવિ સૂરદાસ ભગવાન કૃષ્ણને સમર્પિત ભાવભક્તિનાં પદોની રચના માટે જાણીતા બન્યા છે. એમ કહેવાય છે કે સૂરદાસે પોતાની મહાનકૃતિ ‘સૂર સાગર’માં કૃષ્ણભક્તિનાં લાખો પદો લખ્યાં હતાં. એમાંથી અત્યારે માત્ર આઠ હજાર પદો વિદ્યમાન છે. શ્રીમદ્ વલ્લભાચાર્યના આઠ શિષ્યોમાં સૂરદાસનું નામ અગ્રગણ્ય છે. વલ્લભાચાર્યે અષ્ટછાપ નામે સંગીતની શાખા ઊભી કરી અને ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ તેને પદ્ધતિસરની પ્રણાલી બનાવી તેમજ હવેલી સંગીતના નામે જાણીતી સંગીતગાયકીને સુપ્રસિદ્ધ કરી.

ચૈતન્ય મહાપ્રભુ અને તેમના શિષ્યોના પ્રભાવથી બંગાળ અને પૂર્વભારતમાં ઘણા કવિસંતો થઈ ગયા છે અને તેમની રચનાઓ પણ વિપુલ પ્રમાણમાં છે. જો કે શાક્ત કવિસંતો થોડા પ્રમાણમાં છે, પણ એમણે લોકો પર ઘેરો પ્રભાવ પાડ્યો છે. સાથે ને સાથે તેમણે મુસ્લિમ ભક્તો અને શિષ્યોને આકર્ષ્યા છે. શ્રીરામકૃષ્ણ પણ રામપ્રસાદ, કમલાકાંત વગેરેનાં પ્રેરણાદાયી ગીતો ગાવાના શોખીન હતા. આને શ્યામાસંગીત પણ કહે છે. આવા શ્યામાસંગીતનાં ગીતો ગાતાં ગાતાં કે સાંભળતાં સાંભળતાં તેઓ ભાવસમાધિમાં આવી જતા. રામપ્રસાદ અને કમલાકાંત શાક્ત હતા, પરંતુ તેમના ગુરુ વૈષ્ણવ હતા. એટલે તેમનાં જીવનમાં અને શ્યામાસંગીતની ગીત રચનામાં શાક્તવાદ અને વૈષ્ણવવાદનું સંમિશ્રણ જોવા મળે છે. એક બીજો ભક્તિગીત ગાનારનો સમુદાય ‘બાઉલ’નો છે. તેમની રચનાઓમાં બૌદ્ધ, હિન્દુ અને સૂફીધર્મની છાંટ જોવા મળે છે, બીજા શબ્દોમાં કહીએ તો એમણે આ ત્રણેયનો સુભગ સમન્વય કર્યો છે. તેમનાં ભાવગીતોમાં બધા સંપ્રદાયનાં, શાસ્ત્રોનાં સારભૂત-તત્ત્વને સ્વયંભૂ રીતે વણી લેવામાં આવ્યાં છે. તેમણે બંગાળી લોકગીતમાં એક મહત્ત્વની પ્રણાલી ઊભી કરી છે અને એ સંગીતના સૂરલય અને તત્ત્વદર્શનથી સમૃદ્ધ બન્યું છે. શીખધર્મમાં ‘નિર્ગુણી’ ભક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રથમ શીખગુરુ અને શીખધર્મના સ્થાપક ગુરુનાનક નિર્ગુણી ભક્તિ પ્રણાલીના સંત હતા. લગભગ બધા ગુુરુઓએ ધાર્મિક ગીતો, ભજનો અને સ્તુતિઓ સંગીતબદ્ધ કર્યાં છે અને તેને જુદા-જુદા રાગોમાં ગવાય છે. એમના ધર્મગ્રંથ ગ્રંથસાહેબમાં ઘણા હિન્દુ તેમજ કેટલાક મુસ્લિમ સંતોનાં ભજનો કે ભક્તિગીતોનો સમાવેશ થયો છે.

સંગીતે સૂફીવાદના પ્રચાર-પ્રસારમાં ઘણી સહાય કરી છે. સૂફી સંપ્રદાયમાં સંગીતને ‘સામ’ કહે છે. આમાં ગીત કે કાવ્ય વાદ્યસંગીતની મદદથી ગવાય છે, જે સૂફીઓને અવારનવાર આધ્યાત્મિક મહાભાવમાં લાવી મૂકે છે. એમાં ભક્તિવિભોર બનીને ‘દરવેશ’ સફેદ ડગલામાં ચક્રાકારે ફરતો રહે છે. સૂફીવાદ પોતાના કવ્વાલી નામના લોકપ્રિય ગાનથી ઘણા વિસ્તારોમાં પ્રચલિત બન્યો છે. સૂફી સંગીત પ્રણાલીમાં સૌથી મોટું પ્રદાન કરનાર હતા અમીર ખુશરો, તેઓ નિઝામુદ્દીન ચિસ્તિના શિષ્ય હતા. તેઓ ભારતમાંના પ્રારંભિક મુસ્લિમ શાસનકાળમાં સૌથી વધારે પ્રતિભાવાન સંગીતજ્ઞ અને કવિ હતા. તેમણે ‘ઇન્દ્રપ્રસ્થ મત’ કે ‘ચાતુર્દંડી સંપ્રદાય’ નામની સંગીત વિદ્યાની પ્રણાલીની સ્થાપના કરી હતી. તેઓ હિન્દુ-મુસ્લિમ સંસ્કૃતિની ભક્તિસંગીત પ્રણાલીના સ્થાપક ગણાય છે.

સ્વામી વિવેકાનંદ એક મહાન કવિ, સંગીતજ્ઞ અને આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે થોડાં સૂત્રો અને ભાવગીતોનો વારસો આપણને આપ્યો છે. એમાંનું એક રામકૃષ્ણ સંઘના મઠમંદિરોમાં સામૂહિક રીતે આરતી ટાણે ગવાતું ગીત છે- ‘ખંડન ભવ બંધન.’ આ પ્રાર્થનાગીતને ધ્રુપદ ગાયકીની શૈલીમાં ઢાળવામાં આવ્યું છે. આપણે શ્રીરામકૃષ્ણ કથામૃત વાંચીએ તો આપણને ખ્યાલ આવશે કે શ્રીરામકૃષ્ણનો ઉપદેશ મોટે ભાગે સંગીતના માધ્યમથી અપાયો છે. ભક્તોેનાં મનમાં કેટલાંક આધ્યાત્મિક સત્યો ઉતારવા માટે તેઓએ કેટ-કેટલીય વાર પોતાના મધુર અમૃતમય કંઠે ગવાતાં ગીતોનો ઉપયોગ કર્યો હતો ! તેઓ વારંવાર કહેતા, ‘ઈશ્વરનાં નામગુણકીર્તન ગાવાં એ સાચી ભક્તિ મેળવવાનો સરળ રસ્તો છે.’ તેઓ ભક્તોને કહેતા, ‘ભક્તિ જ આવશ્યક વસ્તુ છે. ઈશ્વરનું સતત નામગાન અને એમના મહિમાનું ગાન કરવાથી આપણને ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત થાય છે.’ શ્રીરામકૃષ્ણનું આ કથન આજના યુગમાં દિવ્ય અનુભૂતિ માટેના નિશ્ચિત સાધનરૂપે ભક્તિસંગીતનંુ મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે.

Total Views: 324

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.