(અનુવાદક : કુસુમબહેન પરમાર)

(ગયા અંકમાં સમષ્ટિ-વ્યષ્ટિ સત્તાની તુલના તેમજ કૃપા-આશીર્વાદના મૂલ્યની સમજૂતી વિશે વાંચ્યું, હવે આગળ…)

(પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)

૧૩-૦૨-૧૯૫૯

સેવક – દ્વૈત અને વિશિષ્ટાદ્વૈતવાદના વિશે મને થોડું કહો.

મહારાજ – એક જ સૂર્યને ભિન્ન ભિન્ન અવસ્થામાં જુદા જુદા પ્રકારે જોઈ શકાય છે. સવારના સૂર્યનો એક પ્રકાર અને બપોરે બીજો પ્રકાર દેખાય છે. બરાબર એ જ રીતે બ્રહ્મને દ્વૈતભૂમિમાં જોવાનો છે, જેમ કે કૃષ્ણ અને હું. ત્યાર પછી – નયન પડે જ્યાં જ્યાં, કૃષ્ણ-સ્ફુરણ ત્યાં ત્યાં. (આવો અનુભવ થાય છે.)

બધાની અંતે તોતાપુરીજીની પાસે શ્રીરામકૃષ્ણ દેવને તેની અનુભૂતિ થઈ હતી – તેઓ જ્ઞાનની તલવારથી દેવીમૂર્તિને કાપીને પૂર્ણરૂપે અદ્વૈતભૂમિ પર પ્રતિષ્ઠિત થયા હતા. કેવળ Stage after Stage એક પછી એક સ્તર આવે છે.

થોડા દિવસથી મહારાજજીનું શરીર ઘણું અસ્વસ્થ છે, એમને શ્વાસની પીડા છે. એમનાં સ્નાયુતંત્ર પણ ખૂબ સંવેદનશીલ બની ગયાં છે. સવારે હેમ વૈદરાજને લઈને વેદાંત મઠના સ્વામી શંકરાનંદજી આવ્યા હતા.

હેમ વૈદરાજ શ્રીમ. એટલે કે માસ્ટર મહાશય પાસે જતા હતા. માસ્ટર મહાશયે એમને કહ્યું હતું, ‘તેમણે (પ્રેમેશ મહારાજ) આશ્રમને ઉજ્જવળ કરી રાખ્યો છે. જતાં જ શ્રીમા પૂછતાં, ‘મારા ઈન્દ્રદયાલને કેમ છે?’’

એક પ્રસંગે પ્રેમેશ મહારાજે કહ્યું, ‘એકવાર મેં ‘મા’ને પૂછ્યું હતું કે મારાથી કોઈનું કંઈ અમંગલ તો નહીં થાય ને?’ શ્રીમાએ કહ્યું, ‘ના બેટા, ઠાકુર છે, તારાથી ઘણા છોકરાઓનું મંગલ થશે.’

૨૩-૦૨-૧૯૫૯

બપોરે પ્રેમેશ મહારાજજીને એક પત્ર વાંચી સંભળાવ્યો. તેમાં એક વ્યક્તિ મુંબઈથી લખે છે- રામકૃષ્ણ મિશનનું અધ :પતન થઈ ચૂક્યું છે, કારણ કે એક ઉપાધ્યક્ષ મહારાજજીના નામની આગળ કોઈએ ૧૦૦૮ સ્વામી લખ્યું છે.

પ્રેમેશ મહારાજે સાંભળીને કહ્યું, ‘જોયુંને, સામાન્ય લોકોની બુદ્ધિની ક્ષમતા! આ એક સ્થાનીય શિષ્ટાચાર છે. ઉપાધ્યક્ષ મહારાજે પોતે તો નથી લખ્યું. છતાં પણ શું આ એક ઘટનાથી જ સમગ્ર રામકૃષ્ણ મિશનનું અધ :પતન થઈ ગયું? કેવી Sweeping Remarks નકારાત્મક ટિપ્પણી છે, જોયું ને? લોકોની વાતોને બરાબર સમજીવિચારીને ધ્યાનમાં લેવી જોઈએ. Inner life – આંતરિક જીવન, આંતરિક જીવન! જો એકવાર શ્રીઠાકુરને હૃદયની ભીતર રાખીને પ્રેમ કરી શકો તો, બચી જશો. વૃદ્ધાવસ્થામાં બીજું કોઈ કષ્ટ નહીં થાય. નહીં તો કેવળ દેશોદ્ધાર, જગતકલ્યાણ કરીને ઘૂમતા રહેવું પડશે.

૨૫-૦૨-૧૯૫૯

મહારાજજીનું શરીર થોડું સારું છે. સાંજે ટહેલતાં ટહેલતાં મહારાજજી કહેવા લાગ્યા, ‘જુઓ, હું જોઉં છું (બે આંગળીઓથી ગોળ છેદની બનાવીને) કે પ્રેમેશાનંદના શરીરમાં રોગ થયો છે. તે પીડા ભોગવી રહ્યું છે. સૈદ્ધાંતિકરૂપે ઘણું ઘણું કહી શકાય, પરંતુ કાર્યરૂપે પરિણત કરવું કઠિન છે. કનખલથી ગૌર આવ્યો છે. એણે કહ્યું કે ત્યાં કોઈએ સમજાવ્યું છે કે આનંદમય કોષ સુષુપ્તિકાળની અવસ્થા છે. સુષુપ્તિકાળમાં મન અજ્ઞાનમાં ઢંકાયેલું રહે છે, અવિદ્યામાયાથી આવૃત રહે છે! પરંતુ આનંદમયકોષમાં મન વિદ્યામાયાથી આવૃત રહે છે. ઈશ્વર એ લોકોની સહાયતા કરે છે જે પોતે જ પોતાને સહાય કરે છે – God helps those who help themselves.

જ્યારે પોતાને પ્રાણપણથી પ્રયત્ન કરતાં કરતાં એવું લાગવા માંડે કે હવે હું વધારે કરી શકતો નથી, ત્યારે મહામાયા આવીને પડદો હટાવી દે છે. એ જ છે મહામાયાની કૃપા! ભક્તની દૃષ્ટિએ આ જ કૃપા છે. જ્ઞાનીની દૃષ્ટિએ એ પોતાના વિરાટ પરમાત્માને સમજી રહ્યો છે. જેટલા પ્રમાણમાં તે વિરાટ પરમાત્માને સમજી રહ્યો છે, તેટલા પ્રમાણમાં તે કૃપાપ્રાપ્ત કરી રહ્યો છે, એનો અનુભવ કરી રહ્યો છે. તમારી ઇચ્છા રહેશે નહીં ત્યારે તમને આપવામાં આવે તો પણ લેશો નહીં. શ્રીઠાકુર તો કૃપા કરવા માટે જ બેઠા હતા. ભવનાથ, પલ્ટુ, પૂર્ણ શું આ લોકો પર શ્રીઠાકુરની કૃપા ઓછી હતી? પરંતુ એ લોકોની જ ઇચ્છા ન હોય તેઓ શું કરે?

પરંતુ સંગનો પ્રભાવ પડે છે. જેવો સંગ હોય તેવો સ્વભાવ બને છે. એટલે તો સાધુસંગની આવશ્યકતા છે. સાધુસંગને કારણે વ્યક્તિ પોતાના મનમાં તાત્કાલિક શક્તિનો અનુભવ કરે છે અને ઘણો આગળ વધી જાય છે, સાથે ને સાથે તેને મહાપુરુષોની કૃપા સમજે છે. એટલે મહાપુરુષ જે ઇચ્છા હોય તે કરી શકે છે, એ વાત સાચી નથી. પ્રત્યેકની ભીતર ભગવાન છે. ભગવાનની ઇચ્છા ન હોવાથી કંઈ પણ થવાનું નથી.’

આજે ફરીથી શરીર થોડું અસ્વસ્થ છે. વાત કરવામાં કષ્ટ થાય છે. સેવકે ઘણા દુ :ખી મનથી કહ્યું, ‘વધુ આશા નથી.’ પ્રેમેશ મહારાજે કહ્યું, ‘અમારી તે વળી કઈ વધુ આશા હોય!’ સેવકે કહ્યું, ‘હા, પરંતુ અમારી ઇચ્છા છે.’ પ્રેમેશ મહારાજે કહ્યું, ‘જેટલા દુ :ખી છે એ આશાને કારણે જ છે – ‘આશા હિ પરમં દુ :ખં, નૈરાશ્યં પરમં સુખમ્.’ જેટલી આશા હશે એટલા પ્રમાણમાં દુ :ખ થવાનું. જેટલું સુખ હશે, એટલું જ દુ :ખ હોવાનું. સુખબોધ વધારે હોવાથી દુ :ખબોધ પણ એટલી વધારે માત્રામાં હોવાનો. ઇચ્છા શું છે? અભાવની પ્રતિક્રિયા એ જ ઇચ્છા છે.’

સેવક – મહારાજ, આપના શરીરમાં જે પીડા થઈ રહી છે એનું કારણ શું છે? શું આપે સ્વાસ્થ્યના કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું છે?

મહારાજ – અવશ્ય. યોગી બનવા માટે જે નિયમોનું પાલન કરવું જોઈતું હતું એ બધાનું પાલન નથી થયું. એટલે તો તમને હું એટલા સાવધાન કરું છું. સાચી વાત છે શક્તિ – શક્તિસંરક્ષણ (Conservation of Energy). શું અમારા જેવા લોકોનાં શરીર યોગ માટે યોગ્ય છે? શક્તિ કેવળ વીર્યપાત બંધ કરવાથી જ થતી નથી. કોઈ વ્યક્તિને જોઈને મનમાં લોભ, ક્રોધ અને ખિન્નતા ઊપજે છે, આ બધાથી પણ શક્તિનો નાશ થાય છે. જુઓને, એક દિવસ એક કલાક લાકડાના પૂતળાની જેમ બેસીને, ત્યાર પછી સાત દિવસ સુધી માથું ઊંચું નહીં કરી શકો. મેં મહેન્દ્રબાબુને જોયા હતા. તેઓ બારુઇ જાતિના હતા, પરંતુ એમનું શરીર યોગને ઉપયુક્ત હતું. બધું જાણું છું, બધું વાંચ્યું છે – બ્રહ્મ આપણા લોકોના હાથની મૂઠીઓમાં છે. પરંતુ એવો ડર લાગે છે કે ક્યાંક મસ્તિષ્કમાં કંઈક થઈ જાય તો ? એટલે તમને રાજયોગનું પુસ્તક વાંચવા કહું છું. પ્રાણની પ્રતિક્રિયાને સમજી લેવાથી ઘણી સુવિધા રહેશે.

સમાચાર મોકલાવ્યા હતા, ડોક્ટર આવ્યા છે. મહારાજશ્રીનું શરીર ઘણું અસ્વસ્થ છે. મહારાજે હસતાં હસતાં ડોક્ટરનું અભિવાદન કરીને કહ્યું, ‘હવે વધારે ચલાતું નથી. આ માળખું વધારે નહીં ચાલે.’

ડાૅક્ટર – તો પછી બદલવું પડશે?

મહારાજ – ના, તે બધું ક્યાં થાય છે? શ્રીમાએ વચન દીધું છે કે હવે વધારે જન્મ લેવો નહીં પડે. હા, જેનો મા પાસેથી દીક્ષાવિધિ થયો છે, તેનું નામ એ યાદીમાં આવી ચૂક્યું છે. તે જવાનું જ છે. સ્થાનનું આરક્ષણ થઈ ચૂક્યું છે.

થોડીવાર પછી એક બીજા પ્રસંગે પ્રેમેશ મહારાજે કહ્યું, ‘અમારા લોકોની પ્રિયતમ વસ્તુ, અમારા ઇષ્ટદેવતા શ્રીરામકૃષ્ણ છે. એ જ શ્રીરામકૃષ્ણ ક્યારેક સગુણ, ક્યારેક નિર્ગુણ અને વળી ક્યારેક બધા જીવોમાં રહેલા છે. જેવી રીતે કાશીની ગંગાનો સ્પર્શ કરવાથી હરિદ્વારથી ગંગોત્રી સુધી ગંગાજીનો સ્પર્શ થઈ જાય છે તેવી જ રીતે શ્રીરામકૃષ્ણના કોઈ એક ભાવનો આશ્રય કરવાથી એમના અન્ય ભાવોને પણ જાણી શકાય છે. એ જ શ્રીરામકૃષ્ણ બધાં પ્રાણીઓમાં છે, વિદ્યાર્થીઓમાં છે.’

સેવકને શાળામાં ભણાવવા જવાનું છે. તેણે અનિચ્છા વ્યક્ત કરી એટલે મહારાજે તેને કહ્યું, ‘તું શાળામાં શિક્ષક છો. આ ઘણું સારું છે. આ સાવ પ્રત્યક્ષ સેવા છે. બીજી બધી તો અપ્રત્યક્ષ સેવા છે. એવું વિચારવું કે તમારા શ્રીરામકૃષ્ણ જ પ્રત્યેક વિદ્યાર્થીના રૂપે રહેલા છે. એને લીધે સેવા ઘણી સારી રીતે થશે.’ (ક્રમશ 🙂

Total Views: 304

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.