ભારતમાં બ્રાહ્મણોની એ ફરજ છે કે તેણે ભારતમાં બાકીના લોકોની મુક્તિને માટે કાર્ય કરવું. બ્રાહ્મણ જો એમ કરે તો અને જ્યાં સુધી એમ કરે ત્યાં સુધી, એ બ્રાહ્મણ છે. પણ જ્યારે એ પૈસો પેદા કરવા પાછળ પડે ત્યારે એ બ્રાહ્મણ રહેતો નથી. બીજી બાજુએ લાયક હોય તેવા સારા બ્રાહ્મણને જ તમારે દાન આપવું જોઈએ; એથી સ્વર્ગ મળે છે. પરંતુ કોઈવાર અયોગ્ય વ્યક્તિને અપાયેલું દાન દાતાને સ્વર્ગે ન લઈ જતાં બીજી જગાએ જ ખેંચી જાય છે, એમ આપણાં શાસ્ત્રો કહે છે, એ બાબતમાં તમારે સાવચેત રહેવું.

જે કોઈ પ્રાપંચિક વિષયોમાં પડેલો ન હોય તે જ બ્રાહ્મણ છે. પ્રાપંચિક વિષયો બ્રાહ્મણને માટે નથી, અન્ય વર્ણાે માટે છે. બ્રાહ્મણ વર્ગને મારી આગ્રહભરી વિનંતી છે કે તેમણે પોતે જે જાણે છે તે ભારતના લોકોને શીખવીને, સદીઓથી સંગ્રહી રાખેલી પોતાની સંસ્કારિતા એ લોકોને આપી દઈને તેમને ઊંચે લાવવાનો સખત પરિશ્રમ કરવો. સાચું બ્રાહ્મણત્વ શું છે એ યાદ રાખવાની ભારતના બ્રાહ્મણોની પૂરેપૂરી ફરજ છે. મનુ કહે છે તેમ બધા અધિકારો અને માન સન્માનો બ્રાહ્મણને એટલા માટે આપવામાં આવેલ છે કે ‘તેની પાસે સદ્ગુણોનો ભંડાર રહે છે.’ તેણે એ ભંડારને ખોલીને તેમાંનાં રત્નો વિશ્વમાં સહુને વહેંચી દેવાનાં છે. એ વાત સાચી છે કે ભારતીય પ્રજાઓને પ્રાચીન કાળમાં ઉપદેશ આપનારો બ્રાહ્મણ હતો; અન્ય વર્ણાે પહેલાં જીવનનું સર્વોચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવા અર્થે સર્વસ્વનો ત્યાગ કરનારો એ ભારતીય બ્રાહ્મણ હતો.

આથી સૌથી પહેલું કર્તવ્ય આપણા પૂર્વજોએ સંઘરી રાખેલા અલૌકિક ભંડારોને છુપાવી રાખનારાં ભંડકિયાઓને તોડીને ખુલ્લાં મૂકી દેવાનું હોવું જોઈએ. એ ભંડારોને ખોલી નાખો અને સૌ કોઈને એમાંથી આપવા માંડો; બ્રાહ્મણે એ કામ સૌથી પહેલું કરવાનું છે.

બ્રાહ્મણમાં છે એ સંસ્કારિતા પ્રાપ્ત કરવામાં જ તમારી સમગ્ર શક્તિ વાપરો ને ? એ કરો એટલે તમારું કામ પતી જશે ! શા માટે તમે સંસ્કૃતના વિદ્વાનો નથી બનતા ? ભારતની અંદર તમામ વર્ણાેને સંસ્કૃતનું શિક્ષણ આપવા માટે તમે શા માટે લાખોનો ખર્ચ નથી કરતા ? પ્રશ્ન મુખ્ય એ જ છે. જે ઘડીએ તમે આ કરવા લાગશો, તે જ ઘડીએ તમે બ્રાહ્મણની સમકક્ષાએ આવી જશો. ભારતમાં શક્તિનું રહસ્ય એ છે.

(સ્વા. વિ. ગ્રંથમાળા – ૪.૨૦૬-૨૦૮)

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.