(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)
(ગયા અંકમાં અભ્યાસુ યુવાનોએ સ્ત્રીસંગથી દૂર રહીને સંયમ કેળવવો જોઈએ, એ ઉપદેશ પરનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ…)
અભ્યાસ અવલોકન ૨ :
‘ઊંધે રવાડે ચડેલું સંશોધન’
એક વખત એક યુવાન સ્ત્રીએ મારી પાસે આવીને કહ્યું, ‘સ્વામીજી, હું એક સમસ્યાથી મૂંઝાણી છું. મારે તમારી સલાહની જરૂર છે.’
‘તમારી સમસ્યા શી છે? મને કહો.’
‘સ્વામીજી, હું મેડિકલની વિદ્યાર્થિની છું, હું ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. હવે મારે મારા એક સહાધ્યાયી વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા બંધાઈ છે. તે મુસ્લિમ છે પણ મને ખાતરી છે કે તે ઘણી અદ્ભુત વ્યક્તિ છે. હવે અમારી આ મિત્રતા સંબંધમાં પરિપક્વ બની ગઈ છે. અમે રજિસ્ટર મેરેજ કરવાનું વિચારીએ છીએ. પરંતુ આ દરખાસ્ત સાથે મારાં માતપિતા જરાય સહમત થાય તેમ નથી. હવે મારે શું કરવું?’
‘તારાં માતપિતા કોણ છે અને તેઓ શું કરે છે?’
‘તેઓ આશ્રમમાં આવે છે. આપ પણ એમને ઓળખો છો.’
જ્યારે તેણીએ માતપિતાનાં નામ આપ્યાં ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું તેમને ઓળખું છું. પરંતુ આ યુવતી તો મને અત્યારે પહેલી વખત જ મળી હતી અને તે પણ મહામુસીબતમાં હતી ત્યારે. મેં તેને કહ્યું,
‘જો બહેન, તું જે કરે છે તે સાવ ખોટું છે. તે સંપૂર્ણપણે તારા માટે ન બનવા જેવું છે. પહેલાં તો તારાં માતાપિતા તારા પર ઘણી આશાઅપેક્ષાઓ રાખે છે. તેઓ તને શ્રેષ્ઠ કેળવણી આપે છે. તેમને તારા પર વિશ્વાસ છે, પણ તું તો એનાથી અવળે માર્ગે જાય છે અને તારામાં રાખેલા વિશ્વાસનો તું દુરુપયોગ કરે છે.
બીજું, તારી હાલની ફરજ તો મેડિકલ વિષયોમાં નિષ્ણાત બનવાની છે અને આ પ્રેમમાં તારે મૂર્ખામી દાખવવાની નથી.
ત્રીજું, મેડિકલની પદ્વી માટે અભ્યાસ કરવો એટલે સંશોધનમાં પોતાની જાતને પૂરેપૂરી સમર્પિત કરી દેવી અને આ સંશોધનકાર્યમાં લોકોને રોગ શા માટે થાય છે, એનાં કારણો ક્યાં છે, કઈ દવાઓ એને સાજો કરી શકે છે, રોગની ગંભીરતા પ્રમાણે દવાના ડોઝ યોગ્ય પ્રમાણમાં કેવી રીતે આપવા તેનું રહસ્ય શીખવું વગેરેનો સમાવેશ થાય છે. આપણા સમાજના માનવબંધુઓને સૌથી વધારે ફાયદાકારક નીવડે તેવાં સંશોધનમાં પોતાની જાતને સમર્પિત કરવાને બદલે તું શું કરી રહ્યી છો? મેડિકલ સાયન્સમાં સંશોધન કરવાને બદલે તું તો તારા માટે એક મૂરતિયો શોધી રહી છે!
ચોથું, મુસ્લિમ છોકરાનાં સંસ્કૃતિ-સંસ્કાર, સમાજપ્રણાલિઓ અને ઉછેર હિન્દુ છોકરીનાં સંસ્કૃતિ-સંસ્કાર, સમાજપ્રણાલિઓ અને ઉછેર સાવ અલગ જ હોય છે. આજે આસક્તિની ગરમી બન્નેને વાસ્તવિક રીતે અંધ બનાવી દે છે. તારી પશ્ચાદ્ભૂમિમાં રહેલા આ મહાન ભેદને અવગણીને પણ તમે બન્ને પરણી જાઓ તો વહેલા મોડા આ ભેદ વૃદ્ધિ પામશે અને તું ધીમે ધીમે એનાથી દૂર થતી જઈશ. ટૂંકામાં કહું તો તું વાસ્તવિક રીતે તારું ભવિષ્ય બગાડી રહી છે!’
હું આંતરધર્મલગ્નને સમગ્ર રીતે વખોડતો નથી. પરંતુ આ યુવતીની બાબતમાં જ્યારે હું એમના કુટુંબની બધી પશ્ચાદ્ભૂમિકા જાણતો હતો ત્યારે મારે એને આમ કહેવું પડ્યું. ગમે તે હોય પણ નશીબે તેને બચાવી લીધી. મારા શબ્દો પાછળની ભાવના તે સમજી ગઈ. આજે તે સફળ ડાૅક્ટર બની છે. હવે તેનાં માબાપ તેના માટે યોગ્ય વર શોધવામાં મગ્ન છે. (ક્રમશ 🙂
Your Content Goes Here