(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

(આધ્યાત્મિક માર્ગે જનારને ભૌતિક સીમાઓ તણાવ ઊભો કરે છે તેની સમીક્ષા વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ…)

માનસિક તણાવનું એક બીજું કારણ પણ છે અને તે છે લોકોમાં વ્યાપકરૂપે ફેલાયેલી ધર્મ વિશેની ખોટી ધારણાઓ. જો ધર્મનું અનુસરણ સાચારૂપે થાય તો માનસિક તણાવ માટે કોઈ કારણ રહેશે જ નહિ. પાશ્ચાત્ય મનોવિજ્ઞાનના જાણકારોની ધારણા આ તથ્યની ભૂમિકા પર ઊભી છે. ભૌતિક કામના-સુખભોગની પ્રવૃત્તિ માનવની મુખ્ય કામના છે. અમારું કહેવાનું એ છે કે દિવ્યતા પણ આપણી પાયાની માગ છે. જેવી રીતે મનોવિજ્ઞાનના જાણકારોએ પોતાના અનુભવોના આધારે સિદ્ધાંતનું નિરૂપણ કર્યું છે, તેવી જ રીતે આપણા ઋષિઓએ આ સિદ્ધાંતોનું પ્રતિપાદન પોતાના વ્યક્તિગત અનુભવના માધ્યમથી કર્યું છે. ઋષિઓની માન્યતા છે કે આપણે અમરત્વનાં ઉત્તરાધિકારી સંતાન છીએ. ભૌતિક જીવનની પરિપાટીના સંકુચિત વર્તુળમાં સીમિત ન થઈને પોતાની દિવ્ય વિરાસતના આપણે ઉત્તરાધિકારી બનીએ, એ શું આપણા માટે ઉપયુક્ત નહીં બને ?
ધાર્મિક ઉપદેશોનો સાર સમજતાં પહેલાં આપણને એ બરાબર જ્ઞાત હોવું જોઈએ કે ધર્મ આપણને ઇચ્છાઓનું દમન કરવાનું શીખવતો નથી અને જે ધર્મ ઇચ્છાઓનું દમન કરવાનું શિક્ષણ આપે છે તે સાચો ધર્મ જ નથી. આ વાતને સમજાવવા માટે હું આપની સમક્ષ એક ઘટનાની વાત કરવા માગું છું : આવી સમસ્યા હરિ મહારાજ-સ્વામી તુરીયાનંદજીએ ભગવાન શ્રીરાકૃષ્ણદેવ સામે રજૂ કરી હતી. હરિ મહારાજ પૂર્ણરૂપે મઠવાસી સંન્યાસી બન્યા તે પહેલાંની આ ઘટના છે : હરિ મહારાજ એ દિવસોમાં દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં શ્રીરામકૃષ્ણ પાસે સત્સંગ કરવા આવતા હતા. એક યુવાન તરીકે તેઓ ભારે માનસિક તણાવની સ્થિતિમાં હતા. એમનો મહાન ગુણ એ હતો કે તેઓ સ્પષ્ટવાદી હતા અને નિખાલસ હતા. શ્રીરામકૃષ્ણનું શિષ્યત્વ ગ્રહણ કર્યા પછી પણ તેઓ ઘોર માનસિક તણાવથી પીડાતા હતા. દેહસુખની વૃત્તિનો વેગ એમને સતત સતાવતો હતો. એટલે તેઓ શ્રીરામકૃષ્ણ પાસે ગયા અને પૂછ્યું, ‘આ કામુકતામાંથી હું કેવી રીતે મુક્ત થઈ શકીશ ?’

ભાવનાઓનું દમન કર્યા વિના એમણે પોતાની વ્યથા ગુરુદેવને નિખાલસતાથી કહી દીધી. તેઓ પરમાત્માની પ્રાપ્તિ ઇચ્છતા હતા પરંતુ માનસિક અંતર્દ્વંદ્વ એમને પ્રગતિના પથ પરથી અલગ કરી રહ્યો હતો. કામુકતાના વિચાર એના મસ્તિષ્કને પ્રતાડિત કરતા હતા. દેહસુખની ભાવના તેના આત્મા પર સવાર થતી હતી. સાથે ને સાથે તેઓ કિંકર્તવ્યવિમૂઢની જેમ તેઓ એ બરાબર સમજી શકતા ન હતા કે તેઓ શું કરે ને શું ન કરે ?

શ્રીરામકૃષ્ણે એમનો પ્રશ્ન સાંભળ્યો અને જવાબ આપ્યો, ‘તે જશે નહિ, એની દિશા બદલી નાખવી એ જ વધારે સારું.’ ફરીથી એમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું કે કોઈપણ વ્યક્તિ ઈશ્વરપ્રાપ્તિ ન કરે ત્યાં સુધી કામના તેને છોડતી નથી. મુમુક્ષુએ એનો વૈકલ્પિક માર્ગ શોધવો જોઈએ.

આ પ્રસંગમાં અમને સ્વામી વિરજાનંદજીનો આદેશ યાદ આવે છે. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના છઠ્ઠા અધ્યક્ષ હતા. એમને આધ્યાત્મિક તત્ત્વોનું જ્ઞાન હતું તથા એમને ભગવદ્-દર્શનની પ્રાપ્તિ થઈ હતી. પોતાના પુસ્તક ‘પરમ પદને પંથે’માં એમણે આવો ઉલ્લેખ કર્યો છે, ‘કામ અને કામુકતા જેવો ભયાનક તથા અજેય શત્રુ બીજો કોઈ નથી.’

કામુકતા અપરિહાર્ય છે એને સંપૂર્ણ રીતે દૂર કરી દેવી અસંભવ છે. ઈશ્વર તરફ એનું મુખ વાળી દેવું એ જ એનો ઉપચાર છે. કામોત્તેજના થાય ત્યારે આપણે ઈશ્વરની સાથે સામીપ્યતા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો ક્રોધ આવે તો ઈશ્વર પર આક્રોશ કરો અને કહો, ‘તમે પોતાને શા માટે પ્રગટ નથી કરતા ?’

આ વિશે આપણા માટે શ્રીરામકૃષ્ણ આદર્શ સ્વરૂપ છે. તેઓ શ્રીમા કાલીને કહેતા, ‘તમે જો નિષ્પ્રાણ પથ્થર હો તો તમારી પૂજા કરવાનો અર્થ શો ? અને જો તમે જીવંત સત્ય સ્વરૂપા હો તો તમે સ્વયંને પ્રગટ કરો.’ આપણે એમના દૃષ્ટાંતનું અનુકરણ કરતાં કરતાં આક્રોશ કરવો જોેઈએ. આ આપણી કામુકતાને ભિન્ન દિશા દેવા જેવું છે. એને જડમૂળથી ઊખેડી નાખવી સંભવ નથી.

મનોવૈજ્ઞાનિકો પણ આપણને પોતાની ઇચ્છાઓનું દમન કરવાની સલાહ નથી આપતા. જો આપણે ઇચ્છાઓનું દમન કરીએ તો તેના પરિણામે અસહ્ય તણાવની પીડા ઊભી થશે, આપણો વ્યવહાર વિક્ષિપ્ત થશે અને કેટલીય મનોગ્રંથિઓમાં ફસાઈ જઈશું. પણ એક બીજો પ્રશ્ન છે – Freud વિચારધારકો માને છે કે ધર્મ વાસનાઓનું દમન કરવાનો ઉપદેશ આપે છે અને એને પરિણામે માનસિક તણાવ અને દ્વંદ્વ-સંઘર્ષ ઉત્પન્ન થાય છે. આ માન્યતા સાચી નથી.

આમ આવી માન્યતા તો આપણા સંતો એવં આત્મજ્ઞાનીઓ પ્રત્યે ઘોર અન્યાય કરવા જેવી છે. આપણા યોગીઓ અને આત્મદૃષ્ટાઓએ આ તથ્યને સ્વીકાર્યું છે કે દૈહિકમૂલ પ્રવૃત્તિઓ શક્તિશાળી તો છે જ, પરંતુ એનું ઉદાત્તીકરણ સંભવ છે અને એની સંતુષ્ટિની પણ શક્યતા છે. જો સૂક્ષ્મ દૃષ્ટિએ આપણે ધાર્મિક ગ્રંથોનું અવલોકન કરીએ તો એ બાબત સ્પષ્ટ થશે કે આપણા ઋષિઓએ બધા પ્રકારના સ્વભાવ માટે ધાર્મિક ગ્રંથોમાં પ્રાવધાન કર્યાં છે. તેમણે ચાર કક્ષાનાં કર્તવ્યો એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ બધાંને આવશ્યક ગણ્યાં છે. એમાં પહેલો સિદ્ધાંત છે ધર્મમાં આસ્થા – અર્થાત્ માનવીએ સદાચારપૂર્ણ જીવન જીવવું જોઈએ. એને જીવનનો આધારસ્થંભ માનીને પ્રામાણિકતા અને ન્યાયપૂર્ણ રીતે અર્થોપાર્જન કરવું જોઈએ. એમણે કામ-વાસનાને વર્જિત ગણી નથી, કામ-વાસનાની પૂર્તિને વૈધ માની છે, પરંતુ કામુકતામાં ડૂબ્યા રહેવાની કે પશુની જેમ અનિયંત્રિત વ્યવહાર કરવાની કે સુખ-ભોગને જ જીવનનું લક્ષ્ય સ્વીકારવાની મના કરી છે. કામ અને ઇચ્છાપૂર્તિમાં સ્વનિયંત્રણ ઇચ્છનીય છે. જો એમાં અનુશાસન લાવવામાં આવે તો એ અવસ્થાને પાર કરીને મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય મળી શકશે.

ઉપર્યુક્ત લેખથી આટલું સ્પષ્ટ થાય છે કે આધુનિક મનોવૈજ્ઞાનિકોની જેમ પ્રાચીન ઋષિઓએ કામની ઇચ્છાપૂર્તિને જીવનમાં સ્વીકારી હતી, પરંતુ એમણે એને સાધન ગણી હતી, સાધ્ય નહીં. એટલે કે તેમણે નિમ્નસ્તરની મૂળભૂત પ્રવૃત્તિઓને ઉદ્દાત્ત બનાવવા પર ભાર દીધો છે, એમના દમન પર નહીં. આ રીતે આપણે એ ભૂલવું ન જોઈએ કે કામ-વાસના તથા બીજી જીવધારી આંતરિક પ્રવૃત્તિ ઉપરાંત આપણા જીવનનો એક દિવ્ય આયામ પણ છે.

જો આપણું જીવન પ્રથમપક્ષ-કામવાસનાની આસપાસ ઘૂમવા માંડે તો આપણે પશુઓથી ઉચ્ચતર નહિ બનીએ. આમ છતાં પણ આપણી ભીતર રહેલ દિવ્ય ચિનગારીને અસ્તિત્વ ધરાવતી બનાવી લઈએ તો આપણે પશુના સ્તરથી ઉપર ઊઠીને પોતાના અસ્તિત્વને દિવ્ય સ્તર સુધી ઉન્નત બનાવી શકીશું.

એટલે Freud અને તેના અનુયાયીઓની વિચારધારાથી વિપરીત આપણે એ નિર્ણય પર પહોંચીએ છીએ કે ધર્મનો સાચો અર્થ કે તેનું રૂપ તણાવ ઊભો કરતાં નથી. ઊલટાનું એ બન્ને તણાવને સમાપ્ત કરવાનું સાધન છે. હા, કામનાઓનું દમન કરવાથી કામનાઓ દૂર થતી નથી. એ અવચેતનની ગહનતામાં પ્રચ્છન્નરૂપે રહીને પેપ્ટિક અલ્સર, પેલ્પીટેશન અને બીજા રોગોને ઉત્તેજિત કરે છે. (ક્રમશ 🙂

Total Views: 182

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram