નાનાં છોકરાંને કોઈ વસ્તુ પર પ્રેમ કરતાં વાર નહિ, તેમ તેને છોડી દેતાંય વાર નહિ. તેની પાસેથી પાંચ રૂપિયાનું કપડું તમે બે દોઢિયાંની પૂતળી આપીને ફોસલાવી લઈ શકો. પણ શરૂઆતમાં તો તે જોરથી ના પાડીને કહે કે ‘ના, હું નહિ દઉં. મારા બાપુજીએ મને લઈ દીધું છે.’ તેમજ છોકરાંને સહુ સમાન, આ મોટાં આ નાનાં એ જ્ઞાન નહિ, એટલે જાતિભેદ નહિ. માએ કહ્યું હોય કે એ તારા મોટા ભાઈ થાય, તો પછી એ સુથાર હોય તોય તેની સાથે એક ભાણે બેસીને જમે. નાનાં છોકરાંને ઘૃણા નહિ, પવિત્ર-અપવિત્રનું જ્ઞાન નહિ. શૌચ જઈ આવીને હાથ પણ ન ધૂએ.

કોઈ કોઈ સમાધિ-પ્રાપ્તિ થયા પછી પણ ભક્તનો અહંકાર, દાસનો અહંકાર રાખે. હું દાસ, તમે પ્રભુ, હું ભક્ત, તમે ભગવાન, એ અભિમાન ભક્તમાં રહે, ઈશ્વર-પ્રાપ્તિ પછી પણ રહે. બધો અહંકાર જાય નહિ. વળી એ અભિમાનનો અભ્યાસ કરતાં કરતાં ઈશ્વરપ્રાપ્તિ થાય. આનું જ નામ ભક્તિ-યોગ.

ભક્તિના માર્ગથી પણ ક્રમે ક્રમે બ્રહ્મ-જ્ઞાન થાય. ભગવાન સર્વશક્તિમાન, તે મનમાં કરે તો બ્રહ્મ-જ્ઞાન પણ દઈ શકે. પણ ભક્તો ઘણે ભાગે બ્રહ્મ-જ્ઞાન માગે નહિ. હું દાસ, તમે પ્રભુ, હું છોકરું, તમે મા, એવું અભિમાન રાખવા ઇચ્છે.

સાત ભૂમિકાની વાત તો મેં તમને કરી છે. સાતમી ભૂમિકાએ મન પહોંચે ત્યારે સમાધિ થાય. ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ એ જ્ઞાન બરાબર થાય તો મનનો લય થાય, સમાધિ થાય. પરંતુ કલિયુગમાં પ્રાણનો આધાર અન્ન ઉપર. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એ કેવી રીતે અનુભવમાં આવે ? દેહબુદ્ધિ જાય નહિ ત્યાં સુધી એ અનુભવ થાય નહિ. હું દેહ નથી, હું મન નથી, હું ચોવીસ તત્ત્વો નથી, હું સુખદુ :ખથી અતીત, મને વળી રોગ, શોક, જરા, મૃત્યુ શેનાં ? આ અનુભવ કલિયુગમાં થવો કઠિન. ગમે તેટલો વિચાર કરો, પણ કોણ જાણે ક્યાંથી દેહાત્મબુદ્ધિ આવીને દેખાય. પીપળાનું ઝાડ આજે કાપી નાખો અને એમ લાગે કે મૂળ સહિત નીકળી ગયું, છતાં બીજે દિવસે સવારે જુઓ તો ઝાડનું એક પૂંખડું ઊગી નીકળ્યું દેખાય. દેહાભિમાન જાય નહિ. એટલે કલિયુગને માટે ભક્તિ-યોગ સારો, સહેલો.

વળી, મને ‘ખાંડ થવાની ઇચ્છા નથી, ખાંડ ખાવી ગમે.’ મને ક્યારેય એવી ઇચ્છા થાય નહિ કે હું બોલું કે હું બ્રહ્મ, અહં બ્રહ્માસ્મિ. હું તો કહું, તમે ભગવાન, હું તમારો દાસ. પાંચમી અને છઠ્ઠી ભૂમિકાની વચ્ચે ખેલ્યા કરવું સારું. છઠ્ઠી ભૂમિકા પાર કરીને સાતમી ભૂમિકામાં ઝાઝી વાર રહેવાની ઇચ્છા મને થાય નહિ. હું પ્રભુનાં નામ-ગુણ-કીર્તન કરું એવી મારી ઇચ્છા. સેવ્ય-સેવક-ભાવ બહુ સારો અને જુઓ, ગંગાનો જ તરંગ કહેવાય, તરંગની ગંગા એમ કોઈ બોલે નહિ. હું જ તે, ‘સોહમ્’ એ અભિમાન સારું નહિ. દેહાત્મભાન હોવા છતાં જો કોઈ એવું અભિમાન રાખે તો વધુ હાનિ થાય, આગળ વધી શકે નહિ, પછી ક્રમશ : અધ :પતન થાય. બીજાને છેતરે તેમજ પોતાને પણ છેતરે, પોતાની અવસ્થા પોતે સમજી શકે નહિ. (શ્રીરામકૃષ્ણ કથામૃત, ૧.૧૪૫-૪૬)

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.