(ગયા અંકમાં સત્યની શક્તિ અને દિવ્યતા પ્રાપ્તિ માટેના તીવ્ર અસંતોષની વાત આપણે જોઈ ગયા, હવે આગળ…)

અહીં સાચી ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ઉપયોગિતા સ્પષ્ટ છે. કઠોપનિષદમાં (૧.૩.૯) કહ્યું છે :

વિજ્ઞાનસારથિર્યસ્તુ મન :પ્રગ્રહવાન્ નર :—।

સોઽધ્વન : પારમાપ્નોતિ તદ્વિષ્ણો : પરમં પદમ્—।।

અર્થાત્ ‘બુદ્ધિ જેનો સારથિ છે, જેની પાસે સંયત મનરૂપી લગામ છે, તે સંસારયાત્રાને પાર કરીને વિષ્ણુના પરમપદને પ્રાપ્ત કરે છે.’ આપણે પોતાનો પૂરો પ્રયાસ કરી લીધો છે, એમ વિચારીને ક્યારેય સંતોષ ન અનુભવવો જોઈએ કે આપણે નિશ્ચિંત ન થઈ જવું જોઈએ. આ સમય માટે આપણો સર્વોત્તમ પ્રયાસ હોઈ શકે છે, આપણે પરમાત્મા પાસેથી વધારે ને વધારે શક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ, જેનાથી આપણે વધારે પ્રયાસ કરી શકીએ. આજે હું કેવળ દસ કિલો વજન ઉપાડી શકું છું, પરંતુ હું સો કિલો વજન ઉપાડવાની શક્તિ માટે પ્રાર્થના કરી શકું છું. હું પોતાનો સર્વોત્તમ પ્રયાસ કરી ચૂક્યો છું અને કરી રહ્યો છું એમ માનીને પણ મારી ક્ષમતામાં વધારો કરી શકાય છે. એનું કારણ એ છે કે આ સર્વોત્તમની કોઈ નિશ્ચિત માત્રા નથી.

સંતોનાં દૃષ્ટાંત :

આપણે ભગવાન માટે સંતો અને ઋષિઓનાં જીવનમાં જોવા મળતી અનવરત અને અટલ ભગવત્પિપાસા જેવી વ્યાકુળતાની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રીચૈતન્યદેવ અલ્પવયે મહાન પંડિત હતા. પરંતુ યુવાવસ્થામાં એમનામાં અચાનક એક પરિવર્તન આવ્યું અને તેઓ ભગવાનના અનન્ય ભક્ત બની ગયા. એમનો ભગવત્પ્રેમ એટલો તીવ્ર હતો કે તેઓ એક ક્ષણ માટે એમને ભૂલી શકતા ન હતા. એમનું સમગ્ર જીવન આધ્યાત્મિક ઉન્માદમાં પસાર થયું. એમનો પ્રેમોન્માદ એમની રચેલી એક નાની એવી કવિતામાં વ્યક્ત થાય છે. ‘શિક્ષાષ્ટકમ્’ શ્લોક ૬,૭,૮માં તેઓ કહે છે :

નયનં ગલદશ્રુધારયા વદનં ગદ્ગદરુદ્ધયા ગિરા—।

પુલકૈર્નિચિતં વપુ : કદા તવ નામગ્રહણે ભવિષ્યતિ—।।

યુગાયિતં નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતમ્—।

શૂન્યાયિતં જગત્સર્વં ગોવિન્દવિરહેણ મે—।।

આશ્લિષ્ય વા પાદરતાં પિનષ્ટુ મામ્ અદર્શનાન્મર્મહતાં કરોતુ વા—।

યથા તથા વા વિદધાતુ લમ્પટો મત્પ્રાણનાથસ્તુ સ એવ નાપર :—।।

અર્થાત્ ‘તે દિવસ ક્યારે આવશે કે જ્યારે તમારું નામ લેતાં જ મારાં નેત્રોમાંથી આંસુની ધારા વહેવા લાગે, કંઠ ગદ્ગદ થઈ જાય અને શરીરમાં રોમાંચ થવા લાગે?’

‘તે દિવસ ક્યારે આવશે કે જ્યારે ગોવિંદનો ક્ષણભરનો વિરહ મને યુગ જેવો લાગે, પ્રભુના વિરહમાં મારાં નેત્રોમાંથી આંસુનો વરસાદ વરસવા લાગે તથા જગત શૂન્ય જણાય?’

‘ભગવાનનાં ચરણોમાં રત મને તેઓ આલિંગન કરે કે ચરણોથી આઘાત કરે; અથવા અદર્શન દ્વારા મને મર્માહત કરે; ભક્ત ચિત્તચોર તેઓ મારી સાથે ગમે તેવો વ્યવહાર કરે, મારા તો પ્રાણનાથ એકમાત્ર તેઓ જ છે.’

પ્રહ્‌લાદ પુરાણપ્રસિદ્ધ સંતોનું ઉદાહરણ છે. બાલ્યકાળથી જ એનામાં ભગવાન વિષ્ણુ પ્રત્યે તીવ્ર ભક્તિ હતી. એના અસુર પિતાએ પુત્રને સાંસારિક પથ પર લાવવાના બધા પ્રયાસ કર્યા.

 

પરંતુ એ નાના બાળકે એ બધા નિષ્ઠુર અત્યાચારોનો વીરતાપૂર્વક સામનો કર્યો અને તે ભગવાનની ભાવપૂર્ણ સ્તુતિઓ કરવા લાગ્યો. જ્યારે ભગવાને એની સામે પ્રગટ થઈને તેને વરદાન માગવાનું કહ્યું, ત્યારે તે બોલ્યો :

યા પ્રીતિરવિવેકાનાં વિષયેષ્વનપાયિની—।

ત્વમનુસ્મરત : સા મે હૃદયાન્માપસર્પતુ—।।

અર્થાત્, ‘વિષયોમાં અવિવેકી લોકોની જેવી દૃઢ પ્રીતિ હોય છે, હું એવી જ પ્રીતિ સાથે તમારું સ્મરણ કરું અને તે પ્રેમ મારા હૃદયથી ક્યારેય દૂર ન થાય.’

નાથ યોનિસહસ્રેષુ યેષુ યેષુ વ્રજામ્યહમ્—।

તેષુ તેષ્વચલા ભક્તિ :રચ્યુતઽસ્તુ સદા ત્વયિ—।।

અર્થાત્ ‘હે પ્રભુ, મારે હજારો વાર જન્મ લેવો પડે, તો પણ મારી તમારામાં અતૂટ ભક્તિ સદૈવ બની રહે.’ (‘પ્રપન્નગીતા’ ૪૨-૪૧)

આધુનિક કાળમાં ભગવાન પ્રત્યે તીવ્ર વ્યાકુળતામાં શ્રીરામકૃષ્ણનું ઉદાહરણ અદ્વિતીય છે. ભગવાનનાં બધાં રૂપોનાં દર્શનોની એમની વ્યાકુળતા એટલી તીવ્ર હતી કે તેઓ છ વર્ષ સુધી ઊંઘ્યા નહીં. તેઓ રાતદિવસ વિભિન્ન આધ્યાત્મિક ભાવોમાં વિભોર રહેતા. એ ભાવવિભોર અવસ્થા એટલી તીવ્ર હતી કે લોકો એમને પાગલ સમજતા, ખરેખર એમને દિવ્યોન્માદ થઈ ગયો હતો. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ નામના એમના વાર્તાલાપો અને ઉપદેશોના સંકલનમાં ભગવાન માટે વ્યાકુળતા પર ઘણો ભાર દીધો છે. વસ્તુત : આપણે એમ કહી શકીએ કે બધા સાધકો માટે શ્રીરામકૃષ્ણે એક મુખ્ય સાધનનો ઉપદેશ આપ્યો છે. અહીં આપેલો અંશ એનું ઉદાહરણ છે :

‘પરંતુ બાળક જેમ માને ન જુએ તો આંધળું ભીંત થઈ જાય; પેંડો, મીઠાઈ તેના હાથમાં દઈને ભુલાવવા જાઓ તોય એ કંઈ લે નહિ, કશાથીયે ભૂલે નહિ; અને કહે કે ‘ના, મારે બા આગળ જાવું છે’ એવી વ્યાકુળતા ઈશ્વરને માટે જોઈએ. આહા ! શી અવસ્થા ! બાળક જેમ ‘મા’ ‘મા’ કહીને આતુર થાય, કશાથીયે એને ભૂલે નહિ ! જેને સંસારમાં આ બધો ‘સુખ’નો ભોગ ફિક્કો લાગે; જેને બીજું કંઈ જ ગમે નહિ; પૈસોટકો, માન-પ્રતિષ્ઠા, દેહનું સુખ, ઇન્દ્રિયોનાં સુખ જેને જરાય ગમે નહિ, એ જ અંતરથી ‘મા, મા’ કરીને આતુર થાય. એને જ માટે માને બધાં કામ પડતાં મૂકીને દોડી આવવું પડે !’

‘આવી આતુરતા (જોઈએ). પછી ગમે તે રસ્તેથી જાઓ, હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શાક્ત, બ્રાહ્મ-સમાજી – ગમે તે માર્ગે જાઓ, આ આતુરતા જ ખરી વસ્તુ. ઈશ્વર તો અંતર્યામી. કદાચ ભૂલભરેલે રસ્તે જઈ પડો તોય વાંધો નહિ. જો આતુરતા હોય તો ઈશ્વર જ પાછા સાચે રસ્તે વાળી દે.’ (ક્રમશ 🙂

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.