(ગયા અંકમાં પિતાના મૃત્યુ પછી માર્ગારેટે કરેલ આપત્તિના સામના વિશે વાંચ્યું હવે આગળ….)

 

‘કેસ્વિક’ની એક નિશાળમાં માર્ગરેટ શિક્ષિકા તરીકે જોડાઈ ગયાં. અહીં તેમના પિતાએ આપેલા ‘દરિદ્ર નારાયણ’ની સેવા કરવાના સંસ્કાર ખીલી ઊઠ્યા. ખાણમાં કામ કરતા મજૂરોની બેહાલ દશા જોઈને તેમનું હૃદય દ્રવિત થઈ ગયું. તેઓ આ ગરીબ અસહાય મજૂરોની સેવા કરવા લાગ્યાં. આ કાર્યમાં તેમને એક ઇજનેર મિત્રનો સાથ મળ્યો. આ મિત્ર સાથે તેમની આત્મીયતા ગાઢ બનવા લાગી. બંનેના વિચારોમાં સામ્ય હતું, ભાવનાઓ સમાન હતી અને જીવનધ્યેય પણ સમાન હતું. આથી મૈત્રી ગાઢ બની અને તેઓ બંને સહજીવન માટેની યોજના પણ વિચારી રહ્યાં હતાં. માર્ગાેટે લગ્ન માટે પોતાની માતાની સંમતિ પણ મેળવી લીધી હતી. પણ વિધિની યોજના કંઈક જુદી જ હતી. તે ઇજનેર મિત્રનું ટૂંકી માંદગીમાં અકાળે અવસાન થયું અને માર્ગરેટના જીવનમાં આ મૃત્યુએ બીજો કારમો ઘા કર્યો. તેઓ અત્યંત ભાંગી પડ્યાં. તેમના હૃદયમાં નિરાશા છવાઈ ગઈ. હવે તે સ્થળે રહેવું અકારું થઈ પડ્યું. એટલે તેઓ ફરી પાછા માન્ચેસ્ટર રહેવા આવી ગયાં. પણ ત્યાંય એમને અંતરમાં શાંતિ ન મળી. ૧૭ થી ૨૧ વર્ષનો સમયગાળો તેમના માટે તીવ્ર મનોમંથન અને સંઘર્ષનો કાળ હતો. બુદ્ધિની પરિપક્વતા વધતી હતી પણ તે સાથે ધર્મના સિદ્ધાંતોમાં શંકા ઊઠવા લાગી. આઘાતોથી મૂઢ બની ગયેલા હૃદયમાં શ્રદ્ધા ઘટવા લાગી. તેમની અસ્વસ્થતા વધી, બેચેની વધી, વ્યગ્રતા વધી અને આખરે તેમણે દેવળમાં જવાનુંય બંધ કરી દીધું. શ્રદ્ધા ન હોય તો ખાલી ખાલી ત્યાં જઈને કરવુંય શું? પણ અંતરનો અજંપો ઘટવાને બદલે વધતો જ ગયો. આખરે સાચું શું, એ જાણવાની ઝંખના એમના અંતરમાં સળગતી જ રહી. આ સ્થિતિ વિશે એમણે પછીથી જણાવ્યું હતું, ‘મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગે ધસ્યે જતી હતી. પરંતુ ૨૧ વર્ષની વયે ચોક્કસ સત્ય, નિશ્ચિત અને ઐતિહાસિક રીતે વિશ્વસનીય હોવા છતાં તે મારી અંદર મૃત :પ્રાય બની ગયું. છતાંયે એ ઉત્સુકતાથી સત્યની શોધ મેં ચાલુ રાખી.’

સત્યની ઝંખનામાં ભટકતા એમના અંતરને ક્યાંય વિરામ ન હતો. જ્યારે તેઓ ખૂબ વ્યાકુળ બની જતાં ત્યારે દેવળમાં દોડી જતાં અને શાંતિ માટે પ્રાર્થના કરતાં. પણ હવે પહેલાં જેવી અતૂટ શ્રદ્ધા ક્યાં હતી! આ સ્થિતિમાંથી બહાર નીકળવું કેવી રીતે ? આખરે તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનના અભ્યાસમાં પોતાનું મન પરોવ્યું. જગતની ઉત્પત્તિના ઇતિહાસમાં પોતાના મનને એકાગ્ર કર્યું. એ હેતુથી કે કુદરતના કાયદાઓનો અભ્યાસ કરતાં કરતાં એમના સત્ય ઝંખતા અંતરને સત્યની પ્રાપ્તિ થશે. આ અભ્યાસથી એમને કુદરતના કાયદાઓનું જ્ઞાન જરૂર મળ્યું પણ શાંતિ ન મળી, સત્ય ન મળ્યું. સંપૂર્ણ દર્શન ન મળ્યું. આથી એમનું હૃદય કંઈક એવી વસ્તુની શોધ કરવા લાગ્યું કે જેમાં એમની ઝંખનાની તૃપ્તિ થાય. અચાનક એક દિવસ એમના હાથમાં આવ્યું ‘બુદ્ધચરિત્ર’. એમણે વિચાર્યું, ‘અરે, કુમાર સિદ્ધાર્થ પાસે અખૂટ સંપત્તિ હતી, સ્વર્ગીય વૈભવ હતો, છતાં પણ કેવી ક્ષણોમાં એમના હૃદયમાં સત્ય માટેની ઝંખના જાગી અને તેમને મહાભિનિષ્ક્રમણ કરાવ્યું અને કુમાર સિદ્ધાર્થને બુદ્ધ બનાવ્યા.’

આ કથા માર્ગરેટના જીવનમાં જડાઈ ગઈ. હવે તેમણે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. બૌદ્ધ ધર્મના અધ્યયનમાં એમણે ત્રણ વરસ ગાળ્યાં. આ અભ્યાસથી તેમને થોડી શાંતિ મળી અને હૃદયમાં થોડી ખાતરી થઈ કે ભગવાન બુદ્ધે દર્શાવેલ નિર્વાણપથમાં સત્ય સાથે વધુ સુસંગતતા છે. પણ છતાંય તેમની કુશાગ્ર બુદ્ધિએ ઉઠાવેલા અનેક પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ આ અધ્યયનથી પણ થઈ શક્યું નહીં. ‘શું જીવનનો ઉદ્દેશ માત્ર નિર્વાણપ્રાપ્તિનો જ હોઈ શકે? શું આ જ સંપૂર્ણ સત્ય છે? શૂન્યમાં લય પામી જવું એ જ શું પરમ શાંતિનો ઉપાય છે?’ આ પ્રશ્નો હજુ પણ એમને જંપવા દેતા ન હતા.

એક બાજુ આ રીતે એમની આંતરખોજ અવિરત ચાલુ જ હતી તો બીજી બાજુ તેઓ શિક્ષણપદ્ધતિમાં પણ અનેક પ્રયોગો કરી રહ્યાં હતાં. નિશાળમાં જઈને પાઠ ભણાવી દેવો અને બાળક એ યાદ રાખી લે એવી કેળવણીમાં એમને જરા પણ શ્રદ્ધા ન હતી. બાળકનું સર્વાંગી ઘડતર કરે એવી કેળવણી હોવી જોઈએ. અને આવી કેળવણીની સ્થાપના માટે તેઓ શિક્ષણજગતમાં પણ અનેક પ્રયોગો કરી રહ્યાં હતાં. એટલે જ થોડા સમયમાં તેઓ એક પ્રગતિશીલ કેળવણીકારરૂપે પ્રખ્યાત બની ગયાં. એ દરમિયાન લંડનમાં શ્રીમતી ડી. લીઉવ નામનાં મહિલાએ નૂતન કેળવણીની પદ્ધતિ દ્વારા ચાલતી એક સ્કૂલ સ્થાપવા માર્ગારેટને આમંત્રણ આપ્યું. તેઓ લંડન આવ્યાં અને નૂતન શિક્ષણપદ્ધતિ દ્વારા ચાલતી રસ્કિન સ્કૂલની સ્થાપના કરી. તેમને શિક્ષણ ક્ષેત્રમાં બાળકોના સર્વાંગી ઘડતરના પ્રયોગો કરવાની તક મળી અને તેમના પ્રયોગો સફળ થવા લાગ્યા. તેઓ લંડનમાં પણ નૂતન કેળવણીકાર તરીકે પ્રસિદ્ધ થઈ ગયાં. શિક્ષક તરીકેના તે સમયના વ્યક્તિત્વ વિશે તેમના એક મિત્રે લખ્યું છે, ‘યૌવનનો તરવરાટ, મધ્યમ કદ, ભૂરી ચમકદાર આંખો, ભૂરા-સોનેરી વાળ, ગૌરવર્ણ, આકર્ષક સ્મિત, ગંભીર-અધ્યયનશીલ અને પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ એટલે માર્ગરેટ.’

શિક્ષણજગતમાં તો સફળતા પ્રાપ્ત થઈ, પણ અંતરના વિશ્વમાં હજુ શાંતિ મળી ન હતી. એમની સતત પ્રવૃત્તિઓએ પણ એમને સત્યના પ્રકાશનું દર્શન કરવામાં કંઈ પણ મદદ ન કરી. આ ઝંખના તો એમના અંતરમાં સળગતી જ રહી. એમનાં બધાં મિત્રો એમની આ ઝંખનાથી પરિચિત હતાં. એટલે જ તેમનાં મિત્ર ઇઝાબેલે એમને રવિવારે પોતાને ત્યાં આવવા ભારપૂર્વક કહ્યું.

આખરે એ રવિવાર આવી પહોંચ્યો. માર્ગારેટ ઇઝાબેલના ઘરે પહોંચી ગયાં. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યાં ત્યારે ઘરના બેઠકખંડમાં અર્ધચંદ્રાકાર વર્તુળમાં ૧૫-૧૬ માણસો બેઠા હતા. નવેમ્બરની ઠંડીના દિવસો હતા. એટલે પાછળ ફાયરપ્લેસમાં અગ્નિ જલતો હતો. તેને લીધે વાતાવરણ હૂંફાળું હતું. માર્ગારેટે તે હિંદુ યોગીને જોયા. સૌમ્ય આકૃતિ, તેજસ્વી મુખમુદ્રા, આધ્યાત્મિક તેજથી ચમકતું ભવ્ય લલાટ, કરુણાભરી છતાંય આરપાર ઊતરી જતી વેધક દૃષ્ટિ, ગંભીર કંઠધ્વનિ અને ધારણ કરેલ ઢીલો ભગવા રંગનો ઝભ્ભો! જાણે કે હિંદુ ધર્મ સ્વયં સદેહે મૂર્તિમંત થયો ન હોય, એવા તેઓ લાગતા હતા! તેમના મુખેથી અસ્ખલિત વાણીની ધારા વહેતી હતી. પ્રવચનમાં તેઓ વચ્ચે વચ્ચે સંસ્કૃતના સૂક્તો અને શ્લોકોનું ઉચ્ચારણ કરતા હતા. થોડી થોડી વારે તેમના મુખમાંથી શિવના નામનો ઉદ્ઘોષ સંભળાતો હતો. માર્ગારેટને એવું લાગ્યું કે જાણે આ આખુંય વાતાવરણ ભારતમાંથી અહીં સીધેસીધું ઊતરી આવ્યું ન હોય! જાણે કે ભારતના કોઈ ગામની ભાગોળે ઘટાદાર વૃક્ષની છાયા તળે બેસીને કોઈ સંત વેદાંતનાં રહસ્યો સહજ સરળતાથી સમજાવી રહ્યા ન હોય!

તે સમયે માર્ગારેટને આ હિંદુ યોગીનો વિશેષ પરિચય ન હતો. તેઓ જાણતાં ન હતાં કે આ યોગી શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં હિંદુ ધર્મનો શાશ્વત કીર્તિધ્વજ લહેરાવીને, પશ્ચિમના લોકોને સત્યનો પ્રકાશ આપવા અમેરિકાથી સીધા લંડન આવ્યા હતા, શ્રીરામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથ કે જેને જગત સ્વામી વિવેકાનંદના નામથી ઓળખે છે તે જ આ યોગી છે. ભલે સ્વામીજીની મહાનતાનો એમને પરિચય થયો ન હતો, છતાંય તેમનું આકર્ષક વ્યક્તિત્વ, સહજતા, સરળતા તથા હિંદુધર્મ સાથે તદ્રૂપ બનીને એમના કંઠમાંથી ધીરગંભીર અને અસ્ખલિત વહેતી વાગ્ધારાથી તેઓ અત્યંત પ્રભાવિત બન્યાં હતાં. (ક્રમશ 🙂

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.