(અનુવાદક : કુસુમબહેન પરમાર)

(ગયા અંકમાં દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત, આનંદમય કોષ, શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા વિશેના મહારાજના વિશિષ્ટભાવ વિશે વાંચ્યું, હવે આગળ…)

(પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)

૧૩-૦૩-૧૯૫૯

સેવક, ‘યોગી આ જગતને બ્રહ્મમય જુએ છે, આ જગત વિવેકવાળા માટે દુ :ખમય છે અને ભોગીની દૃષ્ટિએ ભોગની વસ્તુ છે. આ પ્રકારનો ભેદ શા માટે છે?’

મહારાજ, ‘જુઓે, આપણે લોકો જે કંઈ પણ જોઈએ છીએ, એમાં વસ્તુને જોતા નથી. પ્રક્રિયા -ાજ્ઞિભયતત ને જોઈએ છીએ અને પ્રક્રિયાને જ વસ્તુ માની લઈએ છીએ. કોઈપણ દૃષ્ટિએ જે સત્ય છે તે જ બીજાને માટે મિથ્યા છે.’

મેં હૃષીકેશમાં જોયું હતું : એક મિસ્ત્રી પથ્થર તોડતો હતો. મોટા લોખંડના હથોડાથી પથ્થર પર પ્રહાર કરતો હતો. પહેલા પાંચ પ્રહારથી કંઈ ન થયું. છઠ્ઠી વારના પ્રહારથી એક તિરાડ દેખાણી. અર્થાત્ પહેલાં બહારથી કંઈ સમજમાં ન આવવા છતાં પણ ક્રિયા થઈ રહી છે. છઠ્ઠી વારે જે તિરાડ થઈ એ તેનું ફળ છે. અને સાતમી વારના પ્રહારથી પથ્થર તૂટી ગયો. એવી જ રીતે સંસારમાં આઘાત ખાઈ-ખાઈને જ્યારે વધારે આઘાત સહન ન થઈ શકે, આઘાતોના પ્રહારથી તૂટી જઈએ ત્યારે મન ઈશ્વર તરફ વળશે. એટલે સંસારમાં કોઈ પણ પ્રાણીની ઘૃણા ન કરવી જોઈએ. આજે જે વ્યક્તિ ઈશ્વરને સમજી નથી શકતો, એટલે એ વ્યક્તિ તિરસ્કારવા લાયક નથી. એવું પણ બની શકે કે એ પ્રક્રિયા ધીરે ધીરે ચાલતી હોય. ક્યારેક એ તૂટી પડશે. (અર્થાત્ ઈશ્વર તરફ મન મંડાઈ જશે.)

એક ગામના ડોક્ટર વચ્ચે વચ્ચે આશ્રમમાં આવતા રહે છે. તેઓ ક્યારેક ક્યારેક ખજૂરનો રસ, ગોળ અને પરવળ વગેરે મોકલે છે. એક માણસ તેની નિંદા કરતો હતો. મહારાજે કહ્યું, ‘જુઓ ભાઈ, એનું મન હજુ શુભેચ્છાના સ્તર પર છે. એના દ્વારા ધીમે ધીમે ઈશ્વર પ્રત્યે પ્રેમ થશે. આપણે લોકોના દોષ જોઈએ છીએ પરંતુ એ સારું નથી. આપણે તો સત્ય-તથ્યને જ લેવાનું છે. દોષ જોવાનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિને નીચો દેખાડવો. એનો અર્થ એ છે કે મારે એની પાસેથી બોધ લેવાનો છે અને પોતાની જાતને સાવધાન કરવાની છે.’

એકવાર એક વૃદ્ધે મહારાજજીને પૂછ્યું, ‘જો હરિનામ જ સર્વ કંઈ હોય તો ઇન્દ્રિય સંયમ શા માટે કેળવવો?’

મહારાજજીએ આ વાતને લઈને કેટલાય દિવસો સુધી હાસ-પરિહાસ કર્યો. આજે એ જ વૃદ્ધ આવ્યા છે, એને જોતાં જ મહારાજે બોલાવ્યા. નજીકમાં બેસવા કહ્યું અને એને ભિન્ન ભિન્ન સમાચાર પૂછ્યા.

સેવક, ‘ઈશ્વર તો કોઈ વ્યક્તિ નથી અને ચોક્કસપણે એમની ઇચ્છા પણ નથી, તો પછી જીવોના દુ :ખને જોઈને એમનું ઉદ્વિગ્ન થવું કે એમનું અવતીર્ણ થવું એ કેવી રીતે બને?’

મહારાજ, ‘ઈશ્વર વાસ્તવમાં અવતરતા નથી. એવું લાગે છે કે તેઓ અવતર્યા છે. જ્યાં સુધી ‘કાચો હું’ નથી જતો, ત્યાં સુધી સ્વયંના મહાન આત્માનું – Greater Self અવતરણ વગેરે સમજવું પડે. આ સત્ય તથ્ય – Statement of fact છે, આ શરીરની અંદર પ્રવેશ કરીને જ તો પોતાના સ્વરૂપને ભૂલી જાઉં છું. ત્યારે એવું લાગે છેે કે ઈશ્વર અવતરે છે. જ્યાં સુધી દેહબુદ્ધિ રહે ત્યાં સુધી ઈશ્વરનું અવતરણ પણ સત્ય છે.’

સેવક, ‘શ્રીરામકૃષ્ણને ઈશ્વર શા માટે કહેવામાં આવે છે ?’

મહારાજ, ‘બધાં પ્રાણી જ તો ઈશ્વર છે, પરંતુ શ્રીરામકૃષ્ણ એટલા માટે ઈશ્વરરૂપે પૂજાય છે કે તેઓ સ્વયંને વધારે સમજ્યા હતા. જે જેટલા પ્રમાણમાં વધારે સ્વયંને જાણી શકે તે એટલા પ્રમાણમાં વધારે ઈશ્વરત્વ મેળવી શકે. શ્રીરામકૃષ્ણ આ બધું સમજ્યા હતા.’

સેવક, ‘શું ગોપાલની માને જ્ઞાનયોગની ધારણા હતી?’

મહારાજ, ‘અવશ્ય હતી. ગોપાલની માને એ જ્ઞાન હતું કે જગતની બધી વસ્તુઓ, સર્વકંઈ અસ્વીકાર્ય અને અસાર છે. એક માત્ર ગોપાલ જ સ્વીકાર્ય અને સાર છે. આ અનુભવ થવો, હૃદયમાં એનો બોધ થવો, એનું નામ જ્ઞાન. જ્ઞાનનો અર્થ કેવળ એ જ નથી કે ગોપાલ શું છે, એને જાણવું. આપણે લોકો તો ગોપાલની માની જેમ ઉચ્ચ અધિકારી નથી. એટલે આપણે એ જાણવું પડશે કે ઈશ્વર શું છે. તો જ એમની સાથે ચાહના થશે, ત્યારે જ એમની પ્રસન્નતા માટે કાર્ય કરવાની ઇચ્છા થશે અને ત્યારે જ એમની સાથે સદા સંબંધ બની રહેશે. શ્રીરામકૃષ્ણલોક બીજે ક્યાં છે ? જ્યાં સર્વદા શ્રીરામકૃષ્ણની વાતો થતી રહે છે તે જ તો છે શ્રીરામકૃષ્ણલોક.’

સેવક, ‘વ્યાસદેવને સાચું જ્ઞાન છે કે તેઓ દેહ, મન અને બુદ્ધિના દ્રષ્ટા છે. જો એમના ‘હું’થી પૃથક્ બુદ્ધિનું જ્ઞાન થયું હોય તો તેઓ બુદ્ધિના સહયોગ વિના જ કેવી રીતે ખાઈ લે?’

મહારાજ, ‘ત્યારે ‘હું’ દ્રષ્ટા છે. ‘હું’નું પ્રારબ્ધ અતીતના સંવેગમાં હોય છે. આ શું છે, એમ કહીને એને સમજાવી ન શકાય. મારું દ્રષ્ટારૂપે ઉપસ્થિત રહેવાથી કાર્ય સંભવ બને છે. શરીરના ગયા પછી (એવું લાગે છે કે) સામાન્યતમ સંબંધ પણ ચાલ્યો જાય છે.

એ સમયે સારગાછિ આશ્રમના બધા લોકો ત્રણ વાગે રાત્રે ઊઠીને, સ્નાન કરીને સાડાત્રણ વાગે મંદિરમાં પહોંચી જતા. પાંચ વાગ્યાથી બધા લોકો એકીસાથે મંદિરનાં બધાં કાર્યો, જેવા કે સફાઈ કરવી, ફૂલ ચૂંટવા, ચંદન ઘસવું, ફળ કાપવાં અને નૈવેદ્ય સજાવવું, વગરે પૂર્ણ કરીને છ વાગ્યાની અંદર મંદિરમાંથી નીચે આવી જતા. શ્રીઠાકુરને આશ્રમના દૂધનો એક કટોરો ભોગ ધરવામાં આવતો. એ જ દૂધમાંથી ચા માટે થોડો ઉપયોગ થતો હતો અને એક કપ દૂધ પ્રેમેશ મહારાજને આપવામાં આવતું.

મહારાજ સવારે નાસ્તામાં સાધારણ રીતે આઉસ (ઉનાળામાં થતી ડાંગર)ના મમરા ખાતા. (ત્યારે આશ્રમમાં આમન – વર્ષામાં થતી ડાંગરના મમરા-હતા નહીં.) આ મમરા આશ્રમમાં જ બનતા. ભાસ્કર મહારાજ બે ત્રણ દિવસના અંતરાલમાં એક ડબ્બામાં એ મમરા રાખી દેતા. તેઓ મહાપુરુષ મહારાજના શિષ્ય હતા. તેઓ વૃદ્ધ સંન્યાસી હતા. તેઓ પ્રેમેશ મહારાજની થોડીઘણી સેવા કરતા અને એમના જ ઓરડામાં એક ખાટલા પર સૂતા. સાધારણત : મહારાજજી સવારે નાસ્તાના સમયે મમરામાં એક ચમચો ઘી અને થોડા તીખાનો ભૂકો મેળવીને ખાતા. આશ્રમના ઉદ્યાનમાં દૂધી થાય તો દૂધી પણ ખાતા. પછીથી રાંધેલું પપૈયું તેમ જ થોડી થોડી કેરી પણ આપવામાં આવતી.

બંકૂદા રસોઈયા હતા. તેઓ સવારે નાસ્તો પીરસ્યા પછી સમય મળે ત્યારે પ્રેમેશ મહારાજજી માટે એક કપ દૂધ લાવી દેતા. ત્યાં સુધી મહારાજજીનો સવારનો નાસ્તો થઈ જતો. ત્યાર પછી તેઓ બેસીને કંઈક લખતા કે આવેલ પત્રોના ઉત્તર આપતા. બંકૂદાને આવવામાં દરરોજ મોડું થાય છે એ જોઈને એક સેવક મહારાજજી માટે દૂધ લાવવા માંડ્યા. ત્રણ દિવસ આવી રીતે દૂધ લાવ્યા પછી મહારાજે કહ્યું, ‘જુઓ, બંકૂ દૂધ દેવાને બહાને દરરોજ એક વાર આવીને મને જોઈ જતો હતો. હવે એ થતું નથી. એટલે તેને જ દૂધ લાવવા દેવું. થોડીવાર લાગવાથી મને કંઈ પરેશાની થશે નહીં.’ (ક્રમશ 🙂

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.