(સંયમી અને જ્ઞાની મુનિઓ આ સંસારમાં રહીને પણ જરાય ચલાયમાન થતા નથી, તેઓ કેવી રીતે સ્થિર રહે છે એ વાત આપણે જોઈ ગયા, હવે આગળ…)

विहाय कामान्यः सर्वान्पुमांश्चरति निःस्पृहः।

निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति।।71।।

‘ઇન્દ્રિય ભોગની ઇચ્છા રહિત, બધી કામનાઓથી મુક્ત થઈને, ‘હું’ અને ‘મારું’ની ભાવના વિના જે મનુષ્ય જીવે છે તે શાંતિ પામે છે.’

‘હું’ અને ‘મારું’ એ બંને બધી તૃષ્ણાઓ જન્માવે છે. તમારી સાથે મારી જાતને એકરૂપ માનું તો તૃષ્ણા એટલી ઘટે. પછી મને તમારી ઇચ્છા પૂરી કરવાનું મન થાય. એટલે તો સ્વસ્થ સમાજમાં, આપણને સંયમિત મનની જરૂર રહે. બીજાંને ભોગે હું બધું મેળવવા માગતો નથી. બીજાંઓ માટે પણ હું કામ કરીશ. ત્યાં નૈતિકતા આવે છે. स शान्तिमधिगच्छति, ‘એ વ્યક્તિ શાંતિ પામે છે.’ બીજા કિસ્સામાં, લોભ સિવાય કશું રહેતું નથી.

અગાઉ એકવાર શ્રીમદ્ ભાગવત (૧૧.૭.૨૯)નો ઉલ્લેખ કરી મેં કહ્યું હતું કે રાજા યદુ કોઈ ભટકતા શાંત અને આત્મતૃપ્ત યોગીને મળે છે. રાજા એ યોગીને પ્રશ્ન કરે છે : તમે પૂર્ણ યુવાનીમાં જ છો તે છતાં તમને આવી ચિત્તશાંતિ કયાંથી લાધી છે ? ‘બીજાઓ તો તૃષ્ણાઓથી બળી રહ્યા છે’ – जनेषु दग्धमानेषु। એ બતાવે છે કે આ કોઈ સિદ્ધાંત કે વાદ નથી, અનુભવની હકીકત છે.

હવે આ અધ્યાયનો છેલ્લો, ૭૨મો શ્લોક આવે છે. આ જગતમાં, આ માનવદેહમાં જ, માનવ-ઉત્ક્રાંતિના સાધ્ય-ધ્યેયની ઘોષણા એ કરે છે :

एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति।

स्थित्वाऽस्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति।।72।।

‘આ (સ્થિતપ્રજ્ઞ દશા) વ્યક્તિને બ્રહ્મની – ब्राह्मी स्थितिः – સ્થિતિમાં હોવાથી પ્રાપ્ત થાય છે; એને પ્રાપ્ત કર્યા પછી હે પાર્થ, કોઈ મોહમાં પડતું નથી. જીવનને અન્તકાળે પણ એ દશા પામ્યા પછી વ્યક્તિ બ્રહ્મ સાથે એકરૂપ બને છે.’

एषा, ‘આ’, ब्राह्मी स्थितिः पार्थ, અર્જુન, આને ब्राह्मी स्थिति, ‘બ્રહ્મમાં સ્થિત થવાની દશા’ કહે છે’ છેવટનો આત્મસાક્ષાત્કાર; नैनां प्राप्य विमुह्यति, ‘એકવાર તમે આ સ્થિતિ પ્રાપ્ત કરો પછી તમે કદી મોહવશ બનો નહીં.’ स्थित्वाऽस्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति, ‘જીવનને અંતકાળે પણ તમે આ સ્થિતિ પ્રાપ્ત કરો તો પણ તમે ब्रह्मनिर्वाणम् બ્રહ્મમાં નિર્વાણ પામો છો, બ્રહ્મ સાથે એકરૂપતા સાધો છો’, તે આ પૃથ્વી પર જ, કોઈ સ્વર્ગમાં નહીં; માણસ જુવાનીમાં આ પ્રાપ્ત ન કરી શકે તો દેહ પડયા પહેલાં વૃદ્ધાવસ્થામાં પણ પૂરતી આધ્યાત્મિક શક્તિ વિકસાવીને, એને પ્રાપ્ત કરી શકે છે. स्थित्वाऽस्यामन्तकालेऽपि, ‘મૃત્યુના થોડા સમય પહેલાં, અંતકાળે પણ આને પ્રાપ્ત કરીને’, ब्रह्मनिर्वाणमृच्छति, ‘તમે બ્રહ્મ સાથે એકરૂપતા પ્રાપ્ત કરશો.’

આની ઉપરની શંકરાચાર્યની ટીકા ખૂબ પ્રેરક છે : ‘અંતકાળે તમે આ સિદ્ધ કરો તે અદ્‌ભુત છે; પરંતુ વહેલેરી જુવાનીમાં તમે એ દશા પ્રાપ્ત કરી હોત અને એની પ્રેરણા હેઠળ જીવ્યા હોત તો એ કેટલું વધારે અદ્‌ભુત થાત ?’

બીજો અધ્યાય આપણને સૌને આ સંદેશ આપે છે. એ બુદ્ધિગમ્ય સંદેશ છે, વ્યવહારુ સંદેશ છે, વૈશ્વિક સંદેશ છે. આપણે સઘળા આપણી અંદર આ અભિગમને ખીલવી શકીએ, અને આ જીવનમાં જ આ સિદ્ધિને હાંસલ કરી શકીએ. ગીતાનો એ બોધ છે.

આજે આપણે બીજો અધ્યાય પૂરો કર્યો છે. હવે આપણે કર્મયોગ નામે ઓળખાતા ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીશું. એ અધ્યાય કેટલીક શંકાઓ અને એમના ખુલાસાઓનું નિરૂપણ કરે છે; એ શંકાઓ અર્જુનની છે તેટલી જ એ મારી-તમારી પણ છે. યોગના તત્ત્વજ્ઞાનનું અને વ્યવહારુ અધ્યાત્મનું નિરૂપણ બીજા અને ત્રીજા અધ્યાયનો વિષય છે અને ચોથો અધ્યાય આપણને કહે છે કે આ યોગ સમગ્ર જીવનના અધ્યાત્મનું મંડન કરે છે, આપણે માત્ર પ્રાર્થના કરતા હોઈએ તેટલા સમયનું નહીં. ‘તમે આધ્યાત્મિક છો’ તેનો અર્થ એ છે કે તમારા જીવનના અને કર્મના સંદર્ભમાં તમને તમારા આધ્યાત્મિક સ્વરૂપનું ભાન છે. જેમને કામધંધા છે, સામાજિક જવાબદારીઓ ઉઠાવવાની છે, બાળકો ઉછેરવાનાં છે તેવા ગૃહસ્થો સમાજમાં મોટે ભાગે હોય છે; એમણે પલંગમાં પોઢીને પડી રહેવાનું કે કોઈ રહસ્યમય સમાધિનો અનુભવ કરવાનો નથી; પોતાના જીવન અને કાર્યના સંદર્ભમાં જ એ સૌ આધ્યાત્મિક બનશે. કામ હોય ત્યાં, તમારે એ કામ પર લક્ષ દેવાનું છે. આધ્યાત્મિકતા સૌનો જન્મસિદ્ધ અધિકાર છે તે બાબત પર ભાર દઈ, આપણા કર્મપ્રવૃત્ત જીવનને ઊંડી રીતે આધ્યાત્મિક બનાવવા ગીતા આપણી સમક્ષ યોગનો સંદેશ મૂકે છે. અનંત અને અમર આત્મા કે બ્રહ્મ, આપણું સાચું સ્વરૂપ છે.

પ્રાચીન ઉપનિષદોએ શોધેલાં આત્માનાં ગહન અને સૂક્ષ્મ સત્યોના પડઘા આપણને અર્વાચીન વિજ્ઞાનશાસ્ત્રમાં – Quantum and Particle Physicsમાં સાંભળવા મળે છે. કઠ ઉપનિષદ (૧.૨.૨૦-૨૧)માં કહે છે :

अणोरणीयान् महतो महीयान्

आत्माऽस्य जन्तोनिर्हितो गुहायाम् ।

तं अक्रतुः पश्यति वीतशोको

धातुः प्रसादात् महिमानमात्मनः ।।

‘આત્મા અણુ કરતાં નાનો અને મહત્ (બ્રહ્માંડ) કરતાં મોટો છે; સૌની હૃદયગુહામાં એ જીવાત્મા તરીકે વસે છે; જેણે બધી તૃષ્ણાઓનો ત્યાગ કર્યો છે અને મન તથા ઇન્દ્રિયો ઉપર પૂરું આધિપત્ય મેળવ્યું છે તે તેની ગરિમાને પામી શકે છે; પછી એ વીતશોક થાય છે.’

आसिनो दूरं व्रजति शयानो याति सर्वतः ।

‘બેઠેલો હોવા છતાં આ આત્મા દૂર જાય છે, સૂતો હોવા છતાં એ સર્વત્ર પ્રવર્તે છે.’

(ક્રમશ 🙂

Total Views: 375

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.