ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ વિશ્વાસપૂર્વક આ શબ્દો ઉચ્ચાર્યા હતા,

‘મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.’

વર્તમાન યુગમાં આજના યુવાનો સમક્ષ અનેક વિષમ પડકારો આવીને ઊભા છે. આ પડકારોનો સામનો કરવા માટે સ્વામીજીની અગ્નિમંત્રસમી વાણી આજે પણ પ્રાસંગિક છે અને યુવાનોને એમાંથી ઘણું માર્ગદર્શન મળી રહે તેમ છે.

લક્ષ્યનિર્ધાર

દરેક વ્યક્તિ સમક્ષ જીવનનું એક લક્ષ્ય હોય છે. માનવી આ નિર્ધારિત લક્ષ્યને સામે રાખીને પ્રવૃત્તિશીલ અને કર્મરત બને છે. તેઓ કહેતા કે જે વ્યક્તિ સમક્ષ પોતાના જીવનનું વિશિષ્ટ લક્ષ્ય નથી હોતું તે વાસ્તવિક રીતે મૃત :પ્રાય છે. જ્યાં સુધી માનવ પોતાના આ વિશિષ્ટ લક્ષ્યને ઓળખી કે જાણી શકતો નથી ત્યાં સુધી એનું જીવતર વ્યર્થ જાય છે.

એટલે જ યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે તેેનો પાકો નિર્ણય કરી લેવો જોઈએ. વાસ્તવિક રીતે આપણે બાળપણથી જ શું બનવું, તેનો વિચાર કરતાં કરતાં પોતાની જાતને કારકિર્દીના મર્યાદિત વિકલ્પોના પાંજરામાં પૂરી દઈએ છીએ અને જીવનમાં વાસ્તવિક રીતે કરવા યોગ્ય બાબતોનો વિચાર કરતા જ નથી.

આપણું લક્ષ્ય ચોક્કસ કરીને એ પ્રમાણે કરવાનાં કાર્યો કે કર્મને પણ નિર્ધારિત કરવાં જોઈએ અને તો જ આપણે પ્રગતિના પથે આગળ વધી શકીએ, આપણા લક્ષ્યને સિદ્ધ કરી શકીએ. એની સાથે આપણે જીવનમાં મેળવવા જેવું બધું મેળવી શકીએ છીએ.

આત્મવિશ્વાસ

લક્ષ્ય નિર્ધારિત કરવા અને એ લક્ષ્યને પામવા માટે આપણા જીવનમાં જરૂરી છે, આત્મવિશ્વાસ. સ્વામીજી કહે છે, ‘જૂનો ધર્મ કહે છે કે જેને ઈશ્વરમાં વિશ્વાસ નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં વિશ્વાસ નથી તે નાસ્તિક છે.’ એટલે કે આપણી જીવનનૈયાને લક્ષ્ય સુધી લઈ જવા માટે આ આત્મવિશ્વાસની અત્યંત આવશ્યકતા છે.

આપણી ભીતર અનેક સુષુપ્ત શક્તિઓ રહેલી છે. આ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા અને એને કામે લગાડવા આપણે સૌએ મથવું પડે. આ મથામણ કે સંઘર્ષ કરવા આત્મશક્તિ કે આત્મશ્રદ્ધાની જરૂર પડે છે. આત્મશ્રદ્ધાવિહોણા યુવાનો આ ભીતરની શક્તિઓને ઓળખી શકતા નથી અને પરિણામે તેઓ નિર્બળ બને છે. એટલે પહેલાં તો આપણે આ નિર્બળતાને ખંખેરવી જોઈએ. નિર્બળતા એની મેળે ખંખેરાઈ જતી નથી. એને માટે આત્મશક્તિ સાથે અવિરત અને સદૈવ સંઘર્ષ કરવો પડે છે. આ કાર્ય મરજીવા જેમ સમુદ્રના તળિયેથી મોતી શોધી લાવે તેટલું કપરું છે. ઘણી વખત આપણે કોઈ સામાન્ય કે બાહ્ય રીતે દેખાતો અશક્ત માનવી કોઈ મહાન કાર્ય કરી બતાવે તો આપણે તેનાથી આશ્ચર્યચકિત ભલે થઈ જઈએ, પણ એના અવિરત પુરુષાર્થ અને સંઘર્ષમાંથી પ્રેરણા લેવાનું ભૂલી જઈએ છીએ. આને લીધે આપણે હંમેશાં નિષ્ફળતાનાં રોદણાં રોતાં રહીએ છીએ.

સમર્પણ

કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. કાલુ માછલી જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસતા વરસાદનું એક બિંદુ પ્રાપ્ત કરવા માટે સાગરની સપાટી પર આવે છે. એક બિંદુ પ્રાપ્ત થયા પછી કાલુ માછલી સમુદ્રના અગાધ ઊંડાણમાં જઈને, જયાં સુધી તે બિંદુનું મોતી ન બની જાય ત્યાં સુધી, ધીરજપૂર્વક બેસી જાય છે.

આપણા યુવાનોને આવી ધીરજ અને આવા સમર્પણની જરૂર છે. આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના આ સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભે શૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશ જ યુવાનોને સફળતા અપાવી શકે છે.

સંગઠન

વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, કોઈપણ ક્ષેત્રમાં આજે સંગઠન દ્વારા કાર્ય થાય છે. વ્યકિતગત સિદ્ધિઓનું સ્થાન આજે સંગઠનોએ લઈ લીધું છે, પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું. જે વ્યક્તિ કે સમુહ સંગઠનશક્તિથી કામ કરવામાં સક્ષમ હોય એને જ મહત્ત્વ મળે છે. વિશ્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે એ જ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠનકાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે ભારતમાં પણ આ સંગઠનકૌશલ્યને પુન :જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને સંન્યાસીઓને સંગઠિત થઈને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.

જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા આ અગ્નિમંત્રો – લક્ષ્ય નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વની સર્વોચ્ચ સત્તા બનતાં વાર નહિ લાગે. આમેય વિશ્વના અન્ય દેશો કરતાં ભારતમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. વસતીના રૂપમાં આપણે વિશ્વમાં સૌથી વધુ યુવાન તો છીએ જ, પરંતુ સુશિક્ષિત રોજગાર સક્ષમ યુવાનોની સંખ્યામાં પણ આજે ભારત મોખરે છે. એટલે આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને દેશને પણ વિશ્વમાં યોગ્ય સ્થાન પર સ્થાપિત કરીએ.

Total Views: 85
By Published On: April 1, 2016Categories: Anilbhai Acharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram