આપણું જીવનરક્ત છે આધ્યાત્મિક્તા. એ જો સાફ હોય, જો એ સશક્ત, શુદ્ધ અને જોમવાળું હોય તો સારું; રાજદ્વારી, સામાજિક કે બીજી ભૌતિક ખામીઓ, દેશની ગરીબાઈ સુધ્ધાં, જો રક્ત શુદ્ધ હશે તો એ બધાંને હઠાવી શકાશે. જ્યારે રાષ્ટ્રીય શરીર નબળું પડે ત્યારે એમાં પ્રજાની રાજદ્વારી, સામાજિક કે શૈક્ષણિક યા બૌદ્ધિક સ્થિતિમાં હરેક પ્રકારના રોગનાં સંખ્યાબંધ જંતુઓ ઘૂસી જાય અને રોગ ઉત્પન્ન કરે. તેથી એનો ઈલાજ કરવો હોય તો આપણે રોગના મૂળ સુધી જવું જોઈએ, લોહીની તમામ અશુદ્ધિઓ કાઢી નાખવી જોઈએ. માણસને સશક્ત બનાવવાની, રક્તને શુદ્ધ કરવાની, શરીરને તાકાતવાળું બનાવવાની, કેવળ એ જ માત્ર પ્રવૃત્તિ કરવાની હોય જેથી બહારનાં બધાં વિષનો સામનો કરીને તેમને બહાર ફેંકી દઈ શકાય.

ઇચ્છાશક્તિ જ ખરી શક્તિ છે. પ્રબળ ઇચ્છાશક્તિવાળો માણસ જાણે કે પોતાની આસપાસ એક પ્રભામંડળ રચે છે અને પોતાના મનમાં હોય તેવાં માનસિક આંદોલનની સમાન ભૂમિકાએ બીજા બધા લોકોને લાવે છે. આવી પ્રચંડ ઇચ્છાશક્તિવાળા મનુષ્યો જરૂર જન્મે છે. એનો અર્થ શો છે ? જ્યારે એક પ્રબળ ઇચ્છાશક્તિવાળો મનુષ્ય દેખા દે છે, ત્યારે તેનું વ્યક્તિત્વ તેના વિચારોને આપણામાં પ્રેરે છે; પછી આપણામાંના ઘણાને એ જ વિચારો આવવા લાગે છે અને એ રીતે આપણે પણ શક્તિશાળી બનીએ છીએ.

‘તમારા સર્વેનાં મન એક થાઓ, સર્વેના વિચાર એક થાઓ, કેમ કે પુરાતન કાળમાં દેવતાઓનાં મન એક હોવાથી જ તેઓ બલિભાગ લેવાને સમર્થ થયા હતા.’ મનુષ્યો દેવતાઓનું પૂજન કરે છે એનું ખરું કારણ એ છે કે દેવતાઓનાં મન એક છે. એક મનવાળા થવું એ સમાજની સફળતાનું રહસ્ય છે અને જેમ જેમ તમે ‘દ્રાવિડીઓ’ અને ‘આર્યો’ તથા બ્રાહ્મણ અને અબ્રાહ્મણ વગેરે જેવી બધી ક્ષુલ્લક બાબતો માટે વાદવિવાદ અને ઝઘડા વધારે કર્યા કરશો તેમ તેમ ભારતના ભાવિનું સર્જન કરનારાં જે શક્તિસંગ્રહ અને સત્તા છે તેનાથી તમે દૂર દૂર ફેંકાઈ જશો. તમે એ ખસૂસ ધ્યાનમાં રાખજો કે ભારતનું ભાવિ સંપૂર્ણપણે તેના પર અવલંબે છે. ઇચ્છાશક્તિનું એકીકરણ, સમન્વય, એ બધાંને, એક મધ્યકેન્દ્રમાં લાવવાં એ જ રહસ્ય છે.

દરેક કિસ્સામાં તમને જણાશે કે સંગઠિત નાની પ્રજાઓ હમેશાં વિશાળ પણ સંગઠન વિનાની પ્રજાઓ પર રાજ કરતી આવી છે અને એ સ્વાભાવિક છે, કારણ કે નાની સંગઠિત પ્રજાઓને પોતાના વિચારો એક જ મધ્યકેન્દ્રમાં લાવવાનું વધું સહેલું હોય છે અને એ રીતે જ તેઓ વિકસે છે.

(સ્વા. વિ. ગ્રંથમાળા, ૪.૧૯૭-૨૧૦)

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.