(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

(ગયા અંકમાં અવળે રવાડે ચડેલા યુવાનને આંતરધર્મ લગ્નથી બચાવીને તેને કેવી રીતે અભ્યાસરત બનાવ્યો, એ વાંચ્યુંું, હવે આગળ…)

અભ્યાસ અવલોકન ૩ :

‘ખરેખર તું શું ઇચ્છે છે?’

એક અન્ય અભ્યાસ અવલોકન. એક બીજો વિદ્યાર્થી! આ વખતે તે એન્જિનિયરીંગની વિદ્યાર્થિની! તે પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. એક દિવસ આંખમાં આંસુ સાથે તેણે મારી પાસે આવીને કહ્યું,

‘સ્વામીજી, હું સંન્યાસિની બનવા ઇચ્છું છું. મને સંસારનું જીવન જરાય ગમતું નથી.’

મને ખૂબ નવાઈ લાગી. એના દેખાવ પરથી જ લાગતું હતું કે તે ઘણી સંસ્કારી છોકરી હતી. તેનાં રીતભાત અને આચરણ પરિપક્વ હતાં, તેનો પોશાક છટાદાર હતો. તે સાધનસંપન્ન કુટુંબમાંથી આવતી હોય તેવું લાગતું હતું. તે સુંદર ન હતી, પણ કદરૂપી પણ ન હતી.

મારું આશ્ચર્ય તો આ હતું, ‘શા માટે આવી છોકરી એકાએક સંન્યાસિની બનવા ઇચ્છે છે?’ મારા તાજેતરના અનુભવોએ મને શીખવ્યું છે કે એકલો નિર્મોહ જ લોકોને સંન્યાસી બનવા પ્રેરતો નથી. જ્યારે લોકો આ દુનિયામાં પોતે તલસતા હોય તે મેળવવા માટે સક્ષમ ન હોય ત્યારે જ ઘણા લોકો સંન્યાસી બનવા ઇચ્છે છે, એવી રમૂજ મેં અનુભવી છે. મને લાગ્યું કે આ છોકરીની વાત પણ એવી જ હશે.

પરંતુ કોણ જાણે કે તેનો સાચો નિર્મોહ હશે! વળી કોણ બીજાના સાચા હેતુઓ અને ઈરાદાઓને ખરેખર સ્પષ્ટપણે સમજી શકે છે? એટલે મેં એને કહ્યું,

‘આ દિવસોમાં સંન્યાસિની બનવું મુશ્કેલ નથી. આજે સારદા મઠ છે અને સંન્યાસીનું ભવ્ય જીવન જીવવા તે સાચા જિજ્ઞાસુઓને આવકારે છે. પરંતુ કોઈ પણ વ્યક્તિએ અપૂરતી કેળવણી મેળવીને જવું ન જોઈએ. સારી રીતે વાંચો અને સ્નાતકની પદવી મેળવો. એ દરમિયાન થોડાં આધ્યાત્મિક પુસ્તકોનો પરિચય કેળવવાનો પ્રયત્ન કરો. હું તમને મુખ્યત્વે ‘Meditation and Spiritual Life’ એ પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. આ પુસ્તક વાંચ ત્યારે ગહન વિચાર કરજે અને સઘન આધ્યાત્મિક જીવન જીવવા માટે માનસિક રીતે તારી જાતને તૈયાર કરજે. યોગ્ય સમયે તારી ઇચ્છા ફળશે.’

એ છોકરી મારા શબ્દોનો ભાવાર્થ સમજી હોય તેવું લાગ્યું. તેણે હવે અભ્યાસ પર પોતાનું ધ્યાન લગાડ્યું. થોડા મહિના વીત્યા. એક દિવસ તેનો પત્ર આવ્યો, તેમાં આ પ્રમાણે લખ્યું હતું :

‘સ્વામીજી, મારું મન ખૂબ અસ્થિર થઈ ગયું છે. તેને એકાગ્ર કરવું લગભગ અશક્ય બની ગયું છે. હું અભ્યાસમાં મારું મન પરોવી શકતી નથી. મને આ માટે કંઈક ઉપાય બતાવો.’

મેં તેને આવો પ્રત્યુત્તર પાઠવ્યો :

‘આશ્રમમાં આવજે અને આંખમાં આંસુ સાથે શ્રીમા શારદાદેવીને ઉત્કટતાથી પ્રાર્થના કરજે. તેઓ તને ચોક્કસ માર્ગ બતાવશે.’

હવે, મને બે-એક મહિનાની રાહત મળી. પણ ત્રણ મહિનામાં જ મને ફરીથી તેનો એક પત્ર મળ્યો :

‘સ્વામીજી, મેં એક વાત તમારાથી છુપાવી હતી. મારા વર્ગના એક છોકરા સાથે હું ગાઢ પ્રેમમાં હતી. તેના શાંત, સુંદર ચહેરાએ મને ખૂબ આકર્ષી હતી. મેં તેની સાથે મિત્રતા કેળવવાનો પ્રયત્ન કર્યો. શરૂઆતમાં તો તેણે પણ મારી સાથે ઉષ્માભરી વાતો કરી, પણ હવે હું જોઉં છું કે તે મારા પ્રત્યે ખરેખર આકર્ષાયો હોય એવું મને લાગતું નથી. પછીથી તેણે મારાથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો હતો અને મારી અવસ્થા અત્યંત નિરશાજનક અને અસહાય હતી. હું એના પ્રત્યેથી મારું મન વાળી શકતી ન હતી. મેં ઘણા પ્રયત્નો કર્યા પણ હું તેને ભૂલી ન શકી. આનાથી મને ઘણો માનસિક આઘાત લાગ્યો. મને મારી જાત પર ચીડ ચડી. હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો તમે એકલા જ બતાવી શકો તેમ છો.’

જુઓ, કેવી મજાની વાત!! ખરેખર તો હું જ મૂર્ખ બન્યો એવું નથી? હવે આખે આખી રમૂજ મારા પર હતી! તે દિવસે જ્યારે તેણે મને સંન્યાસ જેવી અને બીજી બધી મોટી વાતો કહી તેને મેં કેવી રીતે માની લીધી! પણ હવે બધી બાબત બહાર આવી ગઈ. તેના મનમાં જે હતું તે ત્યાગ ન હતો, પણ હતો તો ઘેલો પ્રેમ. મને તરત જ શ્રીમા શારદાદેવીએ કહેલી એક વાત યાદ આવી, ‘માણસ ઇચ્છે છે કંઈ અને માગે છે કંઈક બીજું.’

પણ મેં પછી તેને આવો જવાબ પાઠવ્યો :

‘બહેન, હવે ચિંતા ન કરતી. જે બની ગયું છે તે ભૂતકાળ છે. આટલાથી જ અંત આવ્યો એ માટે તું સદ્ભાગી છે. હવેથી તારા અભ્યાસમાં જ તું પૂરતું ધ્યાન રાખજે. હંમેશાં એ વાત મનમાં રાખજે કે તારાં માબાપે તારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે તું જવાબદાર છે. તારા જીવનના આ માર્ગદર્શક સિદ્ધાંત સાથે તું આગળ ધપજે. શ્રીમા શારદાદેવી હંમેશાં તારું રક્ષણ કરો.’

હવે આ વિષયની થોડીક વિચારણા કરી લઈએ. આ છોકરી ૧૮, ૧૯ વર્ષની હશે અને પેલો છોકરો પણ એટલી જ ઉંમરનો હશે.

હવે જુઓ તો ખરા, એ બન્નેની વચ્ચે કેવી ઘટના ઘટી ગઈ! વિદ્યાર્થીમાં આવું હોવું જોઈએ? ખરેખર આપણા બિચારા તરુણો પર આ ઇન્દ્રિયો રાજ કરે છે. એ વાત પણ સાચી છે કે કિશોર અને તુરણ અવસ્થામાં બધી જ્ઞાનેન્દ્રિયો અને રસગ્રંથિઓ પૂર્ણપણે વિકસે છે. પરંતુ આ વિકાસ અને પરિપક્વતા અનહદ ભોગવિલાસ અને ઉત્પાતને જન્માવે એ જરૂરી નથી, ખરુંને? પરંતુ આજે એ જ બની રહ્યું છે! અને આ બધા પાછળનું કારણ શું છે? તેનું મૂળ કારણ છે, વડીલોની પોતાનાં બાળકોના ઉછેરમાં ઉપેક્ષા કે બેદરકારી.

જો વડીલોએ પોતાના નાનેરામાં ઉચ્ચ આદર્શ અને પવિત્ર ટેવો કેળવવા મહેનત ન કરી હોય, બાળકોને આત્મસંયમની કેળવણી ન આપી હોય, તો શિસ્ત અને સંયમ હવામાં ફેંકી દીધા જેવું બને છે. એના પરિણામે હવે આ મોટેરાઓ શું કરવું એ જાણવામાં મૂંઝાય જાય છે. તેઓ પોતાનાં કિશોર કે તરુણવયનાં છોકરા-છોકરીઓના અસંયમિત વર્તન કે હાવભાવના મૂક સાક્ષી બની રહે છે.

એટલે યુવાનોની આવી છાટકાવેડા જેવી ક્ષુલ્લકતા અને યુવાન અને યુવતીઓ સાથે બિભત્સ વર્તન કરવું એને જાણે કે સ્વાભાવિક ગણવામાં આવે છે.

પરંતુ સદ્ભાગ્યે આ છોકરીની બાબતમાં મને એ કહેતાં આનંદ થાય છે કે પછીથી તે પોતાના જીવનમાં ધીરસ્થિર થઈ ગઈ.

પરંતુ માર્ગદર્શનના અભાવે કેટકેટલાં છોકરા અને છોકરીઓ પોતાનું ભાવિ બગાડી રહ્યાં છે! આ નિર્દાેષ આત્માઓની દયનીય દુર્દશા સમાજના પ્રબુદ્ધ વડીલોના હૃદયને ખૂંચે છે. (ક્રમશ 🙂

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.